HomeANAND THAKAR'S WORDજંગલ એપ્લિકેશન્સ

જંગલ એપ્લિકેશન્સ

- Advertisement -

જંગલ એપ્લિકેશન્સ

– આનંદ ઠાકર

ગીર-ફોરેસ્ટમાં ત્રણ દિવસનો કેમ્પ હતો. શાળામાંથી જાહેરાત થઈ હતી કે જેમને પણ જવું હોય તેમણે વાલીનું સંમતિ પત્રક આપવાનું રહેશે. મેહુલ તો ગયો ઘરે. તેને તો જંગલનો ખૂબ શોખ હતો. તેના પપ્પાને પણ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો.

મેહુલના મમ્મી, પપ્પાએ તો મેહુલને બધી તૈયારી કરી દીધી. કપડા, બ્રશ, નાસ્તો, વગેરે તથા સાથે તેને સ્માર્ટ ફોન પણ આપ્યો. વાલી મિટિંગમાં મેહુલના પપ્પાએ રૂબરૂ જઈને સંમતિપત્રમાં સહી પણ કરી દીધી. બીજે દિવસે સવારે સાત વાગે કેમ્પટૂર ઉપડી.

- Advertisement -

આ ટૂરમાં ત્રીસેક જેટલા બાળકો જોડાયા હતા. સવારે આઠેક વાગે તુલસીશ્યામ ઉતર્યા. તુલસીશ્યામ આમ ધાર્મિક સ્થળ છે. બે શિક્ષક અને બે શિક્ષિકાઓ સાથે હતા, કારણ કે આ ટૂરમાં પંદર છોકરા અને પંદર છોકરીઓ હતી. તુલસીશ્યામ મંદિરમાં દર્શન કર્યા. સામે નાની ટેકરી પર રુક્મિણી માતાનું મંદિર છે, બધા બાળકો એ ટેકરી પર ચડવા લાગ્યા. મોટા મોટા પગથિયા હોવાથી છોકરાઓને ચડવાની મજા આવી રહી હતી. તેમાં મેહુલે તો નવું પરાક્રમ કર્યું, પગથિયાની આસપાસ બાંધેલી જાળી ચડવા જઈ રહ્યો હતો. તેને તો જાળી ટપીને આડેધડ ચડવું હતું, પણ ત્યાં જ શિક્ષકનું ધ્યાન ગયું અને વળી તેને પગથિયાથી ચડવા માટે કહ્યું.

તેમ છતાં પણ મેહુલ તે જાળીમાંથી આંબી શકાય તેવા છોડ કે વૃક્ષના પાન આંબતો હતો. તેને વૃક્ષના પાન, ફૂલ આ બધું ભેગુ કરવાનો શોખ વારસામાં હતો કારણ કે તેના પિતાએ ફાર્મહાઉસ પર બોટનિકલ ગાર્ડન ઉભું કર્યું હતું. તેને તો લીલીછમ ટેકરી ચઢવાની મજા આવી રહી હતી.

ટેકરી પર આવેલા મંદિરના દર્શન કરી બધા જ વિદ્યાર્થીઓ પાછા નીચે ઉતર્યા. થોડીવાર બાળકોએ બેસીને આરામ કર્યો, પછી તેના ટિચર હાથ-પગ ધોવા માટે લઈ ગયા. બધા વિદ્યાર્થીઓએ લાઈનમાં હાથ ધોયા, લૂછ્યા અને પછી વર્તુળાકારે બેસીને બધાએ નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી કેમ્પટૂર આગળ ચાલી. થોડીવાર પછી કેમ્પટૂરનું વાહન દોઢીનેસ ફોરેસ્ટ કેમ્પસમાં ઉતર્યું. ફોરેસ્ટકેમ્પસમાં ટેન્ટ હતા. બધાને યોગ્ય રીતે જગ્યા આપી ગોઠવ્યા.

પહેલા દિવસે ફોરેસ્ટ ઓફિસર્સ સાથે દોઢીનેસ અને ભીમચાસ રેન્જમાં ટ્રેકિંગ કરાવવામાં આવ્યું. બધા છોકરાને એક વોટર પોંઈંટ પર લઈ જઈ અને અમુક અંતરેથી સિંહદર્શન પણ કરાવવામાં આવ્યું. મેહુલે તો સ્માર્ટફોનમાં ફોટા પણ પાડ્યા.

- Advertisement -

બીજે દિવસે ભીમટેકરી ફેરવવામાં આવ્યા. ભીમટેકરીની આસપાસ ઘણી બધી ઔષધીઓ હતી, તેની વિગત ફોરેસ્ટ અધિકારીઓએ આપી. ફોરેસ્ટ અધિકારીઓએ ઔષધી વીશે સમજાવતા એમ પણ કહ્યું કે અહીં પાણીની સમસ્યા હોવાથી ભવિષ્યમાં આપણને આવી ઔષધી જોવા મળે પણ નહીં. એક સમય હતો જ્યારે હિમાલયમાં સંજીવની ઔષધીઓ મળી આવતી હતી, પણ હવે મળતી નથી તે રીતે વિવિધ રોગોમાં ઉપયોગી એવી ઔષધી હવે કદાચ મળે પણ નહીં. સાથે સાથે ફોરેસ્ટ ઓફિસર એવું પણ બોલ્યા કે આ ભીમટેકરીની પાછળ એક જીનીટેકરી છે ત્યાં ગીરની દુર્લભ વનસ્પતિ થાય છે, જે રાત પડે ને ખીલે છે, જે એના ખીલેલા ફૂલ લઈ લે અને તેને એક બોટલમાં ભરી લે તો તેનો રસ મોટાભાગની બીમારી માટે કામ લાગે છે.

સાંજે બધા ટ્રેકિંગ કરીને આવ્યા અને રાત જામી. રાત પડતા જ ફાયર કેમ્પ શરૂ થયો. બધા બાળકોએ અગીયાર વાગ્યા સુધી રમત ચાલુ રાખી. રાતે બધા સુતા. મેહુલને ઊંઘ આવતી ન હતી. તેને વિચાર આવતા હતા કે તે રાતના ખિલનારા ફૂલને જોઈએ તો ખરાં કેવા હોય, થોડાં નમૂના લઈએ જેથી પપ્પાને બતાવી શકાય. તે સતત વિચારતો રહ્યો….

રાતના ત્રણેક વાગાનો સમય થયો હશે. મેહુલ ટેન્ટમાં ઉભો થયો. જોયું તો બધા ઘસઘસાટ સૂતા હતા. ઠંડીની ઋતુ હતી તેથી બહાર સિંહની હૂંક સંભળાતી હતી. ચીબરીઓ બોલી રહી હતી. તેને બહાર જવાના વિચાર ચાલતા હોવાથી તે પહેલેથી જ ટેન્ટના દરવાજા પાસે જ સૂતો હતો, તેથી તેણે ધીરે રહીને બહાર નજર કરી. બહાર ફાયરકેમ્પની આગ ધીમે ધીમે જલી રહી હતી, બધા ટેન્ટ બંધ હતા. ફોરેસ્ટર્સ પણ સૂઈ ગયા હતા.

આખરે તેણે નિર્ણય લઈ લીધો…

- Advertisement -

પોતાના થેલાનું ઓશિકું બનાવીને સૂતો હતો, તે થેલો ધીરે ધીરે બહાર સરકાવ્યો. પોતે પણ બૂટ હાથમાં લઈને ચિત્તાની ચપળતાથી અને બિલ્લી પગે બહાર નીકળી ગયો.  ટેન્ટ બહાર આવીને તેણે ચારે તરફ નજર કરી. કેમ્પમાં અગ્નિને કારણે પ્રકાશ હતો, પણ દૂર ગાઢ અંધારું ફેલાયેલું હતું. તેણે પોતાના થેલામાંથી બેટરી કાઢી. તેના સ્માર્ટફોનમાં ‘જંગલ એપ્લિકેશન’ હતી. તે એપ્લિકેશનનું કામ એ હતું કે જ્યાંથી તમે ચાલ્યા છો તે રસ્તાનું રેકોર્ડિંગ કરવું. તેણે જંગલમાં ફરતા સમયે તે એપ્લિકેશન શરૂ રાખી હતી. તે એપ્લિકેશન પાછી ઓપન કરીને જોઈ!!! ભીમ ટેકરી તો થોડી ઊંચી હતી, તેથી સામે જ દેખાતી હતી.

Also Read::   Poem : कुछ कविताएं - चांद का रिपोर्टिंग

તે બેટરીના પ્રકાશમાં ધીરે ધીરે આગળ વધ્યો. આકાશમાં પશ્ચિમ તરફ ઢળતા ચંદ્રનો પ્રકાશ, તારલાઓથી ભરાઈ પડેલું આકાશ અને રસ્તામાં સૂકાયેલા પાનનો ખખડાટ, ચીબરી તથા તીમરાનો આવાજ, દૂરથી આવતી સાવજની ત્રાડો. તેના ચાલવાથી ઝાડવા પર રહેલા વાંદરાનો સળવળાટ!!! આ બધું તેને ડરાવતું પણ હતું અને બીક પણ લગાડતું હતું. તેણે અત્યાર સુધી વાર્તાઓમાં, ફિલ્મોમાં સાંભળ્યું કે જોયું હતું કે રાતનું જંગલ ખૂબ બિહામણું હોય છે, પણ આજે તે સાક્ષાત્ અનુભવી રહ્યો હતો!!

ધીરેધીરે તે ટેકરી સુધી પહોંચ્યો. ટેકરી ચઢવાનું શરૂ કરે ત્યાં બાજુમાંથી ફૂફાડો મારતો સર્પ તેના પગ પરથી પસાર થઈ ગયો, સારું થયું કે તેને બુટ પહેર્યા હતા. તેણે ધીરે ધીરે આસપાસ નજર કરીને આગળ ચડવાનું શરૂ રાખ્યું. એક વાર લપસ્યો અને કોણી પણ છોલાઈ, થેલો હતો તેથી બચી ગયો. વૃક્ષોને પકડતો પકડતો મેહુલ તો પોતાની સફર આગળ વધારવા લાગ્યો.

આખરે ભીમ ટેકરી ચડી ગયો. ભીમ ટેકરીની પાછળ ઉતરવા લાગ્યો. જીની ટેકરીનો રસ્તો તેણે જોયો. ધીરે ધીરે જીની ટેકરી પર પણ ચડ્યો. જીનીટેકરી પર જઈને જુએ છે તો અજબ અજબ રંગોના ખીલેલા ફૂલો તેણે જોયા. ઘણાં લવંડર કલરના તો ઘણાં કેસરી કલરના તો વળી કેટલાક નાના ફૂલ જે રાતા કલરના હતા.  આ ફૂલ તે તેના પપ્પાને ભેટમાં આપવા માંગતો હતો. જે તેણે તરત પોતાનો થેલો ખંભેથી ઉતાર્યો અને તેમાં રહેલી વોટરબેગમાં આ ખીલેલા ફૂલો ભરવા લાગ્યો. આ ફૂલના ચારેક છોડ પણ ખેંચીને પોતાની વોટરબેગમાં નાખ્યા. વોટર બેગ થેલામાં નાખી અને થેલો ખંભે નાખ્યો. તેણે મોબાઈલમાં જોયું ઘણો સમય પસાર થઈ ગયો હતો. ચાર વાગી ગયા હતા. તેને થયું કે બધા ઉઠે તે પહેલા તે ફરીથી કેમ્પ પર પહોંચી જાય અને કોઈને ખબર પડે નહીં.

મેહુલે તો જીનીટેકરી ઉતરવા માંડી. હજુ તે લગભગ અડધું ઉતર્યો હશે ત્યાં તો તેના પગ થંભી ગયા, આંખો પહોળી થઈ ગઈ. મગજ ધંધે લાગી ગયું…. ટેકરીની નીચે બે સિંહ અને ત્રણ સિંહણ હતા. રાતના અંધકારમાં પણ પાંચેયની આંખો તપકારા મારતી હતી. સિંહણોની નજર ટેકરી પર ચાલતા મેહુલના પગ પર હતી. મેહુલે જોયું તો નીચે ‘વિકરાળ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવો ન પડે તેનો સીધો અનુભવ થઈ જાય તેવી સ્થિતિ હતી. એક સિંહણ તો ઉપર ચડવા માટે આમ તેમ આંટા મારી રહી હતી. મેહુલે આજુબાજુમાં જોયું. જમણી બાજુ થોડે ઉપર એક વડલો હતો, તેની એક ડાળી મોટી અને નીચે હતી. મેહુલ તે વૃક્ષ પાસે ધીમે ધીમે ગયો અને ત્યાં ઉપર ચડી ગયો.

મેહુલને થયું હવે સવાર સુધી અહીં રાહ જોવાની રહી. તેને વિચાર આવ્યો કે કદાચ કેમ્પ નીકળી ગયો તો…! પણ તરત તેના મને તેને કહ્યું કે હવે તેની પાસે બીજો કોઈ ઓપ્સન હતો નહીં. મેહુલને એમ હતું કે સિંહ -સિંહણ ચાલ્યા જશે. તે નીરાંતે વૃક્ષ પર બેસ્યો હતો, તેની આંખો ઘેરાતી હતી.

થોડીવારમાં તેની ધારણા ઊંધી પડી, ,સિંહનું ટોળું ઉપર ચડી રહ્યું હતું. મેહુલને હવે રડવાનું પણ મન થતું હતું અને જોર જોરથી હસવાનું અને રાડો પાડવાનું પણ મન થતું હતું, પરંતુ હવે તેના ગળામાંથી એક અવાજ પણ નીકળતો ન હતો. એવામાં ચમત્કાર થયો… ઉપર કાગડાએ ક્રાઉં..ક્રાઉં… કર્યું!

મેહુલના જીવમાં જીવ આવ્યો. મેહુલે તરત જંગલ એપ્લિકેશન શરૂ કરી. તેમાં એક ઓપ્સન બર્ડવોઈઝ કનવર્ટ લેન્ગવેજનું હતું, આ એપ્લિકેશનમાં માણસ જે બોલે તેનું પક્ષીઓની બોલીમાં રૂપાંતર થાય અને પક્ષીઓની બોલીનું માણસના શબ્દોના ટેક્સ રૂપે રૂપાંતર થાય. જો કે આ એપ્લિકેશનમાં હાલ તો માત્ર બે પક્ષીઓના જ અવાજો આ રીતે કનવર્ટ થઈ શકતા હતા એક બુલબુલ અને બીજો કાગડો અને એક સાગરજીવ ડોલ્ફિનનો. મેહુલે તે શરૂ કર્યું અને કાગડાને સંભળાય તે રીતે પહેલા તે મોબાઈલમાં બોલ્યો, સિંહ ન હોય તેવો રસ્તો? એપ્લિકેશન દ્વારા આ વાક્ય કાગડાની ભાષામાં કનવર્ટ થયું અને મોબાઈલ સ્પિકર ફૂલ કરી મેહુલે કાગડો બોલ્યો તે તરફ રાખ્યું.

Also Read::   વારતા: પોપકોર્ન - આનંદ ઠાકર

કાગડાને પણ કદાચ આશ્ચર્ય થયું કે આ બીજો કાગડો આવું પૂછે? તેથી કાગડો નીચેની ડાળ પર આવ્યો. કાગડાએ જોયું તો અહીં તો એક માણસના એક કિશોરવયના બાળક સિવાય કોઈ હતું નહીં! કાગડાએ પૂછ્યું કે કોણ બોલ્યું…. તો મેહુલે કાગડાભાઈને વળી કહ્યું, ‘‘કાગડાભાઈ, હું મેહુલ છું. હું અહીં ફૂલ લેવા માટે આવ્યો હતો. હવે મારે જંગલમાંથી બહાર નીકળવું છે સામે સિંહ આવી રહ્યા છે, મદદ કરોને… ’’

કાગડાભાઈ આ સાંભળીને વધારે આશ્ચર્યમાં પડી ગયા. તે તો મેહુલ પાસે આવી ગયા. મેહુલને કહે, ‘‘આ વળી શું માણસ અમારી ભાષા બોલવા માંડ્યો?’’

‘‘કાગડા ભાઈ, આ એવું યંત્ર છે કે જે આપણી દોસ્તી કરાવી દે છે અને આપણે બન્ને એક બીજાની ભાષામાં વાતચીત કરી શકીએ છીએ.’’મેહુલે આટલું કહ્યા પછી ઉમેર્યું, ‘‘પણ કાગડા ભાઈ અત્યારે તમે મારી મદદ કરશો ઝડપથી? ’’

કાગડાભાઈ કહે,‘‘ઉભો રહે, હું હમણાં આવું છું.’’

કાગડાભાઈ તો ફરરરર કરતા ઉડીને ચક્કર લગાવી પાછા આવ્યા. પાછા આવીને તેણે મેહુલને કહ્યું, ‘‘હા. તું અહીંથી જમણી બાજુ ઉતરી જા. હું તારી સાથે છું. દિશા બતાવતો જઈશ. અત્યારે ત્યાં કોઈ ભય નથી. આ સિંહ અહીં ચડે તે પહેલા તું બીજી બાજુ ઉતરી જા.’’

‘‘આભાર, કાગડા ભાઈ… ’’ એમ કહીને મેહુલ તો જમણી બાજુનો ઢાળ ઉતરવા લાગ્યો. બીજી બાજુ સિંહો પશ્ચિમ તરફનો ઢાળ ચડી રહ્યા હતા.

મેહુલ નીચે ઉતર્યો ત્યારે સાડાપાંચ વાગી ગયા હતા. કેમ્પમાં ‘‘મેહુલ નથી…મેહુલ ખોવાઈ ગયો…ભાગી ગયો…સિંહ તો નથી ઉપાડી ગયા…ક્યાં ગયો.. ’’ના હાહોને દેકારા થવા લાગ્યા. શિક્ષકા બહેનો બીજા વિદ્યાર્થીઓને સંભાળી રહ્યા હતા. શિક્ષકો અને ફોરેસ્ટરો તેને શોધવા માટે નીકળી પડ્યા. એક ફોરેસ્ટરે તેના પગલા શોધી કાઢ્યા, તે ભીમ ટેકરી બાજુ જતાં હતા. ફોરેસ્ટર્સ અને શિક્ષકો એ તરફ જવા લાગ્યા…

કાગડાના દિશા નિર્દેશ પ્રમાણે ચાલીને અડધી કલાકમાં તો મેહુલ કેમ્પમાં પાછો ફર્યો. આ જોઈ બધા વિદ્યાર્થીઓ ખૂશ થઈ ગયા. શિક્ષિકા બહેનોએ તરત ત્યાં હાજર ફોરેસ્ટ ઓફિસરનો કોન્ટેક્ટ કરી, શોધવા ગયેલા ફોરેસ્ટ ઓફિસર અને શિક્ષકોને હોકીટોકીથી આ સમાચાર આપી પાછા બોલાવ્યા. ફોરેસ્ટ ઓફિસર્સ અને શિક્ષકો આવ્યા. ઘણાં મેહુલને ખીજાવા લાગ્યા અને ઘણાં તેની બહાદુરીને બિરદાવતા હતા.

બધા ફરી પાછા દીવ જવા માટે બસમાં બેઠા તો મેહુલે કાગડાભાઈને પણ દીવ આવવા કહ્યું. કાગડાભાઈ તો બસમાં મેહુલની સીટ પર બેસી ગયા. બધાને જાણવાની ઈચ્છા હતી કે મેહુલ કઈ રીતે આવું કરી શક્યો…. મેહુલે બધી વાત કરી. બધાએ તેની બહાદુરીને અને ટેક્નોલોજીના ઉપયોગને બિરદાવી.

મેહુલ ઘરે આવ્યો, તેણે મમ્મી-પપ્પાને બધી વાત કરી. મમ્મીએ તો તેને છાતીસરસો વળગાડી લીધો. પપ્પાએ શાબાશી આપી. કાગડાભાઈ મેહુલનો કાયમી દોસ્ત બની ગયો. આ જંગલમાં વાપરેલી એપ્લિકેશન મેહુલના મામાએ બનાવેલી, તેથી તેનું પણ શાળાએ સન્માન કર્યું. જંગલમાં ઉગતા ફૂલો હવે મેહુલના પપ્પાના બગીચામાં ઉગવા લાગ્યા છે. પછી બધાએ ખાધું, પીધું અને પાર્ટી કરી.

********
રંગીન ચિત્ર – કાનજી મકવાણા

( આનંદ ઠાકરની ‘ ખાધું પીધું ને પાર્ટી કરી ‘ બાળવાર્તા સંગ્રહ માંથી આ વાર્તા પ્રસિદ્ધ કરી છે. આ વાર્તા અને ચિત્રો જેના તમામ હક્ક એમના કોપીરાઇટ હેઠળ છે માટે લેખકની મંજુરી વગર આ વિષયવસ્તુના ઉપયોગ કાયદાને આધિન છે. લેખકના સંપર્ક નંબર – 8160717338 )

*******

વિશેષ નોંધ – આપને આ વાર્તા કેવી લાગી એ વિશે નીચે કોમેન્ટ માં પ્રતિભાવ ચોકકસ આપો. શું આપ આવું સાહિત્ય વાંચવામાં રસ ધરાવો છો? તો આપનો પ્રતિભાવ અમારા આગળના આયોજનને વધુ સારું બનાવશે. આપનું સુચન અને માર્ગદર્શન અમારી સાથે શેર કરો. દર રવિવારે નવી બાળવાર્તાઓ લઈને અહીં મળીશું… જોડાયેલા રહો અમારી સાથે…  

****

ગત રવિવારની બાળવાર્તા ‘ સ્કુલના વડલા દાદા ‘ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… 👇
https://bit.ly/3pufdfy

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!