Mastar ni vaato teacher experience Gujarat Village primary school
Mastar ni Vaato : ડો. લશ્કરી સાહેબ
આલેખન – કાળુભાઈ ભાલિયા
( લેખક નિવૃત્ત શિક્ષક છે. )
ધોકડવા ગામમાં જે જગ્યાએ ભાડાના મકાનમાં રહેતો તેની બાજુમાં એક ડોક્ટર રહે એમના બધા જ બાળકો મારી શાળામાં ભણતા અને ઉપરના ધોરણમાં બધા જ બાળકો મારી પાસે ભણેલા એના કારણે તેમના માતા-પિતા ને મારી પ્રત્યે ખુબ જ લાગણી અને પ્રેમભાવ હતા.
વિશેષમાં હું જયારે નવો ભરતી થયેલો અને ધોકાડવામાં નોકરી મળેલી એક નાનકડી રૂમ ભાડે રાખી પણ ત્યારે જમવા માટે હોટલો તો ક્યાંય હતી નહીં અને રસોઈ મને આવડે નહિ. તેથી તેમના બા કહે અરે માસ્તરભાઈ, તમને રસોઈ તો કાંઈ આવડતી નથી. એક કામ કરો થોડા દિવસો અમારે ત્યાં જમવાનું રાખો, નછૂટકે મારે હા પાડવી પડી અને પછી થોડા દિવસોમાં હું થાળી ઉપર ટીપી ટીપીને ભાખરી બનાવતા શીખી પણ ગયો.
એક દિવસ વાત વાતમાં ડોક્ટર સાહેબ મને કહે તમારે જેનગર આવવું છે? મેં પૂછ્યું એ ક્યાં આવ્યું તો કહે અહીં નજીક જ છે તુલસીશ્યામથી આગળ તો મેં કહ્યું ત્યાં તો ગીર જ છે ત્યાં કોઈ નગર થોડું હોય? તો કહે શું ન હોય? એકવાર મારી હારે હાલો તો ખરા, તુલસીશ્યામ સુધી જે સાધન મળે તેમાં જશું ત્યાં રામભાઈ ચારણ સાંઢીયો લઈને આપણને તેડવા આવશે.
૧૯૭૦ ની સાલ ચોમાસાની ઋતુ ત્યારે તો વરસાદ પણ ખુબ જ થતા અને જંગલના રસ્તા. પણ આપણે તો હરખ પદુડા થઈને સાહેબ સાથે તુલસીશ્યામ પહોંચ્યા અને ડોકટર સાહેબના કહેવા મુજબ જ રામભાઈ ચારણ સાંઢીયો લઈને હાજર જ હતા. અમે ત્રણ જણા સાંઢીયા ઉપર બેઠા અને સવારી નીકળી જંગલમાં.
સવારી કરતા કરતા એક કલાક ઉપર સમય થઇ ગયો પછી પણ જેનગર મને ક્યાય દેખાયું નહી એટલે મેં પૂછ્યું સાહેબ જંગલમાં અંદર આઠ કિલોમીટર થઈ ગયું હશે આપનું જેનગર તો ક્યાય દેખાતું નથી, ત્યારે ડોક્ટર બોલ્યા માસ્તર સાહેબ આવી તો ગયુ, ઓલો ત્રણ ઝુપડા વાળો જે નેસ દેખાય ને, તે જ જેનગર છે. મારા તો હોશ ઉડી ગયા, પરંતુ શું થાય? રાત માથે અને ભર ચોમાસાની ઋતુ પાછા ડોકટર અહીં કોઈ દર્દીને તપાસવા આવ્યા હતા, દવા આપી અને રાત થવા આવી હતી એટલે ત્યાં જ રાત રોકાયા. પણ રાત થઇ ભૂખ પણ લાગી અને અંધારું થતા થતા તો ચારે બાજુ સાવજની હુંકરાટીઓ સંભળાય. ત્યાં નેસડા માં લોટ તો ન હોય પણ ચોખા હતા એટલે તાજા દૂધ માં ચોખા નાખીને ખીર બનાવી એ ખુબ ખાધી અને રાતે સુતા પરંતુ જંગલના એ ડાંહલા મચ્છરો આપણને એમ કઇ સુવા દે?
બીજા દિવસે સવારે પાછા સાંઢીયા ની સવારી કરીને તુલસીશ્યામ આવ્યા અને ત્યાંથી પાછા ધોકડવા. પણ રાતે ઓલા મચ્છરોએ જે અમારા લોહીની જે મિજબાની માણી હતી એનાથી મને મલેરિયા થયો અને તેમાંથી કમળો થયો. એક મહિનો લીવરમાં સોજો રહ્યો. ખાવાનું કઇ ભાવે નહી.
કોઈ ઉના જતું હોય તો તેની સાથે સંતરા કે સફરજન મંગાવું, એજ ખાઈ શકું, આવું ત્રણ મહિના ચાલ્યું પછી છેક શરીર સ્વસ્થ થયું અને મને અને ડોક્ટર સાહેબને સમજાયું કે ઓલું ‘જેનગર’ તો અઘરું થઇ પડ્યું..
જગડુશા શેઠના સમયમાં કોઈકે ત્યાં જુવારના કોઠાર લોકો માટે ખુલ્લામુકી દીધા હતા એટલે એને જેનગર કહે છે પરંતુ મારું એટલું તો નસીબ સારું કે કમળા માંથી કમળી ન થઇ અને આજે લખાણ માટે હયાત છું.
ઈશ્વરીય શક્તિએ ત્યારે મને બચાવેલો ભાઈ..
આલેખન – કાળુભાઈ ભાલિયા
આ લેખકની અન્ય વાર્તા પણ વાંચો…
( વાર્તાના નામ પર ક્લિક કરીને… )
Mastar ni vaato teacher experience Gujarat Village primary school
#mastar_ni_vaato #teacher #primary #school #Village #Gujarat