The Matrix મનનો ‘મેક-અપ’ કરતું ફિલ્મ
the matrix film review
The Matrix – માણસના મનના મૂળને શોધવાની મથામણ
મેટ્રિક્સ, મેં તો હમણાં જ આ ફિલ્મની સિરિઝ પૂરી કરી…કદાચ મેં ઘણું મોડું જોયું પણ…તેમાં આવતા એક એક વાક્યો ઘણું બધું કહી જતાં હોય તેવું લાગે છે….
પ્રશ્ન તો છે માણસની જીવનશૈલીનો, પ્રશ્ન છે માણસને સાતખોટની મળેલી ‘માણસ’ તરીકેના જીવનને ડિઝાઈન કરવાનો, પ્રશ્ન છે આઈના સામે ઉભા રહીને મગજને મેકઅપ કરવાનો…અને આ બધા પ્રશ્નોના મૂળથી કથા કહેવાનું શરૂ કરીને આખરે તમારા મગજના તારને રિપેર કરીને મેટ્રિક્સની કહાની તમને તમારા મનના છેલ્લા દરવાજે મુકી દે છે. જેમ તેના નાયક નીઓ મૂકાઈ જાય છે, તેમ…
મેટ્રિક્સમાં થીમના નામે કંઈ નથીને ઘણું બધું છે! માયાજાળથી પર થઈ ગયેલા વ્યક્તિ એમ માને છે કે તે ખરેખર બીજી દુનિયામાં જીવે છે. લોકો સામાન્ય રીતે માયાજાળમાં જીવે છે. આપણા અધ્યાત્મિક અર્થમાં જેને ‘માયાજાળ’ કહીએ છીએ તેની જ વાત અહીં કરવામાં આવી છે, પણ થોડાં પશ્ચિમના રંગે…અહીં મશીનો અને માણસ વચ્ચેના જીવનની વાતો છે. જ્યારે મશીનો પણ માણસ વધારે પડતો નિર્ભર થવા લાગશે, ત્યારે મશીનની એક દુનિયા બની જશે…વાસ્તવમાં તો અહીં મશીનને પ્રતિક લઈને માત્ર યંત્રવત્ જીવન જીવ્યે જતા લોકોને જ એંગલ કર્યા છે.
Larry and Andy Wachowski આ બન્નેએ તેની સિરિઝનો સ્ક્રિન પ્લે લખ્યો છે. આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફિ કે કેમેરા એંગલ જોવા કરતા વધારે મજા તેના ડાયલોગ્સમાં છે. એમાં બે મત નથી કે સિનેમેટોગ્રાફિ અને એનિમેશન તથા ગ્રાફિક્સનો ભરપૂર ઉપયોગ કર્યો છે. કારણ સરળ છે કે આજના યુવાનોને ફિલોસોફિ ઘોળીને પાવી હોય તો તે યુવાનો જે પ્રકારનું કામ કરે છે તેને થીમ બનાવીને રજૂ કરો…’સરસ્વતિચંદ્ર’લખતી વખતે ગોવર્ધનરામ ત્રિપાઠીએ પણ એ જ તો કરેલું…તેનો વાંચક વર્ગ જે સમાજ અને સંસ્કૃતિનો હતો તેને થીમ બનાવીને તેને જે ફિલોસોફિ રજૂ કરવી હતી તે કરી….તો વળી વ્યાસે પણ શું કર્યુઃ તેને કશું કહેવું હતું, જે આવનારા યુગો સુધી ટકી રહે, તેણે કૃષ્ણ જેવું વ્યક્તિત્વ ઘડ્યું અને તેના મુખે કહેવડાવી દીધું…આજે એ ડાયલોગ્સને આપણે ‘શ્રીમદ્ભગવત ગીતા’ના નામે ઓળખીએ છીએ અને તેની સ્ક્રિપ્ટને આપણે ‘મહાભારત’ તરીકે માથે ચઢાવીએ છીએ…વાત તો અંતે કંઈક કહેવા માટેની જ છેને…!
ધ મેટ્રિક્સ અને તેના ભાગમાંથી પસાર થાઓ એટલે એવું જ બને છે…આજની ફિલ્મો જોનારી યંગજનરેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલી છે. તેને ટેક્નોફિક્શન બનાવી અને તેની સાથે ઝેનફિલોસોફિ જોડી દીધી. જો કે અહીં પ્રસ્તુત વાતો ઝેનની સાથે જગતની મૂળતઃ ફિલોસોફિને રજૂ કરે છે, જે દરેક માણસને લાગુ પડે છે અને દરેક ધર્મો સદીઓથી કહેતો આવ્યો છે કે માણસની અંદર અનેક શક્યતાઓ પડેલી છે….માયાજાળના અનેક બંધનો વટીને તમે જ્યારે તેના મૂળને શોધી લો છો ત્યારે એક દિવ્યપ્રકાશ તમારી રાહ જોઈ રહ્યો હોય છે. આ દિવ્યપ્રકાશ તમારામાં રહેલી તમામ શક્તિને જાગૃત કરીને તમને સુપરમેન – મહામાનવ બનાવી દેશે…સાયન્સના સીમાડા જ્યાંથી પૂરાં થાય છે ત્યાંથી સ્પિરિચ્યુઅલના સૂર્યનો ઉદય થાય છે. સાયન્સ હોય કે સ્પિરિચ્યુઆલીટી આખરે તો બધાની દોડ ત્યાં જઈને અટકે છે કે માણસને માણસ બનાવીએ….તો ચાલો…મેટ્રિક્સનું મહાભારત આપણી સામે ગીતા જેવા કેટલાક સુંદર સંવાદો લઈને આવ્યું છે તે જાણીએ…માણીએ…
મેટ્રિક્સના કેટલાક સંવાદોની સાવરણી અહીં પ્રસ્તુત છે જેનાથી કદાચ મનના કે મગજના કોઈ ખૂણાં સાફ થાય તો…
– માણસ વાસ્તવિક દુનિયાનો અર્થ દુઃખ અને તકલિફોમાં જ શોધે છે. આ માટે સ્વર્ગની દુનિયા એક કલ્પના બનીને રહી ગઈ જેમાં માણસ જાગવાની કોશિશ કરતો હતો. આ માટે માયાજાળની રચના કરવામાં આવી.
– જ્યારે અમે મશિનોએ વિચારવાનું ચાલું કરી દીધું ત્યારે તે અમારી સભ્યતા બની ગઈ. ત્યારથી માણસ અને મશિન વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો છે. આને વિકાસ કહેવાય.
– ખરેખર તમારામાં માણસાઈ ખતમ થઈ ગઈ છે. તમે જ્યાં જાઓ છો ત્યાં આબાદી વધારો છો, ત્યાં સુધી કે જ્યાં સુધી એ આબાદી કુદરતને તીતરબીતર ન કરી દે ત્યાં સુધી.
– આ ગ્રહમાં એક મોટી વાત એ ફેલાઈ રહી છે તે છે વાઈરસ. મનુષ્ય જાતી એક વાઈરસ છે. મહામારી છે.
– પર્યાવરણની દુશ્મન છે. અમે(મશિનો) તેના ઉપાય છીએ. ગંદગીથી ભરેલા છો, તમે લોકો.
– તમારા મનને આઝાદ કરો.
– રસ્તો ખબર હોવામાં અને ચાલવામાં ઘણો તફાવત છે.
– તમારી શક્તિ પર વિશ્વાસ કરો.
– એવી દુનિયા માણસે જોવી જોઈએ જ્યાં નિયમ, નિયંત્રણ કે સીમા ન હોય. જ્યાં કશું મુશ્કેલ ન હોય.
– હું નસિબ પર વિશ્વાસ નથી કરતો પણ હું મારી જિંદગી મારા હાથે નિયંત્રણ કરવા ઈચ્છું છું.
– માયા જાળ એક એવી વસ્તુ છે કે જેનાથી તમારી સામે સત્યતા છુપાવવામાં આવે છે.
– તમારું વાસ્તવિક શરીર એક ઉર્જા કેન્દ્રમાં કેદ છે.
– વાસ્તવિકતા એ છે કે જેને તમે સુંઘી કે સ્પર્શિ શકો છો. એ સંકેત જે મગજ સમજી શકે છે અને તેના વેવ્સ તમારા મગજ સુધી આવે છે તે જ વાસ્તવિકતા છે.
matrix1તમારા હૈયામાં સુતેલા મનુષ્યને જગાડવા માટેના મેટ્રિક્સના બીજા કેટલાક એવા જ સંવાદો…
– તમે તમારી જાતને બચાવો.
– મશીનો શરૂ હોય અને એન્જિનીયરિંગ ચાલુ હોય અને જ્યાં સુધી તે ખરાબ નથી થતો ત્યાં સુધી ત્યાં કોઈ નથી જતું, એવું જ આપણું છે જ્યાં સુધી બધું બરાબર હોય કોઈ કશી પરવા નથી કરતું.
– એક મશિન અમને જીવન આપે છે અને બીજા મશિન આપણને મારવા આવે છે ચિલચશ્પ વાત છે નહીં! (જે પોષતું તે મારતું….નો સીધો પડઘો…)
– મશીન આપણને નિયંત્રણમાં નથી કરતી આપણે મશીનને નિયંત્રણમાં રાખીએ છીએ. (આ વાત ત્યારે આવે છે જ્યારે મોર્ફિયશ પોપને કહે છે કે મશીનો સામે લડવાનું છે જોઈએ કેટલા સફળ થઈએ છે પણ પોપ કહે છે કે તમે તેના નિયંત્રણમાં નથી, આપણે તેને નિયંત્રણમાં રાખવાના છે…પણ આજે આપણે એ જ ભૂલ કરી રહ્યા છે કે મોબાઈલ, લેપટોપ, કાર, પાણી પીવાના નળથી લઈને બધું આપણને નિયંત્રીત કરી રહ્યું છે….વાત આપણા હાથમાંથી ઓલરેડી છટકી ગઈ છે…. ધરતીના કે જીવનના આવા કોઈ વળાંકે જ વિશ્વમાં અધ્યાત્મની શરૂઆત થઈ હોવી જોઈએ…)
– અહીં કોઈ નિર્ણય લેવા નથી આવ્યું પસંદગી તો બધા પહેલેથી કરી ચુક્યા હોય છે અહીં માત્ર એ જાણવા આવો છો કે આ નિર્ણય શા માટે લીધો. (માણસ શા માટે જન્મે છે? જેવા શાસ્વત સવાલનો સચોટ જવાબ.)
– તમારી આસપાસ બધું પ્રોગ્રામ્ડ છે. લોકોને તમે ઘણી બધી વખત કહેતા સાંભળ્યા હશે કે ભૂત પિશાચ કે ફરિસ્તા જોવા મળ્યા વિશે. સિસ્ટમ તે પ્રોગ્રામને નસ્ટ કરી દે છે કારણ કે તે પ્રોગ્રામ તેવું કામ કરી રહ્યા હોય છે જે તેનું કામ નથી. (ભૂત-પિશાચ-ડાકીની વિશેની માન્યતા થોડાંઘણાં અંશે દરેક દેશમાં છે, આથી તે તરફ પણ ફિલોસોફિકલ જવાબ શોધી શકાય તે આ ફિલ્મમાં જોયું.)
– પ્રોગ્રામ જ પ્રોગ્રામને નષ્ટ કરે છે. ત્યારે પ્રોગ્રામ નાશ થાય છે યા તો તે પ્રોગ્રામ પોછો પોતાના રચયિતા પાસે પહોંચે છે જે મુખ્ય કોમ્પ્યુટર – જ્યાં મહાશક્તિમાનનો અંત છે. અસિમ રોશનીનો દરવાજો. (શાશ્વત સત્યના શોધનું અંતીમ રહસ્ય કોમ્પ્યુટરની ભાષામાં કે ટેક્નોલેંગ્વેજમાં આ રીતે છતું કરી શકાય…વાહ…)
– તમે જે નિર્ણયનું પરિણામ જોવા નથી માંગતા તેનું પરિણામ જોવા નથી મળતું.
– દુનિયામાં એક જ સત્ય છે તે છે કારણ – ક્રિયા – પ્રતિક્રિયા. અસર અને કારણ
– નિર્ણય એક ભ્રમ છે શક્તિશાળી અને નબળાની વચ્ચે જાળની જેમ ફેલાયેલો છે.
– આ દુનિયાની ફિતરત છે અસર અને તેનો અનુભવ કરવો. આપણે બધા કારણના ગુલામ છીએ.
– આ પણ એક રમત છે મજા કરો. (સંસારમાં રહેવું, માયાજાળમાં રચ્યાપચ્યા રહેવું અને તેને સમજવામાં પૂરી જિંદગી નીકાળી દેવી એક રમત જ છે…સંસારનું કોઈ પણ કામ વિશ્વાત્માની રમત વગરનું નથી…તે સંસારમાં રાખીને તમે બાર સંતાનોના માતા-પિતા પણ બનાવી શકે અને તે ભગવા પહેરાવી નચાવી શકે…બધી એક રમત છે…દરેક ફિલોસોફિ પણ રમત છે. રમો અને મજા કરો…મજા આવે છેને…?)
– આપણે એ જ બનાવીએ છીએ જેના માટે આપણે બનાવવામાં આવ્યા છે.
– સાચો નિર્ણય જ માયાજાળને સાચી રીતે ઉકેલી શકે છે.
– ઈન્કાર કરવો તે માનવજાતની ફિતરતમાં છે.
– ઉમ્મીદ તે માણસની આસપાસ રહેલું એવું વર્તુળ છે કે તે માણસજાતની સૌથી મોટી તાકાત અને નબળાઈ પણ છે. (માનવીય પ્રેમ આ જગતનું સર્વશક્તિમાન સત્ય છે.)
– તું પોતે અહીં આવે છે અને પોતાને જ નીકાળી શકે છે. (આપો દિપો ભવ…નો સીધો પડઘો.)
– કેટલું ખોવાઈ જાય છે અને કેટલોક ભાગ રહી જાય છે આને જ તો કહે છે માયાજાળ.(ઝેન ફિલોસોફિ)
– દરેક ચીજ જેની શરૂઆત થાય છે તેનો અંત હોય છે.(જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ…નો પડઘો)
આ ફિલ્મ જોતા-જોતા મને ગંગાસતીથી દાસીજીવણ સુધીના અનેક સંતો યાદ આવી ગયા. ઉપનિષદથી લઈને શ્રીમદ્ભાગવત ગીતા સુધીના બધા તત્વગ્રંથો યાદ આવી ગયા. અમારા વ્યાસે બે હાથ ઊંચા કરી કરીને જે કહ્યું તે મેટ્રિક્સના ડિરેક્ટર Wachowski Brothers –ના કેમરા દ્વારા કહેવાયું છે. મોટાભાગે કોઈ એક સમસ્યાને લઈને ફિલ્મ બનતી હોય છે. ઘણાં વૈશ્વિક સમસ્યાને એંગલ કરે, ઘણાં પોતાના દેશના તળના પ્રદેશોની સમસ્યાને એંગલ કરીન ફિલ્મ બનાવે પણ અહીં મેટ્રિક્સ દ્વારા સર્જકોને પણ નવો રાહ ચિંધાડ્યો છે કે આટલી હળવાશથી માણસના મૂળમાં પડેલા સડાને તમે સ્પર્શી શકો અને તેના પર એક ફિલ્મ બનાવી શકો…મેટ્રિક્સમાં માણસના મનની ગતિને પકડીને કચકડે કંડારવામાં આવી છે અમ કહીશ તો કંઈ અતિશયોક્તિ નથી.
સ્ક્રિનશૉટ –
People tell you the world looks a certain way. Parents tell you how to think. Schools tell you how to think. TV. Religion. And then at a certain point, if you’re lucky, you realize you can make up your own mind. Nobody sets the rules but you. You can design your own life.
– carrie anne moss
(મેટ્રિક્સની હિરોઈન…જે મેટ્રિક્સમાં ‘ટ્રિનિટી’ના નામે ઓળખાય છે.)