Health Immunity Antibodies Ayurveda Lifestyle
ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ- 9
Contents
આજે “યોગા” નહીં, “યોગ” વિશે….
– વૈદ્ય પાર્થ ઠક્કર
“ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે” લેખમાળામાં ફક્ત શરીરની નહીં, પણ શરીરની સાથે સાથે મન, ઇન્દ્રિયો અને આત્માની ઇમ્યુનિટી માટે “યોગ”ની વાત કરીએ… યોગ અને આયુર્વેદ પરસ્પર સંકળાયેલા છે.
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” જેવી સુંદર પહેલ ખૂબ આવકાર્ય અને જરૂરી હતી. અને યોગને આખી દુનિયા જાણતી સમજતી થાય એ બહુ સારી વાત જ છે. પણ એ આનંદની સાથે થોડું આત્મમંથન પણ કરવું જરૂરી છે અને હવે પછીના સમયમાં યોગનો જ પ્રચાર થાય અને યોગ અંગેની ગેરમાન્યતાઓ, ગેરસમજણો ફેલાતી અટકે એ જોવાની આપણી જવાબદારી પણ એટલી જ વધે છે. ખાસ કરીને યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા લોકો (એમાં ખાસ આયુર્વેદ વિશ્વ પણ આવી જાય)એ પોતે યોગને સાચા અર્થમાં સમજી યોગની ક્લિશે ઈમેજ બનતી અને આગળ વધતી અટકાવવી જરૂરી છે.
જીવનની વ્યાખ્યા…
જ્યારે આપણે ઇમ્યુનિટીની વાત કરતા હોઈએ ત્યારે શરીરની ઇમ્યુનિટી તો મહત્વની છે જ. પણ મનની, ઇન્દ્રિયોની અને આત્માની ઇમ્યુનિટીનું શું? આયુર્વેદમાં જ આચાર્ય ચરક “આયુ” એટલે કે જીવનની વ્યાખ્યા આપતાં કહે છે, કે
शरीर इन्द्रिय सत्त्व आत्मा संयोगो धारि जीवितम्।
नित्यगश्च अनुबन्धश्च पर्यायै: आयु उच्यते।।
(चरकसंहिता सूत्रस्थान दीर्घंजीवितीयं अध्याय: 42)
એટલે કે શરીર, ઇન્દ્રિયો, સત્ત્વ (એટલે કે મન) અને આત્માનો સંયોગ એટલે આયુ (જીવન). એ આયુને લગતી તમામ બાબતોનું જ્ઞાન જેમાં છે એ “આયુર્વેદ”. સો- કોલ્ડ મોડર્ન (બેટર ટુ સે- વેસ્ટર્ન) વિજ્ઞાન હજી શરીરને પણ એની સંપૂર્ણતામાં નથી સમજી શક્યું, મન-આત્મા સુધી પહોંચતાં તો એને સદીઓ લાગશે. (અમુક બાબતોમાં પૂર્વગ્રહ, જીદ અને બાયસ રાખશે તો પહોંચશે કે નહીં એ પણ નક્કી નથી. 😉 )
“સ્વસ્થ”ની વ્યાખ્યા…
જ્યારે આચાર્ય સુશ્રુત “સ્વસ્થ”ની વ્યાખ્યામાં સમદોષ, સમ અગ્નિ, સમ ધાતુ અને સમ મલક્રિયાઓમાં શરીરના સ્વાસ્થ્યની વાત કર્યા પછી “આને સ્વસ્થ કહેવાય” એમ કહેતાં પહેલાં “प्रसन्न आत्मेन्द्रिय मन” શબ્દ ઉમેરે છે, એટલે કે શરીરની સાથે એના આત્મા, ઇન્દ્રિયો અને મન પણ પ્રસન્ન હોવા જોઈએ, ત્યારે માણસ સ્વસ્થ કહેવાય.
ગેરસમજણ…
સૌથી પહેલાં સૌથી મહત્વની વાત. જ્યારથી યોગની પ્રસિદ્ધિ વધવા લાગી ત્યારથી યોગ એટલે આસનો અને પ્રાણાયામ એવી યોગની ઈમેજ થવાની શરુઆત થઇ ગઈ અને એ ગેરસમજણ અત્યારે શિખર પર છે. આ મિથને દૂર કરવાનો પ્રયત્ન મોટા યોગાચાર્યો કે યોગ શિક્ષકોએ પણ બહુ ખાસ કર્યો હોય એવું નથી દેખાતું. યોગનાં આઠ અંગો છે અને એમાંના બે જ અંગો એટલે આસન અને પ્રાણાયામ. યોગના અનેક પ્રકારોમાંથી એક એવા ‘હઠયોગ’માં જ આસનોને મુખ્ય ફોકસ આપવામાં આવ્યું છે. બાકી આખા જીવનમાં એક પણ આસન ન કર્યું હોય એવો વ્યક્તિ પણ ઉચ્ચ કક્ષાનો યોગી હોઈ શકે અને આખી જિંદગી આસનો કર્યા હોય પણ જેને યોગી ન કહી શકાય એવા લોકો પણ હોય. આસન અને પ્રાણાયામને પણ લોકો સાચા અર્થમાં નથી સમજતા. બાહ્ય ક્રિયાઓ સાથે જોડીને લોકોએ યોગનું બહુ નુકસાન કર્યું છે. યોગ એટલે માત્ર જીમ્નાસ્ટિકસ અને એરોબિકસ જેવી ફિઝીકલ એક્ટિવિટી નહીં.
યોગના આઠ અંગો જુઓ:
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ. સીધી સમાધિની વાતો કરતા અને યોગની શિબિરોમાં આસન અને પ્રાણાયામ જ કરાવતા યોગાચાર્યો પહેલા બે અંગો યમ નિયમની વાત કેમ નહીં કરતા હોય? અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), અપરિગ્રહ (સંગ્રહ ન કરવો) અને બ્રહ્મચર્ય (બ્રહ્મચર્યનો મૂળ અર્થ પણ પ્રચલિત સંકુચિત અર્થ કરતાં ખૂબ વિશાળ છે.) આ પાંચ “યમ” છે. શૌચ (શરીર-મનની શુદ્ધિ), સંતોષ, તપ (કષ્ટો સહન કરવાની ક્ષમતા.. ઉનાળામાં એસી વગર ન જીવી શકે એ યોગમાં પણ આગળ ન વધી શકે.), સ્વાધ્યાય (નિરંતર અભ્યાસ), ઈશ્વરપ્રણિધાન (ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા) આ પાંચ “નિયમ” છે. આ કુલ દશ યમ-નિયમ જીવનમાં ઉતરી જાય પછી આસન પર આવવાનું છે. 😀 એ પછી જે આસન-પ્રાણાયામ થશે એ જ તમને યોગમાં આગળ વધારશે. એ પહેલાં થતા આસન પ્રાણાયામમાં અને સામાન્ય શારીરિક વ્યાયામમાં કોઇ ફરક નથી..
“કરો યોગ, રહો નિરોગ”, “યોગ ભગાવે રોગ” જેવાં ટિપિકલ સૂત્રો/નારા સાચા હોવા છતાં મને બહુ યોગ્ય નથી લાગતા. ભલે એ સૂત્રો ખોટાં નથી, પણ આ સૂત્રો યોગ વિષે લોકોની માનસિકતાને એ દિશામાં લઇ ગયાં છે કે જ્યાંથી સાચી દિશામાં પાછું વાળવું બહુ અઘરું છે. યોગથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે એ યોગનો મુખ્ય હેતુ છે જ નહીં. કદાચ હેતુ પણ નથી. આગળ જોયું એમ આપણું અસ્તિત્વ શરીર પુરતું મર્યાદિત નથી. આત્મા, મન, બુદ્ધિ, ચિત્ત એ બધું આપણા અસ્તિત્વનો હિસ્સો છે. એ દરેક એના અલ્ટિમેટ સ્વાસ્થ્યને યોગ દ્વારા પ્રાપ્ત કરે છે. અને એ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય એ યોગમાં થયેલી પ્રગતિની આડપેદાશ છે.
યોગની કેટલીક વ્યાખ્યાઓ પ્રચલિત છે એ જોઈ લો:
*युज्यते अनेन इति योगः।*
જે જોડે છે એ યોગ છે. પહેલાં શરીર-મન-આત્માને પછી આત્મા-પરમાત્માને.
*समत्वं योग उच्यते।*
સમતા- સુખ દુઃખ, માન અપમાન, ફાયદો નુકસાન જેવી પરિસ્થિતિઓમાં બેલેન્સ રાખવાની ક્ષમતા એ યોગ છે. (આ થઈ જાય પછી ડિપ્રેશન ક્યારેય નહીં આવે.)
*योगः कर्मसु कौशलम्।*
કર્મમાં- પોતાના કાર્યમાં કુશળતા એ યોગ છે.
*योग: चित्तिनिरोधः।*
ચિત્તિ એટલે કે બુદ્ધિ/પ્રજ્ઞાની વૃત્તિ. એ ચિત્તિનો નિરોધ થવો એ યોગ છે. અહીં પણ એક મોટી ગેરસમજણ પ્રવર્તે છે. એને રોકવી એ યોગ છે કે એને રોકવાથી યોગમાં આગળ વધાય એવું નહીં. યોગમાં જેમ જેમ પ્રગતિ થતી જાય એમ આપોઆપ એ ઓછું થતું જાય. ઓશોએ સંયમ અને દમન વચ્ચેનો જે ભેદ સમજાવ્યો છે એ અહીં લાગુ પડે છે.
ઉપરોક્ત દરેક વ્યાખ્યાઓ “યોગ”માં થતી પ્રગતિ બાદ મળતું ફળ છે. તમે એમ ન વિચારી શકો કે સમત્વ આવી જાય તમારામાં એટલે યોગ સધાઈ ગયો. એ સમત્વ કાચું, ઉપરછલ્લું અને બુઠ્ઠું હશે. જેમ યોગમાં આગળ વધશો એમ સમત્વની ક્ષમતા વધશે. જેમ યોગમાં આગળ વધશો એમ જોડાણની અનુભૂતિ વધશે. જેમ યોગમાં આગળ વધશો એમ જે કામ કરવું હોય એના માટેની કુશળતા વધશે. એના માટે યમ નિયમના સ્તરે શરૂ કરીને યોગાભ્યાસ કરવો પહેલી શરત છે.
બોલો, છે આમાંની કોઈ વ્યાખ્યામાં શરીરની વાત? તો માત્ર શરીરના સ્વાસ્થ્ય સાથે યોગનો આટલી હદે કેમ “યોગ” કરી રહ્યા છો? આ બધી વ્યાખ્યાઓમાં એક એ પણ સાબિત થાય છે, કે યોગ એ કોઈ ક્રિયા નથી, પણ એક અવસ્થા છે, અસ્તિત્વનું એક સ્ટેજ છે. શારીરિક સ્વાસ્થ્ય પુરતું જ યોગને મહત્વ આપવામાં આવ્યું એ એક વિજ્ઞાન તરીકે યોગ સાથે થયેલું સૌથી મોટું ડીઝાસ્ટર છે.
યોગનો હેતુ માત્ર શરીર સાથે જોડાયેલો નથી. યોગ એ ફિઝીકલ, મેન્ટલ, ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ એ દરેક લેવલ પર કમ્પ્લીટ વેલ બીઈંગનું એક ટૂલ છે. પોતાની જાતને ઓળખવાનો, અંદરની દુનિયામાં યાત્રા કરવાનો અને અધ્યાત્મની યાત્રાનો એક રસ્તો છે. એટલે 21મી સદીના મોટા ભાગના પ્રોબ્લેમ્સ જેમ કે ડિપ્રેશન, સ્ટ્રેસ અને ગૂંચવાયેલા સંબંધો, જે પહેલાં માનસિક ઇમ્યુનિટી અને સરવાળે શારીરિક ઇમ્યુનિટીને નુકસાન કરે, એનું એક અલ્ટીમેટ સોલ્યુશન પણ કહી શકાય. સૂરજના કિરણથી જેમ એક બીડાયેલું ફૂલ ખીલે એવી રીતે યોગના માધ્યમથી વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે. મોબાઈલ અને ટેકનોલોજીના અતિરેકના કારણે દુનિયાની મોટા ભાગની પોપ્યુલેશન નમ્બ (સંવેદનહીન), બેજાન અને રોબોટિક થઇ રહી છે. એમાં જીવંતતા પાછી લાવવી હોય તો યોગ, પ્રકૃતિ અને સંગીત- આ ત્રણ પહેલા પગથિયા બની શકે એમ છે. પણ યોગ બાબતમાં શરત એ જ, કે એને સાચા અર્થમાં સમજવામાં આવે અને એ રીતે, એ હેતુથી જ એને જીવનમાં અપનાવવામાં આવે.
યોગનું મૂળ પ્રયોજન છે. (માત્ર) અંગોને મરોડવાં એ યોગ નથી, પણ આપણું પરસેપ્શનનું લેવલ અને ક્ષમતા વધે એ યોગ છે. (આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા જે અનુભવાય કે દેખાય અને મન અને બુદ્ધિ દ્વારા એનું જે એનાલિસિસ થાય એ આખી પ્રક્રિયાને સંયુક્ત રીતે પરસેપ્શન કહેવાય.) એ વધેલી પરસેપ્શનની ક્ષમતાના કારણે જ આપણા ઋષિઓ અને યોગીઓ કુદરતનાં અને જીવનનાં મૂળભૂત રહસ્યોને જાણવામાં હજારો વર્ષો પહેલાં સફળ થયા હતા, જેમાંથી વેદોનું-ઉપનિષદોનું-આયુર્વેદનું જ્ઞાન પ્રગટ્યું. એટલે જ એમાં લખેલી બાબતો આજે પણ એટલી જ સત્ય સાબિત થાય છે. અત્યારે પહેલાં બે અંગો યમ-નિયમમાં જ અટવાઈ જવાય એટલે આગળનો યોગ પણ સિદ્ધ ન થાય.. છેલ્લે યોગની સિદ્ધિઓને કપોળ કલ્પનાઓનું લેબલ મારી દેવાય. ઘણા તો યોગના રસ્તે ચાલ્યા વગર જ પૂર્વગ્રહથી એ લેબલ મારી દે.. કઈં નહીં, થયે રાખે..
યોગની બાબતમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે, કે ટીવી કે યુટ્યુબમાં જોઈને તો એ બિલકુલ ન જ શીખવું જોઈએ. કરવું પણ ન જોઈએ. યોગમાં રસ હોય, યોગને જીવનમાં સ્થાન આપવું હોય, તો “મિનિમમ” એક જેન્યુઇન યોગ શિક્ષક પાસે અને તેની દેખરેખ નીચે જ શીખવું અને કરવું જોઈએ. કોઈ પહોંચેલા યોગ ગુરુ મળે તો બેસ્ટ. પણ કોઈ બેઝ વગર ઘરે જાતે ટીવીમાં જોઈ જોઇને કરવામાં ફાયદાની જગ્યાએ નુકસાન થશે અને એનો બધો બ્લેમ એક વિજ્ઞાન તરીકે યોગ પર આવશે. અહીં જેન્યુઇન એટલે કહ્યું, કે યોગમાં થઈ રહેલી બીજી ભેળસેળથી બચવું જરૂરી છે. જે યોગ સેન્ટરના બોર્ડમાં યોગની આગળ કોઈ પણ બીજો શબ્દ લાગેલો હશે એવી જગ્યાઓએ સાચું યોગ શીખવા નહીં જ મળે. યોગનું એસેન્સ મેળવવું હોય, તો શુદ્ધ યોગની જ પાછળ પડવું પડશે.. પ્રોફેશનલ યોગ સેન્ટર્સમાં અમુક અપવાદ સિવાય શુદ્ધ યોગ નહીં મળે.
છેલ્લે ભવિષ્ય માટે એક અગત્યની વાત….
બાળકો અને યુવાનોને યોગમાં રસ ન પડતો હોય તો તેનું એક કારણ એ પણ છે કે આપણે યોગને એક એડવેન્ચર જેવા થ્રીલિંગ સ્વરૂપમાં પેશ કરવામાં થાપ ખાધી છે. આપણા સંતો કે કહેવાતા યોગાચાર્યોએ bhiએના કારણે યોગની એક બોરિંગ અને નીરસ વિષય જેવી છાપ જનમાનસ પર પડી ગઈ છે (સુખદ અપવાદ: સધગુરુ જગ્ગી વાસુદેવ). યોગી તો ધીરગંભીર હોય, પાસપોર્ટના ફોટા જેવી ખિન્ન અને ક્યારેક તો બિહામણી મુદ્રામાં ચોવીસે કલાક રહેતો હોય એવી જ છાપ વધારે પ્રચલિત છે. જે તદ્દન ખોટું છે. એક યોગીની આંતરિક દુનિયામાં આનંદ અને ઉલ્લાસના ફુવારા ઉડતા હોય એ બહુ ઓછા લોકોને ખબર હશે. યોગેશ્વર એટલે કે યોગના ઈશ્વર ખુદ વાંસળી વગાડતા શ્રીકૃષ્ણ હોય અને યોગના પ્રણેતા ભગવાન શંકર નૃત્યના દેવ ‘નટરાજ’ હોય, તો યોગ એક ગંભીર અને નીરસ વિષય કેવી રીતે હોય?
તો બંધુ, એક દિવસ ગ્રાઉન્ડ પર કે ટેરેસ પર જઈ, ફોટા પડાવીને મૂકવાથી યોગ સાથે ન્યાય થાય એવું નથી. યોગને સાચા અર્થમાં સમજી, દૈનિક જીવનમાં અચૂક યોગને સ્થાન આપશો ત્યારે યોગને “આંતરરાષ્ટ્રીય” બનાવી શકાશે.
PS:
મેં અત્યાર સુધી એક ચિકિત્સક તરીકે જેટલું વાંચ્યું-વિચાર્યું-જોયું-સમજ્યું-અનુભવ્યું છે એમાં એક વાત સમજાણી છે કે કોઈ રોગ ખાલી શરીરનો નથી હોતો અને ખાલી મનનો પણ નથી હોતો. શરીરમાં રોગ આવે તો એના આવવામાં પણ ઘણી વાર મન કારણભૂત હોય છે અને એ રોગ શરીરને કેટલું નુકસાન કરશે એમાં તો મનનો બહુ મોટો ફાળો હોય છે. એવી જ રીતે ઘણી વાર મનનો રોગ શરીરમાં અલગ અલગ લક્ષણો ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં રોગીની સાયકોલોજી અને મનોબળને ઊંડાણથી સમજીને મૂકાયેલો એક બહુ સરસ કોન્સેપ્ટ છે- गुरु व्याधि-गुरु व्याधित અને लघु व्याधि-लघु व्याधित. ગુરુ વ્યાધિ એટલે મોટો-વધુ તીવ્ર રોગ. લઘુ વ્યાધિ એટલે નાનો-ઓછો તીવ્ર રોગ. ગુરુ વ્યાધિત એટલે મોટો (નબળા મનોબળવાળો) રોગી અને લઘુ વ્યાધિત એટલે નાનો (પ્રબળ મનોબળવાળો) રોગી.. લઘુ વ્યાધિતને જો ગુરુ વ્યાધિ થાય તો એને એ બહુ નુકસાન ન પહોંચાડી શકે અને ગુરુ વ્યાધિતને લઘુ વ્યાધિ પણ થાય તો એને ઘણું નુકસાન પહોંચાડી જાય. જેમ કે કોઈ શરદીમાં ટીબીમાં થવો જોઈએ એના કરતાં પણ વધુ હેરાન થાય અને કોઈ કેન્સરમાં સાદી ગાંઠમાં થાય એના કરતાં પણ ઓછો હેરાન થાય. દર્દીને રોગ કેટલો નડશે એ રોગની તીવ્રતા જેટલું જ દર્દીના મનોબળ પર પણ આધાર રાખે છે. ચરક આચાર્ય તો એમ કહે છે, કે “विषादो रोगवर्धनानां श्रेष्ठम्।” એટલે કે વિષાદ-ચિંતા-એન્કઝાયટી-સ્ટ્રેસ-ડિપ્રેશન એ તમને થયેલા કે થનાર રોગની તીવ્રતા વધારનારું સૌથી મોટું પરિબળ છે. એટલે કે વધારે પડતો સ્ટ્રેસ તમારી ઇમ્યુનિટી ઘટાડી શકે. (આ મુદ્દો કોરોનાકાળમાં પણ ખાસ યાદ રાખવો.) યોગ આગળ કહ્યું એમ ન માત્ર શરીરને સ્વસ્થ કરે છે, મનોબળ પણ વધારે છે. એટલે જ માનસિક અને શારીરિક (અને આધ્યાત્મિક) ઇમ્યુનિટી વધારવા અને જાળવવા યોગને જીવનમાં જરૂર સ્થાન આપો અને બીજા લોકોને પણ એ માટે પ્રેરો.
✍🏼 વૈદ્ય પાર્થ ઠક્કર
Health Immunity Antibodies Ayurveda Lifestyle yoga
#Health #Immunity #Antibodies #Ayurveda #Lifestyle #yoga
આ શ્રેણીના આગળના ભાગ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…