HomeANAND THAKAR'S WORDGujarati Varta : પેનડ્રાઈવ

Gujarati Varta : પેનડ્રાઈવ

- Advertisement -

Gujarati Varta post office dhumketu Remake Story pendrive By Anand Thakar

Gujarati Varta : પેનડ્રાઈવ

Gujarati Varta post office dhumketu Remake Story pendrive By Anand Thakar
Gujarati Varta post office dhumketu Remake Story pendrive By Anand Thakar

 

આલેખન – આનંદ ઠાકર

પાછલી રાત્રીનું ભૂરું આકાશ, માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાના- મોટા તારાઓથી ચમકી રહ્યું હતું, ઠંડા પવનના સુસવાટાથી અલીડોસા રક્ષણ મેળવવા કંબલ ઓઢી ત્રીજા માળના ફલેટ નંબર 34માંની ગેલેરીમાં આવ્યા હતા. 

દરરોજ અલીને સાંજ જેટલી વસમી થઈ પડતી હતી, તેટલી જ વસમી હતી સવાર. અલીનું આ એપાર્ટમેન્ટ શહેરની મધ્યમાં હતું. ચારે તરફ નજર કરી તો સવારની શાળા – કોલેજમાં જનાર વિદ્યાર્થીઓ કાનમાં હેડસેટ્સ નાખી વગાડતા જતા હતા. તેને યાદ આવ્યું કેઃ મરીયમને તે તૈયાર કરીને શાળાએ મોકલતો અને તેને હાથમાં લેપટોપ પહેલવહેલું કોલેજમાં આપેલું. તેણે પોતાએ તો ઘરે ડેસ્કટોપ જ રાખેલું. 

- Advertisement -

Gujarati Varta post office dhumketu Remake Story pendrive By Anand Thakar

ત્યાં નીચે રોબો વર્કર ડસ્ટબિન અને રસ્તા પર પડેલા કચરાને તેની પાછળ લદાયેલી કોકપીટમાં નાખતા હતા. અલીને ઘડીભર થયું કે રોબોને ઠંડી નહીં લાગતી હોય? પણ પછી તેને યાદ આવ્યું કે એ તો યંત્ર છે. તેને સંવેદના કે લાગણી જેવું ક્યાં કશું હોય છે! અલી નિસાસા સાથે અંદર ગયો. 

ફરીથી પથારીમાં પડ્યો અને બબડ્યો, ‘‘બેગમ પણ જન્નતનશીન થઈ ગઈ નહીં તો આ છેલ્લા દિવસો તેની સાથે ગાળી શકાત, મરિયમ પણ સાસરે ગઈ પછી ગયા મહિનેથી તો જાણે ભૂલી જ ગઈ.’’ થોડી વાર પછી, ‘‘અરે! ના. મારી લાડકી મને ભૂલે કે? પરંતુ, મારું જ કોમ્પ્યુટર બગડ્યું છે તે. તેણે તો બિચારીએ ઘણાં ઈ-મેઈલ મોકલ્યા હશે કે… સારું, હવે ઊઠીનેય શું કરવું થોડી વારે સૂઈને પેલા કોમ્પ્યુટર ટેક્નિશિયનને બોલાવી જોઉં આજે આવે તો… ’’

અગીયારેક વાગ્યે અલીએ ટેક્નિશિયનને ફોન લગાવ્યો. 

‘‘હલો, સર અલી બોલું છું.’’

- Advertisement -

‘‘હાં, હાં, બોલો…’’

‘‘હાં, સર, મારું કોમ્પ્યુટર શરૂ નથી થતું, વેલકમ સ્ક્રીન પછી અટકી પડે છે, પ્લીઝ સર આવી જાઓને…’’ 

‘‘હાં, હાં આજે સાંજે આવું છું.’’

અલીએ નિરાંતનો શ્વાસ લીધો. પ્લાનિંગ કરતો રહ્યોઃ સાંજે કોમ્પ્યુટર સમુ કરવા આવશે, રાત્રે નિરાંતે બેસી ઈ-મેઈલ કરીશ, મરિયમ જો ઓન-લાઈન આવશે તો વાતોય થાશે. તેને બાળક આવે તેમ છે. આ કોમ્પ્યુટરેય તાકડે જ બગડી ગયું. તો પણ આજે રાતે તો નિરાંતે વાત કરીશ.

ત્યાં અલીને હૃદયમાં કંઈક ખૂંચ્યું હોય એવો દુખાવો થવા લાગ્યો. એટલે તેને દવા લેવાનું યાદ આવ્યું તરત તેણે દવા લીધી, ગુડ ફૂડ સ્ટોલમાં ફોન જોડી તેણે નાસ્તો ઓર્ડર કર્યો. તે નાસ્તાની હોમ ડિલિવરી આવવાની પ્રતિક્ષા કરતો રહ્યો. 

- Advertisement -

અલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર હતો, તેની ધાક બોલતી તે સમયે, તેણે કેટલાય મોટા ગણાતા ગુંડાઓને પકડીને લમધાર્યા હતા. કાયદા વિરુદ્ધ કશું ચલાવી ન લે. થર્ડ ડિગ્રી સુધીની આકરી સજા કરીને પણ રીઢામાં રીઢા ગુનેગારોને જેલમાં સડતા કર્યા. પી.એસ.આઈ.નું કામ એટલું મનથી નિભાવતો કે ઘરમાં ઓછું ધ્યાન આપી શકતો. પરંતુ, એકવાર અચાનક જ તેની બીબીને સવારમાં ઊલટી થઈ અને મગજની નસ  ફાટી ગઈ. બીબી મૃત્યુ પામી. પછી ભોળી – નાની – મરિયમ માટે તેણે પોતાની નવી જિંદગી ચાલુ કરી. જે કાંઈ હતું તે બધું સમેટી લીધું. રાજીનામું આપી દીધું. તેની પાસે વ્યાયામકળા જબરદસ્ત હતી. એટલે મરિયમની શાળામાં જ તે વ્યાયામ શિક્ષક તરીકે રહ્યો. બન્ને બાપ-દીકરી સાથે જાય, સાથે આવે. 

Also Read::   Gujarati Varta : અઢાર અક્ષૌહિણી

Gujarati Varta post office dhumketu Remake Story pendrive By Anand Thakar

દીકરી મોટી થઈ ત્યારે તેણે તેની જ બિરાદરીના લિસ્બન સ્થિત છોકરા સાથે તેનાં લગ્ન કરી દીધાં. બસ, તે દીથી અલી બધું છોડી સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયો. પણ એને એ ખબર ન પડી કે આ નિવૃત્તિ અને રિક્તતા તેને વાઈરસની જેમ ડિસ્કાર્ડ કરી રહી હતી. 

સાંજે વોક પર નીકળવું, ત્રીજી-ચોથી તારીખની અંદર બેંકમાં જવું અને જો કોમ્પ્યુટરમાં કોઈ ખામી સર્જાય તો સીપીયું લઈ તેના ટેક્નિશિયન પાસે જવું. બસ, આટલું જ કામ તેને હવે કરવાનું હતું. 

ક્યારેક મરિયમને કાં તો ઈ-મેઈલ કરે અને એ જો મરિયમ હાજર હોય તો વિડિયો કોન્ફરન્સ પર લાઈવ વાત કરતો ને મન હળવું કરી લેતો. 

પણ, કેટલો સમય. આ ઈન્ટરનેટ તેના માટે પેઈનકિલર જેવું હતું, જ્યાં સુધી ઈન્ટરનેટ પર બેસતો ત્યાં સુધી થોડો આનંદમાં રહેતો, પછી તેને જાણે જીવલેણ ઉદાસી ઘેરી વળતી. 

એનું પરિણામ એ આવ્યું કે અલીને અચાનક હાર્ટ-અટેક આવી ગયો. તેમાંથી બહાર તો આવી શક્યો, પરંતુ હવે તે દવા ઉપર હતો. એમાં એક રાતે ઊંઘ જ ન આવે. ઘણીવાર ઈન્ટરનેટ પર સર્ચિંગ કર્યું, મરિયમ જોડે વાત કરી છતાં ઊંઘ ન આવે પછી તેણે ઊંઘની દવા લીધી પણ હૃદયનો દર્દી તે દવા થોડી વસમી પડી અને અલીનું હૃદય વધારે નબળું પડી ગયું. 

એટલે હવે, જમવાનું, નાસ્તો બધું જ બહારથી મગાવી લેતો. તેને માફક આવે તેવું ખાણું આવતું. હમણાં, થોડાં દિવસ પહેલાં કોમ્પ્યુટર શરુ કર્યું તો બધી રીતે શરૂ થઈ જાય પણ એક્સપીની વેલકમ સ્ક્રિન આવે ત્યાંથી અટકી જાય. તેણે ટેક્નિશિયનને જાણ કરી. તેનું કોમ્પ્યુટર રિપેર કરવા માટે હંમેશા તેનો નિશ્ચિત ટેક્નિશિયન જ આવતો, તેણે છેલ્લા બે- ત્રણ દિવસથી ફોન કરી અને આ વાત અલી કરતો. ટેક્નિશિયન પણ સવાર, બપોર, સાંજ જેવા વાયદા કરતો. 

બીજા દિવસે અલીએ ફરી ફોન જોડ્યોઃ

‘‘સર, અલી બોલું છું.’’

‘‘હાં, બોલો…’’

‘‘આપણા કોમ્પ્યુટરમાં વેલકમ સ્ક્રીન આવે છે ને ચોંટી જાય છે જરા –’’

‘‘અરે હા. હું આવી જઈશ ભૈ મને ખબર છે…’’

‘‘પણ, સર મારી દીકરી સાથે વાત-’’

‘‘અરે, પણ મેં કહ્યુંને આવી જઈશ? તમારું એકનું જ કામ થોડું છે, ગામના બીજાં ઘણાં કામ બાકી હોય. તમારું તો ઓલ્ડમોડેલ છે, મારે બરાબર સમય લઈને આવવું પડે. ’’

ટેક્નિશિયને મોબાઈલ મૂકી દીધો. અલીને થોડી ગ્લાનિ થઈ. મરિયમના કશા સમાચાર ન હોય તેવો આજે બીજો દિવસ હતો. અલીએ વિચાર્યું. 

‘‘ડિલિવરી તો વ્યવસ્થિત થઈ ગઈ હશેને? બન્નેની તબિયત તો સારી હશેને…? છેલ્લા ઈ-મેઈલમાં હતું કે હોસ્પિટલમાં જવું પડશે….’’

અલીના મગજમાં અનેક તર્કો ટ્રોજોન હોર્સ વાઈરસની અસરની જેમ ઘૂસી ગયા હતા. અલીનો ચહેરો પેલી સ્ક્રીનની જેમ ચોંટી ગયો હતો.

અલીએ મરિયમને મોબાઈલ ટ્રાય કર્યો, પરંતુ મોબાઈલ નેટવર્ક મળતું ન હતું!

માણસ માથે આપત્તિ આવે છે ત્યારે બધી બાજુથી આવે છે.

અલીએ તેની ડાયરી લખવા કાઢી. તેણે લખવા માંડ્યું.

આ બાજુ પેલો ટેક્નિશિયનઃ ‘‘ચાલ, ભૈ હું પેલા અલીડોસાના જૂનાપૂરાણા ડબલાને જોઈને આવું. કેટલા દિવસથી લપ લઈને બેઠો છે. અમથાય તેના પૈસા તે ક્યાં વાપરશે?!’’

આમ બોલી ને તે અને તેનો આસિસ્ટન્ટ બન્ને ખડખડાટ હસી પડ્યા. 

ટેક્નિશિયન અલીના ફ્લેટ પર આવ્યો, તેણે એકવાર બેલ વગાડી, બીજી વાર, ત્રીજી વાર બેલ વગાડી છતાં કંઈ જવાબ વાળ્યો નહીં એટલે તેણે સિનિયર સિટિઝન કેર સેન્ટરને તરત ફોન કર્યો.

Also Read::   Gujarati varta : જરકસી જિંદગી

તરત ડોક્ટર અને બે ઓફિસર સાથે વાન આવી. તેણે બારણું ખોલ્યું અને જોયું તો…

અલીનું મોઢું ડાયરી પર ઢળી પડ્યું હતું. ટેક્નિશિયને પણ જોયું. બન્ને ઓફિસરે અલીને સોફા પર સૂવડાવ્યો. ટેક્નિશિયને તેની ડાયરી જોઈ તેમાં લખેલા શબ્દો હતાઃ 

‘‘મરિયમ, બેટા! તને અને તારા સંતાનને જોવા તરસતો રહ્યો. હવે જ્યારે કોમ્પ્યુટર સારું થશે ત્યારે.. પણ કદાચ… ’’

આટલું લખતાંમાં જ અલી ઢળી પડ્યો હશે. ડૉક્ટરે ચેક કર્યું અને હૃદય બંધ થઈ જવાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું. 

ટેક્નિશિયન તો નીકળી ગયો તેના અહીં આવવાનું કારણ બતાવીને. પણ, આખા રસ્તે અલીના ડાયરીના અને તેના મોબાઈલ પરના સંવાદના શબ્દો પડઘાયા કર્યા. 

તે ઓફિસમાં જઈ બેઠો પણ તેને ક્યાંય ચેન ન પડ્યું. તેણે આસિસ્ટન્ટને પૂછ્યું, ‘‘માણસ ખરેખર યંત્ર વચ્ચે રહીનેય લાચાર રહ્યો. વિજ્ઞાન કર્ણ જેમ શાપિત છે, ખરે ટાણે કામ ન લાગે તેવું.’’

આસિસ્ટન્ટે હસે કહ્યું, ‘‘સાહેબ, તમેય શું ગાંડા જેવો બબડાટ કરો છો.’’

ટેક્નિશિયન કશા અવધાન વગર બહાર નીકળી સિનિયર સિટિઝન કેર સેન્ટર ગયો, તેઓની પાસે અલીના ઘરે જઈ તેના ઈ-મેઈલ એડ્રેસ-પાસવર્ડ શોધવાની પરવાનગી માગી.

બધું ડાયરીમાં જ હતું. તેણે ઓફિસે આવી અને તરત અલીનું ઈ-મેઈલ એકાઉન્ટ ખોલ્યું. 

તે બસ વાંચતો જ રહ્યો મરિયમને લખેલા અને મરિયમે લખેલા લાગણીથી લબાલબ ઈ-મેઈલ. તેની આંખમાં આંસુ જોઈ આસિસ્ટન્ટ બોલ્યોઃ

‘‘વોટ હેપન સર? ’’

પેલાએ કશો જવાબ ન આપ્યો. આસિસ્ટન્ટે કશુંક રિપેર કરતાં કરતાં જ પૂછ્યું, ‘‘સાહેબ, નવા સોફ્ટવેરનું ઈન્સ્ટોલેશન જુઓ છો? કે થઈ ગયું?’’

‘‘હા. કોઈ નવો જ સોફ્ટવેર હાથ લાગ્યો ને તરત ઈન્સ્ટોલ થઈ ગયો, ખબર ન પડે તેમ. પણ કોમ્પ્યુટરમાં નહીં મારામાં.’’

પેલો આસિસ્ટન્ટ ફક્ત હસ્યો, પછી કામમાં પરોવાઈ ગયો. 

ટેક્નિશિયને છેલ્લા ઈ-મેઈલ જોયા તો મરિયમે ફોટા મોકલ્યા હતાઃ તેના અને તેના સંતાનના. લખ્યું હતું…. 

‘‘પપ્પા, મારે ત્યાં આજે સવારે બીજી મરિયમ જન્મી પણ, તમારી મરિયમ જેવી નથી. પણ, તે અદલ તમારા જેવી લાગે છે. તમારા બે દિવસથી સમાચાર નથી તો મેઈલ કરજો, ફોન લાગે તેમ નથી માટે મેઈલ કરું છું. તબિયત સાચવજો. ’’

ટેક્નિશિયને તરત નવી નક્કોર પેનડ્રાઈવ કનેક્ટ કરી તે ફોટા તેમાં લીધા, બધા મેઈલ લીધા અને તે સીધો અલીની કબર વિશે સિનિયર સિટિઝન કેર સેન્ટરને પૂછી તરત ત્યાં ગયો. 

ત્યાં જઈ અને તેની આંખ ભીની થઈ ગઈ. આંસુ સાથે અલીની કબર પર પેનડ્રાઈવ મૂકીને તે નીકળી ગયો. 

Gujarati Varta post office dhumketu Remake Story pendrive By Anand Thakar

નોંધ – આ વાર્તા ‘પોસ્ટઑફિસ’ વાર્તાના લેખક ‘ધૂમકેતુને શબ્દાંજલી સાથે અર્પણ. 

#Gujarati #Varta #postoffice #dhumketu #Remake #Story #pendrive #Anand Thakar

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!