HomeSAHAJ SAHITYAGujarati Varta : કૂતરાં - કિરીટ દૂધાત

Gujarati Varta : કૂતરાં – કિરીટ દૂધાત

- Advertisement -

Gujarati Varta kutaran by kirit dudhat

 

Gujarati Varta : કૂતરાં – કિરીટ દૂધાત.Gujarati Varta kutaran by kirit dudhat

Gujarati Varta kutaran by kirit dudhat
લેખક – કિરીટ દૂધાત

 

( કિરીટ દૂધાત એટલે ગુજરાતી સાહિત્યમાં નવા તરેહની વારતા લખવામાં આગવું નામ. એક ક્લાસ કહી શકાય એવા ‘ એતદ્ ‘ સામયિકના તંત્રી છે. ‘ બાપાની પીંપર ‘ અને ‘ આમ થકી જવાનું ‘ જેવા બે વાર્તા સંગ્રહ છે એમના. બીજું ઘણું છે. એ પરિચય ફરી ક્યારેક પણ એ એક અદના વાર્તાકાર છે વાંચો એમની મને ગમેલી એક અદ્ભુત વાર્તા… – આનંદ ઠાકર )

- Advertisement -

Gujarati varta kutaran by kirit dudhat

 

મને હમણા હમણાથી લાગ્યા કરે છે કે કૂતરાં અંગે સમગ્રપણે વિચાર કરવો જોઈએ.નવા ઘરમાં રહેવાં આવ્યાં છીએ એટલે અહીં ગોઠવાઈશું કે કેમ એની બધાંને ચિંતા રહ્યા કરે છે.એમ તો નોકરીમાં ઘણા શહેરોમાં જુદાં જુદાં ઠેકાણે રહ્યાં પણ એમાં ઘરની લાગણી ઊભી ન થાય.હવે  બચતની મૂડીમાંથી શહેરથી ઠીકઠીક દૂર આ પોતાનુ ઘર લીધુ એટલે ખોટો નિર્ણય તો નથી થઇ ગયોને તેની ચોકસાઈ કરવા બધાં સવારમાં એકબીજાને પૂછે છે, ‘ઊંઘ તો બરાબર આવી હતીને?

પછી બધાં એકમેકને  આશ્વાસન આપતાં હોય એમ કહે, ‘અરે!ઘસઘસાટ આવી ગઈતીને,શું કહું મને તો દૂરથી મોર બોલતા હતા એ પણ સપનામાં બોલતા હોય એવું લાગ્યું.’પછી મને પૂછે, ‘તમને?’

હું કહું, ‘હું પણ મોરનો અવાજ સાંભળતો હતો અને સાથોસાથ મને કૂતરાં પણ રડતાં હોય એમ સંભળાય છે. કૂતરાંના અવાજો મને ઊંઘમાં ખલેલ પાડ્યા કરે છે.’બધાં એકબીજાં સામે જુએ અને અચકાતાં કહે, ‘નારેના,કૂતરાં કેવાં અમને તો ફક્ત મોર જ સંભળાય છે.’પછી સધિયારો આપતાં હોય એમ કહે, ‘તમને હજી આ નવી જગા માફક નથી આવી લાગતી એટલે એવો વહેમ રહ્યા કરે છે.’

- Advertisement -

હા,કૂતરાંના અવાજોથી મને ઊંઘ નથી આવતી એટલે હું સવારમાં વહેલો ઊઠી જાઉં છું અથવા તો  જાગતો પડ્યો રહું અને વહેલી સવારે માંડ ઊંઘ આવે.એટલે વહેલી સવારે ઠંડી હવામાં થરથરતો કે સુરજ ઊંચે આવી જાય ત્યારે પરસેવે રેબઝેબ થતો ચાલતો નીકળી પડું છું. નવા વસવાટવાળાં મકાનો કે અરધી બંધાયેલી સ્કીમનાં ફ્લેટ વટાવી ગાડાકેડા પર જ બનાવી દીધેલા મોટરેબલ રસ્તા  પર ચાલતો ચારેબાજુના સૂનકારમાં આગળ વધુ છું અને મને દેખાય છે કૂતરાં.

રોજબરોજ ફૂટી નીકળતી નવી સોસાયટીઓને કારણે વસ્તીથી થોડે દૂર આઠ-દસની સંખ્યામાં,દિવસે દિવસે ક્ષીણ થતાં જતાં શરીરોથી એ કોઈ બીજી જ દુનિયાના જીવો હોય તેવો આભાસ રચતાં,એમની વસ્તીમાં આ રીતે અચાનક આવી ગયેલાને અવિશ્વાસથી તાકી રહેતાં કે પૂંછડી પટપટાવી આપણો વિશ્વાસ જીતી લેવાં મથતાં,ખુલ્લા મોંએ,લાળ ટપકતી જીભે,ઉચાટથી બેસવાની  જગા સતત બદલતાં,થોડું અંતર રાખીને અંદરોઅંદર હરફર કર્યાં કરતાં કૂતરાં.

આટલું વાંચીને તમને થશે કે હું આ કૂતરાંનો સંપૂર્ણ વિશ્વાસ જીતી ચુક્યો છું પણ ના એવું નથી.થોડાક દિવસો પહેલા એ રીતે ચાલતો જતો હતો ત્યાં પાછળથી પીંડી પાસેથી પેન્ટ ખેંચાતું હોય એમ લાગ્યું.મેં પાછળ નજર નાખી તો એક કૂતરું નીચું મોં ઘાલી પાછું ફરી જતું હોય એમ લાગ્યું.મને ધ્રાસકો પડ્યો.મેં એક નવી શરું થયેલી સ્કિમની ઓફિસના પગથિયે બેસીને પગ પરથી પેન્ટનો પાયચો ઊંચો લઈને જોયું તો પીંડી પર ઉઝરડાના આછાં નિશાન જોયા.એ નિશાન કૂતરાના નહોરના હતાં કે દાંતનાં એ નક્કી ન થયું.હું હતપ્રભ બનીને થોડીવાર એમ જ બેસી રહ્યો.મને એમકે આટલા સંસર્ગ પછી કૂતરાં મારા પર વિશ્વાસ મૂકતાં થયાં હશે.પણ મારી માન્યતા ખોટી હતી કે શું?મને તરત જ હડકવા રોકવાના ઈન્જેકશનનો વિચાર આવ્યો.નજીકની સિવિલમાં તો રોજ પાંચસો-છસ્સોની ઓપીડી હોવાનું મેં નજરે જોયું હતું એટલે ત્યાં જવાની ઈચ્છા ન થઇ.આ નવી વસ્તીમાં કોઈ અનુભવી ડોકટર નહોતા.એકાદ આયુર્વેદિક વૈદ્ય હતો જે દરદીએ જાતે બાજુના મેડીકલ સ્ટોરેથી ખરીદી લાવેલાં એલોપેથીના ઇન્જેક્શન  મૂકી આપતો હતો.હું આજુબાજુ ફરી રહેલાં કૂતરાંને તાકી રહ્યો.સહેજ અવિશ્વાસ અને અસહાયતાથી.

*

ઘર તરફ આવતો હતો ત્યાં સામેના એક શોપિંગ સેન્ટરમાં એકબીજીને ચોટાડેલી હોય તેવી સાંકડમોકળ બંધ દુકાનોમાંથી એક  પહેલીવાર ખુલ્લી જોઈ.એનાં પર આસોપાલવનાં તોરણ લટકતાં હતાં.આગળના ભાગમાં સફેદ કપડાંનો એક મંડપ તાણીતૂસીને બાંધેલો હતો. થોડાં લોકોની ચહલપહલ હતી.આ વિસ્તારમાં  પહેલીવેલી કોઈ દુકાન ખુલ્લી હોય એમ લાગ્યું.હું કુતૂહલવશ એ તરફ ગયો.માઈકમાં ‘યે દુનિયા પીતલકી..યે દુનિયા પીતલકી.’ગીત વાગતું હતું.હાટડી કહી શકાય એવી એક કરિયાણાની નવી દુકાનનું ઉદઘાટન હતું. સગાંઓ અને પરિચિતો કૃત્રિમ રંગ નાખીને ચળકાવેલો અને સેકેરીન નાખીને વધુ પડતો ગળ્યો કરી નાખેલો આઈસ્ક્રીમ કચકડાની ટૂંકી,બટકણી,બુચી ચમચીથી આરોગતાં હતાં.દુકાનના કાઉન્ટર પર એક જણ માંડ માંડ ઊભો  રહે તેટલી જ જગા હતી પણ એક આધેડ અને એક યુવાન બે જણા સંકાડાશથી ઊભા હતા.મને અજાણ્યાને નાઈટડ્રેસમાં જોઇને એમને મારામાં સંભવિત ગ્રાહક દેખાયો બંને હર્ષથી બોલ્યા,

- Advertisement -

‘આવો આવો શાયેબ,આપડ આ નવી દુકોન ચાલુ કરી સ.બધી ચીજ-વશ્તુ બજાર કરતા સસ્તા ભાવે આલવાના શીએ.તમે ચિયા ગોમના?મેં સામે થોડે દૂર એપાર્ટમેન્ટ સામે આંગળી ચીંધી. બંને એકસાથે કોરસમાં બોલતા હોય એમ બોલતા હતા, ‘તી ઈમાં તો અમારા ગોમવાળા રે સે,હવડો જ આઈસ્ક્રીમ ખઈન જ્યા,રઘુકુળ પ્લાયવાળા પશા પટલ,ઈ અમારા ગોમ વાળા સ, એમની એવી દસ તો દુકોનો સે પાર્ટી જોમી જેલી સ.તમે તો ઓળખાતા જ હશો.’મેં નકારમાં માથુ ધુણાવ્યું.‘કોય વાંધો નૈ પણ નાશ્તો તો કરશોન? લ્યા ટેણીયા આ શાયેબને નાશ્તો આલ. .’

હું સીંગદાણાનાં સાવ નાનાં ફાડિયાંથી ભરપુર ગળું પકડાઈ  જાય એટલો તીખો તમતમતો અને મુઠ્ઠીભરીને ખાંડ નાખીને  ગળ્યો  બનાવી દીધે હોય એવો પીળા પૌવાવાળો ચેવડો અને પ્રસાદિયા પેડાને કાગળની ડીશમાં એક હાથે પકડી બીજા હાથે  પ્લાસ્ટિકની ખુરશી  થોડે દુર ખેંચી જમીન પર સમથળ રહે તેમ ગોઠવી બેઠો.સામે સોસાયટીના  એક દરવાજે ઘરઘરાઉ બ્યુટીપાર્લર અને બીજા દરવાજે  નિશુલ્ક યોગા ક્લાસની જાહેરાત કરતાં ફ્લેક્ષનાં બે બેનરો ફડફડતાં હતાં.સામે કાચા રસ્તા પરથી એ.એમ.ટી.એસ.ની એક  ખખડધજ બસ રાઉજ થયેલા એન્જીનનો અવાજ કરતી પસાર થઇ.એણે ઉડાડેલી ધૂળ પ્લેટમાં ચવાણા પર છવાઈ ગઈ.મારી બાજુમાં બેઠેલા એક વૃદ્ધ અને એક યુવાન પહેલેથી વાતોમાં મશગુલ હતા.મેં ખુરશી ખેંચી તેના અવાજથી બંને ચોંક્યા અને મને ધારદાર નજરથી સ્કેન કર્યો.પણ મારામાં કઈ શંકાસ્પદ ન જણાયું હોય તેમ ફરીથી ચેવડાના બુકડા ભરતા વાતે વળગ્યા,

‘ મારું કેવુ સે કે મારો દિયોર આ વિષ્ણુ ફાઈ જ્યો.’વૃદ્ધે કાઉન્ટર પર ઉભેલા યુવાન તરફ હાથ કરીને કહ્યું.સાથે વાળો બોલ્યો‘

‘હું હમજ્યો નહીં કાકા.’

‘ચ્યમ ભેઈ ના હમજ્યો?બિલ્ડર ગોમમાં બધોને વીઘાના દહ   લાખ માંડ આલે સે  પણ આ  વિષ્ણુન તૈણ વીઘાના તેર ગણી ઉપરથી લટકાનોએક ઉમેરી  ચાલીશ આલ્યા.

‘એ ત ઈની જમીનની ફરતી બધી જમીન બિલ્ડરે લઇ લીધી પણ ઈમાં આ તૈણ વિધાનો કકડો રહી જ્યેલો તે મારા ખોતી વિષ્ણુઅ લાભ લીધો.એટલ જ કહ્યું ન ક સે નશીબવાળો.’

Also Read::   Willpower દૃઢ મનોબળની તાકાત

‘તમે હમજતા નહીં કાકા.’

‘ચ્યમ ભે?’

‘જોવો ,આ વિષ્ણુ ફાહે હાત પેઢીથી શેતીની જમીન હેંડી આઈ સ બરાબર? એ પહેલીવાર જમીન વનાનો થ્યો બરાબર? અટલ ઇન  દુકાન કરવી પડી બરાબર?હવ આપણ ગોમમો ખેતી લાયક જમીન રૈય જ નૈ બરાબર?ને  મારા દિયોર બિલ્ડરો ગોમની હતી એટલી બધી જમીન ઓહિયા કરી જ્યા બરાબર?એ જ ભાવમાં જો જમીન લેવી હોય તો દહ ગઉ આઘા જવું પડે અન દહ જણનું કુટુંબ લઈન રવડવું પડ બરાબર?એટલે આઘે ચ્યો ડોહો જવાનો? એટલે આ દુકોન કરી અને આ બોલેરો ય ઓમાં નસીબ ચ્યાં આયું?

‘પણ  વિષ્ણુ તો કહે તો કે આ દુકાન  હમેર ચાલે તો ઈમાંથી બીજી કરવી સે.’યુવાન કંઇક રોષથી હોવ મારા ભઈ‘’બોલીને ઝડપથી ચવાણું ચાવવા મંડ્યો.

હું ડીશનો ડૂચો વાળીને કચરાપેટીમાં નાખવા ઊભો થયો,ત્યાં એક ડોશી વિષ્ણુને કહેતી હતી.

‘ભૈ તમારે તો  જમીનના બહુ ભાવ આયા!ગાડીભેગા ય થ્યા!હું તો રાજી સુ ભૈ.પણ અમારી ચંદાને હાહરેથી  ગોમ તેડાવવી હોય તો તમારી ગાડી કોકદીન આલજ્યો ભૈ.’

‘ઈમાં તમાર કેવુ ન પડે કાકી.હું તમારો ભત્રીજો નૈ?ચંદી તો મારી બુન સ.ઇના માટે જાણ જોવ તાણ ગાડી હાજરાહજૂર સ.ઈ વાત હાચી ક બોલેરો ગાડી ધંધામાં વાપરીએ સીએ પણ જાણે વરધી ના હોય તાણે એ તમારી જ ગણવી.’

‘હારુ ભૈ શુખી થોવ.’બોલીને ડોશી ડગુમગુ કરતા ગયાં.

*

ઘેર પહોંચ્યો તો શ્રીમતી ઊચાટથી રાહ જોતાં હતાં,’કેમ આટલું બધું મોડું થયું?’દીકરો અરીસામાં જોઇને ઊભો ઊભો દાઢી ટ્રીમ કરતો હતો.તેને સંબોધીને કહે,‘આ તારા પપ્પા તો કૂતરાંને ન જૂએ ત્યાં સુધી આગળ ને આગળ ચાલ્યા જ જાય.પછી ભલેને બીજા ગામની સીમમાં ન પહોંચી જવાય!મને તો થાય છે કે કૂતરાંનું એક મંદિર બનાવવામાં આવે તો એ પૂજારીની જગ્યા માટે સૌ પહેલા અરજી કરી દે.’દીકરો હસવા મંડ્યો ‘શું તું યે મમ્મી!’

મેં કહ્યું ‘મા દીકરો ભેગા થઈને મારી ઉડાડવા બેઠાં છો પણ તમારી સગવડોમાં વધારો થાય એવી દરખાસ્ત લઈને આવ્યો છું.સામે શોપિંગ સેન્ટરમાં કરિયાણાની નવી દુકાન ખુલ્લી છે તે અમૂલ દૂધની કોથળીઓ આપણને ઘરનાં જાણીને આખો દિવસ ભાવ ટૂ ભાવ આપવાના છે.’‘અચ્છા!?’શ્રીમતી કંઈક અવિશ્વાસ અને અસંતોષથી બોલ્યા.

‘અરે હેન્ડ સફાઈ કરેલું કરિયાણું કાલુપુરના ભાવોભાવ ઘેર બેઠા ડીલીવરી આપવાના છે.હોલસેલના ભાવે છૂટક!દુકાનદાર કાકાએ તને રૂબરૂ ભાવ ચેક કરવા  માટે પણ બોલાવી છે.’

‘ના રે નાં,મારે રિલાયન્સ ફ્રેશ કે સ્ટાર બજાર શું ખોટા છે?

‘અરે!એકવાર અજમાવવામાં આપણું શું જાય છે?’

‘ જો આ તારા પપ્પા એકવાર ના તો કહ્યું તો ય એમનો મુદ્દો પડતો નહીં મુકવાના.હવે તમે આ નવી લપ ઊભી ના કરશો ભાઈશાબ.’

*

કરિયાણાની બાબતમાં શ્રીમતીનો જીવ ઊંચો થઇ ગયો.આવામાં કૂતરાંએ  કરેલા ઉઝરડાની વાત કરવાથી એમને એક વધારાનો મુદ્દો મળી જશે એમ વિચારીને એ વાત છુપાવી એકલો જ આયુર્વેદિક ડોકટરના દવાખાને પહોંચ્યો. બહારનાં રાજ્યમાંથી આવ્યાં હોય તેવા ત્રણ ચાર મજુરો.બેઠાં હતાં.કદાચ નવાં બંધાઈ રહેલાં મકાનોની સ્કીમમાં મજુરી કરવા માટે ઠેકેદાર બિલ્ડરો વતી લાવ્યો હશે.ડોક્ટર ઝડપથી એક પછી એકને તપાસતા હતા.વચ્ચે એક જણ બોલ્યો, ‘દવાઈ તો લીખ દિજીઓ ડાકટર.’

‘નહીં નહીં, મેં અપને પાસસે દેતા હૂ ના.’ કહીને તેણે એક ખાનું ખોલીને તેમાંથી લાલ,લીલા અને સફેદ રંગની ટીકડીઓ કાઢી.કેટલીક ટીકડીઓ અર્ધેથી વ્યવસ્થિતપણે ટુકડા કરેલી હતી.બીજા ખાનામાંથી હથેળીના માપના છાપાની પસ્તીના માપસર કાપેલા ટુકડા કાઢ્યા.અને પાનના ગલ્લાવાળો સફાઈથી પડીકું વાળીને કઈ દવા કેમ લેવી તે સમજાવ્યું.મારો વારો આવતા કુતરાએ દાંત ભરાવ્યાની વાત કરી.એમણે મને કહ્યું બાજુમાં મેડીકલેથી ઇન્જેક્શન ખરીદી લાવો હું આપી દઈશ.હું ઇન્જેક્શન લાવ્યો એટલે એમણે આપી દીધું.અને બોલ્યા,’વીસ રૂપિયા.’મેં રૂપિયા આપ્યા.એમના ટેબલ પર કોઈ જમીનના ૭/૧૨ના ઉતારા પડેલા જોયા.મેં કહ્યું, ‘શું વાત છે ડોકટર સાહેબ!અહીં મેડીકલ જર્નલને બદલે ૭/૧૨ના ઉતારા! ડોકટર મુસ્કુરાયા ‘તે ઉં જમીનનું કરુંને.’પછી ૭/૧૨નો ઉતારો મને બતાવીને કહે,

‘તમને આ જોતા આવડે?પ્ર.સ.પ. અને જૂની શરતનો તફાવત તમે જાણો  કે?આ તો થોડી ગાઈડલાઈન જોઈતી હતી.’મેં હસીને હાથ જોડ્યા, ‘ના રે આને ૭/૧૨ કહેવાય એટલું જાણું.’

ડોકટર ખુલ્યા,’વાત એમ શી કે હું સાઇડમાં જમીનનું બી કરી લઉં.તમે તો આ મજુરીયાં દરદીને જોયા કે ની?એમાં તો દવાખાનાનું લાઈટનું બિલ બી ના નીકળે સાહેબ,એટલે વિચાર્યું કે જમીનમાં નસીબ અજમાવીએ વળી.બપોર પછી મારાં મિસિસ દવાખાનું સંભાળે,એ બી બી.એસ.એ.એમ.છે.તો હું આજુબાજુનાં ગામોમાં જમીન જોવા જઉં.આજે જ એક લગડી જમીન જોવા જવાનો.ઇન્ટરેસ્ટ હોય તો તમે પણ હેંડો .તમારે પાંચ પૈશા,દસ પૈશા રોકવા હશે તો વિચારી લઈશું.મારી ગાડીમાં જઈએ,અંધારું થતા તો આઈ જઈશું.’એમણે બહાર પડેલી વેગનઆર તરફ હાથ કર્યો.મેં હસીને હાથ જોડ્યા.પછી હડકવાનો વિચાર આવતા પીંડી ઉપર હાથ દબાવ્યો.ડોકટરે કહ્યું ‘ઠીક ત્યારે આવતા બુધવારે મેડીકલેથી બીજું ઇન્જેક્શન લઈને આઈ જજો.’

*

પાછો અવ્યો તો એપાર્ટમેન્ટમાં નીચે વોક વેમાં  ‘ડી’ બ્લોકવાળાં મિસિસ ખુરાના એમના પાળેલા બુલડોગ ‘પેન્થર’ને લઈને ઊભાં હતાં.સાથે મિ.ગુપ્તા,મિ.નાયર અને મગનભાઈ કથીરિયા ઊભા હતા.પેન્થર મને જોઇને જોરથી ભસ્યો.મિસિસ ખુરાના બોલ્યાં:

‘નહીં પુત્તર એ તો અપને પટેલ અંકલ હૈ.ઠીક હેના જી?’પેન્થરે પોતાની મરજી વિરુદ્ધ સંમત થવું પડ્યું  હોય તેમ ઘૂરક્યો.કથીરિયા બોલ્યા,

’પણ ઈ પટેલભાઈને  ક્યારેક  જોવે તો ઓળખે ને!એલા ભાઈ ગુરુવારે વિડીઓ સત્સંગમાં તમે એકલા જ ગેરહાજર હોવ  છો હો.પૂનમે બ્લોક નીચે બેનોના ભજનમાં તમારાં મિસિસેય દેખાતા નથી ઈ વાતની પણ  સર્વે સભ્યોએ નોંધ લીધી છે.’હું ખાસિયાણું હસ્યો.’હવેથી ચોક્કસ.’

મિસિસ ખુરાના બોલ્યાં,’મૈ તો ઉન્નકો જ્યાદા બંજરમે ઘૂમતે દેખું જી.આપ વો સ્ટરે ડોગ્સકા ખયાલ રખ્ખા કરો. કહીં કાટ ના લે.મિસ્ટર ખુરાના જબ ભી ખાલી ખેતોંકી ઓર નીકલતે હે તો પેન્થરકો લિયે બીના નહીં નીકલતે.’કહીને એમણે પેન્થરને પંપાળ્યો અને  બોલ્યાં:‘મેરા મુન્ના બેટા લુ..લુ..લુ પટેલ અંકલકો હલ્લો બોલો.’મેં પેન્થરની આંખોમાં જોયું.એની નજરોમાં નિર્લેપતા હતી.એ જોરથી ભસ્યો.

*

શ્રીમતીએ મને કપડાની થેલી પકડાવતા કહ્યું,

‘સવારે અણધાર્યા મહેમાનો આવ્યા એમાં દૂધ ખૂટી પડ્યું.સામે વિષ્ણુભાઈની દુકાનેથી પાંચ થેલી લેતા આવો.બપોર પછી કોઈ આવી જાય તો ક્યાં દોડીશું વળી?’

હું થેલી ઝૂલાવતો દુકાને ગયો.કાકા એકલા કાઉન્ટર પર બેઠેલા હતા.મેં દૂધ લીધું.ખાસ ઘરાકી ન દેખાઈ.હું વાતો કરવા ઊભો રહ્યો,.’અરે કાકા વિષ્ણુભાઈ ક્યાં?હમણા દસ પંદર દિવસથી દેખાતા નથી.’

કાકા પડી ગયેલા અવાજે બોલ્યા, ‘તે અહીં બે જણની ચ્યો  જરૂર સે?આટલી નોની દુકોન તો  મું એકલો ચલાવી લઉં.મેં કીધું કે તું કોઈક આગવો ધંધો કરવાનું કરી જો.અહીં એકની જરૂર સે તાણે બે જણ સુ ફોડવા સે?તો ઈ સાયંસ સીટી બાજુ ધંધા માટે જગા હોધે સે.’

મને અચાનક યાદ આવ્યું ‘અરે કાકા એમ કરો.બાસમતીની પાંચ કિલોની એક થેલી આલી દ્યો ને.બે દિવસથી ભુલાઈ જાય છે.’

Also Read::   Gujarati Varta : ફોબીયા - અજય ઓઝા

‘ચોખા તો હવે નહિ રાખતા ભૈ.લોક ઐથી માલ લઇ જાય છે અને પછી સુપર મોલના ભાવ હાથે હરખાડી જોવે સે.ન પાસાં અઈ આઈ ન ઝઘડા કરે સે.એટલે થાચીને ચોખા મગાવવાનું બંધ કર્યું. મેં દુકાનમાં નજર ફેરવી તો અગાઉ માલસામાનથી છલકાતી છાજલીઓ અરધી ખાલી પડી હતી.મને શંકા પડી.બહાર બોલેરો ઉભેલી ન જોઈ,’કાકા બોલેરો?વરધીમાં ગઈ?

‘ના ભૈ નાં,વેકી મારી..ડીઝલના પૈશા ય  નો’તા નીકળતા.વિષ્ણુ તો હાંજ પડે એટલે એમાં બેહી ન ફૂલફટાક થૈને નેકળી પડે.તે ઠેઠ રાતે  બાર વાગે ઘેર આવે.શી ખબર ચેવીએ  પાર્ટીઓ કરતો હશે.મેં કીધું મેલ દિવાહળી આ ટ્રાવેલને અને ધંધામાં ધ્યોન આલ.’

*

આજે ઘરમાંથી માંગ ઊઠી કે ઘણા દિવસથી બહાર ગયાં નથી તો બે-ત્રણ કલાક  એકાદ મોલમાં ફરતાં આવીએ અને મલ્ટીપ્લેક્સમાં એકાદ ફિલ્મ જોઈએ અને જમવાનું પણ બહાર પતાવીશું. છાપાંમાં અને તેની સાથે આવતા ફરફરીયામાં રોજેરોજ સેલની જાહેરાતોનો મારો ચાલતો હતો. મોલમાં પહોંચ્યા તો બધે અપ ટુ ૫૦ ટકા અને અપ ટુ ૭૦ ટકાના સ્ટીકર ઝૂલતા હતા.શ્રીમતીએ પહેલા ભોંયરામાં આવેલી રોજબરોજની વસ્તુઓના સ્ટોરથી શરૂઆત કરી.બ્રાંડ વગરની અને ઝીણા અક્ષરે ચાર-પાંચ લીટીમાં,શક્તિશાળી બિલોરી કાચ વગર વાંચી ન શકાય એવા કંઇક લખાણ લખેલી સસ્તા પ્લાસ્ટીકની કોથળીઓમાં પેક કરેલી નાની મોટી કરિયાણાની વસ્તુઓથી ઘોડા લચી પડતા હતા.ધોળે દિવસે અંધારું કરીને એમાં ઊભા કરેલા કૃત્રિમ ઝળહળાટમાં જોરથી વાગી રહેલા સંગીતના ઘોંઘાટથી માથું  ભમવા લાગ્યું.આવા વાતાવરણમાં આભાસ થતો હોય એમ મેં એક જાણીતો ચહેરો જોયો.આ આસપાસના પરીવેશમાં એનો મેળ બેસાડતા થોડી વાર લાગી.પછી ખ્યાલ આવ્યો કે એ વિષ્ણુ હતો.એ કોઈ કામમાં મશગુલ હતો.કરિયાણુ અને બીજી રોજબરોજની વસ્તુઓના ઘોડા આગળ ઝૂકીને એક  પછી એક કોથળી અને વસ્તુઓ હાથમાં લઈને એ કદાચ એની કિમત જોતો હતો.થોડીવાર પછી એણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી અને બોલપેનથી કશુંક લખવા મંડ્યો.એવું લાગ્યું કે એ વસ્તુઓના ભાવ નોંધે છે.હું એ તરફ જવા ગયો પણ ત્યાં સ્ટોરનો સિક્યુરિટીવાળો આવ્યો અને વિષ્ણુ તરફ શંકાથી જોઈ અને પૂછપરછ કરવા મંડ્યો.વિષ્ણુનો દેખાવ જોતા સિક્યુરિટીવાળાને શંકા ગઈ હશે.એની દાઢી અવ્યવસ્થિત વધેલી હતી અને ચહેરા પર નૂર નહોતું.શર્ટ ચોળાયેલું અને મેલું હતું. સિક્યોરિટીવાળાને જોઇને વિષ્ણુનું મોઢુ પડી ગયું.એણે કશુ બોલ્યા વગર ચુપચાપ ચાલતી પકડી.સિક્યુરીટીવાળો તેની પાછળ ઠેઠ દરવાજા સુધી ગયો.મને અચાનક  આજુબાજુનો સંગીત અને લોકોનો અવાજ સંભાળતો બંધ થઇ ગયો હોય તેમ લાગ્યું.કોઈ મૂંગી ફિલ્મમાંકોઈ અભિનેતા ઓછી ફ્રેમમાં ઝડપાયેલા દ્રશ્યમાં હવામાં તરતો  હોય એમ ચાલીને ધીમે ધીમે બહાર નીકળે તેમ વિષ્ણુ આ ઝળહળતા પ્રકાશમાં જાણે હવામાં સરકતો હોય એ રીતે બહાર નીકળ્યો અને અદ્રશ્ય થઇ ગયો.કદાચ મોલની બીજી દુકાનોમાં  ભાવતાલ ચેક કરવા અને લખવા ગયો હોય.દોઢ-બે કલાકે અમે મોલમાંથી નીકળીને ઘર તરફ જતા હતાં ત્યારે મેં એક ઝાડ પાસેના બસસ્ટેન્ડ પર એને ફરીથી જોયો.એના ચંપલ ધૂળ ધૂળ હતા.અને પેન્ટ પણ શર્ટની જેમ ચોળાયેલું અને ગંદુ હતું.છ મહિનામાં એનો દેખાવ ઘણો ફરી ગયો હતો.

*

નીચે એપાર્ટમેનના વોક-વેમાં ઊભા રહીને મિસ્ટર ખુરાના બૂમો પાડતા હતા.એમને અને એમના બુલડોગ પેન્થરને ઘેરીને એ જ બધા મિ. ગુપ્તા,મિ. નાયર અને મગનભાઈ કથીરિયા  ઊભા હતા.આજુબાજુના બ્લોકના ફ્લેટની ગેલેરીમાં કપડાં સૂકવવા નીકળેલી બહેનો પણ એ બધાને જોતી ઊભી રહી ગઈ હતી.ખુરાના જોરજોરથી બરાડતા હતા:‘માર ડાલા કાટ ડાલા સાલોંકો.આજ તો મેરે પેન્થરને લાજ રખ્ખી.’

મેં પૂછ્યું  ‘શું થયું મિસ્ટર ખુરાના સોસાયટીમાં કોઈ ચોર ઉચ્ચક્કા આ  યા થા ક્યા?’

ખુરાના હજી ઉત્તેજિત હતા એમણે તિરસ્કારથી કહ્યું ‘હં હં,હમારી સોસાયટીમેં ચોર-બોર કેસે આયેગા?મેરે પાસ તો પોલીસ સ્ટેશનકા નંબર હે ઔર પી.એસ.આઈ.વાઘેલાકા મોબાઈલ નંબર ભી મેરે મોબઈલમેં સેવ હે.’

‘તો ફિર?’

અરે સુબહ મૈ પેન્થર કો લેકે ઘૂમને ખેતોકી ઔર ગયા થા.તો અપની ધૂન મેં થોડા દુર નિકાલ ગયા.તો આસપાસ કે કુત્તોને પહેલે તો પેન્થર કો ભોંકા ફિર એટેક કર દિયા.તો મેરે કો ભી ગુસ્સા આ ગયા.મૈ ને ભી પેન્થર કો ખુલ્લા છોડ દિયા.જા બેટે ફતેહ કર.તો પેન્થર ને સબકો ઐસા કાટ ડાલા કે સ્સાલે ડેડ જૈસે પડે હે ખેતો મેં.સબ સ્સાલે ‘આઉં..આઉં.’કરતે ભાગ ગયેં.’

‘અલ્યા ખેતરાઉ કૂતરાં પર બુલડોગ છોડી મુક્યો?

‘તો ક્યા કરે?સ્સાલા ઇધર રહને કો આયા તો  ફ્લેટ કા બેર પ્રાઈસ,ડોક્યુમેન્ટ ફી,ઔડા કાં ચાર્જ,ઇલેક્ટ્રિક કાં ચાર્જ,ફર્નીચર કા ચાર્જ સબ મિલાકે એક કરોડ પુરા હો ગયા હૈ.ફિર ભી રોજ ગાંવ કે કુત્તો કા ભોકના સુનના પડતા હૈ.ઇસકે પૈસે થોડે દિયે હૈ?મૈ તો બોલતા હું કિ એપાર્ટમેન કે સબ લોગ બુલડોગ યા અલ્સેશ્યન લેલો.’મગનભાઈ કથીરિયાએ માથું હલાવ્યું,’એલા ભાઈ વાત તો વિચારવા જેવી ખરી.’

*

આજે આ બાજુ નીકળ્યો તો વિષ્ણુની દુકાન ફરીથી બંધ જોઈ.હું નજીક ગયો.મેં જઈને બાજુમાં ઈસ્ત્રી કરતા ધોબીને પૂછ્યું ‘અરે ભૈયાજી યે વિષ્ણુ કી દુકાન ફિર બંધ?સબ ક્ષેમકુશળ તો હૈ ના?

ભૈયાજીએ ઈસ્ત્રી સાચવીને બાજુમાં મૂકી અને પછી ઉત્સાહથી કહ્યું,‘અરે!બાબુજી આપકો પતા નહીં?વિષ્ણુને તો દવાઈ પી લી.’

‘દવા પીધી?’

ભૈયાએ મારી નજીક સરકીને કોઈ ખાનગી વાત કહેતો હોય એમ નીચા અવાજે બોલ્યો,‘ઉસકી દુકાન નહિ ચલ રહી થી ના?એક દો બાર તો કાકા સે ઝઘડા ભી હો ગયા થા.ટેન્શનમાં બહોત ફરતા થા.મૈને દો તીન બાર સમજાયા ભી થા કિ વિષ્ણુભાઈ ધીરજ રખ્ખો.મગર આદમી હિંમત હાર ગયા.તો દો દિન પહેલા દવાઈ પી લી.તે કાકાને દોડાદોડ થઇ પડેલી હૈ.બિચ્ચારા હેરાન થઇ ગયા.’

‘ગંભીર છે?ક્યા દવાખાને લઇ ગ્યા છે?’

‘પતા નહીં,શાયદ સિવિલમે જ લઇ ગયા લગતા હૈ.વહાં તો પોલીસ કા લફડા ભી હોગા.’મેં દુકાન સામે જોયું.છ મહિનામાં શટર પણ કટાઈ જવા માંડ્યું હતું.

*

અચાનક આંખ ઉઘડી ગઈ.દીવાલ ઘડિયાળના ચળકતા આંકડા હજી રાતના બે ને ત્રેવીસનો સમય બતાવતા હતા.કેમ ઊંઘ ઉડી ગઈ એનું કારણ સમજાયું નહિ. અને કૃત્રિમ લાઈટોથી ઝળહળતો અવાજ વગરનો મોલ મનમાં  અકારણ ઝબકી ગયો.ઘરના વાતારવરણમાં એવી જ સ્તબ્ધતા હતી.ક્યાંય કશો સંચાર નહોતો.હા,હતો.સરવા કાને સાંભળો તો જ કાને પડે એવો ધીમો અને લગભગ નિશબ્દ.ક્યાંક દુર કૂતરાં રડતાં હતાં.હું બેડરૂમમાંથી બહાર આવ્યો.આર.ઓ.માંથી એક ગ્લાસ ભરીને પાણી પીધું.બેઠકખંડમાં નાઈટલેમ્પનો પ્રકાશ રેલાતો હતો.રાતના  આવા વાતાવરણમાં ઘર મોટું લાગતું હતું,ઘણું મોટુ.મેં કાન સરવા કરીને ફરીથી કૂતરાનું રુદન સંભાળવાની કોશિશ કરી. મને હમણા હમણાથી લાગ્યા કરે છે કે કૂતરાં અંગે સમગ્રપણે વિચાર કરવો જોઈએ.તમને શું લાગે છે?

*સમાપ્ત*

Gujarati Varta kutaran by kirit dudhat

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!