HomeSAHAJ SAHITYAએક પ્રજાસત્તાક પર્વની મારી યાદ: તમને કંઈ સાંભરે?

એક પ્રજાસત્તાક પર્વની મારી યાદ: તમને કંઈ સાંભરે?

- Advertisement -

એક પ્રજાસત્તાક પર્વની મારી યાદ: તમને કંઈ સાંભરે?

– આનંદ ઠાકર

૨૫ મી જાન્યુઆરીના દિવસે હાર્મોનિયમ પર પૂરી તૈયારી કરી હતી. સાંજે ગાયત્રી શાળાનું પ્રાંગણ છોડ્યું. મહેશ સાહેબ અને રાજુ સાહેબે છેલ્લી સૂચનાઓ આપી અને હું ઘરે પહોંચ્યો. એક રોમાંચ હતો. કાજરડી છોડ્યા પછી પહેલી વખત કોઈ સ્ટેજ પર ગાવાની તક મળતી હતી. તાલુકા કક્ષાનો એ પ્રજાસત્તાક દિન ઉજવાય રહ્યો હતો.


રાતે જોરદાર તૈયારી કરી. અમસ્તાં પણ મને રાષ્ટ્રીય પર્વ બંનેમાં તૈયાર થવું બહુ ગમે. મારું ગીત ‘ નન્હા મુન્ના રાહી હું… દેશ કા સિપાહી હું… ‘ બરાબર યાદ કરી લીધું.

બીજે દિવસે સવારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ અને સવારે સાત વાગે શાહ એચ. ડી. શાળાના મેદાનમાં. ઊના તાલુકાની લગભગ શાળાઓના બાળકોએ જુદી જુદી પ્રસ્તુતિ માટે ભાગ લીધો હતો. એન. સી. સી. ના લોકો, નેવી ના લોકો, હોમગર્ડ્સ, પુલિસ, અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા.

- Advertisement -

હજુ આઠેક વાગ્યાની આસપાસનો સમય હશે. મામલતદાર અને ધારાસભ્યની હાજરીમાં હજુ ધ્વજ ફરકાવ્યો અને થોડી વારમાં તો કોઈ અગમ અવાજ જાણે જમીન નીચેથી પ્લેન ન જતું હોય! કશી કોઈને ખબર પડી ન હતી. મને બરાબર યાદ છે આજે ૨૧ વર્ષ થશે આ વાતને કે આખો માંડવો મેં ઝૂલતો ભળ્યો હતો. શાહ એચ. ડી. શાળાનું બિલ્ડિંગ હલતું લાગ્યું હતું. મહેશ સાહેબ ને અમે છોકરાઓ ઊભા રહેવા પણ સક્ષમ નહોતા. એકમેકના હાથ પકડી રાખ્યા હતા. બધું બસ સેકંડોમાં વહી ગયું. આજે યાદ કરું છું તો લાગે છે જાણે હજી પગની પિંડી ઓ ધ્રૂજે છે. એ દિવસે પહેલી વખત હાથમાં સાચી અને ગોળી ભરેલી બંદૂક લીધી હતી. એ કિસ્સો પણ યાદ આવે છે.


પરેડ વખતે એ બંદૂકો ફોડવાની હતી અને એક સાથે કેટલી બધી બંદૂકો હતી. ભૂકંપ આવ્યો એ તો બહુ પાછળથી સમજાયું. ત્યાં તો મેદાન પોણા ભાગનું સાફ થઈ ગયું હતું. હોદ્દેદાર ઓફિસરો ડિઝાસ્ટર શબ્દ પણ નહિ વિચાર્યો હોય એવી સ્થિતિમાં મુકાઇ ગયા હતા. પોલીસ બધા એના પોલીસ સ્ટેશને જવા લાગ્યા ત્યારે આપાતકાલીન સ્થિતિ હોય એમ હોમગર્ડના અધિકારીએ એમને ત્રણેક જણાને રાખેલા અને બંદૂકો એની સાથે ઉપાડીને એના હોમગાર્ડ હાઉસ સુધી લઈ જવાની હતી ત્યારે હું આઠમાં ધોરણમાં અને ગોળી સહિતની એ બંદૂક અમે ત્યાં મૂકવા ગયા. મનમાં એવો ફાંકો હતો કે બધા ઘુસ્ફૂસ કરતા હતા કે પાકિસ્તાની હુમલો છે તો આપણને બંદૂક ઉઠાવતા તો આવડી ક્યારેક ફોડિશું… ‘ નન્હા મુન્ના રાહી હું… દેશ કા સિપાહી હું… ‘ ગાઈ તો ના શક્યા પણ ભજવી તો લીધું!

Also Read::   દિવ્યાંગને લઈને દેવાંગનું દરિયાઇ સાહસ: હાર્ટએટેક પછી વિશ્વવિક્રમ

ઘરે આવ્યા ત્યારે દશા કંઇક અલગ જ હતી. માતાજી એકલા હતા એ તો પછી સાંભર્યું. શેરીઓમાં લોકો બહાર નીકળી ગયા હતા. પિતાજી હજુ શાળાએ હતા. અને રેડિયો પર સાંભળ્યું કે ધરતીકંપ હતો. ભુજ અને રાપરના સમાચાર સાંભળી ખૂબ દુખી થઈ જવાયું.

અત્યારે થોડું એવું સાંભરે છે કે કદાચ બીજા બે દિવસ રજા હતી કારણ કે અનેક શાળાઓમાં નુકશાન થયું હતું. પછી લગભગ બે  મહિના પછી ગાયત્રી શાળાના મેદાનમાં જ એ ભૂકંપમાં મૃત્યુ પામેલા રાપર ને કચ્છના બાળકોને ને લોકોને શ્રદ્ધાંજલિ આપવા જે કાર્યક્રમ થયો એમાં મેં એ ગીત ગયેલું. જેમાં શ્રદ્ધાંજલિ સાથે સાથે ત્યાંના લોકોને મદદ માટે ફાળો પણ એકત્રિત થતો હતો.

હાર્મોનિયમ પર કોણ હતું એ યાદ નથી પણ તબલા મહેશ સાહેબ વગાડતા હતા. રાજુ સાહેબ સંચાલન કરતા હતા. મારા ગીત પછી લગભગ ઘણાં બધાં લોકોએ પુરસ્કાર આપતાં પૈસાની જાહેરાત કરેલી.

- Advertisement -

બીજે દિવસે એ પૈસા ૫૭૦/- જેવી રકમ મુકેશ સાહેબ અને દિનેશ સાહેબે ઓફિસમાં બોલાવીને આપેલી. મને યાદ છે કે ત્રીજે દિવસે મારા પિતાજીના કહેવાથી એ રકમ ફરી સાહેબને આપી ને આ રકમ કચ્છમાં જતા ફંડ માટે અર્પણ કરવાનું કહેલું. ત્યારે દિનેશ સાહેબે મારા ખંભે જે હાથ મૂકેલો એ પુરસ્કારથી અનેક ગણો મોટો હતો. ભલે ત્યારે કશું સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે પણ અનુભવાતું હતું.

જ્યારે કોલેજમાં જૂનાગઢ આવ્યો ત્યારે માહિતી ખાતાના એક વરિષ્ઠ અધિકારી અશ્વિનભાઈ પટેલ મળ્યા અને મિત્રતા થઈ અને જ્યારે એક સાંજે કચ્છ અને રાપરના એ સમયના રિપોર્ટિંગના અનુભવો કહ્યાં ત્યારે બંનેની ચા ઠંડી પડી ગઈ હતી ને બંનેની આંખોમાં આંસુ હતા. એ ફોટોગ્રાફ્સ જોઈ અને દ્રવી જવાયું અને થયું કે એ પુરસ્કાર તો પાંખડી પણ ન કહેવાય. કાશ હું મોટો હોત તો ત્યાં મદદે જવાઈ.

Also Read::   Bookreview : શું આપે આ બુકો વાચી છે? વાચનનો અઢળક ખજાનો!


એ સમયે લગભગ બેક મહિના રાતે કોઈ સારીરીતે ઊંઘ લીધી નહિ હોય. પણ જ્યારે રાપરના સૂર્યશંકર ગોર દાદા સાથે વાતો થાય છે, જ્યારે પાર્થ દવે કે અજય સોની સાથે વાતો થાય છે કે મારા છાપા માટે જાહેરાત માટે જ્યારે કોલેજકાળમાં બજારમાં ફર્યો ને કોઈ  કોઈ કચ્છીઓને વેપાર કરતા જોઉં ત્યારે એમ થાય કે પૂછું પ્રકૃતિના એક નાના એવા બદલાવે આ લોકોના જીવનને કેટલું બદલ્યું હશે!? પણ પછી પૂછતો નથી કારણ કે ઘણાં ઘાવ માટે દવા કરવાની મદદ કરવા કરતા બસ તેને સહજ રીતે એમાંથી પસાર થઈ જવા દો એ બહુ મોટો ઉપકાર હોય છે!

બસ, ત્યારથી બે બાબત સમજ્યો છું ભલે નાનો હતો તો પણ કે પ્રકૃતિ આગળ સૌ વામણા છે અને ઈશ્વર કોઈનું માનવાનો નથી તેના મૂર્ત સ્વરૂપ રૂપ આ પ્રકૃતિ જ સર્વેસર્વા છે. આપણી આકાશ ગંગાના ફોટોમાં જો પૃથ્વી કીડીના ટાંગા જેવડી દેખાતી હોય તો હું ને તમે કોણ?!

આ વાતને એકવીસ વર્ષ થયાં આજે. કેટલાંક સ્મરણો એમ જ ખેંચાઈ આવ્યા. થયું આપની સાથે શેર કરું. આજે પણ આ બધું મારી ડાયરીમાં ૨૭-૨૮ જાન્યુઆરી ૨૦૦૧ નું લખેલું પડ્યું છે. ત્યારે સમજાય છે કે જીવનમાં ડાયરીનું કેટલું મહત્વ છે?

- Advertisement -

બસ, ઈશ્વર સૌને સુખી રાખે અને સૌને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના મારો સનાતન ધર્મ વર્ષોથી કરતો આવ્યો છે…

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया,

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।

ऊँ शान्तिः शान्तिः शान्तिः

યાદોનું આલેખન – આનંદ ઠાકર

🇮🇳 जय हिन्द 🇮🇳

वंदे मातरम्….

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!