HomeANAND THAKAR'S WORDGujarati Varta : જાદુગરણી હજી જીવે છે! – આનંદ ઠાકર

Gujarati Varta : જાદુગરણી હજી જીવે છે! – આનંદ ઠાકર

- Advertisement -

Gujarati Varta Jadugarani Haji Jive Chhe Govalani Malayanil Remake Story By Anand Thakar

Gujarati Varta : જાદુગરણી હજી જીવે છે! – આનંદ ઠાકર

 

જાદુગરણી હજી જીવે છે!

આલેખન – આનંદ ઠાકર

Gujarati Varta Jadugarani Haji Jive Chhe Govalani Malayanil Remake Story By Anand Thakar

- Advertisement -

Image is symbolic

 

તે ઘણી જ જુવાન હતી. કેટલાકને ચૌદમે વર્ષે અધર પર ગુલાબ ફરકે છે, કોઈ તો સત્તર – અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે, એને તો પંદરમે વર્ષે કંઠમાં કોયલ ટહુકતી હતી. નિર્દોષતા એ હવે રજા લેવા માંડી હતી. બાળપણ સ્ક્રિન સેવરની જેમ ઉતરતું જતું હતું અને તેજવંત થ્રી-ડી એનિમેશન જેવી જુવાની ઉઘડતી જતી હતી.

નહોતી હજુ કોલેજગર્લ બની તો ય ચાતુર્ય હતું, નહોતી પરણેલી તો ય સૌજન્ય હતું અને ગોરી તો હતી જ. (હવે છોકરીઓ ગોરી ન હોય તો ય પોતાની દેહયષ્ટિનું પ્રદર્શન કરી આકર્ષક તો બની જ જાય છે.)

બાઈક પર દૂધના બોક્સ બન્ને બાજુ રાખેલા હોય, સોસાયટીમાં પ્રવેશે ત્યારે હોલીવુડની કોઈ એક્સન ફિલ્મની હીરોઈન જેવી લાગે. તેની બાઈકમાંનું હોર્ન પણ એટલું જ મીઠું રાખેલું કે સૌ બ્રશ કરતા તેની સામે જુએ. પુરૂષોને શુભ શુકન થતા. સ્ત્રીઓને ઈર્ષા આવતી.

- Advertisement -

એ ગુજ્જુ બિઝનેસ વુમન હતી. સવારના પહોરમાં સ્વિમિંગ પુલમાં નાહવા પોતાના ગામડેથી નીકળતી. તાજું પેશ્ચુરાઈઝડ કરેલું દૂધ સોસાયટીઓની સેવામાં રજૂ કરતી. સહુ કોઈને એનું દૂધ લેવાનું મન થાય. તેની બાઈકનું હોર્ન સાંભળતા સોસાયટીની સ્ત્રીઓ પોતાના બારણાના મિલ્ક બોક્સ જોઈ લેતી કારણ કે, બારણા આગળ એક મિલ્ક બોક્સ રખાતું, તે દૂધ આપનાર કાર્ડ ભરાવે એટલે બહાર આવે, દૂધની તૈયાર થેલી તેમાં રાખી દેતી, તે દૂધના વજન અને ઈનબિલ્ટ કરેલા ભાવ અનુસાર હિસાબ આપોઆપ આ કાર્ડમાં થઈ જતો. તે કાર્ડ કાઢે એટલે આ બોક્સ અંદર ચાલ્યું જતું. તે આમ એક પછી એક ઘર લેતી.

એ હંમેશા રાતું ટોપ અને ચપોચપ જિન્સ પહેરતી, તે જિન્સમાં તેણે પીળી એમ્રોડરી કરાવેલી હતી, લાલ ટોપમાં કાળી ભાત હતી, હાથમાં સાકળ જેવી લક્કી પહેરતી, પગમાં બોટમ બુટ પહેરતી. આ એની ટાપટીપ. વળી, વાળ હંમેશા છુટ્ટા પણ તે ખંભા સુધી પહોંચે તેટલા માંડ રાખતી પણ વાળના વળાંક અદ્દભુત રાખતી. એ નિતનવી હેરસ્ટાઈલ કરતી હશે તે કલ્પના જ એની ખૂબસૂરતીમાં ઉમેરો કરી આપતી.

હું તેના આવવાને વખતે જ ઉપરના માળની ગેલેરીમાં બેસી જતો. તે નજર ઉછાળતી અને તરત જ નજર ઢાળી પણ દે. વીસમી સદીની ગુજરાતી વાર્તા અને નવલકથાઓમાં બને એમ એની ચાલ નહોતી બદલાતી; ધ્રુજારો નહોતો છૂટતો, હાથ વાંકાચુંકા નહોતા ઉછળતા. ગંભીર થઈ હંમેશ પ્રમાણે બાઈકને સેલ્ફસ્ટાર્ટ કરી બીજીવારનું હોર્ન વગાડીને જતી.

કોણ જાણે શાથી પણ જ્યારથી એને જોઈ હતી, ત્યારથી મને અજબ લાગણી થઈ આવી હતી. પરાણે પણ હું એનું દૂધ મારે ઘરે લેવડાવતો. પણ, હું એને થોડીવાર મારી સાથે કોફી પીવડાવવા બેસાડું, તક જોઈને તેને રેસ્ટ ક્લબમાં મારી સાથે ડાન્સ માટે બોલાવું. આ ફેશનની દુનિયાએ કેટલા હળવા વસ્ત્રો સર્જ્યા છે, છતાં તે તેના કોમલાંગ પર આવું જાડું જિન્સ શા માટે પહેરી રાખતી હશે!

તે દિવસથી થયું કે હું ડેરીફાર્મ ઉદ્યોગમાં ઝંપલાવું, પછી એય…ને… આને મારી પર્સનલ સેક્રેટરી ગોઠવી દઉં, તેને બસ દૂધ લઈ જનારાઓનો હિસાબ જ રાખવાનો…

- Advertisement -

વારંવાર એનું રૂપ જોવાથી મારા મન પર એની માઠી અસર થઈ. એની ગંભીર કાળી આંખ પર મારું દિલ લલચાયું. તેની કમર પર ટોપ અને જિન્સની વચ્ચેની ખુલી રહેતી ગોરી ચામડી પર મોટું ટેટું દેખાતું. બધી લાલચની વાટ જોઈને બેઠેલું મન, એ પછી ક્યાં જાય છે? તે જોવાની ગોઠવણ કરવા લાગ્યું.

એક દિવસ નવનો ડંકો વાગ્યો તેવો જ શ્રીમતિને ‘‘ઓફિસે વહેલું જવાનું છે.’’ તેમ કહી નીકળી ગયેલો. બે વાર બોડી-સ્પ્રે છાંટ્યું, ઓફિસ બેગમાં જિન્સ ટી-શર્ટ લીધા. શહેરની બહાર જતા રસ્તા પર દોસ્તની દુકાને જઈ કપડા બદલી તરત બાઈક લઈ અને સોસાયટીથી દૂર વળાંકે ઊભો રહ્યો. દૂધ આપીને ઘરે જવા એ હમણાં જ આવશે, ત્યારે અજાણ્યો થઈ તેની પાછળ જઈશ, તક આવશે કે તરત પૂછીશ કે તું કોણ છે? તારી આંખોમાં શું છે?

ટિપ્સ ગોઠવતો હું ઉભો રહ્યો. એક હાથે સ્ટીયરિંગ અને એક હાથે મોબાઈલમાં કોઈની સાથે વાતો કરતા કરતા નીકળી તેને દૂરથી જોઈ હું બાઈક શરૂ કરી ચાલવા લાગ્યો. તે ચાલુ ગાડીએ એક હાથે સ્ટિયરીંગ પકડી ઉભી થઈ અને તેના ચપોચપ જિન્સના ખીસ્સામાં મોબાઈલ સરકાવ્યો તે માટે તેને આ સ્ટંટ કરવો પડે તેમ જ હતો. તે સાંઠ-સીત્તરની સ્પિડમાં ઝૂલ્ફા લહેરાવતી જતી હતી, હું તેની પાછળ જવા લાગ્યો.

Also Read::   Joyful words व्यंग्य का आनंद...

એ તો બાઈકને એ જ સ્પિડમાં ભગાવ્યે જતી હતી. આમથી તેમ અને તેમથી આમ તે ટ્રાફિકમાં માર્ગ કરતી નીકળતી જતી હતી. થોડીવારમાં શહેર બહાર નીકળી ગયા, હાઈ-વે જેવો રસ્તો હતો, વાહનો ઓછા હતા. એક કારે અમને ઓવરટેક કર્યા, તેથી તેના ઓચિંતા પાછળ જોવાથી તેણે મને જોયો હતો. હું તેની પાછળ તો નથી પડ્યો? તેમ શંકા ય ગઈ હતી. એટલે એ ઘડીમાં ધીમી સ્પિડે તો ઘડીકમાં ઝડપથી બાઈક હંકારતી હતી અને તે જ પ્રમાણે હું પણ મારી સ્પિડ બદલતો હતો. મને ખબર નહીં કે એ ઠગારી પોતાની શંકા ખરી છે કે ખોટી તે જાણવા માંગે છે. અલબત્ત, હું તેની સાથે ફ્લર્ટિંગ કરવા નહતો માંગતો. એના રૂપથી હું અંજાઈ ગયો હતો. મનથી હું ભ્રષ્ટ થઈ ચુક્યો હતો, છતાં કાંઈ મગજ શક્તિ ગુમાવી ગમે તેવું વર્તન ચલાવું એટલે દરજ્જે પાગલ નહોતો બન્યો.

એ પ્રમાણે અમે અરધો એક માઈલ ચાલ્યા હોઈશું, ત્યાં એણે રસ્તા પર આવેલી ‘નેચરલ હોટલ’ના પરિસરમાં ગાડી પાર્ક કરી. ત્યાં અલગ-અલગ પ્રકારના ઘણાં બધા ઘેઘુર વૃક્ષો તેની નીચે નાનકડા રૂમ જેવું બાંધેલું તેની બહાર એક ટેબલ અને ખુરશી હતાં.

ખુરશી પર બેસી તેણે કમરે બાંધેલું પર્સ છોડી ટેબલ પર મૂક્યું અને ગોગલ્સ પણ ટેબલ પર મૂક્યા. મારી સ્થિતિ કફોડી થઈ. હું ચાલ્યો જાઉં કે ઊભો રહું? વાત કરવાનો વિચાર આવતાં જ દિલ ધડકવા લાગ્યું. હિંમત કરી હું આટલે સુધી તો આવ્યો હતો.

વિચાર કરી હું તેના ટેબલ પાસેથી પસાર થયો ત્યાં ‘‘ઓહ! સર, આર યુ હીઅર?’’ એણે પૂછ્યું. મારે ત્યાં હરરોજ આવતી હોવાથી મને સારી રીતે ઓળખતી હતી. પણ, આમ તે એકાએક મારી સાથે બોલવાનું શરૂ કરશે એવો ખ્યાલ ન હતો. શું ત્યારે હું તેની પાછળ આવતો હતો, તે એ સમજી ગઈ હશે? મારા પ્રત્યે તે કેવો વિચાર રાખતી હશે? આમ કંઈ કંઈ વિચારો મને આવવા લાગ્યા. છતાં એના પ્રશ્નોનો જવાબ તો આપવો જ જોઈએ. શો આપવો? હું તો ગભરાહટમાં બોલી ઊઠ્યોઃ ‘‘તારું ઘર જોવા.’’ બોલ્યા પછી વિચાર આવ્યો કે આ હું શું બોલ્યો! એના ઘરને જોવાનું મારે શું પ્રયોજન? અને હવે જરૂર મારા મનની નબળાઈ એ જાણી ગઈ હશે. એટલામાં એણે પૂછ્યું, ‘‘તે એમાં શું જોશો? તમારા ઘર જેવું નથી.’’ ત્યાં વેઈટર આવ્યો. તેણે જ મને પૂછ્યું, ‘‘સર, તમે શું લેશો?’’

‘‘ના, કશું જ નહીં. તું આપી જા છે તે દૂધ તો ઘરે પીવાય જ છે.’’

‘‘હવે, ઘરે તો દૂધ પીશો, અહીં આ કંપનીઓના ધુમાડાથી દૂર… યુ નો, આ મધૂર સંગીત સ્પિકર માંથી સંભળાય છે અને તેમાં ય…(આંખ મીચકારીને) વીથ મી! ત્યાં તો આપના મીસીસ જાણશે તો..’’

હું બસ તેની આંખમાં રમત કરી રહેલી કીકી, તેની પાંપણની કોમળતા અને દિલથી તો તેનો હઠાગ્રહ જોતો- સાંભળતો હતો.

‘‘ઓ.કે. કંઈક લઈશ બટ, બીલ હું જ પે કરીશ.’’

‘‘આર યુ મેડ? એમ તમારા પૈસા કંઈ લેવાતા હશે? તમારા દૂધના પૈસા તો લૈયે જ છીયે ને, મારા ખાતરેય આજે મારા તરફથી જ.’’

મેં વિચાર્યું વધુ માન ખાઈશ તો હાથથી જશે. માટે મેં હોટ કોફી મંગાવી, તેણે ‘સેમ’ કહી વેઈટરને વિદાય કર્યો. તરત હોટ કોફી આવી અમે બન્ને એ પીવા માંડી. મને આજે હોટ કોફી વધારે ગમી, તેમાં વળી, ખૂબસૂરત સ્ત્રી સાથે!

‘‘યુ આર બ્યૂટીફૂલ, આઈસ્ આર વેરી બ્યૂટીફૂલ.’’ હોટ કોફી પીતા પીતા મેં કહ્યું.

‘‘થેન્કસ.’’ વળી, તે વૃક્ષો સામે જોવા લાગી જાણે તેને વૃક્ષ ગમતા કેમ હોય!

‘‘આર યુ મેરીડ?’’ મારી ઘેલછા હવે વધ્યે જતી હતી. જરા મલકીને ધીમે સાદે બોલીઃ ‘‘ના.’’

‘‘ડુ યુ બિલિવ ઈન લવ?’’ હું તો ભાન ભૂલી ગયો હતો, શું પૂછાય અને શું ન પૂછાય તેની સૂધ જ નહીં. એના ચહેરાના ભાવ પરથી લાગ્યું કે એ પ્રશ્નને સમજી ન શકી હોઈ.

‘‘વ્હોટ?’’

‘‘આ પ્રેમ શું છે તે ક્યારે ય એવું વિચાર્યું ખરું? તે કોઈ ને પ્રેમ કર્યો છે?’’

આ પ્રશ્નના જવાબમાં તેણે કોલેજીયન છોકરીઓ જેવી ચાતુરતા દાખવી અને માત્ર રહસ્યમય સ્મિત કર્યું.

‘‘ના, બસ; મને કહે તો ખરી, હું તારી જ પાછળ આટલે સુધી આવ્યો છું. સોસાયટીમાં અને શહેરમાં એ શક્ય ન હતું. હવે તો તારે બોલવું જ પડશે, મારી સાથે આમ તારી આંખોના કુંડાળામાં મને વધું ઉંડો ન ખેંચ.’’

આમ કહી મેં તેની નજીક મારી ખુરશી સરકાવી લીધી. હું તેનો હાથ મારા હાથમાં લેવા જાઉં ત્યાં તે એકદમઃ ‘‘ઓહ! માય ગોડ, એક કાર્ડ ખોવાય છે?’’

Also Read::   Novel gir અકૂપારની આંખે " ગીર દર્શન" ....

હું ચમક્યો. તે ઉભી થઈ ગઈ.

‘‘સર, વઈટ મી. પર્સમાંથી એક કાર્ડ ક્યાંક પડી ગયું લાગ્યું હું હમણાં આવી.’’

‘‘વ્હાય નોટ?’’ એ આખો દિવસ તાપમાં બેસવાનું કહી જાય તોય હું તૈયાર હતો, તો થોડીવારમાં શું?

‘‘હા-હા જઈ આવ મારી બાઈક લઈને જા, તારી બાઈકમાં વજન હોવાથી મારી બાઈક સરળ રહેશે. હું રૂમમાં બેઠો છું.’’

તેનું ત્યાં પડેલું પર્સ લઈ હું રૂમમાં ગયો ત્યાં અંદર ગેમ પોર્ટ હતું અને ઈન્ટરનેટ કોમ્પ્યુટર હતું. બાથ વીથ ક્લોથ થઈ શકે તેવું બાથરૂમ હતું. મેં ઈ-મેઈલ એકાઉન્ટ ચેક કર્યું. તો પણ સમય ઘણો વીતતો . તેનું પર્સ જોયું તો પર્સ પર ‘જસ્સી’ ચિતરાવેલું હતું.

હું ફરી બહાર બેઠો ત્યાં એ ઝુલ્ફા ઉલાળતી, ટોપ નીચે ખેંચી વ્યવસ્થિત કરતી અને ગોગલ્સ ટોપમાં ભરાવતી, ચાવી હાથમાં રમાડતી આવી. મારી બાઈક કોઈ ઝાડ પાછળ દૂર પાર્ક કર્યું હોય એવું લાગ્યું.

‘‘કેમ કાર્ડ જડ્યું કે?’’

‘‘ના. કસ્ટમરને ત્યાં જોયું પણ ક્યાં ય મળ્યું નહીં.’’ જાણે નિરાશ થઈ હોય તેમ તે બેઠી.

‘‘જસ્સી?’’

‘જસ્સી’ કહેતા તે ચમકી ગઈ.

મેં જ સામેથી કહ્યું, ‘‘તારા પર્સ પર લખ્યું છે. લાગ્યું તને તારું નામ ગમતું હશે! તને ટેટું પણ ગમતું લાગે છે?’’

તેણે તેની કમર પર દેખાતા ટેટુંને ઢાંકવા કે પછી મારી નજર હટાડવા ટોપને ખેંચીને ઢાંકવાનો વ્યર્થ પ્રયાસ કરવા માંડી.

‘‘તું આ બધું કેમ કરે છે?’’

‘‘બન્યું એવું કે મેં જાજો અભ્યાસ કર્યો ન હતો. છતા મારે પણ પગભર થવા કંઈક કરવું હતું. આ ફેમિલી પ્રોફેસન હતો એટલે મેં ડિપ્લોમા ડેરી ઉદ્યોગનો કોર્સ કર્યો. એ કોર્સ દરમિયાન મારો એક બોયફ્રેન્ડ થયેલો અમે બન્ને એ સાથે બીઝનેસ શરૂ કર્યો.’’

‘‘સવારથી સાંજ સુધી તમે શું કામ કરો છો?’’

‘‘સવારે ગામડેથી દૂધ આવે તેને અમે પેશ્ચુરાઈઝડ કરીએ ત્યારબાદ તેને ફ્રીઝરમાં સાચવીએ પછી તેની બેગ્સ તૈયાર થાય અને અમારી બાઈકમાં ગોઠવીએ. હું અને મારો ફ્રેન્ડ અહીં આવીએ ચા પી તે પેલી તરફ જાય હું તમારા શહેર બાજુ આવું. પછી વળતા અહીં જ મળીએ.’’

‘‘હું ડેરી ઉદ્યોગમાં પડવા માંગું છું.’’

‘‘કેમ વળી?’’

‘‘તારે લીધે જ જસ્સી, તારે આમ તડકામાં શા માટે ફરવું?! તું ઓફિસમાં સેક્રેટરીના પદ પર શોભે તેવું રતન છે.’’

‘‘આ કામ અઘરું છે. તેના માટે ગામડામાં ફરવું પડે. પશુપાલકોને મળવું પડે. તમે ઓફિસ્યલ માણસો તમને આવું ન ફાવે.’’

‘‘મને બહુ જ ગમે. તારા જેવું કોઈ મારી સાથે હોય તો હું મારે ઘરે જવાનું નામ જ ન લઉં.’’

વાતચીત ઉપરથી હું માનતો હતો કે મારી ઉપર એ કુરબાન છે, ધીરે ધીરે એ પોતાની લાગણી કહેવા માંડશે. ભય કે શરમ જેવું તો આજની છોકરીઓમાં રહ્યું નથી, તેથી તે છોછ રાખ્યા વગર એ મારી સાથે પરિચિતતા હોય તેમ વાતો કરતી હતી.

ઘડીભર અમે બન્ને એ શાંતી પકડી. એટલામાં મારો પર્સનલ ઈ-મેઈલ હેક થયો હોય તેમ મારા દિલમાં ફાળ પડી. મારી વેગનર કાર જોઈ. તેમાંથી મારા પરમ પવિત્ર શ્રીમતિજી પ્રગટ થયા, તે અમારી બાજુમાં આવી પડ્યા. જસ્સીનો હાથ મેં પકડ્યો હતો તે હું ભૂલી ગયેલો, જસ્સીએ મારા હાથને ઝટકો આપી છોડાવ્યો. શ્રી મતીજીના કમળ નયનો લાલ થઈ રહ્યા હતા, તેની સુંદર નાસિકાનો અગ્રભાગ રક્તિમ રંગ લઈ રહ્યો હતો, તેને શું કહેવું તે સુઝ્યું ન હતું. કોઈ સિરિયલમાં બને તેમ તે કરવા લાગી, તેને શાસ્ત્રો વાંચ્યા નથી નહીં તો તે મને શ્રાપ આપી દેત. મારા તરફથી આવી ચીડાયેલી અને વાઘેશ્વરીના વાહન જેવી મુદ્રા જોઈ. તે મારાથી સહન ન થતા મેં નીચે નજર કરી લીધી. જસ્સી, ધુત્તારી જસ્સી ગૂઢ રીતે હસતી હતી.

ચિત્રકારને અહીં ત્રણ ચિત્ર દોરવાના હતાઃ એક કાલિકા, બીજી જાદુગરણી ને ત્રીજો બેવકૂફ.

********************

નોંધ – આ વાર્તા ‘ગોવાલણી’ વાર્તાના લેખક ‘મલયાનિલ’ને શબ્દાંજલી સાથે અર્પણ.

Jadugarani Haji Jive Chhe Govalani Malayanil Gujarati Varta Remake Story By Anand Thakar

( આ વાર્તા લેખકના વાર્તા સંગ્રહ ‘ પેનડ્રાઈવ ‘ માંથી લેવામાં આવી છે જેના તમામ copy rights લેખકને આધિન હોય. આ વાર્તાનો કોઈ પણ માધ્યમમાં ઉપયોગ કરતા પહેલા લેખકની મંજુરી લેવી જરૂરી છે અન્યથા કાયદાને આધિન રહેશે. )

Gujarati Varta Jadugarani Haji Jive Chhe Govalani Malayanil Remake Story By Anand Thakar

Gujarati Varta Jadugarani Haji Jive Chhe Govalani Malayanil Remake Story By Anand Thakar

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!