Home ANAND THAKAR'S WORD એડન્ટની શોધ…

એડન્ટની શોધ…

0
250

એડન્ટની શોધ…

આનંદ ઠાકર

જય નામનો એક છોકરો. તેને વિજ્ઞનના નવા નવા પ્રયોગ કરવાનો ખૂબ શોખ. એક વાર તેણે ધ્યેયવિજ્ઞાન સંસ્થાના સહયોગથી અને તેના બીજા બે દોસ્તો વત્સલ અને મિહિરની મદદથી એક નેનો પ્લેન બનાવ્યું. પ્લેનમાં બેથી ત્રણ જણ બેસી શકે તેટલી જગ્યા. પ્લેન વિવિધ ટેસ્ટમાંથી પસાર થઈને પાસ થઈ ગયું. સંસ્થાના વડા રાજેન્દ્રભાઈએ આ વિમાન જયને વાપરવા માટે પુરષ્કારના રૂપમાં આપ્યું.

એકવાર વેકેશનમાં જય અને તેના બન્ને મિત્રો પ્લેનમાં બેસીને લોંગ જર્નિ કરવા નીકળી પડ્યા.  જય પ્લેન ચલાવી રહ્યો હતો. એક પછી એક પ્રદેશ વટાવી રહ્યા હતા. નીચે દેખાતા પૃથ્વીના પ્રદેશો જોવાની ત્રણેયને ખૂબ મજા આવતી હતી. શહેર પરથી પસાર થાય તો નાના ઘર અને મોટી મોટી ઈમારતોની વિચિત્ર ડિઝાઈન બનતી હોય તે જોવાનો એક અનેરો આનંદ થતો હતો. જો જંગલ પરથી પસાર થાય તો જાણે કોઈ ચિત્રકારે ધરતીના કેનવાસ પર સરસ મજાનું દ્રશ્ય ઉભું કર્યું ન હોય! પર્વતી ટોંચ સુધીનું બધું જોવા મળે.

લગભગ ત્રણેક કલાકનો રન પસાર કર્યો હશે, ત્યાં તેના પ્લેનમાં કોઈ ખામી સર્જાઈ. નીચે જંગલ હતું.  જય આસપાસના એરલાઈન્સનો કોન્ટેક્ટ કરવા લાગ્યો. વત્સલ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવાની કોશિશ કરતો હતો. મિહિર પેરેશૂટ તૈયાર કરી રહ્યો હતો.

જયે તરત કહ્યું, ‘‘દોસ્તો, ઈંધણ તો પૂરું થવામાં જ છે પણ સાથે સાથે મેઈન એન્જિનમાં પણ કંઈક પ્રોબ્લેમ્સ આવ્યો છે. એરલાઈન્સનો કોન્ટેક્ટ થઈ શકે તેમ નથી, કારણ કે આપણી ફ્રિક્વન્સી હેક થઈ છે.’’

વત્સલે કહ્યું, ‘‘કન્ટ્રોલરૂમનો કોન્ટેક્ટ પણ તેથી જ નથી થઈ રહ્યો.’’

મિહિરે કહ્યું, ‘‘કંઈ નહીં. આપણે પ્લેનને બલૂનથી સજ્જ કર્યું છે. તેનું મેઈન બલૂન જ ખોલી નાખો જેથી આપણે પ્લેન સહિત બચી શકીએ.’’

જયે કહ્યું, ‘‘હા. હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્સન નથી. બલૂનથી આપણે અહીં આ જંગલમાં જ ક્યાંક ઉતરાણ કરી શકીશું.’’

બલૂન ખોલવામાં આવ્યું. બલુનનું કન્ટ્રોલર જયે હાથમાં લીધું. મિહિરે કહ્યું, ‘‘જય, અહીં નીચે જો. કોઈ મકાન અને બાજુમાં થોડી ખૂલ્લી જગ્યા પણ છે ત્યાં જ ઉતરાણ કર.’’

જયે થોડીવાર નીચે આસપાસ નજર કરી. ઘોર જંગલમાં આટલા વિસ્તારમાં જ ઘર…?! આવો વિચાર આવ્યો, પણ અત્યારે વિચારવાનો સમય ન હતો અને તેણે બલુનને નીચે ઉતારવાની તૈયારી કરી. ધીરે ધીરે બલુન નીચે ઉતર્યું. ત્રણે મિત્રો બહાર નીકળ્યા. બલુનને પાછું પ્લેનની સિસ્ટમ પ્રમાણે ગોઠવ્યું. ત્રણેયે જોયું તો સાંજ પડવા આવી હતી.

ત્રણેય દોસ્તો વિચારમાં પડી ગયા કે હવે શું કરી શકાય?

મિહિરે કહ્યું, ‘‘જંગલમાંથી રસ્તો શોધવો પડશે.’’

વત્સલે કહ્યું, ‘‘આ પ્લેનની જીપીઆરએસ સિસ્ટમ ચાલું છે તેથી કોઈને કોઈ આપણને શોધતું શોધતું આવશે જ.’’

જયે કહ્યું, ‘‘તમે બન્ને સાચા છો. વત્સલ કહે છે તેમ જો કોઈ આપણને શોધવા આવશે તો તે આપણા પ્લેન સુધી પહોંચી શકે છે. તેથી આજે આપણે પ્લેનમાં રાત પસાર કરીએ અને ત્યાં સુધી કોઈ ન આવે તો આપણે સવારે આ જંગલ માંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરીએ.’’

થોડીવાર અટકીને જયે ફરીથી કહ્યું, ‘‘ચાલો દોસ્તો ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ.’’

ત્રણેય દોસ્તો નાસ્તો કરવા લાગ્યા, પણ મિહિરનું ધ્યાન પેલા ઘર સામે હતું. આ ત્રણેય દોસ્તોનું પ્લેન જ્યાં ઉતર્યું હતું તે મેદાનની સામે જ એક જર્જરિત મકાન હતું. ત્રણેયે જ્યારે નાસ્તો પૂરો કર્યો ત્યાં સુધીમાં રાત પડી ચુકી હતી. અંધારું થઈ ગયું હતું.

પ્લેનમાં બેઠા-બેઠા ત્રણેય વાતો કરતા હતા, ત્યાં વત્સલ એકી ટસે પેલા મકાન તરફ જોઈ રહ્યો. વત્સલને આ રીતે જોતો જોઈ પેલા બન્નેએ પણ એ બાજું જોયું. બધાએ ત્યાં એક આશ્ચર્ય જોયું કે એ મકાનમાંથી પ્રકાશ આવતો હતો. થોડી વાર થઈ તો એક ઝગમગતો માણસ જેવો આકાર બહાર નીકળ્યો. થોડી મિનિટ્સ ગઈ હશે કે પેલો લાઈટીંગથી ઝળહળતો માનવ આકારમાંથી બધી લાઈટ્સ બંધ થઈ ગઈ અને તેના માથામાં લાઈટ્સ ચાલું થઈ. તે માનવ આકાર પ્લેન તરફ આવતો હતો.

‘‘શું હશે?’’ વત્સલે જયને કહ્યું. જય-મિહિર અને વત્સલે ત્રણેયે એક બીજાના હાથ પકડી લીધા. જયે કહ્યું, ‘‘જે પણ હશે આપણે દરવાજો ખોલવાનો નથી. આવા જંગલમાં કોઈપણ હોઈ શકે છે.’’

Also Read::   વારતા: પોપકોર્ન - આનંદ ઠાકર

ત્યાં પેલો માનવ આકાર પ્લેનની પાસે આવવા લાગ્યો. જયને અતિશય આશ્ચર્ય થયું કે રોબોટ અહીં હોઈ શકે? જે પેલો માનવ આકાર આવી રહ્યો હતો તે રોબોટ જેવો લાગતો હતો. ફરી તેને વિચાર આવ્યો કે આ જંગલ છે અહીં ગમે તે થઈ શકે. અહીં રોબોટ તો  ન જ હોય!

ત્યાં રોબોટ જેવો દેખાતો માનવઆકાર પ્લેનની બારી પાસે પહોંચી ગયો. તેના માથા પરથી નીકળતો પ્રકાશ એટલો બધો હતો કે ત્રણેયની આંખ અંજાઈ ગઈ.

થોડીવારમાં પ્રકાશ ધીમો થયો. પેલા માનવઆકારના હોઠ ફફડતા આ ત્રણેય જોઈ શકે પણ સાંભળી ન શકે. બધું બંધ હતું. પેલાએ બારણું ખોલવા માટેના ઈસારા પણ કર્યા પણ જયે ના પાડી. હવે પેલાએ જોરથી બારીના કાચ પર મુક્કો માર્યો કે પેલા ડરીને સીટની નીચે ચાલ્યા ગયા.

પેલા માનવ આકારે કહ્યું, સામેનું ઘર છે ત્યાં વૈજ્ઞાનિક રહે છે તે તમને બોલાવે છે. તમે મારી સાથે ચાલો. જયે નીચેથી જ પ્રશ્ન કર્યો, ‘‘તમે રોબોટ છો?’’

‘‘હું આપને લઈ જવા આવ્યો છું, આથી વિશેષ મને કોઈ ઓર્ડર નથી.’’

જયને ખાતરી થઈ કે ઓર્ડર માત્ર રોબોટને જ આપી શકાય અને વૈજ્ઞાનિકની વાત આવી એટલે રોબોટ જ છે. તેણે બધાને બહાર નીકળવા કહ્યું. ત્રણેય બહાર નીકળ્યા. રોબોટ આગળ ચાલવા લાગ્યો. તેની પાછળ પાછળ આ ત્રણેય પણ ચાલવા લાગ્યા.

રોબોટે ઘરનું બાર ખોલ્યું. ઘરમાં આછ્છો પ્રકાશ હતો તે થોડો વધ્યો. આ ત્રણેય ઉભા હતા ત્યાં ત્રણ સોફાચેર આવી. ત્રણેયને બધું આશ્ચર્ય લાગતું હતું. રોબોટે ત્રણેયને તેમાં બેસવાનું કહ્યું. ત્રણેય તેમાં બેઠા. થોડીવારમાં એક ટેબલ તેની રીતે જ નીચે લગાવેલા પૈડાથી ચાલતું આવ્યું. તેના પર ઘણી વાનગીઓ હતી. જયે ઈસારાથી બધાને ખાવાની ના કહી.

થોડીવારમાં વ્હિલચેરમાં બેસેલા એક વયોવૃદ્ધ વ્યક્તિ રૂમની સામેના ભાગમાંથી નીકળ્યા. આંખો પર એટલા થર લાગી ગયા હતા કે આંખો ઝીણી દેખાતી હતી. તેના હાથ એકદમ નબળા દેખાતા હતા. શરીર એકદમ નબળું અને પેટ ફૂલેલું હતું. માથા પર થોડાં થોડાં વાળ હતા. નીચેનો હોઠ થોડો મોટો હતો. તે બરાબર આ ત્રણેયની સામે આવ્યા.

ત્રણેય બાળકોને જોઈને તે હસ્યા. જયે બોલવા માટે શબ્દ શરૂ કર્યો ત્યાં વૈજ્ઞાનિકે કહ્યું, ‘‘હા. તમને પ્રશ્ન થતો હશે કે હું કોણ અને અહીં શા માટે? ’’

‘‘હા. હું બસ એ જ પૂછવા જઈ રહ્યો હતો.’’ જયે ઉતાવળમાં અને ધ્રુજતા અવાજે કહ્યું.

વૈજ્ઞાનિકે કહ્યું, ‘‘હા. તો હું તમારી વાટ જોઈ રહેલો માણસ છું.’’

વૈજ્ઞાનિકના આવા વાક્યથી ત્રણેયનું આશ્ચર્ય વધ્યું અને એક બીજા સામે જોયું પછી વત્સલે પૂછ્યું, ‘‘અમારી રાહ જોતા હતા? ’’

સાયન્ટિસ્ટે એક નીસાસો નાખીને કહ્યું, ‘‘હા. હું એડન્ટ ટેકર છું. હું વિજ્ઞાની છું. મેં મારી ત્રીસ વર્ષની ઉમરમાં જ રોબોટિક્સ જ્ઞાન મેળવી લીધું હતું. તેમાંથી મેં આ રોબો બનાવ્યો. તે ઘરનું તમામ કામ અને કોઈ પણ ઓર્ડરને ફોલો કરી શકે તેવો માનવ સંચાલિત રોબો બનાવ્યો. મારા આ મિશનને પણ લોકોએ ધ્યાને ન લીધું. કેટલાકે મારું સંશોધન ચોરવાનો અને મારા પર હુમલો કરાવાનું શરૂ કર્યું. હું મારી પાંત્રીસ વર્ષની ઉમરમાં ટાઈમ મશીનની શોધની પાછળ લાગ્યો. જ્યારે દુનિયાએ એ જાણ્યું ત્યારે મારી જ સંસ્થાએ મને દેશ નીકાલ કરાવ્યો અને મારું સંશોધન પડાવી લેવામાં આવ્યું. હું મારી વસ્તુ લઈને અહીં આવી ગયો. મારે નિર્જન સ્થળ જોઈતું હતું. મારા સિત્તેર વર્ષ થયાં છે. છેલ્લા ત્રીસેક વર્ષથી હું મારા રોબો સાથે અહીં રહું છું.’’

મિહિરને વિજ્ઞાની એડન્ટ ટેકરની વાત રસપ્રદ લાગી તેથી તેણે કહ્યું, ‘‘આમાં ક્યાંય અમારા માટે તમે જીવતા હતા તેવું તો ન આવ્યું!’’

એડન્ટ ટેકર બોલ્યા, ‘‘હા. એ વાત જ કરી રહ્યો છું કે હું અહીં રહેતો હતો પછી રોબોટમાં મેં ઘણા ફેરફાર કર્યા. તે ઉડી શકે તેવું ફંક્શન પણ તેમાં લગાડ્યું.’’

વત્સલ આ વાત જાણીને વચ્ચે જ બોલી ઉઠ્યો, ‘‘રોબો ઉડી પણ શકે, વાવ… વોટ અ ઈમેજીનેશન…’’

Also Read::   જંગલ એપ્લિકેશન્સ

એડન્ટે કહ્યું, ‘‘બાળકો, માત્ર ઈમેજીનેશન નહીં પણ રિયાલિટી કે તે ઉડી શકે છે. હું તો માત્ર અંગ્રેજીભાષા જ જાણું છું પણ મારી ચેરમાં લાગેલું લેન્ગટ્રાન્સ યંત્ર તમારી કોઈ પણ પ્રકારની ભાષાને મારી ભાષામાં મને સંભળાવે છે મારા કાનમાં ઈયરફોન છે. મારી ભાષા તમને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરીને આપે છે.’’

થોડીવાર એડન્ટ અટક્યા. તેણે ત્રણેયને ટેબલ પરના ભોજન માટે આગ્રહ કર્યો. તેણે એક સ્વિચ પોતાની વ્હિલચેરમાંથી જ દબાવી કે રોબોટ તેના માટે જ્યુસ લઈને આવ્યો. એડન્ટ તે પી ગયા. થોડીવાર પછી તે બોલ્યા, કહ્યું, ‘‘બાળકો, મેં અહીં રહીને મારું ટાઈમ મશિન વિકસાવ્યું. એ ટાઈમ મશિનમાં સૌ પ્રથમ મેં મારું જ ભવિષ્ય જોયું. મારા સિવાય અહીં હતું પણ કોણ?’’

જયે કહ્યું, ‘‘તો શું દેખાડ્યું ટાઈમ મશિને? ’’

એડન્ટે કહ્યું, ‘‘હા. મેં જ્યારે ટાઈમ મશિનમાં મારી આંખ સ્કેન કરી તો મને મારું આખુ જીવન જોવા મળ્યું. છેલ્લે તમે ત્રણેય પણ જોવા મળ્યા. તમારું વિમાન બંધ પડશે અને તમે અહીં આવશો. તમારી અને મારી મુલકાત થશે અને મારે તમને આ બધું સોંપીને તમે અહીંથી જશો એટલે ત્રણ દિવસમાં મૃત્યુ પામવાનું છે.’’

જયે કહ્યું, ‘‘કેમ?’’

એડન્ટે કહ્યું, ‘‘ટાઈમનો આદેશ છે.’’

મિહિરે કહ્યું, ‘‘ટાઈમ આદેશ પણ આપે છે?’’

એડન્ટે કહ્યું, ‘‘બાળકો સમય ખૂબ મોટી શક્તિ છે. તેને સમજી જશો તો તમને કોઈ પણ હરાવી નહીં શકે. જો મને કોઈ હરાવી શક્યું. તમે આવી ગયા છો. હું તમને ટાઈમ મશિન આપીશ તમે દુનિયામાં મને જાહેર કરશો અને હું સૌ પહેલો ટાઈમ મશિન બનાવનાર હોઈશ.’’

વત્સલે કહ્યું, ‘‘તો તો એમ જ કહો ને કે અમારું પ્લેન બનાવવું અને અહીં આવીને જ બંધ પડવું તે ટાઈમની વ્યવસ્થા હતી. ’’

એડન્ટે કહ્યું, ‘‘સાચું. આ બધી ટાઈમની જ વ્યવસ્થા છે. તમે વિજ્ઞાનને સમજો છો. તમે આ પ્લેન બનાવ્યું છે, તેથી જ તો ટાઈમે તમને પસંદ કર્યા છે અહીં આવવા માટે, ચાલો હવે મારી પાસે ત્રણ જ દિવસનો સમય છે. આ મારું તમામ સંશોધન દુનિયા સામે મૂકજો અને મારા વિશે તમે વાત કરજો.’’

જયે બહાર જોયું તો રોબોટ પ્લેન રિપેર કરી રહ્યો હતો. સવાર થવામાં હતી. સવાર પહેલા પથરાતી લાલીમાં જંગલમાં પસરી ગઈ હતી. પંખીઓ કલરવ કરી રહ્યા હતા. જયને તો જેક્પોટ લાગી ગયો હતો.

સાયન્ટિસ્ટ એડન્ટ ટેકરને લઈને તે ત્રણેયે ધ્યેય સાયન્સ સંસ્થાના મેદાનમાં તેનું વિમાન લેન્ડ કર્યું. ધ્યેય સાયન્સ સંસ્થાના વડાને આખી વાત કરી. તે ખૂબ ખૂશ થયા અને જયને શાબાશી આપી. એડન્ટના આદેશ પ્રમાણે મોટું પ્લેન તેના ઘરે ગયું અને બધો સામાન સંસ્થાના રૂમમાં આવ્યો. તરતમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ સામે એડન્ટ ટેકરના વિચારો, તેનું સંશોધન કરેલું ટાઈમ મશિન અને રોબોટ તથા એવા વિવિધ સાધનોને પ્રદર્શનમાં રાખવામાં આવ્યા. વિશ્વના મિડિયાએ એડન્ટની શોધની નોધ લીધી…. બધાએ સાથે મળીને ખાધું, પીધું અને પાર્ટી કરી.

    – આનંદ ઠાકર

( આનંદ ઠાકરની ‘ ખાધું પીધું ને પાર્ટી કરી ‘ બાળવાર્તા સંગ્રહ માંથી આ વાર્તા પ્રસિદ્ધ કરી છે. આ વાર્તા અને ચિત્રો જેના તમામ હક્ક એમના કોપીરાઇટ હેઠળ છે માટે લેખકની મંજુરી વગર આ વિષયવસ્તુના ઉપયોગ કાયદાને આધિન છે. લેખકના સંપર્ક નંબર – 8160717338 )

🙏🌈🌈🌈🌈🌈🌈🌈🙏

અમારી અન્ય બાળવાર્તાઓ… 👇👇👇

વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા:  દિવસ – 5
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3

🙏😊🌈