Home ANAND THAKAR'S WORD હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્યથી ભરપૂર સંવાદ

હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્યથી ભરપૂર સંવાદ

0
64

હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્યથી ભરપૂર સંવાદ

interview of gujarati comedy writer vinod bhatt with happy moments

Interview of Gujarati comedy writer vinod bhatt with happy moments

14 જાન્યુઆરી 1938, નાંદોલ મુકામે ગુજરાતના હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો જન્મ થયો. પોતે એલ.એલ.બી. થયેલા અને વ્યવસાય તરીકે આવકવેરા સલાહકાર રહેલા. ત્યાર પછી તેમણે ગુજરાતી હાસ્યકોલમ  શરૂ કરી અને એક લેખક તરીકે ઉભરી આવ્યા. તેમની પ્રસિદ્ધ કૃતિઓમાં ‘ઈદમ તૃતિયમ’, ‘વિનોદ વિમર્શ’ આ ઉપરાંત હાસ્યસભર પ્રસિદ્ધ લોકોના ચરિત્રો લખેલા. ‘એવા રે અમે એવા’ એ તેમની આત્મકથા છે. જાત પર હસી શકનારા વ્યક્તિ છે.

અહીં પ્રસ્તુત છે તેમની સાથે થયેલી વાતચિત, જેમાં ભારેખમ વિષયને પણ હળવાશથી રજૂ કરી અને સાથે તમને હસાવશે…

આપની જિંદગીમાં એવી કોઈ ઘટન ઘટી છે કે આપને લાગ્યું હોય કે ઈશ્વર મારી સાથે છે?

હા. એક તો મારો જન્મ. બીજું મારું નામ વિનોદ પડ્યું તે. નામ પરથી જ નથી લાગતું તમને કે સાર્થક થયું હોય! તો એમ લાગ્યું કે આ બધું અનુકૂળ હોવું જોઈએ. લાગ્યું કે આગળ ચાલવું જોઈએ અને ચાલ્યુંય. આમ નામથી માંડીને કામ સુધી લાગ્યું આવું જ.

આટલા લોકોને રોજ હસાવો છો, આટલા પુસ્તકો, કોલમ વગેરે તો આજે જ્યાં આપ છો તે શું આપનું સપનું કે વિચાર હતો?

ખબર જ નહોતી. અમારી દશ પેઢીમાં કોઈ લેખક પાક્યો હોય તેવું જોયું નથી. શી ખબર આવો શોખ કેમ થયો? એટલે મારે નહોતું બનવું તેવું પણ નથી, પણ ઘણીવાર એવું બને છે કે આપણી જાણબહાર કશુંક બનતું હોય છે. તો આ એવી રીતે થયું હશે એવું મને અત્યારે લાગે છે. આ સ્ટેજે પહોંચીશ તેવું સપનું ક્યારેય પણ નહીં.

આપના મતે ધર્મની જરૂરીયાત છે? છે તો શા માટે?

ભલે કોકે કહ્યું કે ધર્મ એ અફિણ છે પણ ધર્મ એ ટેકો છે. એના કારણે માણસ ટકી રહ્યો છે. ઘણાંના મને ધર્મ એક ઓક્સિજન છે, જેના વગર આગળ એક ડગલું પણ ચાલી ન શકાય. એનું નામ તમે ધર્મ આપો કે શક્તિ. કોઈક એવી શક્તિ છે, દા.ત. ભગવાન દેખાતો નથી, પણ હું  એક ભગવાનને દરરોજ જોઉં છું એ ભગવાનનું નામ છે સુરજ. એ એક જ દેખાતો ભગવાન છે. એ શક્તિ શું છે એ આપણને ખબર છે. એક દિવસ ન ઉગે કે ઉગવાનું બંધ કરે તો લોકોને જીવવાનું અઘરું પડી જાય. ધર્મનું નામ આપો તો તમે કોમ્યુનલ થઈ જાવ. પણ ઉપરની કોઈક એવી શક્તિ છે જે જોરદાર છે, જે માણસને જીવવા જેવું લાગે છે. જેમ કે કોઈ દુઃખમાં પણ તમે એમ કહી શકો છો કે જેવી ઈશ્વરની ઈચ્છા. આવો ટેકો પણ લઈ શકો છો તે કોઈ શક્તિ છે. હું શક્તિ શબ્દ વાપરું છું.

 

આપે જીવનમાં આટલા હાસ્ય લેખો લખ્યા, આપને ખુશ રહેવા માટે શું મંત્ર છે?

કોઈ મંત્ર જ નથી એટલે સુખી છું. કોઈ મંત્ર લઈને બેસોને તો એમાં પછી મંત્રાઈ જાઈ. કોઈ વાતને પકડવાની નહીં. જે સ્વાભાવિક પણ બને તે બનવા દેવું.  આપણો સ્વભાવ એવો હોઈને કે કોઈને આડા આવવું નહીં. પ્રેમથી વર્તવું. તેનું પરિણામ આપણને મળે છે.

Also Read::   Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય

આપના માટે સુખની વ્યાખ્યા શું હોઈ શકે? ભૌતિક કે માનસિક?

સુખ તો માણસની અંદર પડેલું છે. બહાર શોધનાર તો કાયમ દુઃખી થાય છે. ભૌતિક સુખ વિશે તો એ જ વિચારીએ છીએ કે સુખ એટલે પડોશી પાસે છે તે આપણી પાસે કંઈક ઓછું છે.  તુલના કરવા જઈએ ત્યાં સુખ ખોઈ નાખીએ છીએ.

 

શું મૃત્યુ વિશે આપને ડર લાગે છે?

હા. જરૂર લાગે છે. એક વિચાર મને દરરોજ આવે છે કે મારા ગયા પછી આ જગતનું શું થશે? જો મારા ગયા પછી સારું ચાલે તો પણ નહીં ગમે, કે મારા ગયા પછી પણ સારું ચાલે છે. ખરાબ ચાલશે તો પણ લાગી આવશે. એવો એક પણ દિવસ નથી ગયો કે મરણ વિશે મને વિચાર ન આવ્યો હોય. ટાગોર ભલે કહેતા કે મરણ એ આમ છે ને તેમ છે પણ એ બધી વારતાઓ છે. મરણ એ કોઈને ગમતી વાત નથી. કોઈ તંદુરસ્તી ન હોય, થાકી ગયો હોય અને તૂટી ગયો હોય અને મૃત્યુ ઈચ્છે તો અલગ વાત છે. મારી વાત અંગત રીતે કરું તો નાનપણમાં પણ મને યાદ નથી કે હું દોડીને નીચે ઉતર્યો હોઉં, હાથ પગ તૂટે તો મરી જઈએ તો. ઈવન મને સ્પિડની ખૂબ બીક લાગે. ખાસ કરીને એટલા માટે હું હાઈ-વે પર જઉં નહીં. આપણે કે ડ્રાઈવર સારી રીતે ગાડી ચલાવતા હોઈએ પણ સામેવાળાનું શું? એ તમારા હાથની વાત નથી. એક વાર એવો કિસ્સો બન્યો હતો, અમે ચોખા લેવા ગયા અને મારો ડ્રાઈવર ખૂબ સ્પિડમાં ગાડી ચલાવે. મેં ગાડી સાઈડમાં રખાવી કહ્યું, જો ભાઈ, આ ચોખા ઘરે ખાવા માટે લઈ જઈએ છીએ, મારા કારજ માટે નહીં. મને કોઈ દિવસ પ્લેનમાં બેસવાનો રોમાંચ થયો નથી. અમેરિકા એકવાર ગયો હતો પણ તેનો મને આનંદ નથી.  આવતા હતા ત્યારે પ્લેનમાં ગડબડ થઈ ગઈ. સૂચનાઓ સાંભળ્યા પછી બધાના મોઢા ડાઘુઓ જેવા થઈ ગયેલા જાણે મસાણમાં ન બેઢા હોય. એ સમયે મને ભૂખને તરસ તો સુકાઈ ગઈ પણ  લઘુ ને ગુરુ શંકા પણ ઓલવાઈ ગઈ. મને ક્યારેક એવો વિચાર પણ આવે કે આ પ્લેન તૂટી ગયું તો મારું આ ડાયાબિટીસ વાળું શરીર કયા પ્રાણીના ભાગમાં આવશે? એક વાર દિલ્હી જતો હતો  પ્લેનમાં અને ટોઈલેટમાં ગયો તો ત્યાંથી નીચે જોયું તો મોટી મોટી કાર રમકડાની લાગતી હતી, ત્યાં  વિચાર આવ્યો  કે પ્લેન નીચે પડે તો આપણી કરચો કે અસ્થિ ક્યાં મળે? આ વિચારે ત્યાંને ત્યાં મારી લઘુશંકાની વૃત્તિ બંધ થઈ ગઈ અને આવીને બેસી ગયો. એટલે મૃત્યુનો ડર લાગે છે. જો કે એકબેવાર બચી પણ ગયેલો. એક વાર તો છાપાએ લખી નાખ્યું હતું કે વિનોદ ભટ્ટ ગંભીર. ડોક્ટરે પણ કહી દીધું હતું કે હવે ઘેર લઈ જાઓ, હવે તો તે દીવો પામશે.

Also Read::   Summer Vacation : વેકેશનમાં ઉનાળાની આવી મોજ, તમે કરી છે!?

 

પુનર્જન્મ જેવુ કશું હોય અને આપને પસંદગી આપવામાં આવે તો આપ શું બનવા ઈચ્છો?

હા. હું ફરીથી વિચારું કે હું વિનોદ ભટ્ટ જ બનું. અમદાવાદમાં મારું આ જ મકાન હોય. આનંદ ઠાકર નામનો મારો મિત્ર આ છાપામાંથી મારું ઈન્ટરવ્યૂ કરે અને મારા વિશે લખે એવું ઈચ્છું.

interview of gujarati comedy writer vinod bhatt with happy moments

ધર્મ અને અધ્યાત્મ વિશે આપ કેવો તફાવત જુઓ છો?

ધર્મ વિશે હજુ મેં વિચાર્યું જ નથી. માનવ ધર્મમાં માનું. તમે મારું કશું બગાડ્યું હોય તો મારે તમને કોઈ માનસિક આઘાત પણ ન આપવો જોઈએ, આવું હું માનું છું, એ મારો ધર્મ એને જ હું ધર્મ માનું છું. અધ્યાત્મ વિશે વિચારવાની ઉમર ક્યારે આવશે એ ખબર નહીં અત્યારે તો માંડ 73મું બેસ્યું છે.

 

આપની સફળતાનો શ્રેય આપ કોને આપવા ઈચ્છશો?

સફળતા અને લોકપ્રિયતા શબ્દ ખૂબ છેતરામણા છે. મૃગજળ છે. સમય જેવો કોઈ મોટો વિવેચક છે નહીં આ જગતમાં. દા.ત. કનૈયાલાલ માણેકલાલ મુનશી. એ જ્યારે લખતા હતા ત્યારે લોકો તેને મિડિયોકર લેખક ગણતા હતા. આજે એની  સુવર્ણજયંતિ ઉજવાઈ છે અને તેમના વિશે આવું લખનારા વિવેચકો અત્યારે ક્યાં છે તે લોકોને ખબર નથી. મુદ્દો એ છે કે સફળતા વિશે કહેવું તે વહેલું કહેવાય. લેખક તરીકે વ્યક્તિએ દસ વર્ષથી વધારે જીવવાની જરૂર નથી. નામ ફરતું  રહે પ્રજાની વચ્ચે એટલું ઘણું છે, આપણે ક્યાં કાલિદાસ કે શેક્સપિયર છીએ, યાર.  છાપામાં લખીએને પછી આપણે ઈચ્છિએ કે હું લાંબુ જીવું શા માટે જીવાય, કેવી રીતે જીવાય. સવારનું છાપું બપોરની પસ્તી છે, તો પછી વેમમાં રહેવું સા માટે? સફળતા વિશે આનંદ થાય સાંભળીને પણ બહુ વાગોળવા જેવી છે નહીં.

 

એવા રે અમે એવા’માં આપના પરિવારની આપે વાત કરી છે તો આપના જીવનસાથીની સારી અને ખરાબ બાબત આપને કઈ લાગી છે?

ખરાબ બાબત એ કે એ મને પરણી પણ તે એના માટે, મારા માટે નહીં. માણસના દુર્ભાગ્ય હોય તો લઈ જાય, એટલે એને મારી સાથે પરણવું પડ્યું.  સારી વાત એ કે આપણી ભારતીય નારી- આર્ય નારી જોઈએ તો તે મારા કરતા વધુ લાયક લાગી છે, હું ઉણો ઉતર્યો છું. આવું એને કહેવાય નહીં, મુશ્કેલી  ઉભી થાય, પછી એ એવું માનીને ચાલવા લાગે.

 

(પ્રસ્તુત ઈન્ટરવ્યુ આનંદ ઠાકરના ‘સેલિબ્રિટિ સાથે સંવાદ’ નામના પુસ્તકમાં સ્થાન પામેલ છે. જે કોપિરાઈટ હેઠળ હોય આ ઈન્ટરવ્યુનો વ્યાવસાયિક ઉપયોગ પૂર્વમંજુરી વગર કરવાથી કાયદાને આધિન થઈ શકે છે.)