HomeTravel & lifestyleHealth ઇમ્યુનિટીની રામાયણ : ભાગ - 8 અધારણીય (ન રોકવા જેવા) વેગો

Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ – 8 અધારણીય (ન રોકવા જેવા) વેગો

- Advertisement -

Health Immunity Antibodies Ayurveda Lifestyle 

ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ-8

Contents

Health ઇમ્યુનિટીની રામાયણ : અધારણીય    (ન રોકવા જેવા) વેગો…

– વૈદ્ય પાર્થ ઠક્કર

Health Immunity Antibodies Ayurveda Lifestyle 

આયુર્વેદમાં શરીરમાં રોગ થવાના પ્રમુખ કારણોમાં એક કારણ “વેગધારણ”ને બતાવ્યું છે.

- Advertisement -

“વેગ” એટલે નેચરલ અર્જીસ અને ધારણ એટલે પરાણે રોકી રાખવું. એનો મતલબ એ કે એ પ્રાકૃતિક વેગોને રોકવાથી શરીરમાં વિવિધ રોગો થવાની શક્યતા વધે છે. આની બહુ વિસ્તૃત સમજણ દરેક સંહિતામાં જોવા મળે છે. આ કેટલું મહત્વનું છે એ તમે પોસ્ટ આખી વાંચી રહેશો ત્યારે સમજી ચૂક્યા હશો. પણ ભાગદોડવાળી ફાસ્ટ લાઈફમાં જ્યાં કોઈને “શ્વાસ લેવાની પણ ફુરસદ નથી” એવા રૂઢિપ્રયોગ સામાન્ય રીતે બધા વાપરતા પણ હોય અને સાંભળતા પણ હોય, 24 કલાક બહુ જરૂરી લાગતી (પણ હકીકતમાં 90% નકામી) બાબતો પર જ મેન્ટલ ફોકસ રહેતું હોય એવી સ્થિતિમાં આ નેચરલ અર્જીસ એટલે કે પ્રાકૃતિક વેગોને રોકવામાં આવી રહ્યા છે એ પણ ઘણાને ખ્યાલ નહીં રહેતો હોય. અહીં આગળ વાંચીને તમને એ બધીમાંથી અમુક તકલીફો એના એકલાનો વિચાર કરીને સામાન્ય પણ લાગી શકે, પણ એ બધી ભેગી મળીને शरीरबल (એટલે કે આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી) ઘટાડે લાંબા ગાળે, અને આયુર્વેદનું એકમાત્ર લક્ષ્ય લાંબું, સુખી અને નિરોગી જીવન છે.એટલે એ બાબતમાં અવેરનેસ જરૂરી છે. એમ ડરી ડરીને રહેવાની જરૂર ન હોય પણ એ બાબતો પ્રત્યે જાગરૂક રહી વેગધારણ બને એટલું ઓછું કરીએ એટલે કે વેગોને બને ત્યાં સુધી ન રોકીએ એનો પ્રયત્ન જરૂર થઈ શકે. તો આજે વાત કરીએ વેગધારણ કરવાથી શું થાય એ વિશે આયુર્વેદ શું કહે છે એની. ચરકસંહિતામાં આનું વર્ણન સૂત્રસ્થાનના 7 માં અધ્યાય “न वेगान्धारणीयं” માં અને અષ્ટાંગહૃદયમાં સૂત્રસ્થાનના 4 થા અધ્યાય “रोगानुत्पादनीय” (रोग + अनुत्पादनीय) માં મળે છે. અમુક એવા વેગો પણ બતાવ્યા છે જે અવશ્ય રોકવા જોઈએ. છેલ્લે એ પણ જોઈશું.

ચરક એવા 13 વેગો બતાવે છે જેનું ધારણ ન કરવું જોઈએ એટલે કે જેમને રોકવા ન જોઈએ:

न वेगान्धारयेद्धीमाञ्जातान् मूत्रपुरीषयो:।
न रेतसो न वातस्य न च्छर्द्या: क्षवथोर्न च।।
न उद्गारस्य न जृम्भाया न वेगान् क्षुत्पिपासयो:।
न बाष्पस्य न निद्राया नि:श्वासस्य श्रमेण च।।

(चरकसंहिता सूत्रस्थान अध्याय-7 : न वेगान्धारणीय : 3/4)

આ 13 વેગો બુદ્ધિમાન વ્યક્તિએ રોકવા ન જોઈએ:

મૂત્ર, પુરીષ (મળ), શુક્ર, વાયુ, ઉલટી, છીંક, ઓડકાર, બગાસું, ભૂખ, તરસ, આંસુ, ઊંઘ અને થાકવાથી ચડતી હાંફ

(1) ઉલટીનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

- Advertisement -

ખંજવાળ, શીળસ, જમવામાં અરુચિ, શરીરમાં ક્યાંક સોજો આવવો, પાંડુ (એનીમિયાને એક જાતનો પાંડુ ગણી શકાય), તાવ આવવો, ચામડીના રોગ, મોળ આવવી, વિસર્પ (ચામડીનો એક રોગ)

(2) છીંકનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

ગરદન જકડાઈ જવી, માથામાં દુઃખાવો, અર્દિત એટલે કે મોઢાનો લકવા (મોઢું વાંકું થઈ જવું), અડધું માથું દુઃખવું, ઇન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ, ત્વચા)ની શક્તિ નબળી પડવી (એટલે કે સેન્સરી પાવર પર અસર પડવી)

(3) ઓડકારનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

હેડકી, શ્વાસ ચડવો, ખાવામાં અરુચિ, શરીરમાં ધ્રુજારી, કબજિયાત, છાતીમાં ભાર લાગવો

(4) બગાસાનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

શરીર આગળ તરફ ઝૂકી જવું, મુખના સ્નાયુઓમાં ખેંચ આવવી, મુખના સ્નાયુઓ સંકોચાવા, મુખના વિસ્તારમાં ખાલી ચડવી (સ્પર્શની સંવેદનાનો અનુભવ ન થવો), ધ્રુજારી થવી

(5) ભૂખનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

શરીર કૃશ પડી જવું, નબળાઈ, વિવર્ણતા એટલે કે ડિસકલરેશન (શરીરના સ્વાભાવિક વર્ણ એટલે કે ચામડીના રંગમાં અપ્રાકૃતિક ફેરફાર થવો), કળતર લાગવું, ખાવામાં અરુચિ, ચક્કર આવવા

(6) તરસનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

- Advertisement -

ગળું અને મોઢું સૂકાવું, સાંભળવામાં તકલીફ પડવી, થાક જલદી લાગવો, સ્ફૂર્તિ ઘટી જવી, છાતીમાં દુઃખાવો

(7) આંસુનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

શરદી, આંખના રોગો, હૃદયરોગ, ખાવામાં અરુચિ, ચક્કર આવવા

(8) ઊંઘનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

અતિશય બગાસાં આવવા, શરીરમાં સતત કળતર રહેવી, તંદ્રા થવી, માથાના રોગો, આંખોનું ભારે થવું

(9) થાકથી ચડેલી હાંફનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

ગુલ્મરોગ, હૃદયરોગ

(10) મૂત્ર વેગને રોકવાથી રોકવાથી થઈ શકતા લક્ષણો

પેડુ અને મૂત્રેન્દ્રિયમાં દુઃખાવો, કષ્ટ સાથે અને રોકાઈ-રોકાઈને મૂત્ર પ્રવૃત્તિ થવી, માથામાં દુઃખાવો, આગળ તરફ શરીરનું ઝૂકી જવું, પડખામાં દુઃખાવો

(11) પુરીષ (મળ) વેગને રોકવાથી થઈ શકતા લક્ષણો..

આંતરડા જે હિસ્સામાં હોય ત્યાં દુઃખાવો, માથામાં દુઃખાવો, વાયુ અને મળની નેચરલ પ્રવૃત્તિમાં અવરોધ, પગની પિંડીઓ (ગોઠણથી કાંડા વચ્ચેનો ભાગ) માં દુઃખાવો, પેટનું ભારે લાગવું

(12) શુક્રવેગ રોકવાથી રોકવાથી થઈ શકતા લક્ષણો..

જનનેન્દ્રિયમાં દુઃખાવો, શરીરમાં કોઈ દબાણ કરતું હોય એવો દુઃખાવો, છાતીમાં દુઃખાવો
(સ્પષ્ટતા: અહીં શુક્રના વેગથી કામવેગ નથી સમજવાનું.. શુક્રના સ્રાવના વેગ માટે આ કહ્યું છે.)

Also Read::   Travel Rajsthan ભૂમિ મેવાડ ભાગ 2

(13) વાયુનો વેગ રોકવાથી થઈ શકતા લક્ષણો..

મળ, મૂત્ર અને વાયુ ત્રણેયનો અવરોધ,પેટનું ભારે લાગવું અને વાયુ પેટમાં ફરવાનો અવાજ આવવો, શરીરમાં દુઃખાવો- કળતર જેવું લાગવું, થાકેલા હોઈએ એવું લાગવું.

તમને ખ્યાલ આવ્યો હશે કે આમાંથી કોઈક ને કોઈક વેગ રોકવાનું સામાન્ય જીવનમાં થતું જ હશે. અને સારી રીતે યાદ કરશો તો જે-તે વેગ રોકવાથી થતા લક્ષણો પણ યાદ આવશે. ક્યાંક સોફિસ્ટિકેટેડ મેનર્સ સાચવવા માટે (જે બિલકુલ ખોટી વાત છે), ક્યાંક ખોટી લાઇફસ્ટાઇલના કારણે, ક્યાંક અજ્ઞાનના કારણે, ક્યાંક ખોટી આદતોના કારણે તો ક્યારેક અનિવાર્ય સંજોગોના કારણે પણ આમાંથી ઘણા વેગો રોકવાનું બહુ કોમનલી થતું હશે. આજે આ વાંચ્યા પછી થોડા અવેર થશો આ બાબતે તો બહુ ફ્રિક્વન્ટલી વેગધારણ થતું જોવા મળશે.. એ મુજબ શક્ય હોય ત્યાં ફેરફાર કરજો.. તમને ચેન્જ ફિલ થશે..

પર્સનલ ક્લિનિકલ-પ્રેક્ટિકલ અનુભવ કહું…

આ દરેક વેગને રોકવાથી થતા લક્ષણોની સામાન્ય ચિકિત્સા એટલે કે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આની સાથે જ આપ્યો છે. આ ઋષિઓનું લખેલું એક એક વાક્ય કેટલું સાચું છે એનો એક પર્સનલ ક્લિનિકલ-પ્રેક્ટિકલ અનુભવ કહું જે આના રિલેટેડ જ છે. એક પેશન્ટ હતા મારી પાસે. એમને સ્કિન ડિસીઝ હતો, શરીરમાં બહુ બધા લાલ ચાંઠા પડી ગયા હતા, બળતરા સાથે અતિશય ખંજવાળ આવતી હતી અને બીજી ઘણી દવાઓ કરીને આવ્યા હતા પણ ફરક નહોતો પડ્યો. એમની હિસ્ટ્રી લીધી એમાં ખબર પડી કે એમને વચ્ચે થોડા સમય માટે વારંવાર ઉલટીઓ થતી હતી. એમાં એક વખત બહાર ગયા હશે અને ત્યાં ઉલટી જેવું થતાં એમણે એન્ટી એમેટિક (એટલે કે ઉલટી બંધ કરનારી) દવા લીધી .

એ વખતે ઉલટી તો ન થઈ, પણ એ પછી જ આ તકલીફ શરૂ થઈ. એ હિસ્ટ્રી સાંભળીને મને ઉલટીને ચરકે અધારણીય વેગ કહ્યો છે એ અચાનક યાદ આવ્યું. અહીં ઉલટીનો વેગ રોકવાથી થતા લક્ષણો પાછા જોઈ લો. એ જ આ પેશન્ટમાં જોવા મળ્યા હતા.. એટલે મેં એમને આયુર્વેદમાં સ્કિન ડિસીઝ માટે સામાન્ય રીતે જે દવા અપાતી હોય છે એ આપવાને બદલે ઉલટીનો વેગ ધારણ કરવાથી થતા રોગોનો જે પ્રોટોકોલ ચરક એ લખ્યો છે એ મુજબ દવાઓ આપી અને એ મુજબની અમુક પ્રક્રિયાઓ સૂચવી.

એ રીતે કરવાથી એમને સારું થઈ ગયું જે સ્કિન ડિસીઝની પ્રોપર દવાઓ લેવાથી નહોતું થયું. આવા અનેક અનેક અનુભવો “ચરકનું લખેલું એક પણ વાક્ય ખોટું નથી અને ચરકના એ જ્ઞાનના સ્તરે પહોંચવું બીજા કોઈ માટે કોઈ કાળે શક્ય નથી.” એ વિશ્વાસને દિન પ્રતિદિન દ્રઢ કરતા જાય છે.

કેટલાક ધારણીય વેગો…

હવે આટલા અધારણીય વેગો કહ્યા, એવા વેગ જેમને રોકવા ન જોઈએ. પણ એ પછી કેટલાક ધારણીય વેગો પણ કહ્યા છે. આ એવા વેગ છે જે વ્યક્તિએ ધારણ કરવા જોઈએ, એટલે કે એમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. જોઈએ એમાં શું કહ્યું છે:

इमांस्तु धारयेत् वेगान् हितार्थी प्रेत्य चेह च।
साहसानां अशास्तानां मन: वाक् काय कर्मणाम्।।
लोभ शोक भय क्रोध मानवेगान् विधारयेत्।
नैर्लज्य ईर्ष्या अतिरागाणां अभिध्याया: च बुद्धिमान्।।
परुषस्य अतिमात्रस्य सूचकास्य अनृतस्य च।
वाक्यस्य अकालयुक्तस्य धारयेत् वेगं उत्थितम्।।
देहप्रवृत्तिर्या काचिद्विद्यते परपीडया।
स्त्रीभोगस्तेयहिंसाद्या तस्या वेगान्विधारयेत्।।

(चरकसंहिता सूत्रस्थान अध्याय-7 : न वेगान्धारणीय : 26~29)

પોતાનું હિત ઇચ્છતા વ્યક્તિએ મનના, વાણીના અને શરીરના આટલા વેગોનું ધારણ કરવું જોઈએ. (એટલે કે એનો વેગ હોવા છતાં એમાં પ્રવૃત્ત થવું ન જોઈએ.) એટલા વેગો ધારણીય વેગો છે.

◆ મનના ધરણીય વેગો:

લોભ, શોક, ભય, ક્રોધ, માન (ઘમંડ), નિર્લજ્જતા (સામાન્ય ભાષામાં બેશરમી), ઈર્ષ્યા, અતિરાગ (ઓવર એટેચમેન્ટ), અભિધ્યા (બીજાનું પડાવી લેવાની વૃત્તિ)

◆ વાણીના ધારણીય વેગો:

કોઈને કઠોર વચન કહેવાં, અતિશય બોલવું, સૂચક બોલવું (કોઈની ચુગલી કરવી), અનૃત (ખોટું) બોલવું, અયોગ્ય સમયે બોલવું

◆ શરીરના ધારણીય વેગો:

બીજાને પીડા આપવાની વૃત્તિથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિના વેગ રોકવા જોઈએ. જેમ કે ચોરી કરવી, હિંસા, ધર્મવિરુદ્ધ મૈથુન વગેરે..

આ ધારણીય વેગોનું ધારણ કરતા થતો લાભ આચાર્ય ચરક આ રીતે વર્ણવે છે: આટલા અપ્રશસ્ત મન, વાણી અને શરીરના વેગોને રોકી શકનાર વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને સુખપૂર્વક પ્રાપ્ત કરીને “સુખેથી” પોતાનું જીવન વિતાવી શકે છે.

આ ધારણીય વેગો વિશે વાંચીને કદાચ સ્વસ્થ અને સુખી જીવનની વાતને બદલે ધાર્મિક ઉપદેશ જેવું લાગ્યું હશે.. ભલે લાગ્યું હોય.. પણ શાંતિથી ઊંડો વિચાર કરશો તો સમજાશે, કે ખાલી આજે નહીં, કોઈ પણ કાળમાં-કોઈ પણ યુગમાં માણસના દુઃખનું મૂળ આટલી જ વસ્તુઓ હોય છે. એ સિવાય કોઈ કારણ કે પરિબળ બતાવી શકશો કે જેના કારણે કોઈ વ્યક્તિ દુઃખી થઈ શકે? માત્ર આ ચાર જ શ્લોકમાં ચરક એટલી મોટી વાત કહી દે છે જે રિઅલાઈઝ થવામાં ઘણા લોકોનું આખું જીવન નીકળી જાય, અને ઘણાને તો પણ રિઅલાઈઝ ન થાય. શરીરની ઇમ્યુનિટી માટે તો આપણે આ લેખમાળાના આટલા ભાગોમાં ચર્ચા કરી જ. પણ આ ધારણીય વેગોની સમજ મન અને આત્માની ઇમ્યુનિટી માટે બહુ જરૂરી છે. આ બાબતો જ માણસને દુઃખી કરી શકે, અને દુઃખી થવાથી ઇમ્યુનિટી સ્વાભાવિક રીતે ઘટે. ગઈ પોસ્ટમાં પણ ચરકનું જે વાક્ય કહ્યું હતું એ ફરીથી રિપીટ કરું, “विषादो रोगवर्धनानां श्रेष्ठम्।” એટલે કે વિષાદ-ચિંતા-એન્કઝાયટી-સ્ટ્રેસ-ડિપ્રેશન એ તમને થયેલા કે થનાર રોગની તીવ્રતા વધારવામાં બહુ જ મોટો ભાગ ભજવે છે. એટલે કે વધારે પડતો સ્ટ્રેસ તમારી ઇમ્યુનિટી ઘટાડી શકે. અને આ ધારણીય વેગોમાં કહેલી બાબતો જ એ “વિષાદ” ને જન્મ આપે છે અને વધારે પણ છે. ચરક વગેરે ઋષિઓની ડેપ્થ અને સૂક્ષ્મ દ્રષ્ટિનો તાગ મેળવવો સહેલો નથી..

Also Read::   Library : ૧૨૦ વર્ષ જૂનું જાફરાબાદનું પુસ્તકાલય : નામ અને કામ...

તો અધારણીય વેગોને બને ત્યાં સુધી ન રોકો અને ધારણીય વેગોને બને ત્યાં સુધી રોકો, તો એ પણ शरीरबल ટકાવવામાં અને વધારવામાં બહુ મોટો ભાગ ભજવશે.

છેલ્લે અષ્ટાંગહૃદયના સૂત્રસ્થાનના “रोगानुत्पादनीय” અધ્યાયનો એક સરસ શ્લોક જુઓ, જે આ લેખમાળામાં અત્યાર સુધી આપણે જેટલી વાતો કરી એનો સારાંશ છે:

नित्यं हिताहारविहारसेवी समीक्ष्यकारी विषयेषु असक्त:।
दाता: सम: सत्यपर: क्षमावान् आप्तोपसेवी च भवति अरोग:।।

જે નિત્ય હિતકર આહાર અને વિહારનું સેવન કરે છે, સમ્યક રીતે વિચારીને પગલાં ભરે છે અને જીવનના નિર્ણયો લે છે, વિષયોમાં આસક્ત નથી થતો (વિષયોમાં પ્રવૃત્ત નથી થતો એમ નથી લખ્યું, આસક્ત નથી થતો એમ કહ્યું છે- પ્રવૃત્તિ અને આસક્તિમાં સૂક્ષ્મ ફરક છે), જે દાન કરે છે, જે (સુખ-દુઃખ, જય-પરાજય, સફળતા-નિષ્ફળતા જેવા દ્વંદ્વોમાં) સમ રહે છે, સત્યના પથ પર ચાલે છે, જે ક્ષમાવાન છે અને આપ્તજનો (જેમના વાક્યમાં સંશય કરવો અસ્થાને હોય એવા “સમર્થ” અને “યોગ્ય” ગુરુઓ-ઋષિઓ-વડીલોને આપ્ત કહેવાય) ના સાંન્નિધ્યમાં રહે છે, એ “અરોગી” રહે છે, એને રોગ નથી થતા.

PS:
(1) અહીં આ લેખમાળા પૂરી કરીએ છીએ. અમુક બાબતો કદાચ છૂટી હશે કે રહી ગઈ હશે, પણ મને જરૂરી લાગ્યું કે આટલું તો લખાવું જ જોઈએ આ લેખમાળામાં એટલું લખ્યું. હવે કદાચ કોઈ જરૂરી મુદ્દો ધ્યાને આવે તો લખી નાખીશ અલગથી ગમે ત્યારે.. પણ ઓફિશિયલી અત્યારે આ લેખમાળા પૂર્ણ કરું છું. બહુ મજા આવી આ બે મહિનાથી પણ વધુ ચાલેલી યાત્રામાં. મારી પોતાની સમજણ પણ ઘણી અપડેટ થઈ આ આખી લેખમાળા લખવામાં અને ઘણી બાબતો વધારાની અપનાવી પણ છે શોધી શોધીને લખ્યા પછી. તમારું તો ખબર નહીં, મારા જીવન અને લાઇફસ્ટાઇલમાં ઘણા ફેરફારો આ લેખમાળાના લેખન દરમ્યાન થઈ ચૂક્યા છે અને આગળ પણ વધુ થશે. આયુર્વેદે કહેલી, ચરક વગેરે ઋષિઓએ કહેલી લાઇફસ્ટાઇલ જીવવાનો આનંદ એ વધુ ને વધુ અપનાવતા જઈએ એમ જ સમજાય અને એ ખાલી સમજાય, સમજાવી કે વર્ણવી ન શકાય. એટલે આ યાત્રામાં મારી સાથે જ ચાલતાં ચાલતાં જેમણે નિયમિત વાંચ્યા છે બધા ભાગ એમનો અને છૂટક ભાગ વાંચનાર સૌનો દિલથી આભાર. લેખમાળા વાંચવા માટે પણ આભાર, લખવાનો મારો ઉત્સાહ વધારવા માટે પણ આભાર અને આ લખતાં લખતાં મારા જીવનમાં ઉમેરાયેલી સ્વાસ્થ્યપ્રદ બાબતો માટે પણ આભાર.. 🙏🙂

(2) કોઈને એવો સવાલ થશે કે આ તો લાઈફસ્ટાઈલમાં જનરલ ફેરફારો કરવાની વાતો થઈ. પણ ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદે કહેલી અમુક સ્પેસિફિક દવાઓ કે બાબતો કેમ ન આવી આ લેખમાળામાં? તો એનું કારણ એ છે, કે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં અપનાવી શકાય એવી મોટા ભાગની બાબતો કોરોના કાળની શરૂઆતમાં ઇમ્યુનિટી માટેની આયુષ મંત્રાલયે બહાર પાડેલી ગાઈડલાઇન્સમાં બહુ જ ઉત્તમ રીતે સમાવી લેવાઈ છે. એના માટેની પણ એક પોસ્ટ લખી હતી જે-તે સમયે (અહીં લિંક મૂકીશ કોમેન્ટમાં). એમાંથી તમારી પ્રકૃતિ અને પર્સનલ હિસ્ટ્રી મુજબ કઇ બાબતો અપનાવવી એ તમારા વૈદ્યને પૂછીને નક્કી કરી શકો છો.

અસ્તુ. 🙏

✍🏼 વૈદ્ય પાર્થ ઠક્કર

આ શ્રેણીના આગળના ભાગ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો…

ભાગ ૧

ભાગ ૨

ભાગ ૩

ભાગ ૪

ભાગ ૫

ભાગ  ૬ 

ભાગ ૭

health Immunity Antibodies Ayurveda Lifestyle

#Health #Immunity #Antibodies #Ayurveda #Lifestyle

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!