Home ANAND THAKAR'S WORD Gujarati Varta : અઢાર અક્ષૌહિણી

Gujarati Varta : અઢાર અક્ષૌહિણી

0
55

Gujarati Varta Adhar Akshauhini by Anand Thakar

અઢાર અક્ષૌહિણી

– આનંદ ઠાકર

 

Gujarati varta Adhar akshauhini by anand thakar

હોં… હોં…. હોં…. ની રીડિયારમણ જેવા જ પોં… પોં…. ના પ્રચ્છન્ન ઘોંઘાટની ભીષણભીડ તેને અટકાવી ને વિંટળાઈ વળી હતી. છતાં એનો ભોં એને ક્યાં હતો! ડર તો ત્યારે ઉપજે છે જ્યારે સભાનતા હોય. એ ક્યારે ક્યાં સભાન હોય છે….

એક યોદ્ધાને મીટાવે ત્યાં બીજો ઉભો થાય તેમ… મોબાઈલમાં હજી હમણાં જ બોસે તેને મીટીંગ માટે ફોન કર્યો હતો, ત્યાં તેની પત્ની પ્રિયાનો ફોન આવ્યો અને તે….

‘‘અરે ભાઈ! જરા જોઈને રસ્તો ક્રોસ કરને…’’

જરાક રહી ગયો વાત કરતાં કરતાં. ફોર વ્હિલ તેનું કચ્ચરઘાણ કરી નાખત, પણ પ્રિયા સાથે વાત કરતા મોબાઈલને ખંભા અને કાન વચ્ચે દબાવી એક હાથે રૂમાલ નીકાળી પરસેવો લુછતો હતો જો બીજા હાથની બેગ ઊચી ન કરી હોત તો ફોર વ્હિલ વાળો…

કોઈ યોદ્ધાના તીર પ્રહારથી ધનુષ્ય હાથમાંથી છુટી ગયું હોય ને ફરીથી ઉપાડતો હોય તેમ પેલા ફોર વ્હિલના બ્રેકનો અવાજ જાણે કાળજાની તમન્નાઓને તીક્ષ્ણ ધારથી ચીરતો હોય તેમ સંભળાયો, ક્ષણભર તેના માટે બધું થંભી ગયું, પ્રિયાનું અસ્તિત્વ તેને ઘડીભર સાંભર્યું નહીં, મોબાઈલ રોડ પર પડ્યો, પણ આ તો અઢાર અક્ષૌહિણીસેના તરત ચૌકન્નો ન થયો હોત તો સામેપારથી આવતા ટ્રકે તેના મોબાઈલને તોડી નાખ્યો હોત, અને પ્રિયા…

તેને મોબાઈલ ફરી કાને જોડ્યો. તે આગળ ચાલ્યો. ફોર વ્હિલવાળો સેનાપતિ ક્યાં હતો કે લડવામાં પોતાની શક્તિ વેડફે તેણે પ્રિયા સાથે વાત શરુ કરી,

‘‘ખુશીને પોલિયો પીવડાવા જાઉં છું અને ત્યાંથી મારી બેનના ઘરે જઈશ આવતા મોડું થાય તો રસોઈ બનેલી છે જમી લેજો, સાંભળ્યું?’’

શ્વાસ લેવાનો સમય જોઈ વિચારીને લેવો પડે તેટલા તીરંદાજો તેને ભીંસી રહ્યા હતા અને એવામાં તેણે શ્વાસ જેટલા ધીમા અવાજે, ‘‘હં…’’ કહ્યું પણ એ પૂરું બોલાયું ન બોલાયું ત્યાં તો પ્રિયા એ કહ્યું,

‘‘ઓ. કે. તો બધું જોઈ લેજો જરાક અને હા, પપ્પાજીની બી.પી.ની દવા અને મમ્મીના વાનો મલમ લાવવાનો ભૂલતા નહીં.’’

કશું સાંભળાતું ન હતું. બધું એક નદીના પ્રાવહની જેમ વહ્યે જતું હતું, એનેય ખબર ન હતી કે ક્યાં આગળ જઈ રહ્યો હતો. પોતાના મગજમાં વર્ષોથી કંડારેલો આ રસ્તોઃ સવારે ઉઠી અને છાપુ આવ્યું છે કે નહીં તે જોઈ પેલ્લું વેલ્લું પાનું સેન્સેક્સનું ખોલવાનું, તરત ધીરજને ફોન કરવાનો ‘‘આજે મારા એટલા….’’ અને ધીરજ હસતો, ‘‘જો જે હોં તારા બાપાએ લુટાવેલું ઈન્દ્રપ્રસ્થ લેવામાં ક્યાંક-’’ એ અટકી જતો અને આ ચાની ચુસ્કી લઈને કહેતો, ‘‘વડવાઓ એ જમીન રાખી હોત તો આ વારો ન આવત. ચાલ હવે, બરાબર કરજે હું પાછો હવે સાંજે મળીશ. આ વખતે તો નવ્યાની ફી પણ ભરવાની છે…’’

ફોન મુકતાક આખો કપ ચા ઠલવાઈ જતી મોઢામાં ગટરના નાળચાની જેમ અને તે તરત બાથરૂમમાં. રજિસ્ટરમાં હાજરી પૂરવી પડે તે રીતે વંદન કરવા ઘરના ખૂણામાં પડેલ મંદિર પાસે ટુવાલ સોંતો જાય ત્યારે અર્જુનને ઉપદેશ દેતા રથમાં બેઠેલા કૃષ્ણનો ફોટો જોઈ નમન માટે હાથ જોડેલા હોય પણ મનમાં ક્યારેક પ્રશ્ન ઉભો થાય કે જેણે ગર્ભમાં જ સાત કોઠાને વીંધવાનું જ્ઞાન આપ્યું હોય, એ જ માણસ પાછો એની પણછ તોડીને કમોતે મરાવે? તેને મોટું ભેદભરમ લાગતું!

પણ, ત્યાં તો ઉત્તરાની જેમ પ્રિયાએ બધું તૈયાર કરી રાખ્યું હોય, બખ્તર – કપડા, ભાથુ – પર્સ, ધનુષ્ય – પોકેટ, રૂમાલ – ઉપવસ્ત્ર અને તે ફટાફટ બધું પહેરી નાસ્તો કરે ત્યાં તો તેની રિસેપ્સનિસ્ટનો ફોન આવી ગયો હોય,

‘‘સર, એક્સક્યુઝમી, અગીયારથી સાડા બાર સુધી બોસે આપની સાથે મહત્વની મિટિંગ ગોઠવી છે.’’

રથ દોડાવતો હોય તેમ દાદરા ઉતરી રથના ઘોડાની જેમ હાંફતો ટેક્સી પકડે કે સી.ટી. બસ અને ઓફીસની સામે પાર ઉતરે પહેલા તેની નજર તેની કંપનીની બીલ્ડીંગ તરફ જાય અને તેને થાય આ કેટલામો કોઠો?

Also Read::   એક પ્રજાસત્તાક પર્વની મારી યાદ: તમને કંઈ સાંભરે?

અંદર જાય એટલે તેના સહકાર્યકરો જ એક બીજા પ્રમોશનની દોડાદોડીમાં કુનેહનું શસ્ત્ર વીંઝતા હોય. એક પછી એક બાણ સહન કરતો આખરે સેનાપતિ પાસે પહોંચે.

થોડીવારમાં તો એના ફરતે ફાઈલનો જથ્થો ઘેરી વળે છે. ઈન્ટરનેટ પરના આંકડાઓ છેદતો, ભાગતો, ગુણતો, બાદબાકી કરતો એક પછી એક ફાઈલને મ્હાત આપે….

તેના મગજમાં નથી ઈન્દ્રપ્રસ્થ પામવાની ઘેલછા, નથી ઉત્તરા જેવી નાજુક નમણી પ્રિયા પણ સાંભરતી, મમ્મી-પપ્પાના દવા-મલમ તો ક્યારના મગજના ન જાણે ક્યા ખૂણે સંતાઈ ગયા હશે? નથી ખુશી કે નવ્યા યાદ આવતા… અનેક બાણ તેના શરીરમાં ઘા કરી જાય છે પણ એ.સી.ની હવામાં લોહી એટલું થીજી ગયું છે કે બહાર નથી નીકળતું!

પાંચ વાગે ત્યાં જાણે એક કોઠો વિંધાય જાય છે, ત્યાં સુધીમાં એ ઘણો ઘવાય ગયો હોય છે પણ ઓફિસની બહાર નીકળતા જ એક નવો કોઠો દેખાય છે. બહારની ગરમી તેના લોહીને હલાવી દે છે, ખૂણે ખાચરે થયેલા સૈનિકો માથું ઊંચકે છે પણ ત્યાં તેને તરત ધીરજને ફોન કરવાનું સાંભરે છે. તરત ધીરજની શેરબજારની ઓફીસે. ધીરજને ત્યાંથી પાછા વળતા ધીમેથી બબડી લે છે, ‘‘નવ્યાની ફીનું તો થઈ ગયું. આજે એટલા તો મળી ગયા.’’

મેડિકલની દુકાન શોધી ત્યાં દવા લઈ તે ટોફેલની તૈયારી કરવા ક્લાસિસમાં જાય છે. કંપની વિદેશનો ચાન્સ આપે પરંતું, ટોફેલની એક્ઝામનો કોઠો વીંધવો પડે.

ક્લાસિસમાં અવાજો તીણા, જાડા, જીણા, ઘોઘરા, તેમાં બધા ઉંમરના શરીરો પણ ભણાવનારીનો નાજુક નમણો ચહેરો, આછું પાતળું નાક એ નાક પર ચશ્માનો ભાર…. તેને થાય નાક ચશ્માનો ભાર ઉપાડી શકતા નહીં હોય! અને પછી જાણે ભણાવનારીના હોઠ હલે ને મગજ જાણે નવા જ યોદ્ધા સામે લડવાના પાઠ ભણે, સળવળાટ નવો, ભણાવનારી તરવરે પરીની જેમ, હાથની ચોક જાદુઈ છડી બની જાય, પોતે કોઈ ગાંધર્વ તેના ચશ્મા ઉતારી રૂખસાર પર આવેલા ગેસુને હળવા તે હાથે ઉપાડી અને કોમળ કોમળ ગાલને હોઠથી સ્પર્શવાનું, આંખોથી આંખોમાં પરોવતું જવાનું અને શ્વાસમાં શ્વસવાનું અને અડી અડીને છુટ્ટા! અહીં ટેમ્પ્લિઝની સિસ્ટમ નથી, તને ગમે તો તારું પણ જો મને ગમે તો મારું…., બધા સ્ટુડન્ટ્સ ચાલ્યા જાય પછી ય એ બુકમાં લખે કારણ કે તેને ઓછા દિવસોમાં આ એક્ઝામ ક્લિયર કરવાની થયેલી. પેલી પરી સાવ નજીક આવીને બેસે.

હળવેકથી ખુરશી બાજુમાં રાખી ટેબલ પર બુક રાખી આગળની વાત કરતી જાય. પરીના હળવા શબ્દો સાથે આવતા શ્વાસના ચિત્કારના ઘા એવા લાગે કે આગળના કોઠાને વીંધતા જે હાલ ન થયા હોય તેનાથી બદતર હાલ થાય. લોહી વહેવા લાગે, એક જગ્યાએ ભરાવા લાગે, સલુણો સળવળાટ જાગે, બાણ સજ્જ થઈ જાય પણછ પર ચડવા, પણ ખરો સંગ્રામ ત્યાંથી  શરુ થાય. પેલીના મોબાઈલ પર ટહુંકે રીંગ ટોન, વાત પરથી ખ્યાલ પડે કે તેના બોયફ્રેન્ડનો છે એટલે સજાવેલું બાણ પાછું ભાથામાં છુપાવવું એથી મોટો સંગ્રામ એક યોદ્ધા માટે ક્યો હોઈ શકે? છતાંય, આ યોદ્ધા કેવી? હાથ પકડીને ફરીથી સંગ્રામમાં નિમંત્રે અને રચાય સાત પગલા પાતાળમાં જવાની ઘટના, ઘટના ઘટવી હોય તો ઘટના ઘટે, ક્યારેક એમનેમ, ક્યારેક ભીના ભીના પોત જેવી ઘટના.

પણ, આનો તો એની સામેય વિદ્રોહ એના જ સૈનિકો કરે એ વિદ્રોહઃ પોતાની પત્નીના વિચારો – પ્રિયાના વિચારો, નવ્યાના વિચારો, ખુશીના વિચારો, આમ વિચારોના બાણો પાછળથી લાગે અને પરીના ભાલા આગળથી લાગે એવામાં છાતી પર કારમો ઘાઃ

‘‘તમે પોએમ બહુ સારા લખો છો. બોસ વાત કરતા હતા.’’

Also Read::   StoryBook : પોલિટેકનિકઃ પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ

હા-ના. ના ઉત્તરો અને પછી ધીરેકથી ક્લાસિસમાંથી નીકળવાનું જાણે વધુ એક કોઠો ભેદાયો હોય તેમ.

સી.ટી. બસ પકડવાની, અનેક ધ્વનીઓ વચ્ચે નીરવ રવરવાટ જેવું તેનું મન થઈ જાય. રાત ઉતરી આવી હોય શહેર પર અને રાતને ફાડી ખાતી માનવ સર્જિત રોશનીઓ, જાણે દૂર આકાશમાં વલવલતી રાત પેલી પરી જેવી લાગે જેને પ્રિયા ફાડી ખાતી ન હોય!

પછી તરત આગલા સ્ટેશનનું નામ કી-બોર્ડના ટાઈપની જેમ મગજમાં ટકરાય. તે ફરીથી ખીસ્સા તપાસતો સીટમાંથી ઉભો થઈ ટકરાતો અનેક શરીરો સાથે ઘસાતો ભીંસાતો સી.ટી. બસમાંથી ઉતરે ત્યારે વળી એક કોઠો પાર કર્યાનો નૈરાસ્ય જોસ્સો હોય.

ઘરે પહોંચતા વાને કારણે માંડ ઉભા થતા તેના મમ્મી બારણું ખોલે. અંદર આવતા જ મમ્મીને મલમ, પપ્પાને દવા પકડાવે, નવ્યાના રૂમમાં ટહુકો કરતાં કહે, ‘‘બેટા, ફી ભરવાનો સમય શું છે?’’

‘‘સવારના નવથી બાર’’ નવ્યાનો કાલોઘેલો અવાજ અને પછી પ્રિયા રસોડામાં આવી ગઈ છે તે જોતા જઃ ‘‘મોડી આવવાની હતી ને?’’

‘‘તમારા ઘરમાંથી ક્યાંય શાંતિથી નીકળાય છે?’’

‘‘કેમ?’’

‘‘જશાકાકા ને એ લોકો આવેલા. મમ્મીનો ફોન આવ્યો એટલે આવી જવું પડ્યું.’’

સાંભળ્યું ન સાંભળ્યું કરીને ‘સ્નાન’ કરી નાખ્યું અને રાત્રી ભોજન બધાએ સાથે કર્યું. એના મમ્મી – પપ્પા એના રૂમમાં ચાલ્યા ગયા – નિઃસહાય ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વગર સંજયે આખું યુદ્ધ દેખાય છે, પ્રિયા ટી.વી. સેટ આગળ ગોઠવાય  અને સિરિયલોનો સરરિયલ અનુભવ કરે છે, એ લેપટોપ પર ન જોયેલા ને ન જાણેલાને મિત્રો બનાવતો હતો!

થોડીવારમાં નવ્યા અને ખુશી સુઈ ગઈ, પોતાના રૂમમાં. તેને પણ ઉંઘ આવી ગઈ હતી. પણ, માથા પર પ્રિયાનો હાથ ફર્યો અન હોઠની પાસે પ્રિયાના શ્વાસનો સંસ્પર્શ. ધીરે ધીરે મંત્રણા થઈઃ

‘‘હવે ખુશી મોટી થઈ ગઈ છે.’’

‘‘તો શું?’’

‘‘તો-’’

‘‘ના. બે બસ.’’

‘‘ના. એક છોકરો તો જોઈએ.’’

‘‘હું થાકી ગયો છું.’’

જાણે છ – છ કોઠા વીંધીને ક્ષતવિક્ષત થઈ ગયો હોય તેમ ચત્તો પાટ પડતા બોલ્યો, પણ હવે આ સાતમો કોઠો –

તેને સમજાતું ન હતું તેની સેના તેને અંદરથી ઉપસાવી રહી હતી. બહારના શ્વાસ અને સ્પર્શના બાણોએ હુમલો કરી દીધો હતો. એકાએક પેલી પરી યાદ આવીઃ ચશ્મા નહોતા પહેર્યા તેણે, પ્રિયાની આંખો પેલી પરી જેવી બની ગઈ. સ્પર્શના સંઘર્ષનો સંગ્રામ શરૂ થઈ ગયો. બાણને તેણે બરાબર સજાવ્યું, પણછ પર ચડાવ્યું, હું કે તેનો વિજય થશે, પણછ તુટે એમ ન હતી તોય તુટી ગઈ…. અને એક સાથે અનેક હુમલાઃ તે ઘેરાય ગયો – લપેટાય ગયો, આખા શરીરનું લોહી ભેગું થઈ ને જાણે એક જ જગ્યાએથી વહી ગયું ન હોય!

પ્રિયા સુઈ ગઈ. પણ પોતાને નિંદર ન આવી. તે વિચારે ચડ્યોઃ અઢાર અક્ષૌહિણી વચ્ચે ઘેરાયેલાને તો હશે ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકની પરવા અહીં તો છે બાળક બહાર આવ્યા પછીની બબાલ, કોઈ સુદર્શન ભાળ્યું નથી આજ સુધી તો…

એક દિવસના સાત કોઠા વીંધી ના શકાયા. તે ચિત્તા પર સુતો હોય તેમ પડ્યો રહ્યો. ઊંઘ આવતી હતી અને વિચાર પણ કે  સવાર પડતા…. ફરી… અઢાર અક્ષૌહિણી સામે…..

– આનંદ ઠાકર

( આ વાર્તા આનંદ ઠાકરના ‘ પેનડ્રાઈવ ‘ વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવેલી છે, કે કોપી રાઈટ ( © copy rights ) હેઠળ છે. માટે મંજૂરી વગર આ વાર્તાનો કોઈ ભાગ કોઈ પણ માધ્યમ દ્વારા પ્રકાશિત કરવો એ કાયદાને આધિન રહેશે. )

( તસ્વીર પ્રતીકાત્મક છે. ફોટો ઉપલબ્ધ કરાવવા માટે દિનેશભાઇના અમે આભારી છીએ.  Photo © by dinesh k khunt )