Home ANAND THAKAR'S WORD સ્કૂલના વડલાદાદા

સ્કૂલના વડલાદાદા

0
653

સ્કૂલના વડલાદાદા

– આનંદ ઠાકર

મનન નામનો છોકરો રોજ શાળામાં આવી અને વડલાના થડ પાસે ઉભો રહી જાય. થડની ઉપરની બાજુએથી વળેલી એક ઘેઘુર ડાળ તરફ જોયાં કરે.

મનને દરરોજ તેના મમ્મી કે પપ્પા કારમાં મૂકી જાય અને લઈ જાય. તેના લંચબોક્સમાં ઘણો બધો નાસ્તો હોય. મનન થોડો નાસ્તો વડલાના થડ પાસે વેરે. કીડી, ચકલી, ખીસકોલી, કાબર, લાલેડા દરરોજ આવે અને તેણે વેરેલો નાસ્તો ખાવાનું શરૂ કરે પછી મનન તેને જોતો જોતો નાસ્તો કરે.

ધીરે ધીરે તેને વડલાદાદા સાથે દોસ્તી થઈ ગઈ. વડલાદાદા સાથે તે દરરોજ વાતો કરે. છોકરાઓ તેને જોઈને મનનની મજાક કરે, પણ મનનને લાગે કે વડલા દાદા મને વાર્તા કરે છે. એક દિવસ ખરેખર મનન વડલાદાદા પાસે ઉભો અને વડલાદાદાને કહેવા લાગ્યો, ‘‘વડલાદાદા, તમે મારી સાથે વાતો કરોને… આ લોકો બધા માને છે કે હું તમારી સાથે એકલો એકલો જ વાતો કરું છું.’’

વડલાદાદાને પણ અચાનક જ વાચા ફૂટી! વડલાદાદા કહે, ‘‘મનન, આમ તો હું કોઈની સાથે નથી બોલતો. એક સમય હતો ત્યારે હું બોલતો હતો. હવે હું બોલતો નથી. આ તો તું રોજ તારો નાસ્તો ચકીબેન, કીડીબેન, લાલેડીબેન અને ખીસકોલીબેન તથા કાગડાભાઈને ખવડાવે છે તેથી થયું કે તારી સાથે વાત કરું.’’ આમ વડલાદાદા સાથે મનનને તો મજા પડી ગઈ. હવે તો એ બન્નેની દોસ્તી પાક્કી થઈ ગઈ.

એક દિવસ મનન વડલાદાદા પાસે આવીને ઉદાસ ચહેરે બેસી ગયો એટલે  વડલાદાદાએ તેની મૂછ્છો જેવી વડવાઈ હલાવીને કહ્યું, ‘‘મનન, બેટા, શું તકલીફ છે કે આજે આટલો ઉદાસ થઈને બેસી ગયો છે.’’

મનન થોડીવાર તો એમ જ મોં ફૂલાવીને બેસી રહ્યો, પણ પછી તેણે કહ્યું, ‘‘દાદુ, મારે આ સેટરડે સ્ટોરી કહેવાની છે. પપ્પા બહાર ગયા છે, તેના બિઝનેસના કામમાં. મોમને પોતાના વર્કમાંથી ટાઈમ નથી. તમે જ કહો હવે શું કરું?’’

વડલાદાદાએ તેના પાન હલાવીને જાણે ધીમું હસતા હોય તેમ કહ્યું, ‘‘મનન, એમાં શું? હું તને વાર્તા કહું, ચાલ… ’’

મનન તો વડલાદાદાની વાત સાંભળી ને આનંદમાં આવી ગયો. ખૂશ થઈ ગયો. તેણે તો વડલા સામે ધ્યાનથી કાન માંડ્યા અને આંખ પણ માંડી. વડલા દાદા જાણે બેઠક બરાબર ગોઠવતા હોય તેમ તેની બે-ત્રણ મોટી ડાળીઓ હલી. વડલા દાદાએ વાર્તા શરૂ કરી….

… રિશેષ પૂરી થઈ, તેની સાથે વાર્તા પણ પૂરી થઈ. મનન ખૂશ થતો થતો ક્લાસમાં ગયો. રજા પડી ત્યારે તેની વોટરબેગનું પાણી વડલાના થડ પાસે ઢોળતા થેન્ક્યુ કહ્યું. બીજે દિવસે શનિવાર હતો. મનનનો સેટર ડે. મનન સવારમાં તૈયાર થયો. તેના મમ્મી તેને ગાડી લઈને શાળાએ મૂકી ગયા. મનને ગાડીમાંથી ઉતરતા સમયે કહ્યું, ‘‘મોમ, આજે મારે સ્ટોરી કહેવાની છે.’’

મનના મોમે મનના કપાળમાં ચુંબન કરી, વાળ સરખા કર્યા અને બેસ્ટ ઓફ લક કહ્યું. ગાડીનું બારણું ખોલ્યું. મનન મહારાજ ઉતર્યા અને તે ગયા પ્રાર્થના ખંડમાં. થોડીવારમાં બધા આવી ગયા. પ્રાર્થના થઈ, ત્યાર પછી શનિવારે બાલસભા થાય, બધા બાળકોએ પોતાનું પરફોમન્સ આપ્યું. મનનો સ્ટોરી કહેવાનો વારો હતો, પણ મનને થોડો પાછળ લેવડાવ્યો. વળી બે ચાર વિદ્યાર્થીઓ આવ્યા, પોતાનું પરફોર્મન્સ આપ્યું. પછી ટિચરે મનને કહ્યું, ‘‘મનન, હવે સમય પૂરો થવા આવે છે, તું તારી વાર્તા કહે. ’’

Also Read::   જંગલ એપ્લિકેશન્સ

મન ઉભો થયો અને માઈક પાસે ગયો. પ્રાર્થનાખંડની પાછળની બારી માંથી વડલો દેખાતો હતો, તેને જોઈ તે હસ્યો અને પછી આંખો ક્ષણ માટે બંધ કરી. મનન બોલવાનો હતો. તે ક્ષણભર બંધ થયો તો પ્રાર્થનાખંડ પણ મૌન થઈ ગયો. બીજી ક્ષણે મનને વાર્તા શરૂ કરી…

‘‘દોસ્તો,આપણી શાળામાં પાછળ એક વડલો છે… મારા માટે તો વડલાદાદુ છે. કાલે તેણે મને એક વાર્તા કરી તે હું તમને કહીશ.’’

બાળકો બધા હસવા લાગ્યા. બધાને થયું વડલો તે કંઈ વાર્તા કરતો હશે!!! પણ મનને તો વાર્તા શરૂ જ રાખી અને બધા પાછા સાંભળવા પણ લાગ્યા.

‘‘ફ્રેન્ડ્સ, વડલાદાદા કહેતા હતા કે એક સમયે અહીં જંગલ હતું. અનેક વૃક્ષો હતા, ઘણાં બધા પશુઓ હતા, ઘણાં પક્ષીઓ હતા અને ઘણાં પક્ષી બહારથી આવતા હતા. જંગલમાં બધા એક થઈને રહેતાં હતાં. પંખીઓમાં મોર બધાનો રાજા હતો. પશુઓમાં સિંહ બધાનો રાજા હતો. વૃક્ષોમાં વડલાદાદા જે આપણે અહીં છેને, તેના દાદા રાજા હતા.

‘‘એક વખતની વાત છે અહીં જે વડલાદાદા છે તે ખૂબ નાના હતા. ત્યારે અહીં ગામડું વસવા લાગ્યું. લોકો પોતાના મકાન બનાવવા, અનાજ મેળવવા, ખેતર બનાવવા માટે વૃક્ષો કાપવા લાગ્યા હતા. વડલાદાદા કહે તેમાં તેની કેટલીય પ્રજા મરી ગઈ- ઘણાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. વડલાદાદા કહે છે કે વૃક્ષો-પશુ-પંખી આ બધાને એકબીજા વગર ચાલતું ન હતું. વૃક્ષો ઓછા થયા તેના કારણે ઘણાં પક્ષીઓ અહીં આવતા બંધ થઈ ગયા.

‘‘વર્ષો પસાર થયા. વડલાદાદા કહે તે યુવાન થયા. જંગલમાં જવાના રસ્તાની થોડે દૂર જ તે ઉગેલા હતા. તેથી, ગામ લોકોએ ત્યાં ઓટલો બનાવ્યો. તે ઓટલા પર પાણીના માટલા રાખવામાં આવતા, કારણ કે વડલાદાદાનું જંગલ પસાર કરો એટલે બીજું ગામ આવતું હતું એટલે એક ગામથી બીજા ગામે જનારા વડલાદાદાના ઓટલા પર થોડીવાર આરામ કરતા હતા.

‘‘ઘણાં વર્ષો પસાર થઈ ગયા. આ વડલાદાદા ઘેઘૂર થઈ ગયા હતા. તેને ઘણી ડાળીઓ ફૂટી નીકળી અને તે પણ ખૂબ જ તોતિંગ બની ગઈ. તેની મુછ્છ અને દાઢી જેવી તેની વડવાઈ પણ મોટી થવા લાગી… ’’

મનને વડવાઈનું આ રીતે વર્ણન કર્યું એટલે છોકરાને મજા આવી ગઈ, બધા હસવા લાગ્યા. મનન તો થોડી થોડી વારે પાછળ વડલા સામે જોતો જાય અને વાર્તા કરતો જાય.

‘‘જ્યારે તે વડલાદાદા આવા વડિલ જેવા બની ગયા, ત્યારે અચાનક એક દિવસ જંગલના રસ્તાને પાકો કરવા માટે થઈને વચ્ચેથી ઘણાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. વૃક્ષો કપાતા અનેક પક્ષીઓના રહેવાના ઘર એટલે કે માળા વિખરાય ગયાં. ઘણાં દબાઈ-ચગદાઈને મરી ગયાં. સિંહ, હરણ, દીપડા,નીલગાય વગેરે જેવા પશુઓ માણસની અવરજવર અને વાહનોથી કંટાળી ને દૂર બીજી બાજુ જે થોડું ઘણું જંગલ બચ્ચું હતું ત્યાં ચાલ્યાં ગાયાં. દોસ્તો આ સમયમાં અહીં જે વડલાદાદા છે તેના દાદા પણ રસ્તાની વચ્ચે આવતા હતા તેથી તે પણ ન રહ્યા!’’

Also Read::   વારતા વાર: ચમત્કારી ઘડિયાળ

‘‘આ વડલાદાદા કહે મારે આ બધું જોવાનું હતું. એમાં પણ વળી થોડાં વર્ષોમાં તો અહીંથી શહેર નજીક થાય. શહેર વિકસવા લાગ્યું અને છેક અહીં સુધી લાં..બુ.. થઈ ગયું. એક દિવસ એવો આવ્યો કે માણસ તોતિંગ મશિન લઈને આવ્યો. આપણે જેને જેસીબી કહીએ છીએ. આ વડલાદાદા કહે છે કે તેના દ્વારા માણસોએ મોટાભાગના વૃક્ષો કાપી નાખ્યા. થોડી બાજુ કોમ્પ્લેક્સ અને બજારો બની. હું હવે ખૂણામાં હતો તેથી હવે હું માણસોને નડતો ન હતો. જો કે મારી બે-ત્રણ ડાળીઓ જે રસ્તા વચ્ચે હતી તેને તોડીપાડવામાં આવી હતી.

‘‘થોડાક સમયમાં જ આ શાળા બનાવાની શરૂ થઈ. વડલાદાદાને એમ કે હવે તો તેનું આવી જ બન્યું, પણ નહીં. તેને બાજુમાં રહેવા દીધા. પહેલા તે પશુ-પક્ષીઓના બચ્ચાને રમતાં જોતાં હતાં. હવે તેને એટલો આનંદ થયો કે માણસના બાળકોને તે રમતાં જોઈ શકે છે. ’’

મનન થોડીવાર અટક્યો અને વળી બોલ્યો, ‘‘ફ્રેન્ડ્સ, આમ તો તે ક્યારેય બોલતા નથી. પણ તેના પર આજે ય ઘણાં પક્ષીઓ રહે છે. હું તેને રોજ નાસ્તો કરાવું છું. કાલે મારે વાર્તા કહેવાની હતી. મારી પાસે કોઈ વાર્તા ન હતી, તેથી તેણે મને આ વાર્તા કરી. હું દરરોજ પક્ષીને થોડી ચણ નાખીને અને વડલાદાદાને એકલું ન લાગે તે માટે આસપાસ બીજા ટ્રીઝ વાવીને થેન્ક્યુ કહીશ. તમે આ રીતે થેન્ક્યુ કહેશો તો તે તમને પણ સ્ટોરી કહેશે. સાચ્ચે જ. ’’

મનન ટિચર સામે જોઈને બેસી ગયો. બાળકો ચૂપ થઈ ગયા હતા. ટિચર્સ બધા ઉભા થયા અને એક સાથે તાળી પાડી, પછી તો આખો પ્રાર્થના ખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. મનનની આ વાર્તાને બેસ્ટ પર્ફોમર્સનું ઈનામ મળ્યું. મનન તે ઈનામ લઈને વડલાદાદા પાસે દોડ્યો આ જોઈ અને આચાર્ય સાહેબે બધા સ્ટાફને બોલાવીને કહ્યું. આપણે બધા ‘પાંચ વિદ્યાર્થી બરાબર એક વૃક્ષ’નું અભિયાન કરીને વડલાદાદાની એકલતા દૂર કરીએ!!!!

પછી પહેલા નંબરે આવવાથી મનનને ખાધું, પીધું અને પાર્ટી કરી.

( આનંદ ઠાકરની ‘ ખાધું પીધું ને પાર્ટી કરી ‘ બાળવાર્તા સંગ્રહ માંથી આ વાર્તા પ્રસિદ્ધ કરી છે. આ વાર્તા અને ચિત્રો જેના તમામ હક્ક એમના કોપીરાઇટ હેઠળ છે માટે લેખકની મંજુરી વગર આ વિષયવસ્તુના ઉપયોગ કાયદાને આધિન છે. લેખકના સંપર્ક નંબર – 8160717338 )

*******

વિશેષ નોંધ – આપને આ વાર્તા કેવી લાગી એ વિશે નીચે કોમેન્ટ માં પ્રતિભાવ ચોકકસ આપો. શું આપ આવું સાહિત્યિક વાર્તાઓ વાંચવામાં રસ ધરાવો છો? તો આપનો પ્રતિભાવ અમારા આગળના આયોજનને વધુ સારું બનાવશે. આપનું સુચન અને માર્ગદર્શન અમારી સાથે શેર કરો. દર રવિવારે નવી બાળવાર્તાઓ લઈને અહીં મળીશું… જોડાયેલા રહો અમારી સાથે…