My Tree Maru mitr vruksh chikudi gujarati nibandh
મારું મિત્ર વૃક્ષ : ચીકુડી !
– ભાવનાબેન શાર્દુલભાઇ કછોટ
( શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા, ધો. ૮ )
મારુ વૃક્ષ ચીકુડી. મને ચીકુ બહુ ભાવે છે. મારે ત્યાં મારા જન્મ પહેલાથી આ ચીકુડી છે. હું સમજવા શીખી ત્યારથી હું ચીકુડીને પાણી પાવ, તેને સાચવું છું.
મારી ચીકુડી અત્યાર સુધીમાં મારા બધા વૃક્ષો કરતાં સારી છે. ચીકુડીમાં ઘણા પક્ષીઓ છે, જેમ કે હડિયો, ચકલી, હોલો આવા પક્ષીઓ રહે. તેમાં માળો કર્યો, તેમાં પક્ષીના ઈંડા અને બચ્ચા છે.
અમારા બે ઘરની વચ્ચોવચ મારી ચીકુડી છે. તેના છાંયે બેસી હું લેસન કરું, રમું અને દરરોજ મારા પપ્પા બપોરે તેની નીચે છાંયડામાં સુવે છે અને તેનો પવન પણ ખૂબ આવે છે.
મારે ત્યાં ઝાઝા વૃક્ષો અને છોડવા છે જેમ કે સીતાફળ એ જમરૂખડી, ફણસ, દાડમડી, લીંબડી, બીજોરી, મીઠો લીમડો, તુલસીમાં રીંગણી ટામેટી, તુવેર, બારમાસી સફેદ અને ગુલાબી પણ આ બધા વૃક્ષો કરતા મને વધારે ચીકુડી ગમે છે
વાવાઝોડામાં તે પડી ગઈ હતી. મને દુઃખ થયું પણ તે પાછી કોળાઈ ગઈ અને તેમાં પાછા પક્ષીઓ એ માળા કર્યા. ચીકુડીમાં ફૂલ આવી ગયા અને ક્યાંક ક્યાંક નાના નાના ચીકુ પણ આવ્યા!
ચીકુડી અમારા સામસામેના બે ઘરની વચમાં છે, હું નાની હતી ત્યારે ચીકુડીમાં હિંચકો બાંધી ને હું અને મારો ભાઈ અમે હિંચકા ખાતા અને રમતા.
હું નાની હતી ત્યારે ચીકુડી નીચે બેસીને જ જમતી. મને ચીકુડી સાથે બહુ ગમે છે, ચીકુડી નીચે અમે અમારી મોટરસાયકલ રાખીએ છે અને ચીકુડી મારા આખા ઘરને અને કુટુંબને ગમે છે
એક દિવસ ચીકુડીનું ખામણું દેખાય ગયું તો ચીકુડીના મળ્યા દેખાવા લાગ્યા મેં મારા પપ્પાને કહ્યું કે પપ્પા આમાં ખામણું કરી દીધું
અમે ઉનાળામાં ચીકુનું જ્યુસ બનાવી પીએ છે અને મારા આખા ઘરનાને ચીકુનું જ્યુસ ભાવે છે એક દિવસ હું હિંચકા ખાતી હતી ત્યારે મદની એક માખી ઉડીને મારા હાથમાં કરડી ગઈ મેં મારા પપ્પાને કહ્યું તો મારા પપ્પાએ મને કહ્યું કે ગાળો ચોપડી લે એટલે લાળ નીકળી જાય અને સોજો પણ ઉતરી જાય અને બે ત્રણ દિવસમાં સોજો ઉતરી ગયો
ચીકુડીના ખામણામાં જ તુલસી માતા છે હું તુલસી માના છોડવાને સાંજે અગરબત્તી કરતી હતી ત્યાં મેં જોયું કે બાજુમાં બીજો ચિકુડી નો છોડ ઉગ્યો હતો. મેં મારા મમ્મી પપ્પાને કહ્યું કે જો અહીંયા ચીકુડી નો બીજો છોડ ઉગ્યો બધા જોઈને ખુશ થઈ ગયા
ચીકુડીના ખમણામાં કેડીનો ઘર એટલે કે દર છે ત્યાં લાલ કીડીઓ કાળી કીડીઓ અને નાની કીડીઓ ખાવાનો ભેગું કરે છે મેં જોયું કે ત્યાં એક બે નહીં કીડીના છ સાત ઘર છે હું પછી કાયમ રોટલા નો જીણો ભૂકો કરી કીડીઓને આપું છું
માર મારી ચીકુડી અમારા બાજુમાં મંદિરેથી ચોખ્ખી દેખાય છે. મારા કાકા કાકી મારા ઘરે આવ્યા મારા કાકીની છોકરીએ ચીકુડીના ફોટા પાડ્યા.
મારી ચીકુડીમાં એક દિવસ હોલાએ માળો કર્યો, ત્યાં તેના બચ્ચા હતા. અમારી મીંદડી ચડીને ખાઈ ન જાય, તે માટે મારા પપ્પાએ હોલાના બચ્ચાને સુરક્ષા માટે તેમાં બાવળિયાની ડાળીઓ કાપી અને ચીકુડીની ફરતે મૂકી દીધી અને બચ્ચા મોટા થયા અને ઉડી ગયા.
મને ચીકુ બહુ ભાવે છે અને આ ચીકુડી સાથે મારી અને મારા ભાઈની ઘણી યાદો છે. હું આજે ફરીને જોઉં તો મને મારો ભાઈની યાદ આવી જાય છે. મારી મનપસંદ ચીકુડી મારી યાદગાર ચીકુડી!
– ભાવનાબેન શાર્દુલભાઈ કાછોટ
( શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા, ધો. ૮ )
વિશેષ નોંધ – આ નિબંધ માટે મેં ફક્ત એટલું કહેલું કે તમને ગમતાં વૃક્ષ વિશે લખજો. ઘણાં વિદ્યાર્થીઓ સરસ લખીને લઈ આવ્યા. ઘણાં બાળકો એની આસપાસના વૃક્ષો વિશે વિગતો લાવ્યા. કેટલાંક એ વૃક્ષોની આસપાસ રમે છે એવું લઈ આવ્યા પણ આ નિબંધ અલગ હતો. એક ઝાડ સાથેનું સંવેદન! ગજબ આલેખન કરેલું. મેં માત્ર મને દેખાયેલી થોડીક ભાષાકીય ભૂલ સુધારી. બાકી એની વાક્ય રચના અને એની શૈલી જેમની તેમ જ રાખી. સાહિત્યિક લલિત નિબંધો જેમણે વાંચ્યા છે, એમને મન ખ્યાલ આવશે કે આ આલેખન કેટલું સરસ થયું છે.
#MyTree #Marumitr #vruksh #chikudi #gujarati #nibandh