Poetry Gazal Gujarati Kavita Jayant Dangodara
Contents
જયંત ડાંગોદરા ‘ફૂલોની પાંખ પર’ કાવ્યસંગ્રહ માંથી કેટલીક પંક્તિઓ…
જયંતભાઈનો પ્રથમ પરિચય…
‘ફૂલોની પાંખ પર’, કવિ જયંત ડાંગોદરાનો કાવ્યસંગ્રહ છે. જયંતભાઈનો પ્રથમ પરિચય તો મારા પ્રાધ્યાપક એમ. ડી. ત્રિવેદી સાહેબ દ્વારા મળેલો. મને યાદ છે કે મને એ રીતે પરિચય આપેલો કે તારી જેમ વાર્તા છપાઈ છે એમ ઉનાનો અમારો એક વિદ્યાર્થી કાવ્યમાં ખૂબ સરસ કામ કરે છે. પછી કિશોરભાઈ બારોટ – એ પણ ઉલ્લેખ કરેલો. એમ સૌ પાસેથી એમના વિશે જાણેલું. પણ અમે મળેલા લગભગ હમણાં હમણાં. અહીં ઉનાની બાજુના અંબાડા ગામના છે. એક વાર તેઓ મારે ઘરે પધારેલા બસ, આ સિવાય કોઈ મુલાકાત નહિ ને સોશિયલ મીડિયા પર પણ એમની ઉપલબ્ધતા માત્ર કામ પૂરતી.
શબ્દ સાથે સાધના…
જયંતભાઈ, કવિતા કે ગઝલ લખે છે એટલું જ નહિ પણ ખૂબ અભ્યાસુ વ્યક્તિ છે એ વાત તમે એને મળો ત્યારે જ ખ્યાલ આવે. પોતાનો કોઈ પ્રચાર પ્રસાર નહિ. શબ્દ સાથે સાધના કરતા રહેવાનો એમનો અવિરત પ્રયત્ન.
લય, છંદ ને ચમત્કૃતિ…
એમના આ કાવ્યસંગ્રહ માંથી મને પસાર થવાનું થયું ત્યારે ખૂબ આનંદ થયો. એમાં જોવા મળ્યું કે તેમની નિસબત કાવ્ય રચના પ્રક્રિયા સાથે સરસ છે. ગઝલ હવે સર્વસુલભ થઈ પડી છે ત્યારે લય અને છંદની નજાકત સાથેની ગઝલો બહુ ઓછી મળે છે કારણ કે એમાં સ્વાધ્યાય જોઈએ. જયંત ભાઈની રચનાઓ એ રીતે લય, છંદ ને ચમત્કૃતિ સર્જે છે એનો આનંદ વિશેષ છે.
જયંત ડાંગોદરા અને એમની કવિતા વિશે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને જાતુષ જોશી….
પતંગિયાં એ બીજું કંઈ જ નથી, ઊડતાં ફૂલો છે. આ કેવી અદૂભૂત વાત! બસ એની જ નજીક આ ગઝલસંગ્રહનું શીર્ષક છે, ‘ફૂલોની પાંખ પર’. જયંત ડાંગોદરા નિષ્ઠાવાન ગઝલકાર છે. ગઝલના સ્વરૂપને બરોબર સમજ્યા પછી આ ગઝલસંગ્રહ પ્રગટ કરવાનું તેમણે સાહસ કર્યું છે. કવિતાનું કામ તો શ્વાસે અને ઉશ્વાસે શ્રી સવા અને શ્રી લાભ-શુભ લખવાનું છે. કવિ તેની સર્જનપ્રવૃતિથી ભૌતિક દૃષ્ટિએ કશું રળતો નથી, પણ એક એવી દિવ્ય સંપતિનો વારસદાર બની ચૂક્યો હોય છે, જે તેને શબ્દથી ‘શબદ’ સુધી લઈ જતી હોય છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જયંત એટલે એકનિખાલસ અને સંતોષી માણસ- આ એની પહેલી છાપ. તે એક પ્રચ્છન્ન અધ્યાત્મયાત્રી પણ ખરો; જેના માટે હું તેની સહજતાને કારણભૂત માનું છું. વળી રાજનીતિ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ખેતીવાડી, ફોટોગ્રાફી, પત્રકારત્વ, પક્ષીજગત, લોકજીવન અને ગુજરાતી સાહિત્યની તથા વિશ્વસાહિત્યની અમારી વચ્ચે થયેલી અનેક ચર્ચાઓ વખતે તેની અનેકવિધ વિષયો પ્રત્યેની રુચિએ અને તીક્ષ્ણ વિચારશક્તિએ મને હંમેશાં આકર્યો છે.
– જાતુષ જોશી
જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ ‘ફૂલોની પાંખ પર’ માંથી મને ગમેલી કેટલીક પંક્તિઓ…
આ પંક્તિઓમાં કેટલાક સામાજિક કટાક્ષ છે, પ્રેમ છે, લાગણી છે ને પ્રકૃતિ સાથેની સ્નેહાળ નિસબત છે…
રંગ લીલો હોય કે ભગવો કદી –
વાવટો તો વાહ વગર ચાલતો નથી.
– જયંત ડાંગોદરા
એક ભૂરી આંખનો કાજળ થયો,
ને પવન પળમાં જ ભાતીગળ થયો.
– જયંત ડાંગોદરા
જાણી લેશું મૃગજળ વિશેના બધા ભેદ કો’ દી
લૂ પીધેલી રજકણ ફરી હાથમાં આવશે તો.
– જયંત ડાંગોદરા
જાણું છું કે પથ્થર છે પણ-
પથ્થરનો આકાર છળે છે.
…
તારે મન ઉપેક્ષિત રહું છું ,
મારે મન પંચાત ટળે છે!
– જયંત ડાંગોદરા
જામી છે રાત આજ તો ‘ સંગીત’ ની હવે,
મીઠા મધુર એટલે અંધાર ગીત ગાય.
– જયંત ડાંગોદરા
આંખ લગ ટીપુએ પહોંચ્યું નહીં,
એક દરિયો એટલો અંદર હતો.
– જયંત ડાંગોદરા
ફરી નવો સમય અને નવી હવા વહી રહી,
ફરી નવું સ્વરૂપ લઈ મને એ છેતરી ગયો.
…
કશીય સારવારની જરૂર પણ રહી નહીં,
હકાર એકમાત્ર કેટલી અસર કરી ગયો!
– જયંત ડાંગોદરા
હું જવાબો દઈશ નહીં મારા થિરકવાને વિશે
આ સતત નાચી રહેલા આભને પામી જૂઓ.
– જયંત ડાંગોદરા
તન-મનનાં સૌ દ્વાર ઉઘાડાં,
આવ, ગમે તો આવા છઈએ.
ભોળી ભોળી ઈચ્છાઓ છે,
હાલરડું સંભળાવી દઈએ.
– જયંત ડાંગોદરા
વિશ્વાસ રાખો તો જ આ માણસ હવે ડાહ્યો થશે,
નહિતર લખી લો, આપણો વિનાશ સહિયારો થશે.
– જયંત ડાંગોદરા
એ રીતે બસ આપણી વચ્ચેનું આ અંતર ખરે,
એક ડગલું હું ભરું ને એક ડગલું તું ભરે.
– જયંત ડાંગોદરા
જાતને છોડી દીધી મઝધારમાં પહોંચ્યા પછી,
જાત દરિયો થઈ જવામાં કેટલી નડતી હશે!
– જયંત ડાંગોદરા
નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.
– જયંત ડાંગોદરા
માર્ગમાં કંઈક કેટલા બાવળ હતા,
તોય જે ચાલ્યા સતત આગળ હતા.
દોષ ના તું આપજે અવરોધોને,
આ પળે એના થકી અજવાળા હતા.
– જયંત ડાંગોદરા
હવે કશોય માર્ગ એ બતાવશે નહીં,
પડી ગયો છે સંત પારકી ધમાલમાં.
વખાણથી તમેય ચેતજો જયંતજી,
ભળી ગયું છે ઝેર ઊડતા ગુલાલ માં.
– જયંત ડાંગોદરા
જે હવાને પારખી જાણે પ્રથમ,
તે દીવામાં રાત પ્રગટાવી શકે.
મેં કરી છે બંધ સઘળી પ્રાર્થના,
કોણ સરનામા વિના કાગળ લખે!
– જયંત ડાંગોદરા
સાવ અડોઅડ ઊભો છું પણ,
થોડાંયે ક્યાં સ્પર્શાયાં છે.
…
એ જ ગઝલ તો પ્યારી લાગે,
જ્યાં બસ તારા પડછાયા છે.
– જયંત ડાંગોદરા
મૌન કેવળ મૌન બસ બાકી રહ્યું આ છેવટે,
કાંકરા બારાખડીના ચાળતાં શીખી ગયો.
– જયંત ડાંગોદરા
થઈ ગયો છે આજ માલામાલ એના કારણે,
દેહ ભગવા વસ્ત્રમાં વીંટાળતાં શીખી ગયો.
– જયંત ડાંગોદરા
કવિ જયંત ડાંગોદરાની આવી શબ્દયાત્રા નિરંતર ચાલતી રહે એવી શુભેચ્છા…
Poetry Gazal Gujarati Kavita Jayant Dangodara
#Poetry #Gazal #Gujarati_Kavita #Jayant_Dangodara #Foolon_Ni_Pankh_par
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link…
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….