HomeSAHAJ SAHITYAGujarati varta હકલો - જીજ્ઞેશ જાની

Gujarati varta હકલો – જીજ્ઞેશ જાની

- Advertisement -

Gujarati varta haklo by jignesh jani

( નમસ્કાર, આજના વાર્તાકાર છે જીજ્ઞેશ જાની. ગુજરાતી સાહિત્યના સર્જક તો ખરાં પરંતુ ઊંડા અભ્યાસુ. કદાચ ગુજરાતી ભાષામાં સાહિત્યના વાચન અને અભ્યાસની ખેવના હોત તો જીજ્ઞેશભાઈ અત્યારે વાર્તાના મર્મજ્ઞ તરીકે ઉભરી આવ્યા હોત. અમારા વર્તુળમાં તો એમની સાહિત્ય અને ખાસ કરીને વાર્તા પ્રત્યે સમજ ખૂબ સદ્ધર માનવામાં આવે છે. એમના ચિત્રો પણ અદ્ભુત હોય છે. ભાવનગરની વાચન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે.  એમની એક મને ગમેલી એક નવતર વાર્તા પ્રસ્તુત છે….  – God’s Gift Group ટીમ વતી – આનંદ ઠાકર )

*****

Gujarati varta haklo by jignesh jani 
લેખક – જીજ્ઞેશ જાની

હકલો

–  જીજ્ઞેશ જાની

- Advertisement -

જેવો હું ઓફિસની બહાર નિકળ્યોં કે અડધા ખૂલેલા દરવાજા પાછળ મેં સાંભળ્યું, જે સાંભળ્યું તે તો હવે રોજનું થયું. પેલા ધીરેથી બંધ થતા દરવાજાના અવાજ વચ્ચે થી થોડા તરડાયેલા વાક્યો મારી પાછળ, મારા કાન સુધી પહોંચી ગયા. “સાલો, હકલો. ડોબાને ખબર નથી પડતી કે આ માર્કેટિંગની લાઈન છે. અહીં તો બોલે તેના બોર વહેંચાય.” ઘોઘરા અવાજવાળું વાક્ય પૂરું થયું, ત્યાં તરત જ બીજુ તીણું વાક્ય સંભળાયું. “ પોતાનું પૂરું નામ પણ નથી બોલી શકતો. પુછ્યુ તો કે, ‘ર..ર…રવિ…’ અને જો અટક કહી હોત તો આખો દિ’ નિકળી જાત. ને, આપણો સમય કેટલો બગાડ્યોં. નામ બોલતાય પરસેવો છૂટી ગયો. એ પછી હાંહાં..હીહી… નાં આછાં-પાતળા દબાયેલા અવાજો.

Gujarati varta haklo by jignesh jani 
This painting © jignesh jani

હું ત્યાં વધુ ઊભો ના રહી શક્યોં. ને હું મારુ બેગ લેવા વેઈટિંગ હોલમાં પહોચ્યોં. મારું બેગ સોફા નીચે આળોટતુ પડ્યું હતું. મે નજર સોફા તરફ કરી. દસનાં સોફામાં આળસ મરડતા બાર-તેર જણા સાંકડ-મુકડ થઈ પોતાનાં વારાની રાહમાં, કોઈ કપાળનો, તો કોઈ હથેળીનો પરસેવો લૂછતાં બેઠેલા ઓછા અને ગોઠવાયેલા વધુ લાગતા હતા. એક-બે જણ તો સંગીત સાંભળતા હોય તેમ પગ હલાવતા ને આંગળાનાં કપાયેલા નખ ને મોંમાં ભેરવી વધુ કાતરતા વારંવાર ઘડિયાળ અને મોબાઈલમાં ડોકિયું કરતા હતા. બે જણ  નિરાંતે ઊંઘતા હતા, અને વધુ રિલેક્સ થવા માટે આજું-બાજુંમાં કોણીયો મારતા હતા. તે બંનેની ફાઈલમાંથી કોઈ ચોક્કસ કવર ડોકીયા મારતા હાઊકલી કરતા હતાં. એ કવર જોતા મને સમજતા વાર ના લાગી કે આ બેય નું પાકું ‘ સાલ્લા.. લ..લા..ગવગીયા…!’ મારી જીભ તાળવે ચોટીં તેને વછૂટતા વાર લાગી. થોડાં-ઘણા મને હાથનાં ઈશારે, આંખનાં ઈશારે વાંકા-ચૂકાં થઈ તાંકતા અને સાઈન લેંગ્વેંજમાં પુછતા હતાં.

કેવું રહ્યું ઈન્ટર્યું?

કોણ-કોણ છે?

શું શું પુછે છે?

- Advertisement -

શું લાગે છે?

પાકું થયું?

આવું જ કંઈક, એ બધા મને પુછવા માંગતા હશે. પણ કોઈ બોલી ના શક્યું. મેં પણ મોઢું દાબે-જમણે હલાવી નકારમાં ‘ના’ પાડી, કે તરત જ એ બધ્ધાનાં ચહેરાં પર હાશ! ની રાહત ફરી વળી.

એ લોકોનાં ચહેરા પરની રાહત જોઈ મને ગુસ્સો ચડ્યોં, પણ આવ્યોં નહિં. મેં મારી હળવી બેગ ઊપાડી, છતાય વજન વાળી લાગી. હોલની વચ્ચોવચ આવેલા રાઊન્ડ ટેબલ પાસે ગયો. હું કંઈ પણ બોલું તે પહેલા ત્યાં ઊભેલી રોબૉર્ટ જેવી વ્યક્તિએ એક રજીસ્ટર મારી સામે ખુલ્લું મુક્યું. અને ‘આઉટ’ લખેલા હાસિયામાં સાઈન કરવા ઈશારો કર્યો. તેની આંગળી જે ચોખટા પર ઠપ-ઠપ થતી હતી ત્યાં મેં સાઈન કરી તે વ્યક્તિ એ મારી સામે જોઈ ભાવ વિનાનું સ્મિત કર્યું. મેં પણ તેની સામે પરાણે-પરાણે હોઠના ખૂણા ખેચ્યાં. અને મેં કહ્યુઃ ’થે…થે….. હજી હું તેમનો લુખ્ખો આભાર માનવા જાવ તે પહેલા જ મને ત્યાંથી વિદાઈ થવાનો ઈશારો કર્યોં. અને ચીપી-ચીપીને બોલી, ’થેંક્યુ. થેંક્યું વેરી મચ.’

હું ત્યાં વધુ રોકાવા નહતો માંગતો. તરત જ મેં ત્યાંથી ચાલતી પકડી. મેઈન ગેઈટ છોડી બહાર બિંલ્ડિંગના પગથીયા પર આવ્યો. મેં ફરી મેઈન ગેઈટ તરફ જોયું. તેના ચળકતાં કાંચમાં દેખાતું મારું જ પ્રતિબિંબ મારી સામે મારા ચાળા પાડતું બોલતું હતું.

- Advertisement -

“ર…ર..રવિ, જ્જ..જો તો ખર્રો…. આઆજ સવ્વારે ત્તે..તેતો જજૂ..જૂના ક્ક..ક..કપડાને ઈઈઈ…સ્ત્રી ઘ્ઘ..ઘસ્સીને નવાં બ્બ..બનાવ્યાં હ..હતાને. હ..હવ્વે… ચો…ચો..ચ્ચોળાઇ ગયાં. તે પ્રતિબિંબ મોટેથી હરવા લાગ્યું. ..હાં…હાં…ર…ર…રવિ…” આ દશ્ય જોઈ મારો પારો ચડ્યોં. મેં ગુસ્સામાં આવી કાંચ તોડવા મુક્કો ઊગામ્યો પણ તે અધ્ધર હવામાં જ ખોડાઈ ગયો.

મારાં ઈસ્ત્રી ટાઈટ કપડા ચોળાઈ ગયા હતાં. નાનાં સાપોલિયા રેતીમાં સરકીને જે સળ પાડે તેવા સળ મારાં સસ્તા ડિઓ છાંટેલા શર્ટમાં ગંધાઈ ઊપસી આવ્યાં. પાલીસ ઘસી-ઘસીને ચમકાવેલા બુટમાં મારી પાની કળવા લાગી. .ક્લિન-સેવ ચહેરા પર બાઝેલો પરસેવો બળવા લાગ્યોં. મે મારા ડોકમાં બાંધેલી આછા રંગની ઘસાયેલી ટાઈ ખેચીં, ઢીલી કરી ને કોલરનું બટન ખોલ્યું. એક ગરમ નિસાસો મારા ગળા માંથી છૂટ્યોં. “ હા…હાશ…” આ આખુ દશ્ય મને કાંચમાં ઝિલાતું નજરે પડતુ હતું. હું વધુ જોઇ ના શક્યોં તે ત્યાંથી ફરી ચાલતી પકડી. થયુ કે ઘરે જાવ, પણ હિંમત નો’તી. ઝડપી ચાલતા પગલા હવે ધીમાં પડવા માડ્યાં. એક-એક ડગલું. મણ-મણનું ભાર ઊચકતું હોય એવું લાગ્યું. મન આળવિતરુ થઈ બોલી ઊઠ્યું, “ રવલા ગાંડો થ્યો’કે ઘરે જાવું છે. ઘરે સુ જોઈ કહીશ કે આજય મેળ ન પડ્યો. ને હવે, આમય નોકરી મળી હોત તો પણ ઘરમાં કોઈ આરતી નઈ ઊતારે પણ હાં તને ઊતારી પાડશે.” મારાંથી બોલાયું, “ માય ગ્યું ઘર.”

Also Read::   આવકાર - ફરી એક નવી શરૂઆત: હસ્તલિખિત મુખપત્ર

ઘર શબ્દ બોલતા જ મને ઘરની પોપડા ઊખડેલી દિવાલ અને તેના ઊપર કાળા કોલસાથી લખેલા અક્ષરો યાદ આવ્યા. ‘હકલાનું ઘર.’ દિવાલની ઓથેથી નિકળતી ખુલ્લી ગટર ને ગટરની પાળ પાસે ખખડધજ રિક્ષા ને રિક્ષાના ફાટેલા કાળા રેક્જિન પર વાસી, ડોળા જેવું પાણી છાંટી કપડાનું પોતું ફેરવતા પપ્પા. પપ્પા, દેખતા જ મારા પગ ધીમા પડ્યાં. બેગનો વજન વધવા લાગ્યો. સમય સાથે રિક્ષામાં ઘણા ફેરફાર થયા હતા. તેને કોઈ સાચવવા વાળુ હતું, તેની ફાટેલી કાયામાં ટેભા લઈ, પોતુ ફેરવવા વાળુ પણ હતું! પણ પપ્પા..? મારાં પપ્પા. એ, આજે પણ.., કોઈ ફરિયાદ વગર.., મને. -મને ફરી પેલા કાળા વાકાં-ચૂકાં ઊપસેલા અક્ષરો સળવળતા દેખાણા. ‘હકલાનું ઘર.’

જેટલા લોકો મને ઓળખતા હતા, એ બધાં મારાં ઘરને જ નહિં પણ મને પણ હકલાનાં નામે જ ઓળખતા. કોઈ મને હકલાની સાથે તોતડો પણ કહેતા! સ્કુલથી માંડી કૉલેજ સુધી આ નામે મને કંઈ સારી ઓળખ નથી આપી. જ્યારે લોકો મારી બોલવાની ઢબ પર જૉક બનાવી મજાક-મસ્તી કરતા ત્યારે ખૂબ દુઃખ લાગતું. મારી અંદર ઊંડે-ઊંડે સુધી કોઈ જુનો ઘા તરડાય પાકી જતો. જેની પીડા આજ દિ’ સુધી દૂર થઈ ના હતી.

રસ્તામાં એક ઠેબુ આવ્યું. હું લથડ્યોં, ફરી ચાલતો થયો. પછી ચાલતો જ રહ્યોં….. કેટલું ચાલ્યો હોઈશ અનો ખ્યાલ પણ ના રહ્યોં. જ્યારે ખબર પડી ત્યાં સુધીમાં હું મારાં વિસ્તારનાં ચોકમાં આવી ઊભો રહ્યોં. મે ચારે બાજુ નજર ફેરવી. એજ જુના મકાનો, એજ દુકાનો, ને એજ સાંકડી શેરીઓ. શેરીઓમાં અડધા નાગા-પુંગા બાળ-ગોપાલ સચીન બની ક્રિકેટ રમતા હતાં. ચોકમાં આવેલા પાનનાં ગલ્લા પાસે મારી જેવી ભણેલી-ગણેલી નવરી વેજા કાં મોબાઈલમાં બિઝી હતી, કાં પછી ક્રિકેટ સટ્ટાનાં ડબ્બા ઊલેચવામાં મસ્ત દેખાતી હતી. તેમની વાતો પણ મસ્ત. ગાળોથી ભરેલી! એક વાક્ય પૂરું થતાં જ એકાદ-બે ગાળો વાક્યને ગાળીને બહાર આવે જ… ગંધાયેલા ચોક વચ્ચે આવેલા ઓટલા પર બેસી આખા ગામની પંચાત કરતા ડોસલાઓ લાકડીનાં ટેકે ભલભલી રાજકીય પાર્ટીને બનાવતા અને ઊથલાવતા. જો કે, તેમની વાતો પણ બીડીનાં ધૂમાડાની સાથે હવામાં જ અલોપ થઈ જતી. વિસ્તારનાં છેડે આવેલી કચરા વિભાગમાં કચરો વાગળોતી ગાયો આરામથી બેસી રચકો વહેંચાતી લારી સામે જોયા કરે ને જો કોઈ ઓળખીતુ પસાર થાય ત્યારે બાંગરે. ને એઠવાડમાં રચ્યાં-પચ્યાં રહેતા કૂતરાંઓ લાળો પાડતા મંદિરનાં ઓટલે આળસ મરડી ભસ્યા કરે.

આખા ચોકનું આવું ચિતરણ કોઈ કેમેરામાં ક્લિક થતું હોય તેમ મારી સામે દેખાવા લાગ્યું. રસ્તા પરની ખૂલી ગટરો ને વટાવતો હું મારા ઘર પાસે પહોચ્યોં. ઘરની ખડકી પાસે મારા પપ્પા રિક્ષા ધોતા હતા. તેના હાથમાં જે પોતું હતું, તેમાં પાણી નહીં પણ પરસેવામાં ડુબાડેલું લોહી નિતરતુ દેખાતું હતું. એ મારી સામે જોઈ રહ્યાં, ને રિક્ષા પર હાથ પસરાવતા રહ્યાં. આજે પણ કંઈ ના પુછ્યું. જાણે મને જોઈ સમજી ગયા હોય કે આજેય હું ખાલી હાથ આવ્યો છું. તેણે રિક્ષા ઊપર થોડું પાણી છાંટી બળપૂર્વક પોતું ઘસવાનું શરૂ કર્યું. તેમનું ગળી ગયેલું આખું શરીર ધ્રુજતું હતું તેના હાથની નસો વડલાની વડવાઈ જેમ ફૂટી નિકળી. હું ત્યાં વધુ ના ઊભો રહ્યોં, ને ઘરમાં જતો રહ્યોં. મમ્મી ખાટલે બેઠી-બેઠી ખાખરા વણતી હતી. પહેલા મને જોઈ થોડી રાજી થઈ પણ તેનો ઊત્સાહ મારા ચહેરાને જોઈ ઊતરી ગયો. તેણે વણેલો એક અધકચરો કાચો ખાખરો ઊપાડી ફરી હાથમાં મસળ્યોં, તેનુ ગોળણું બનાવી ફરી વણવા લાગી. એ કશું ના બોલી, હંમેશની જેમ. ઓસરીની થાંભલી એ લટકેલા કાંચનાં આભલામાં મોટીબેન પોતાનો ચહેરો જોઈ, ગાલ પર લારવું ઘસતી કોઈ ગીત ગણગણતી હતી. હું મોટીબેન જોતા જ વધુ ઊભો ના રહી શક્યોં. મારાં હાથમાં પકડેલી પેલી બેગ મારાથી વધુ ઊચકાવાતી ન હતી. ને  હું ફળિયાના ઊંબરેજ સપડાઈ પડ્યોં. તેને જેટલા છોકરા જોવા આવ્યા હતા તેનાથી વધુ મેં નોકરી માટે ઇન્ટરવ્યૂં આપ્યા હતાં. જો કે હવે તેનું પાકું થઈ ગયું. પણ મારી નોકરીનું….

Also Read::   StoryBook : પોલિટેકનિકઃ પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ

મારી આંખો બળવા લાગી. મારા કાનમાં દૂર-દૂરથી ઘણો જીણો ઘોંઘાટ સંભળાયો. ‘બે-રોજગાર હકલો’ એ અવાજ ધીમે-ધીમે વધવા માડ્યોં. હવે તે ઘોઘાંટ, ઘાટા પાડતો હતો. ‘બે-રોજગાર નવરો હકલો.’ હું ફરી બેગ પકડી ખડકી માંથી બહાર નિકળ્યોં. પપ્પાની આંખો પણ મને કહેતી હતી, ‘ખોટો સિક્કો, કામ વગરનો હકલો…’ મેં ત્યાંથી દોટ મૂકી. હું દોડવા માંડ્યો. ફરી ચોકમાં આવ્યો. લોકો હસતા હતા, મારા ચાળા પાડતા હતા. પેલી નવરી વેજા, બીડીયું ફૂંકતા ડોસલાઓ, કચરો વાગોળતી ગાયો, એઠવાડ ચાટતા ખસિયેલ કૂતરાંઓ, પેલી હજી ઊગીને ઊભી થયેલી ક્રિકેટ ટીમ… બધાં જ, હાં બધ્ધાં જ ‘ બે-રોજગાર, રખડુ, નવરો, ડોબો, કામ વગરનો કહેતા હતાં,ને  વધારામાં એ હકલા…. એ હકલા.. ની બૂમો મારી પાછળ-પાછળ દોડી આવતી હતી. મેં બેગનો ઘા કર્યો. એ દૂર સુધી ફંગોળાણી, હું દોડવા માડ્યોં. મારે અહી થી દૂર જવુ હતું, ક્યાંક પહોચવું હતું. હું પહોચવામાં જ હતો, ત્યારે જ મારા પગ મારી જીભની જેમ હકલાવવા લાગ્યાં. હું પછડાયો. પછી  કૂવા જેવું અંધારું! એ મને અંદર ખેચતું હતું. મને ભીસમાં લેતું દબોચતું હતું. પેલા અવાજો હવે ઘણા દૂર થઈ ગયા… શું થઈ રહ્યું છે? તેની કંઇ ગતાગમ પડે એ પહેલા કોઇ એ મારો ખભો પકડ્યોં. મને કોઈ મારાં નામથી બોલાવી રહ્યું હતું.

“મિ. રવિ..” પણ, આ શું? કોઇ કૂવાનાં તળ માંથી માનભેર સંબોધતુ હતું. પાછુ દૂર-દૂરથી સંભળાયું “મિ. રવિ.” એકા-એક હુ કૂવામાંથી બહાર આવ્યો. મારી નજીક કોઈ ઊભુ હતું. “ આર યુ ઑકે?” એવુ કંઇ પછ્યું પણ, બહુ ધીમેથી. મેં આંખો ચોળતા આજુ-બાજુ જોયુ.

“ મિ.રવિ, જાવ હવે તમારો વારો છે.”  એટલું કહી એક વ્યક્તિ એ મને જ્યાં ઈન્ટરવ્યૂં લેવાતું હતું તે તરફ આંગળી ચીંધી. અને તે  આગળ વધી. મારી નજર ઘડીયાળ તરફ ગઈ. ઘડીયાળ માં બપોરનાં ચાર થયા હતા. ને હું અહીં છેલ્લા ત્રણ કલાકથી ઈન્ટરવ્યૂંનાં વારાની રાહમાં બેઠો હતો. ઈન્ટરવ્યુંમાં જાવાનો હવે મારો વારો હતો. મેં ફરી ચારેબાજુ નજર ફેરવી. ક-ટાણે આવેલી ઊંઘનાં કાંચા સપનામાં દેખાયેલા ચહેરાઓ વિહળતાથી મારી સામે જોતા હતા. હું કોઈને ઓળખતો ન હતો. છતા ઘણા ખરા મારી જેવા હતા. ઑફ કોર્સ, ભણેલા-ગણેલા સારું એવુ બોલતા. ફાસ્ટ..ફાસ્ટ.., એકદમ ચબરાક. ન્યું ફ્રેસ. જ્યારે હું ભણેલો ખરો, પણ સાથે હકલો પણ એ પણ ત્રીસી વટાવી ગયેલો. બિન- અનુભવી, બે-રોજગાર હકલો. મને ફરી આખે-આખું સ્વપ્ન યાદ આવ્યું પૂરે-પૂરું. ધોળા દિવસનાં એ કાળા સ્વપ્ને મને ઘણું બધુ સમજાવી દીધું. મેં તરત જ મારી ફાઈલ બેગમાં ગોઠવી. અને મારી રાહમાં ઊભેલી વ્યક્તિને “સો..સો..સોરી” કહી ધીમા પગલે હોલ છોડી, ઑફિસનાં ક્લૉઝ ડોર વિરુધ્ધ આવેલા મેઈન ડોર તરફ ચલવા માડ્યું. મેં બહાર નિકળી ફરી મેઈન ડોરનાં ચળકતા કાંચમાં જોયું, તેમાં દેખાતું પ્રતિબિંબ મનેં હકલાતું-હકલાતું કહેતુ હતું, “ઑ..ઑ..ઑલ ધી બૅસ્ટ.”

હું ઊતાવળે પગે અમારા વિસ્તારનાં ચોકે પહોચ્યોં. ચોકમાં કોઈનું ધ્યાન મારા તરફ ન હતું. બધા જ પોત-પોતાનામાં રચ્યાં-પચ્યાં હતાં. મારા ઘરની ખડકી પાસે મારા પપ્પા રિક્ષા સાફ કરતા હતા. બસ, એ જ્યારે ઘરે હોય ત્યારે આ જ એનું કામ. હું તેમની પાસે ગયો, અને તેના હાથમાં રહેલું પાણી નિતરતુ પોતું ધ્રુજતા હાથે મેં લઈ લીધુ. ને રિક્ષા સાફ કરવા લાગ્યોં. તેમની નજર મારી સામે સ્થિર હતી. તેની ઊંડી ઊતરેલી ફિક્કી આંખો મને ઘણુ બધુ કહેતી હતી. તેમણે હળવેકથી મારી બેગ પકડી ને કહ્યું, “બોઊ ભારે હતી કાં? આજ કાંઈક હળવીફૂલ લાગે સે.” મેં હકારમાં માથુ હલાવ્યું અને “હ્હ્હ…હાં….” આજે પહેલી વાર ‘હાં’ પાડતા મારી આંખોની પાંપણ બંધ ના થઈ.

***** સમાપ્ત *****

લેખક   – જિજ્ઞેશ જાની.  ( ભાવનગર )
( સંપર્કસૂત્ર –  7567394246 )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments