HomeANAND THAKAR'S WORDGujarati Varta : વારતા : પારિજાતનું ફૂલ - આનંદ ઠાકર

Gujarati Varta : વારતા : પારિજાતનું ફૂલ – આનંદ ઠાકર

- Advertisement -

વારતા : પારિજાતનું ફૂલ

આનંદ ઠાકર

Gujarati varta parijat nu ful by anand thakar

બારી ખોલી અને મેં આંખો ચોળી તો કાળી માટીના ક્યારામાં પાણીના પ્રવાહમાં કેસરી રંગના વલયો પડતા હતા!

દૈનંદી ક્રિયા પતાવી તરત શેઢે આંટો મારવા માંડ્યો, ચેન તો પડતું ન હતું, પંખીનો કલરવ જાણે હૈયાને ટોંચતો હતો, ખેતરની ને અડખે પડખેની લીલાશ આંખોમાં ભોંકાતી હતી.

‘હા. અમે અહીં જ રમ્યા હતા. હું ને ભાવના.

- Advertisement -

નાના હતા – સાવ નાના; મારાં મમ્મીના પપ્પા એટલે કે મારા નાનાનું (દાદાનું) આ ખેતર, ખેતરમાં જીવા આતા ભાગિયાત, તેને ત્યાં તેના દીકરાની દીકરી રે’તી, તે ભાવના. ભાવના મા વગર ઊછરી. દેવી ડોશી તેના માટે મા-બાપ બધું. તેનો બાપ સુરત કમાવા ચાલ્યો જતો. છોકરી મા-બાપ વગરની જ થઈ પડેલી!

અમારું ઘર દશેક કિલોમીટર દૂર, પણ અહીં મને પે’લેથી ગમતું એટલે જીદ કરીને હું દાદાને ત્યાં જ રહ્યો, ઊછર્યો. દાદા-દાદી બે જ. દીકરા બધા નોકરી ઉપર એટલે બહાર. વૅકેશન સિવાય કોઈ ન દેખાય.

નાનાં હતા સાવ નાનાં; ભાવના અને હું હા. હું, પ્રશાન્ત ભટ્ટ. અત્યારે સિવિલ એન્જિનિયર.

આ ખેતરની માટી આજે સવાર – સવારમાં શાતા આપી રહી છે. મને યાદ છે અહીં જ … અહીં જ… આ વડલાની હેઠે જ, આ જ ખેતરની માટીથી ભાવના રોજ સવારમાં શિવલિંગ બનાવતી ત્યારે તે ખૂબ વહાલી લાગતી હતી, જોકે એ ખ્યાલ આજે આવે છે કે ત્યારે વહાલી લાગતી હતી!

એ માટીનું શિવલિંગ બનાવે એટલા સુધીમાં હું ફૂલ લઈ આવું. મને તો દાદા વહેલો ઉઠાડે અને નાહી કારવી દાદાનાં ફૂલ લેવા જવાનાં. પછી, અમારા માટે ફૂલ લેવા જતો. ફૂલ છોડ પણ કેટલા બધા. પચાસ – સાઠ તો ગુલાબ, બરાબર યાદ છે મને; ચંપાનું મોટું ઝાડ હતું. તે મારાથી અંબાતું નહીં અને હું લાકડીથી ફૂલ ખેરવતો…

- Advertisement -

… મને યાદ આવ્યું તો ચંપો જ્યાં હતો એ જગ્યા પર નજર કરી તો ચંપો ન હતો! એના ફૂલ ભાવના નાની હતી તે ’દિની તેના વાળમાં નાખતી.

આ ચંપાથી થોડે દૂર પારિજાતનું વૃક્ષ હતું; કેસરી દાંડલી ને સફેદ પાંદડીવાળાં એ ફૂલનું આકર્ષણ મને બહુ જ રહેતું. ભગવાન માટે લેતો તેમાંથી પારિજાતનાં ફૂલોને અલગ રાખતોઃ થોડાં મારા ખિસ્સામાં નાખું અને થોડાં ભાવનાને આપું, તે તેના ખિસ્સામાં કે રૂમાલમાં બાંધી રાખતી.

પછી, પેલા માટીના શિવજીની ફૂલો ચડાવી પૂજા થતી. હું ‘‘સૌરાષ્ટ્રે સોમનાથંશ્ચ…’’ એ શ્લોક કાલીઘેલી ભાષામાં બોલતો અને ભાવના મુગ્ધ મને બે હાથ શિવજી સામે જોડે ને બે આંખો મારી સામે જોડે…!

મેં વડલાને થડીયે હાથ મૂકી જાણે મનોમન પૂછી લીધું, ‘‘તને કંઈ સાંભરે રે…?’’ વડલાએ સવારના મંદ પવનમાં પાનની જીભ સળવળાવી કીધુઃ ‘‘મને કેમ વિસરે રે…! ’’

રમવા જેવડો હતો ત્યારે તો આમ ક્યારેક આવી જતો, રમી જતો, નજીક હતું ને ઘર! પણ પછી, ભણવા જેવડો થયો એટલે આઠમાં ધોરણમાંથી અહીં જીદ કરીને દાખલ થઈ ગયો. કારણ તો ત્યારે બધાએઃ દાદાનું ઘર ગમે છે એવું માની લીધેલું, પણ કંઈક હતું કે હું અહીં આવ્યો. એ ‘કંઈક’ મને મોડું સમજાયું.

- Advertisement -

ભાવનાના મૃત્યુના સમાચારે મને સ્મરણોની સાંકળથી બાંધી લીધો. ત્યારેય ભણવા આવ્યો તો ય ખબર ન હતી કે કેમ હું અહીં આવી ગયો અને ભાવનાના મૃત્યુના સમાચાર વાંચ્યા પછીય હું અહીં કેમ આવ્યો? તે મને સમજાતું નથી. ભાવના સાથે ‘કંઈક હતું’નો જવાબ તો આજ સુધી નથી મળ્યો છતાં આ સૂરજનાં કિરણોની જેમ દોડી આવતાં ને જ્યાં નજર નાખું ત્યાં પથરાઈ જતાં સ્મરણોમાંથી કદાચ જવાબ મળીયે જાય…

હું આ શેઢે ફરતો હતો ત્યાં દેવીઆઈએ સાદ પાડ્યો. હવે, અહીં દેવીઆઈ અને જીવાઆતા બે જ છે. તેનો નાનો દીકરો ખેતર સંભાળે છે. હવે, દાદા-દાદી મામાને ત્યાં છે.

હું દેવીઆઈ પાસે ગયો. તેણે ભઠ્ઠામાંથી તપેલી કાઢી ચા આપી. ચા પી અને હું ફરી ખેતરમાં ચાલવા માંડ્યો….

…. પછી તો અમે મોટાં થવા લાગ્યાં હતાં, તેણે હવે ખમીસ-ઘાઘરો કાઢી, પોલકું – ચણિયો ને નાની ચૂંદડી પે’રવા માંડી હતી.

પછી, શિવલિંગ ન બનતું.

હું ફૂલ લેવા નીકળતો એ વેળા તે વાસીંદું કરી અને ત્યાં છાણા થાપવા આવતી, ત્યારે અમે સવારનું પે’લું હસતા… મારી સવાર જાણે ઊગતી – ’દિ ઊગી જાતો… હા. હવે અમે મોટાં થયાં હતાં! હું ઘણીવાર ત્યાં જોયા કરતો. તે કાછડો વાળી છાણાં થાપતી તો તેની પગની પાનીથી લઈ અને અસ્તવ્યસ્ત વાળની નમણાશને હું ક્યા મૂલે મૂલવું તે આજે નથી સમજાતું. છાણા પર તેના પડતાં આંગળાં એક અલગ ભાત ઉપસાવતાં, એ સહજ વાત હોવા છતાં મારા માટે એ અલગ એટલે હતી કે મને છાણા થાપવા કરતાં છાણા થાપવાવાળીમાં વધારે કલા દેખાતી. આ ભાનેય આજે કદાચ બીજીવારનું થાય છે….!

હું ફરતાં – ફરતાં કુંડે પહોંચી ગયો. મશીન શરૂ છે, પાણીનો ધોધ વહે છે, નીચે મોટી છીપ્પર છે ભાવના રોજ સાંજે ખેતરનું કામ પતાવી એ છીપ્પર પર નળિયાનો નાનો કટકો લઈ અને પગ ને હાથ ધોતી, ઊજળા રહેવાનું તેને ગમતું!

સાબુ રાખતી, અરીઠાનું શેમ્પૂ તે જાતે તૈયાર કરતી; હું ના’વા બેસું ત્યારે માથામાં એ રીતે રેડતી કે મારી આંખોમાં બળતરા ઊઠતી. પછી લાલ આંખો થઈ જાય એટલે મને ચીડવવા ગાતી.

‘‘ઓ રંગ રસિયા ક્યાં રમીયા’વ્યા રાસ રે…
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કીધો? ’’

…એક દિવસ આમ જ અરીઠાનું પાણી રેડી દીધું, થોડું આંખોમાં ગયું, નાહી લીધું પછી મેં એને પકડી હતી, પેલા ઢાળિયામાં રસોઈ કરતી હતી, રોટલો ટીપતી’તી, તેના હાથનો જ રોટલો મોઢે ચોપડી દીધો હતો…

એ દિવસે અબોલાયે રહ્યાં’તા પણ હવે…

હવે તો કાયમ માટેના અબોલા લઈને ચાલી નીકળી…

કોઈ આટલી હદે નિર્દય કેમ થઈ શકે? કે કોઈને મારવા માટે મજબૂર થવું પડે…!

એની આંખોની ચમક અલગ હતી. એ પાઉડર ન લગાડતી ત્યારે પણ તેના ગાલ ગોરા અને ભરાઉદાર હતા, આંખોમાં આંજણ હોય – ગોરા બદન પર કાળો રંગ કાળો હોવા છતાં કેવો સૌંદર્યવાન થઈ જાય! તે મને ત્યારે સમજાતું.

સાંજે હું અગાસી પર લેશન કરવા જતો ત્યારે તે પણ લેશન કરવા ત્યાં આવતી. ઘણી વાર અસ્ત થતા સૂર્યનાં લાલ કિરણોથી આચ્છાદિત ભાવનાને જોતો ત્યારે તે મારી નજરને નિહાળ્યા કરતીઃ કોઈ નિર્દોષને નિર્મળ આંખો તમને તાકતી રહે છે ત્યારે સમજવું કે તમને કોઈ સમર્પિત થઈ ગયું છે. કદાચ, એટલે જ ભારતીય પરંપરામાં ભગવાનનાં ‘દર્શન કરવા’ની પ્રથા પડી હશે!

Also Read::   Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય

હા. ભગવાન પરથી યાદ આવ્યું; નવરાત્રીમાં એ સજીધજીને રમવા જતી, ત્યારે એ ખૂબ સુંદર લટકણિયાં પહેરતી તે મને ગમતાં. એ લટકણિયાંની સાથે સાથે તેના કોમળ કાન અને સુડોળ ગર્દનની માસૂમિયત ઔર નીખરી  ઊઠતી.

મને ત્યારે એ પરાણે કેડિયું પે’રાવતાં કેટલાય અટકચાળા કરી લેતી, પછી હું તેનો હાથ પીઠ પાછળ વાળી દેતો ત્યારે મને તાકી રહેતી અને હું તેને છોડી મૂકતો. કોણ જાણે એની આંખોમાં એવું શું નૂર હશે? તે મને આજ સુધી ખબર નથી પડી.

મને થોડો મીઠો મૂંઝારો થયો. શેઢા પર ફરતાં – ફરતાં ફરી ઘર તરફ વળી ગયો.

ઘર પર પહોંચ્યો તો દેવી આઈ ગાયને ધણમાં મૂકવા જતાં હતાં. ત્યારે યાદ આવ્યું કે આ ગમાણમાં ચાર ગાયો રહેતી, દેવીઆઈ અને ભાવના વાસીંદું કરી લે પછી દેવીઆઈ ‘પરસાન્ત એ…. પરસાન્ત..’ કરતાં બોલાવે એટલે હું જતો અને હું ને ભાવના દૂધ દોહી લઈએ.

ભાવનાનો ખાલીપો દેવીઆઈના વારે – વારે આવતા નિસાસાનાઅવાજમાં આજે કળાતો હતો!

પછી સમય ઝડપથી પલટાયો. મારે કૉલેજમાં જવાનું થયું હતું, ભાવનાની સગાઈ થઈ ગઈ, એક દિવસ કૉલેજના વૅકેશનમાં હું અહીં આવ્યો હતોઃ

ભાવનાની આંખોમાં તે ’દિ મેં પેલુ  તેજ હણાયેલું જોયું, તેની આંખોમાં કરુણતા હતી, તેના ચહેરા પરથી પેલી માનુની ભાવનાનો ચહેરો જાણે કોઈએ ઉતરડી લીધો હોય તેમ તે ઉદાસીભર્યું  હસી! પણ તેની કરુણાસભર આંખો હું સહન નહતો કરી શકતો, આજેય યાદ છે તે આંખો.

બપોરે હું ફળિયામાં ઢોલીયે સૂતો’તો. ઈચ્છા હતી કે ભાવનાને મળું, પૂછું. પણ હવે એ હિંમત પેલી આંખોને જોઈને જાહેરમાં કરી શકું તેમ ન હતો. મારું મન કે’તું ’તું કે એ આંખો એકાન્ત માંગે છે…

એ અંદર હતી. ચારેક વાગ્યે ચા લઈને આવી. મને રકાબીમાં ચા આપતાં નજર મેળવી હતી… એ કંઈ કહેવા માંગતી હતી, મારાથી કશું બોલાયું નહીં.

થોડી વારે તે દાતરડું ને કપડું લઈને બહાર નીકળી, ફળિયામાં આવી, થોડીવાર થોભી, પછી બોલી, ‘‘એકલા – એકલા કંટાળી ગયા હોય તો હાલો શેઢે.’’ ત્યાં દેવીઆઈ બોલ્યા, ‘‘હા, પરસાન્ત, આંયા બેઠા – બેઠા હું કરાહ ઝાની, તારા આતા તો મોહીઆઈને ઘેર ગ્યા સ ને કાકા તાલુકે ગ્યા સ. ઝા…ઝા… વળી, ભાવનીને હથવારો રેહે.’’

દેવીઆઈ પણ જાણે અમારી આંખોને તાગી ગયાં હોય તેમ હસતાં – હસતાં બોલેલાં, મારાથી સહેજ મલકાઈ જવાયું હતું. પણ, ભાવનાનો ચહેરો જેમનો તેમ જ હતો.

હું ચૂપચાપ તેની પાછળ – પાછળ ચાલવા લાગ્યો હતો. ઘરથી ઘણાં દૂર નીકળી ગયાં પછી બોલી, ‘‘મારી  સગાઈ થઈ ગઈ છે, આ ’મા (મહા) મઈને લગન છે.’’

એના ઠંડાગાર શબ્દોએ મને વધુ ચૂપ કરી દીધો હતો. તેલ નાખેલા, ઓળાવેલ પીન નાખેલ વાળ ચોટલે ફૂમતું  લટકતું હતું, ગાલ ઉદાસીની ચાડી ખાતા’તા, રૂપ લાચારી દર્શાવતું હતું, આંખો ઝાકળ વરસાવતી – સાચવતી ફૂલ પાંખડી બની જવા લાગતી હતી, બસ મેં ટીકીને આવું જોયું હતું. પછી બોલ્યો હતો, ‘‘સારું….’’ બીજું શું બોલવું તે મને ન સમજાયું. બસ, એમ જ શેઢો આવી ગયો. તેણે કાછડો વાળીને ઘાસ વાઢવા માંડ્યું. હું એક પા’ણા (પથ્થર) પર બેઠો. દાતરડાના એવા લસરકા લેતી હતી કે તેની અંદર ધૂંધવાતી ખીજ હું તેના કામમાં જોઈ રહ્યો હતો, તેણે ઘાસ ભરવાનું ફાળિયું મારી પાસે પાથરેલું. તેમાં ઘાસ નાખવા આવી કે મારાથી રહેવાયું નહીં, તેની આંખો તગતગતી હતી, મેં પૂછ્યું, ‘‘ભાવના…., મને નહીં કહે; તેં તો મને માનથી બોલાવી પરાયો કરી દીધો.’’

તેના હાથમાંથી ઘાસ પડી ગયું. તે જાણે અન્યમનસ્ક થઈ ગઈ, જાણે હમણાં પડી જશે! તે થોડું સાહસ કરી મારી પાસે આવીને ત્યાં જ બેસી પડી અને રડવા માંડી હતી.

હું તેને ઘણીવાર જોયે રાખ્યો હતો. આજે ખબર પડે છે કે હું જાણે નિઃસહાય જ હતો! પછી, તેના ચહેરાને પકડી આંસુ સાફ કર્યાં. તેના હીબકાં શાંત થયાં પછી બોલી હતી.

‘‘તે માણહ નથી, પ્રશાન્ત, મને ખાઈ જાહે. ’’

હું જરા ડરી ગયો હતો. મેં કહ્યું હતું, ‘‘જો ભાવના, વાત શું છે? તને નથી ગમતું?’’

‘‘ના. જરાય નય. પણ મારું કોણ સાંભળવા નવરું છે? આજે મા યાદ આવે છે… મા, દીકરીની જીભ છે, પ્રશાન્ત. મારી મા જીવતી હોત તો…’’

પછી, રડતાં-રડતાં એ જ બોલી, ‘‘નય, તોય મારો બાપ એને મોઢેય તાળાં મારી દેત. હું જીવતી નય રવ, જ્યાં મારું નાતરું કર્યું છે એ બધાય કસાયું છે.’’

‘‘પણ કરે છે શું?’’

‘‘દૂધનો ધંધો કરે છે, અમીરજાયો છે.’’

તેણે મોટું ડૂસકું લઈને કીધું; ધીમેકથી, ‘‘પ્રશાન્ત, કેટલીય છોકરીયુંના જીવતર બગાડ્યાં છે.’’

‘‘ભાવના, તારી વાત બરાબર છે, હું બીજું શું કરું? તું તો ભણેલી છે, પછી તેને સમજાવી અને તારો બનાવી લેજે – તારો પોતાનો.’’

બધી સ્થિતિથી વાકેફ હોવા છતાં હુંય ત્યારે તેને અટકાવી શક્યો ન હતો. હું પૂરી રીતે હચમચી ગયો હતો. પણ, પછી તો એણે કહી જ નાખ્યું, ‘‘પ્રશાન્ત હું તારા ઘરનું જિંદગી આખી કામ કરીહ. આપણે હારે જિંદગી ન કાઢી હકીએ…., તું તારે પરણજે. હું તો કામવાળી તરીકે તારા ઘરે રઈશ, આખી જિંદગી…’’

મેં તેના હોઠ પર હાથ મૂકી દીધા. તેણે મારી સામે બે હાથ જોડેલા, તેની આંસુ ભરી આંખો – આ એવું તો બન્યું કે… ખરેખર, સમય ઘણીવાર એવું બંધન કરે છે કે ત્યાં માણસને ચલાવનારી શક્તિની  શક્તિ પણ કામ નથી આપી શકતી. પણ, હા. મેં મારા આંસુને છુટ્ટાં મૂકી દીધાં હતાં. કારણ કે; બધા બંધનોથી ઘેરાવ ત્યારે મુક્ત કરવા જેવા માત્ર આંસુ જ હોય છે.

તેણે મારી આંખોમાં આંખો પરોવી હતી. એ સ્ત્રી હતી. સ્ત્રીને કશાં બંધન બાંધી શક્યાં નથી. તેણે મારાં આંસુ લૂછ્યાં હું વધુ ભાંગી પડ્યો, ખરું કહું તો હું રડતો હતો તેનુંય મને ભાન ન રહ્યું, આજે તેનો સ્પર્શ પણ મને કશો શાન્ત્વિક અહેસાસ કરાવતો હતો.

Also Read::   Kakasaheb મહારાષ્ટ્રીયન દત્તાત્રેય બાલકૃષ્ણ રાજધ્યક્ષી  કઈ રીતે  બન્યા " સવાઈ ગુજરાતી " 

આખરે તે મારા ખોળામાં માથું નાખી હીબકાં ભરવા લાગી હતી. હું ય હોઠને દબાવી મારા રુદનને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતો રહ્યો હતો.

હું બસ, તેના માથા પર હાથ ફેરવો હતો, જે કહેવાનું હતું – એકબીજાને – તે કામ આંખો અને આંસુએ કરી દીધું હતું. શબ્દો તો ક્યારના આસપાસ ઘૂમરાઈને સ્થાન શોધતા હતા…

આ બધું જ મને યાદ છે. ક્ષણોની એક એક સળ સાચવીને રાખી છે. કેમ ન રાખું?

આ મળવું અમારું છેલ્લું – પેલ્લું હતું, એવું તેની આંખોમાં દેખાતું મૃત્યુ મારી સામે ચાડી ખાઈ રહ્યું હતું. પણ હું તે મૃત્યુને અવગણવાનો યત્ન કરતો હતો; આપણને કોઈ ગમે છે ત્યાં કશા અધ્યાસોને સ્થાન હોતું નથી. સર્વોપરી સમય પણ એ ક્ષણોમાં ક્યાંક ક્ષણવિહીન વિક્ષત દશામાં ઓગળી જાય છે!

દેવીઆઈ ત્યાં ક્યારે ગાયને ધણમાં હેળવી આવી ગયાં તેનો મને કયાસ ન રહ્યો!

એ મારી બાજુમાં આવીને બોલ્યાં, ‘‘દીકરા, આપણે એમ માનવું કે મોતને એમ આવવું મંજૂર હહે.’’

હું ચોકી ગયો. મેં વૃદ્ધાની ક્ષીણ આંખોમાં તેજવંત પાણી જોયું, તેણે ઘાટડીને છેડે આંખો ચોળી, અમે બન્ને એકબીજાને તાકી રહ્યાં ને પછી મેં કહ્યું, ‘‘પણ, આઈ, એકવાર ભાવનાએ મને બોલાવી લાધો હોત…’’

હજી હું વાત પૂરી કરું ન કરું ત્યાં ધીમે અવાજે આભમાં આંખ્યું ટેકવતાં દેવીઆઈ બોલ્યાં, ‘‘દીકરા, એવો ક્યાં અણહલો જ આવવા દીધો એણે. એકવાર આવી’તી લગન પસે. એના આતા બા’ર ગ્યા કે મને વળગી પડી’તી, કીકલી હોય એમ! અને ભાઈ, બસ ઈ તો હીબકાં ભરે તે વાત નય એવાં પસે મેં માંડ છાની રાખી. બધું પુસ્યું તો કે આઈ હું ન્યા હવે નય જાવ મેં કું વાત તો કર્ય તો કે ઈનો ઈવડો ઈ રોજ એને મારતો, આખો ….’દિ મારી રૂપા જેવી દીકરી પાંહે ઘર આખાનો ઢહડો કરાવતો.’’

દેવીઆઈને ગળે ડૂમો ભરાઈ ગયો. તે રડવા માંડ્યાં, આંસુ સાથે વાત આગળ ચાલી.

‘‘બીજું હંધુય હલાવી લેય પણ, ઓલો હંધી વાત્યે પૂરો હતો. દીકરા, ઘરના ભાયડા બાયડી હામે જ બીજીને…. ઈ તો કેમ સહન થાય! તોય બાયડી સહન કર્યે જાય. આજ હારો ’દિ આવે, કાલ હમજી જાહે એમ કરીને…’’

‘‘ઈ એને હાહરે ગઈ પછી તરીજે જ ’દિ હવારના પો’રના હમાસાર આવ્યા….’’

એ સમાચાર ભાવનાના મૃત્યુના હતા પણ દેવીઆઈને આજેય એ શબ્દ કદાચ એટલો જ ભારે લાગ્યો હશે! માને દીકરી માટે બે જ બાબત ભારે લાગે છે જમાઈ ને જમ…! તેણે મોટો નિસાસો મૂક્યો.

‘‘પછી, હું ને તારા આતા બેય ગ્યા. એના બાપને સુરતથી બોલાવ્યો. અમે જોયું તો ભોં પર લઈ લીધી’તી…’’

‘‘ઈ કાંઈ હાસું થોડાં કે’ય? ઈ કે’ય કેઃ પંખે લટકાઈને આપઘાત કર્યો. હવે, ઈનો પંખો તો હાવ નીસો સે. પણ, પસી લાશને સૂંથવા જેવું હતું. ભારે રાજકારણીય સે ઈ લોકું, આપણા જેવાનું હું ગજું? પણ કારજે ગ્યા’તા તે’દિ એની દૂધની રેક્ષા હાંકવાવાળો ડરાઈવર તારા આતાને એકલો બીડી પીવા લઈ ગ્યો ન્યાં બોલ્યો કે આતા, હવારમાં સ્યાર વાગ્યે દૂધની રેક્ષા ભરવા આવ્યો તંયે બાઈ અંદર રાડુ પાડતી’તી દબાયલા ગળે, પણ ઘડીમાં અવાજ અલોપ થઈ ગ્યો. થોડીવાર પસી બધા બાર નેકળ્યા ને કે’વા લાગ્યા ‘વ’વ લટકી ગઈ’ પણ, મને લાશ હેઠી લેવા બોલાવ્યો તંયે પગ બાજુનો ઓસાડ આખો સૂંથાયેલ હતો. આતા, મને શંકા ગઈ, મેં બેનના ગળા હામું જોયું તો મને હાથનો સાપો લાગ્યો. તમી કોઈને કે’તા નય, મારા પેટનો સવાલ સે. લે, દીકરા આમ વાત સે.’’

મારો હાથ પકડીને દેવીઆઈ ઓસરી ચડ્યાં ને રૂમમાં આવ્યાં ને બબડ્યાં, ‘‘નખ્ખોદ જાય એવા કહાયુંનું….’’

પછી, એ એક પટારા પાસે ગયાં. મને બોલાવ્યો. પટારામાંથી લાલ ઘાટડીના કટકાની પોટલી મારા હાથમાં મૂકી. મેં વિસ્મય રીતે પોટલી ખોલીઃ તેમાં ભાવનાનાં ઝાંઝર હતાં, કાનનાં ઝૂમખા હું શે’ર માંથી લઈ આવ્યો હતો એ હતાં. અને નળિયાનો કટકો હતો જેના વડે એ એનાં અંગને ગોરા કરવા ઘસતી. એ બધું ઓળખતાં મને વાર ન લાગી. પછી, હું કાંઈ પૂછું એ પહેલાં જ દેવીઆઈ બોલ્યાં, ‘‘દીકરા, આ સેલ્લી-પેલ્લી ઘેર આવીને ભાવના, તંયે બાંધીને મૂકતી ગઈ’તી. મને કે ઓલો પ્રશાન્ત આવશે, એ આવે તો એને આઈ, આ પોટલી આપી દેજો ને ઝાંઝર અને ઝુમખાં કે’જો મારા તરફથી એની વ’વને  પે’રાવે. કુણ જાણે ઈ પાસો મને મળે ન મળે.’’

ભાવનાનાએ સંદેશા સાથે દેવીઆઈ પણ બોલતાં બંધ થઈ ગયાં, વળી ઢીલાં થઈ બોલ્યા, ‘‘મને તો તે’દિનો ગવેહ થઈ ’ગ્યો ’તો દીકરા, હવે આ સોડી લાંબું નય કાઢે.’’

મેં એ પોટલીને સજળ નેત્રે ચૂમી લીધી. હવે, તો દેવીઆઈ સામે મોતે પડદો ખોલી દીધો હતો. ખરેખર, મૃત્યુ જીવનને નિર્મળ અને નિર્દોષ બનાવી દે છે.

એ પોટલીને મેં આંખે અડાડી લીધી ને હૈયા સરસી ચાંપી લીધી. કારણ કે, આ આનંદ ભાવના વસ્તુ રૂપેય મળ્યાનો માત્ર ન હતો. જે વ્યક્તિ આપણને મળે છે ત્યારે તે વસ્તુમાં રહેલા એ વ્યક્તિના તરંગો આપણા હૈયાને સ્પર્શે છે.

મેં ફરી ફરી એક એક ચીજને આંખોમાં ભરી, ચૂમી અને પોટલી વ્યવસ્થિત બાંધી, આ બધું જોઈ રહેલાં દેવીઆઈ બોલ્યાં, ‘‘દીકરા, લગન કેમ કરી નેથ લે તો? વ’વ લય આવની.’’

મેં કહ્યું, ‘‘આઈ, લગન થઈ ગ્યાં.’’

આઈ ચોંકીને હસતાં બોલ્યાં, ‘‘લે.., કુની હાર્યે? ’’

મેં કહ્યું, ‘‘આઈ, આ પોટલી હાર્યે.’’

અને હસતાં હસતાં રડી પડ્યાં. તેણે તેનો સ્નેહાળ હાથ મારા માથા પર ફેરવ્યો અને મેં મારું માથું પોટલીમાં નાખ્યું જાણે ભાવનાના ખોળામાં માથું હોય તેવો શાન્ત્વિક અનુભવ થયો.

લેખક – આનંદ ઠાકર

( આ વાર્તા ‘અખંડ આનંદ’ ડિસેમ્બર – 2010 માં પ્રગટ થઈ હતી. આજે નવા માધ્યમ પર મૂકી છે. ત્યારે અઢળક પાત્રો મને મળેલાં આ વાર્તાના… – આનંદ ઠાકર – WhatsApp – 9979657360 )

વિશેષ – આવી અન્ય વાર્તાઓ વાંચવા માટે લેખકનો વાર્તા સંગ્રહ ‘ પેનડ્રાઈવ ‘ મેળવવા માટે સંપર્ક કરો….

https://www.bookpratha.com/bookdetail/Index/147696?name=Pendrive

Or

Pendrive

આપના પ્રતિભાવની અપેક્ષા રહેશે….

Gujarati varta parijat nu ful by anand thakar

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!