HomeTravel & lifestyleHealth ઇમ્યુનિટીની રામાયણ : ભાગ - 6 : આહારની સંસ્કાર પ્રક્રિયા અને...

Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ – 6 : આહારની સંસ્કાર પ્રક્રિયા અને માત્રા

- Advertisement -

Health Immunity Antibodies Ayurveda Lifestyle

ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ-6

Contents

Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ – 6 : આહારની સંસ્કાર પ્રક્રિયા અને માત્રા

– વૈદ્ય પાર્થ ઠક્કર

Health Immunity Antibodies Ayurveda Lifestyle

- Advertisement -

ગઈ પોસ્ટમાં આપણે આઠ આહારવિધિ વિશેષાયતનની વાત કરી હતી. એમાંના બે મહત્વના પરિબળો “करण” એટલે કે સંસ્કાર અને “राशि” એટલે કે આહારમાત્રા વિશેની વાત આજે જોઈએ.

પહેલાં करण ની વાત કરીએ, તો કરણનું બીજું નામ “संस्कार” પણ છે.

करणं पुनः स्वाभाविकानां द्रव्याणां अभिसंस्कार:। संस्कारो हि गुणान्तराधानं उच्यते। ते गुणा: तोय अग्नि सन्निकर्ष शौच मन्थन देश काल वासन भावनादिभि: कालप्रकर्ष भाजनादिभि: च अधीयन्ते।
(चरकसंहिता विमानस्थान रसविमानं अध्याय: 21-2)

સ્વાભાવિક દ્રવ્યોમાં કોઈ સંસ્કાર પ્રક્રિયા કરવી એ કરણ છે. દ્રવ્યના ગુણોમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા એ સંસ્કાર. એ દશ પ્રકારના છે:

(1) तोय सन्निकर्ष:

દ્રવ્યમાં પાણી કે કોઈ પ્રવાહી ઉમેરવું એ તોય સંનિકર્ષ. એનો હેતુ કઠિન (જે પચાવવા માટે અગ્નિને વધારે મહેનત પડે) દ્રવ્યને મૃદુ (જે પચાવવા અગ્નિને ઓછી મહેનત પડે) બનાવવાનો છે. ઉદાહરણ તરીકે એનો ઉપયોગ આપણે ભાત અને ખીચડી બનાવવામાં કરીએ છીએ. આના દ્વારા દ્રવ્યના ઘટકો આસૃતિ (એટલે કે ઓસ્મોસિસ) જેવી નેચરલ પ્રક્રિયામાંથી થઈને પ્રવાહીની અંદર આવે છે. જેમ કે મગનું કે ચોખાનું ઓસામણ. આનું એક સરસ ઉદાહરણ આપું તો આયુર્વેદમાં દહીંમાં કેટલા ગણું પાણી નાખીને ક્યા પ્રકારની છાશ બને એના રેશિયો મુજબ છાશના 5 પ્રકાર આપ્યા છે અને એ દરેકની અસર/પ્રભાવ શરીર પર અલગ અલગ છે.

(2) अग्नि सन्निकर्ष:

- Advertisement -

દ્રવ્યને ગરમી આપવી એટલે અગ્નિ સંન્નિકર્ષ. આમાં બધા પ્રકારની હીટિંગ મેથડ્સ આવે. એનો હેતુ પચવામાં ભારે દ્રવ્યોને પચવામાં હળવા બનાવવાનો છે. (પચવામાં ભારે અને હળવા દ્રવ્યોનો વિચાર કેમ જરૂરી છે એ પોસ્ટમાં આગળ આવશે.)

(3) शौच:

દ્રવ્યને સાફ કરવાની વધી પદ્ધતિ શૌચમાં આવે. એ આપણે પ્રાથમિક રીતે કરતા જ હોઈએ છીએ. અને એ કેમ જરૂરી છે એ લખવાની જરૂર નથી.

(4) मन्थन:

મંથન એટલે મથવું- સ્ટીરિંગ અને ગ્રાઈન્ડિંગ. દ્રવ્યને નાના કણોમાં ફેરવવાની અને એકરસ કરવાની પ્રક્રિયા. આ એક સામાન્ય ગણાતી પ્રોસેસ કેટલી મહત્વની છે એનું સરસ ઉદાહરણ છે કે દહીં શરીરમાં સોજા કરનારું દ્રવ્ય છે અને એમાં માત્ર મન્થન કરવાથી બનતી છાશ શરીરમાં સોજાને ઓછા કરે છે.

(5)-(6) देश – काल:

દ્રવ્ય કયા વિસ્તારમાંથી અને કયા સમયે લેવામાં આવે એ અનુસાર એના ગુણધર્મો બદલાય છે એમ જ ક્યા સમયમાં એને બનાવવામાં આવે છે એ મુજબ પણ એના ગુણધર્મો જુદા જુદા હોય છે. એ દરેકનું વર્ણન વિવિધ જગ્યાએ મળે છે આયુર્વેદમાં. એનું બહુ જ પ્રચલિત ઉદાહરણ છે કે न नक्तं दधि भुंजीथ। – એટલે કે રાત્રે દહીં ન ખાવું.

(7) वासन:

વાસન એટલે આહારમાં સુગંધી દ્રવ્યો ઉમેરવા. જે ખોરાકને વધુ રુચિકર બનાવવા માટે પણ છે અને એના વિવિધ ઔષધીય ગુણો પણ છે. ઉદાહરણ તરીકે દૂધમાં કેસર કે એલચી કે સૂંઠ ઉમેરીને એના ઔષધીય ગુણો દૂધ સાથે મળે છે.

(8) भावना:

- Advertisement -

કોઈ દ્રવ્યમાં કોઈ પ્રવાહી (પાણી, દૂધ, છાશ, દ્રવ્યોના રસ કે ઉકાળા વગેરે) ઉમેરીને એને સુકાઈ જાય ત્યાં સુધી ઘૂંટવામાં-પીસવામાં આવે એને ભાવના કહેવાય. એનાથી પ્રવાહી દ્રવ્યના ગુણો બહુ જ સુવ્યવસ્થિત રીતે દ્રવ્યમાં ભળી જાય છે.

(9) कालप्रकर्ष:

કાલ અને કાલપ્રકર્ષમાં ફરક છે. દ્રવ્યને કયા સમયમાં લેવું અને બનાવવું એ કાલમાં આવે. પણ દ્રવ્યના ગુણોમાં સમય વીતવા પર જે ફેરફાર થતા હોય એ કાલપ્રકર્ષમાં આવે. એનું ઉદાહરણ છે કેરીની પાકવાની પ્રક્રિયા. કાચી કેરી અને પાકી કેરીના ગુણોમાં જમીન-આકાશનો ફરક છે. એવી જ રીતે આયુર્વેદમાં પુરાણ ઘૃત (ઘી)નો (10 વર્ષ જૂનાથી લઈને 100 વર્ષ જૂના સુધી) ઉપયોગ બતાવ્યો છે. 100 વર્ષ જૂનું ઘી સિઝોફ્રેનિયા જેવા માનસિક રોગોની શ્રેષ્ઠ દવા છે. એમ જ નવા ગોળ-જૂના ગોળના ગુણોમાં ઘણો ફરક છે. ચોખા માટે તો સ્પષ્ટ કહ્યું છે કે એક વર્ષ જૂના ચોખા જ આહાર માટે ઉપયોગમાં લેવા.

(10) भाजन:

પાત્ર વિશેષમાં રાખવાથી કે પકવવાથી દ્રવ્યના ગુણોમાં પરિવર્તન આવે છે. જેમ કે કાંસાના કે સોનાના પાત્રમાં ખાવું આરોગ્ય માટે શ્રેષ્ઠ છે, ચાંદીનું પાત્ર એ પછી અને લોખંડનું પાત્ર ટાળવું. અંગત વાત કરું તો છેલ્લા છ મહિનાથી અમે ઘરે કાંસાના જ વાસણમાં જમીએ છીએ. ધાતુ સિવાય માટીનું પાત્ર અને કેળ કે ખાખરાના પાતરાળા પણ ઉત્તમ. એ જ રીતે તાંબામાં રાખેલું પાણી પીવા માટે શ્રેષ્ઠ. એની જગ્યાએ અત્યારે મોટે ભાગે સ્ટીલ અને પોર્સેલિન જ વપરાય છે. રસોઈ બનાવવામાં એલ્યુમિનિયમનું વાસણ બહુ જ હાનિકારક છે.

Also Read::   Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ -2 : પ્રકૃતિનો જીવન અને સ્વાસ્થ્ય પર પ્રભાવ

આ करण એટલે કે સંસ્કારમાં બધી કુકિંગ મેથડ આવી જાય છે. તમે વિચારશો તો દરેક ફૂડ પ્રોસેસિંગ ટેકનિક અને રસોઈની પદ્ધતિને ક્યાંક ને ક્યાંક આ દશ બાબતોમાં મૂકી શકશો. હવે તમને એ સવાલ થાય કે ઇમ્યુનિટીની ચર્ચામાં આ બધાનું શું કામ? તો એનો જવાબ એ કે આ દરેક બાબત આપણા શરીર પર સારો નરસો કોઈક પ્રભાવ કરે જ છે. એમાં કઈ વસ્તુમાં કેવી રીતે શું કરવું એ સ્વાસ્થ્ય અને शरीरबल માટે ટૂંકા અને લાંબા ગાળે શ્રેષ્ઠ રહે એ જ આયુર્વેદના ચરક વગેરે ઋષિઓનું એકમાત્ર લક્ષ્ય હતું. એ અનુસાર જ બધા ખાનપાન-રસોઈના નિયમો અને સજેશન્સ વિવિધ સંહિતાઓમાં છે. અહીં સમજાવ્યું એ ખાલી ઇન્ટ્રોડક્શન માત્ર છે. આ આપણા ઋષિઓનું એડવાન્સ લેવલ ઓફ થિન્કિંગ અને ઇટર્નલ વિઝન સાબિત કરે છે. અને આપણે એમના વારસદારો હોવા છતાં સ્વાસ્થ્ય માટે લાભકારક મોટા ભાગની ફૂડ અને કુકિંગ હેબિટ્સ છોડી દીધી છે અને હાનિકારક બધું જીવનમાં વણી લીધું છે.

હવે..

આહારની વાત આવે ત્યારે “કેટલું ખાવું?” એ પ્રશ્ન હંમેશા મહત્વનો રહ્યો છે. અને शरीरबल પર પણ એ એટલી જ અસર કરે છે. કારણ કે વધારે ખાવાથી અગ્નિ ખરાબ થાય અને અગ્નિ ખરાબ થાય તો સરવાળે शरीरबल બગડે.

ચરકસંહિતા સૂત્રસ્થાનના પાંચમા અધ્યાય मात्रशितीय ની શરૂઆતમાં જ કહ્યું છે,

मात्राशी स्यात्। आहारमात्रा तु पुन: अग्निबल अपेक्षिणी।
(चरकसंहिता सूत्रस्थान मात्राशितीय अध्याय: 3)

માત્રા પૂર્વકનો જ આહાર લેવો. આહારની માત્રા એ અગ્નિ પર આધારિત છે.

હવે આ માત્રાવત આહાર કઇ રીતે ખબર પડે?

તો એના જવાબમાં કહ્યું છે,

यावद्द्यस्याशनं अशितं अनुपहत्य प्रकृतिं यथाकालं जरां गच्छति तावदस्य मात्राप्रमाणं वेदितव्यं भवति।
(चरकसंहिता सूत्रस्थान मात्राशितीय अध्याय: 4)

લેવાયેલા ભોજનની એ માત્રા જે (વ્યક્તિની) પ્રકૃતિને બગાડે નહીં અને યોગ્ય સમયમાં (એટલે કે બીજા દિવસની સવાર સુધીમાં) પચી જાય એ વ્યક્તિનું એ જ માત્રા પ્રમાણ છે, એમ સમજવું.

શાલિ ચોખા, સાઠી ચોખા અને મગ પચવામાં એકદમ હળવા કહ્યા છે. તો લોટ, શેરડીમાંથી બનતી વસ્તુ ગોળ, ખાંડ, સાકર વગેરે, દૂધની વિવિધ બનાવટો, તલ અને અડદ પચવામાં ભારે છે. આ શા માટે જાણવું જોઈએ? તો કહ્યું છે કે, પચવામાં હળવાં દ્રવ્યો અગ્નિને વધારે છે (એટલે કે મેટાબોલિઝમની શક્તિને ઇમ્પ્રુવ કરે છે)- એ સંતોષ થાય એટલે સુધી ખાવામાં આવે તો પણ ઓછી હાનિ કરે છે. છતાં પણ એ પેટ ભરીને તો ન જ ખાવા જોઈએ. જ્યારે પચવામાં ભારે દ્રવ્યો છે, એ અગ્નિને મંદ કરનારા હોય છે (એટલે કે મેટાબોલિઝમની શક્તિને ધીમી અને નબળી કરે છે)- એટલે એમને સંતોષ થાય એટલી માત્રામાં પણ ન ખાવા જોઈએ (એનાથી ઓછી માત્રામાં ખાવા જોઈએ).

હવે માત્રા વિશેની ડિટેઇલમાં વાત ચરકસંહિતાના વિમાનસ્થાનના બીજા અધ્યાય “त्रिविधकुक्षीय विमानं” માં છે, તો ચાલો ત્યાં જઈએ.

त्रिविधं कुक्षौ स्थापयेत् अवकाश अंशं आहारस्य आहारं उपयुञ्जान:; तद्यथा- एकं अवकाश अंश मूर्तानां आहार विकाराणाम्, एकं द्रवाणाम्, एकं पुन: वातपित्तश्लेष्मणाम्, एतावतीं हि आहारमात्रां उपयुञ्जानो न अमात्रा आहारजं किंचित् अशुभं प्राप्नोति।
(चरकसंहिता विमानस्थान त्रिविधकुक्षीय विमानं अध्याय: 3)

આહાર લેતી વખતે પેટના ત્રણ ભાગ પાડવા જોઈએ, જેમાં એક ભાગ મૂર્ત (ઘન) આહારદ્રવ્યો (શાક, ભાત, રોટલી વગેરે) માટે, બીજો ભાગ દ્રવ (પ્રવાહી) પદાર્થો માટે અને ત્રીજો ભાગ વાત, પિત્ત અને કફ માટે (ખાલી) રહે એટલું ખાવું જોઈએ. આ માત્રામાં આહાર લેનાર વ્યક્તિ ખોટી માત્રાથી થતા રોગોથી બચે છે.

એ છતાં આઠેય આહાર વિધિ વિશેષાયતની ધ્યાન રાખવાથી જ શ્રેષ્ઠ આહારનું શ્રેષ્ઠ ફળ શરીરને મળે છે એમ એ પછી કહ્યું છે.

માત્રાવત આહાર

હવે  માત્રાવત આહાર ની ખબર કઇ રીતે પડે એનાં લક્ષણો કહ્યાં છે, એનો શ્લોક બહુ મોટો હોવાથી પોસ્ટની લંબાઈ ન વધે એ માટે અહીં લખ્યો નથી પણ  ઇમેજમાં એ છે, રસ ધરાવતા મિત્રો એમાં જોઈ શકે છે.

Health Immunity Antibodies Ayurveda Lifestyle

– જમી લીધા પછી પેટમાં બહુ ભાર અને દબાણ ન લાગે,

– હૃદય પ્રદેશ (છાતીમાં) ને ભાર કે અવરોધ જેવું ન લાગે,

– પડખાંમાં ફાટી જવા જેવી પીડા ન થાય,

– ઇન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ અને ત્વચા) પ્રસન્ન રહે એટલે કે એમના સ્વભાવિક કામ કરવામાં એમને કોઈ તકલીફ ન પડે (જેમ કે જમ્યા પછી તરત આંખ ઘેરાય તો સમજવું કે માત્રાથી વધુ જમાઈ ગયું),

Also Read::   Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ - 4 : ઋતુચર્યા

– ભૂખ અને તરસ શાંત થઈ ગઈ એવું અનુભવાય,

– ઉભા રહેવામાં, બેસવામાં, આડું પડવામાં, ચાલવામાં, શ્વાસોચ્છવાસમાં, હસવા અને બોલવામાં સુખ અનુભવ થાય એટલે કે એ બધું કરવું ગમે અને કષ્ટપૂર્વક કરવું પડે છે એવું ન લાગે,

– સરળતાથી જે એના સમયે પચી જાય,

– જે બલ (આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી), વર્ણ (તેજ) અને શરીરની સારી અને સાચી દિશામાં વૃદ્ધિ કરે

આવો આહાર માત્રા પૂર્વકનો આહાર છે.

હવે અમાત્રાવત આહારનાં લક્ષણો જુઓ:

Health Immunity Antibodies Ayurveda Lifestyle

અમાત્રાવત આહાર બે રીતે હોય- ઓછો કે વધારે.

એમાંથી ઓછી માત્રામાં લેવાયેલો આહાર

– બલ અને વર્ણનો નાશ કરે (ઘટાડે),

– ખાવાનો સંતોષ ન થાય,

– ઉદાવર્ત કરે. (વાયુની શરીરમાં સ્વાભાવિક ગતિ નીચે તરફ છે. એ ઉપર તરફ હોય તો એ ઉદાવર્ત કહેવાય.) (લાંબા સમય સુધી ઓછું ખાધું હશે જેણે એણે અનુભવ્યું હશે કે એ સમયમાં ઓડકાર બહુ વધારે આવતા હોય છે.)

– આયુષ્યને ઓછું કરે,

– ઓજ (ઇમ્યુનિટીને ઓજની અંતર્ગત પણ ગણી શકાય)નો નાશ કરે (ઘટાડે),

– મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને ડિસ્ટર્બ કરે,

– શરીરની સાત ધાતુઓને એની શ્રેષ્ઠ અવસ્થા સુધી ન પહોંચવા દે,

– વાયુના તમામ રોગો ઉત્પન્ન કરે.

વધુ માત્રામાં લેવાયેલા આહારના લક્ષણો જુઓ:

એમાં જે દોષને વધારનારો આહાર વધુ માત્રામાં લેવાયેલો હોય એ અનુસાર એના લક્ષણો મળે:

વાયુથી

– પેટમાં દુઃખાવો,

– પેટનું કઠણ અને ભારે થઈ જવું,

– શરીર તૂટતું હોય એવું લાગે,

– મોઢું સૂકાય,

– ચક્કર આવે કે બેભાન થઈ જવાય (અતિ અતિ વધારે માત્રામાં ખવાય તો થઈ શકે)

– અગ્નિ ખરાબ થઈ જાય,

– પડખાં, પીઠ અને કમર જકડાઈ જાય.

પિત્તથી

– તાવ, ઝાડા, બળતરા, તરસ, ચક્કર અને મિથ્યા બોલવું,

અને કફથી

– ઉલટી, ખાવામાં અરુચિ, અપચો, ઠંડી સાથેનો તાવ, આળસ અને શરીરમાં ભાર લાગે.

ક્યારેક બહુ જ દાબીને ખાઈ લીધું હોય તો અહીં કહ્યાં એ લક્ષણો મળ્યાં છે પોતાનામાં? યાદ કરજો, ઘણા યાદ આવશે જે આમાંથી જ કોઈક હશે.

આ બધું કેમ જાણવું જરૂરી છે? કારણ કે ખાવામાં માત્રા જાળવવાથી જ शरीरबल ટકે છે અને વધે છે. માત્રા બગડવાથી જ शरीरबल ઘટે છે અને નાશ પામે છે. હવે સૂત્રસ્થાનના मात्रशितीय અધ્યાયમાં પાછા આવીએ, તો એમાં માત્રાવત આહારના ફળ માટે આવું કહ્યું છે,

मात्रावद्धशनं अशितं अनुपहत्यं प्रकृतिं बलवर्णसुखायुषा योजयति उपयोक्तारमवश्यं इति।
(चरकसंहिता सूत्रस्थान मात्राशितीय अध्याय: 8)

માત્રાનું ધ્યાન રાખીને વિધિપૂર્વક માત્રાવત ખાવાથી વ્યક્તિનું શરીર બગડતું નથી અને એ બલ, વર્ણ, સુખ અને દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે.

છેલ્લે જોઈએ આહાર લેવા વિશેની એવી ત્રણ બાબતો, જે ન કરવી જોઈએ એવું अष्टाङ्गहृदय ના સૂત્રસ્થાનના मात्राशितीय નામના જ અધ્યાયમાં કહ્યું છે:

मिश्रं पथ्यं अपथ्यं च भुक्तं समशनं मतम्।
विध्यात् अध्यशनं भूयो भुक्तस्योपरि भोजनम्।।
अकाले बहु च अल्पं वा भुक्तं तु विषमाशनम्।
त्रीणि अपि एतानि मृत्युं वा घोरान् व्याधीन् सृजन्ति वा।
(अष्टाङ्गहृदय सूत्रस्थान मात्रशितीय अध्याय: 33-35)

પથ્ય (ખાવા યોગ્ય) વસ્તુ સાથે અપથ્ય (ન ખાવા યોગ્ય વસ્તુ) મિક્સ કરીને ખાવું એને “સમશન” કહેવાય. જમી લીધા પછી તરત એ પચ્યા પહેલાં ફરી જમવું એ “અધ્યશન” કહેવાય. ખોટા સમયે, વધુ ખાવું કે ઓછું ખાવું એ “વિષમાશન” કહેવાય.

આ ત્રણેય – સમશન, અધ્યશન અને વિષમાશન- મૃત્યુને નજીક લાવે છે અને ગંભીર રોગોને ઉત્પન્ન કરે છે.
તમે આ ત્રણમાંથી કયું નથી કરતા? વિચારજો..

PS:

(1) આ ભાગમાં આહારની વાત પૂરી કરવી હતી પણ એ શક્ય ન બન્યું. એટલે જે બીજું એક જરૂરી બચ્યું છે આહારની વાત માટે એ આવતા ભાગમાં લઈશું..)

(2) ગમ્યું હોય તો શેર અવશ્ય કરજો.

✍🏼 વૈદ્ય પાર્થ ઠક્કર

Health Immunity Antibodies Ayurveda Lifestyle

#Health #Immunity #Antibodies #Ayurveda #Lifestyle

આ શ્રેણીના આગળના ભાગ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો…

ભાગ ૧

ભાગ ૨

ભાગ ૩

ભાગ ૪

ભાગ ૫

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!