HomeSAHAJ SAHITYAGujarati Varta : ફોબીયા - અજય ઓઝા

Gujarati Varta : ફોબીયા – અજય ઓઝા

- Advertisement -

Gujarati varta phobia by ajay oza story

Gujarati Varta : ફોબીયા – અજય ઓઝા

( નમસ્કાર, આજના વાર્તાકાર છે અજય ઓઝા.
4 ગુજરાતી વાર્તા સંગ્રહ, 3 હિન્દી વાર્તા સંગ્રહ અને 2 નવલકથા જેવું માતબર સાહિત્ય સર્જન જેમના ખાતે બોલે છે એવા અજય ઓઝાની ઘણી વાર્તાઓનું મંચન થયું છે, કેટલીક વાર્તાઓ શોર્ટ ફિલ્મ બની છે અને કેટલીક વાર્તાઓનું વાચિકમ્ થયું છે. ગુજરાતના મોટાભાગના સામયિક અને છાપાઓમાં જેમની વાર્તાઓને સન્માનભેર છાપવામાં આવે છે. ઘણાં સન્માનો પણ એમના સર્જનને વરેલા છે, કેટલાય નવોદિત વાર્તાકારોના ઘડતરમાં જેમનું યોગદાન રહ્યું છે; એવા અજય ઓઝાની વાર્તા આપની સામે પ્રસ્તુત છે… – God’s Gift Group ટીમ વતી – આનંદ ઠાકર )

*****

Gujarati varta phobia by ajay oza story
લેખક – અજય ઓઝા

‘ઊંહ્હ, ..આ કબજીયાત તો મારી સવાર..- ના, સવાર શું આખો દિવસ, -અરે દિવસ જ શું કામ ? …કેટકેટલું બધું બગાડે છે ?’ -ટોયલેટમાંથી ‘ખાલી હાથ’ બહાર નિકળતા તમે મનોમન બબડો છો ફોગટલાલ. જો કે ખાલી હાથ તો કેમ કહેવાય ? કારણ કે ટોયલેટમાંયે તમારા હાથમાં છાપું તો કાયમ હોય જ, ખરું ને !

સ્વાઈન ફ્લ્યૂના ભયાનક ચેપને લીધે વધતા જતા મૃત્યુઆંકના સમાચારો વાળું છાપાનું પાનું ફેરવી વળી ઝુલા પર બેસતા પેટમાં શૂળની જેમ થઈ રહેલો તમારો બબડાટ ફરી આગળ વધે છે, ‘કોણ જાણે કબજીયાતનો આ કાળો કેર ક્યાં સુધી કનડગત કર્યા કરશે ? કોને કહેવું ? ઉપરથી આખી દુનિયાની બધી જ બીમારીઓ બસ મારું જ ઘર ભાળી ગઈ હોય એમ સૌથી પહેલા તો મારે પનારે જ પડે છે ! ..ને આ માળા ડૉક્ટરોયે મારા બેટા, શું વાત કરવી ? કશુંય નિદાન કરી શકે નહિ ને બસ અખતરા જ કર્યા કરે !’
છાપાનું પાનું ફરે છે;

- Advertisement -

‘શું તમારા હૃદયના ધબકારા બરાબર નિયમિત ચાલે છે ? -શું તમારા બ્લડપ્રેશરની વધ-ઘટ અને તેની અસરો તેમજ જોખમો વિશે તમે જાણો છો ? –નહીં ને ? તો આવો, એ બધી જ પરેશાની અમારા પર છોડી દો, ને સાવ નજીવા દરે અમારે ત્યાં એકવાર કંપ્લીટ મેડીકલ ચેકઅપ કરાવો અને નિશ્ચિંત બનો.’

-અખબારના રંગીન પાને છપાયેલી આ રંગીન જાહેરાત પર નજર ફેરવતા તમારા ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે, ફોગટલાલ. અને ‘બધાંય સાવ લૂટવા જ બેઠાં છે’ એમ બબડતા બબડતા અનાયાસ જ તમારો હાથ છાતી પર ડાબી બાજુ હળવે હળવે ફરવા લાગે છે, ને તમે ચમકો છો ફોગટલાલ;

‘ધબકારા આટલા ધીમા? આવું તો ક્યારેય થયું જ નથી ! આમ ને આમ ધબકારા ધીમા થતા જાય તો..તો ? શરીરમાં બધે લોહી પહોંચતું જ બંધ થઈ જાય ને ?’ છાપાના એ પાને દોરાયેલ રંગીન અને અસ્વસ્થ હૃદયની જાહેરાત પર ફરી નજર ફરી જાય છે, તમે વિચારો છો ફોગટલાલ, ‘ભલે, બીજે ક્યાંય નહિ તોયે ફેમિલિ ડૉક્ટર પાસે તો એક વાર ચેકઅપ કરાવવું જ પડશે એમ લાગે છે, હમણાં હમણાંથી કંઈ પણ કારણ વગર પરસેવો પણ વળી જ જાય છે ને !’

જૂઓ, વિચારતા વિચારતા પણ ડોક પર બાઝેલો ઠંડો ઠંડો પરસેવો રેળાઈને છાતી પર અટકેલા તમારા હાથ સુધી અનુભવાય છે ફોગટલાલ !
‘ચિંતાનું કોઈ કારણ નથી ફોગટલાલ, તમે બિલકુલ ‘ફીટ’ છો, તંદુરસ્ત છો.’ બ્લડપ્રેશર માપ્યા પછી ફેમિલિ ડૉક્ટર બહુ શાંતિથી જણાવે છે ને સાથે સાથે બહાર કન્સલ્ટીંગ રૂમમાં પેશન્ટસની જામેલી ભીડ પર એક નજર પણ ફેરવી લે છે.
‘પણ આ અચાનક વળી જતો પરસેવો ? અનિયમિત ધબકારા ? એવું લાગે તો એકવાર કાર્ડિયોગ્રામ..?’ તમે એમની ત્રાસી નજરને અવરોધીને પણ પૂછી જ લો છો.
‘ના, એવી કોઈ જરૂર જ નથી, પછી શું ? તમે અને તમારું હૃદય તદ્દન નોર્મલ જ છે. ચિંતાનું કોઈ કારણ નથી.’ ફેમિલિ ડૉક્ટર કહે છે. એમના જવાબમાં તમને ભારોભાર બેફિકરાઈ દેખાય આવે છે. હેલ્થની બાબતમાં એક ડૉક્ટર ખુદ જ આટલી નિષ્કાળજી દાખવે એ કેમ સહેવાય ફોગટલાલ ?
અવિશ્વાસભરી નજરે અને હતાશ ચહેરે તમે ક્લિનિક્માંથી બહાર નિકળો છો ત્યારે વેઇટીંગ રૂમમાં એક જૂનો મિત્ર મળી જાય છે.
‘અરે, ચંદુલાલ તમે ? ઘણાં દિવસે દેખાયા ? કેમ શું થયું ?’ એમની હાલત જોઈને તમે ખબર પૂછો છો એટલે એ પોતાની કથની તમને કહે છે, ‘શુ કહું ફોગટલાલ, થોડા મહિના પહેલા ખોરાક ગળવામાં મુશ્કેલી શરુ થયેલી, બૅરિયમ ટેસ્ટ કરાવવો પડ્યો, ગળાના ડૉક્ટરને બતાવ્યું તો કૅન્સર નિકળ્યું. પછી તો ઓપરેશન કરાવ્યું, હમણાંથી તો નાકમાં ખોસેલી આ નળી વાટે જ જ્યુસ પીઊં છું, વળી એમાં આજે જરા નળી ખસી ગઈ તો બદલાવવા અહિ આવ્યો. વળી પાછા ‘કીમો’ ના ડોઝ પણ ફરી શરૂ કરવાના છે.’

‘ઓહ…’ તમને આઘાત લાગે છે, મહાપ્રયત્ને ડૂમો બાઝેલા અને ઉઝરડાયેલા ગળે થૂંક ઊતારતા તમે તેને પૂછો છો ફોગટલાલ, ‘પણ તમને શું કંઈ વ્યસન લાગુ પડી ગયું હતું ?’.

Also Read::   Gujrati Kavita: વરસાદી મોસમમાં ૧૧ કાવ્ય પંક્તિઓ : આવો, મેઘધનુના ઢાળ પર...
- Advertisement -

‘ના રે, તમે ક્યાં નથી જાણતા, એકેય વ્યસન નહિ. બસ ગરમ ગરમ જમવાનું ને ગરમ ગરમ ચા પીવાની. તોયે આ થયું. ..ચાલો મારો વારો આવી ગયો લાગે છે, હું જાઊં.’ કહીને ચંદુલાલ અંદર જાય છે.

પણ, તમને ગળામાં ભારે સોસ પડે છે ફોગટલાલ, એટલે પાસેના મૅડીકલ સ્ટોરમાંથી પાણીની બૉટલ ખરીદી. પણ ઠંડું પાણી ગળે ઉતારવામાં ખૂબ મુશ્કેલી પડવા લાગી. આ શું ? અચાનક આજે આ પાણી પણ ગળે ઉતરતું નથી ? તમને થાય છે કે ચંદુલાલની જેમ મને પણ બધું ગરમ ગરમ જ પેટમાં પધરાવવાની બહુ જૂની આદત છે.

કાન-નાક-ગળાના ડૉક્ટરને બતાવી જરા બૅરિયમ ટેસ્ટ કરાવી લેવાથી વહેલું નિદાન થઈ જાય અને મોટી ઉપાધિમાંથી બચી જવાય તો એમ કરવામાં ખોટું પણ શું ?’

મેડીકલવાળા પાસેથી એક સારા ઈ.એન.ટી. સર્જનનું સરનામું મેળવી તમે વિના વિલંબે કાન-નાક-ગળાના ડૉક્ટર પાસે પહોચી જાવ છો ફોગટલાલ.

ટૉર્ચનો પ્રકાશ તમારા મોંમાં ઊંડે સુધી ફેંકીને જોતા ડૉક્ટર કહે છે, ‘ગળુ તો એકદમ ચોખ્ખું દેખાય છે. કાકડા પણ લાલ નથી જણાતા. છતા પેટ સાફ રહે એવી દવા આપું.’

- Advertisement -

‘ઊંહ્હફ.., શું ડૉક્ટર મળ્યા ? કૅન્સરની ગાંઠ છે કે નહિ એ બતાવવા આવ્યો ને તપાસ કાકડાની કરે છે !’ –તમે મનમાં ને મનમાં ફૂંગરાઓ છો ફોગટલાલ.

તમારાથી રહેવાયું નહિ એટલે બોલો છો, ‘એમ નહિ સાહેબ, પાણી પણ ગળે ઉતરતું નથી એટલે જરા ચિંતા થાય છે. બૅરિયમ ટેસ્ટ લખી આપો, શું કે કંઈ હોય તો સમયસર નિદાન તો થઈ જાય.’ તમારી ધીરજ ન રહી ફોગટલાલ. ઈચ્છા ન હોવા છતાં, તમારા ચહેરા પર ચિંતાના વાદળ જોતા ડૉક્ટરસાહેબે ચિઠ્ઠિ કરી આપી.

..આખરે તો આખુંય મોઢું બગડી ગયું ને ફોગટલાલ. દુધિયા રંગનું બેરિયમનું પ્રવાહી પીવરાવી પીવરાવીને લેબોરેટરીવાળાએ જ આખું ગળું ફૂલાવી દીધું. ને એ બધુંય કર્યા પછી પણ ત્યાંથી મળેલો રીપોર્ટ જોઈને ડૉક્ટર સાહેબે પણ જ્યારે કહ્યું કે, ‘રીપોર્ટ ‘નીલ’ છે, ગરમ પાણીના કોગળા કરજો અને બીજી કોઈ ખાસ દવાની જરૂર નથી.’ -ત્યારે તો ફોગટલાલ, તમારા ચહેરા પર રીપોર્ટ કરાવ્યાની બધી જ મહેનત પાણીમાં ગઈ હોવાનો અફ્સોસ ફેલાય જાય છે !
‘પણ ડૉક્ટરસાહેબ, દુનિયાની બધી જ બીમારીઓ મને જ સૌથી પહેલા કેમ આવે છે, ને કાયમ નબળાઈ લાગ્યા કરે છે, કોઈ પણ રોગ સામે લડવાની જાણે તાકાત જ મારામાં જણાતી નથી મને તો.’ તમે તમારી તમામ કમજોરીઓ ડૉક્ટરને બહુ વિગતવાર જણાવો છો ફોગટલાલ. આપણી બીમારીઓ ડૉક્ટર પાસે સાબિત કરવા માટે પણ કોર્ટમાં વકીલો કરતા હોય એમ દલીલો કરવી જ પડે કે નહિ ફોગટલાલ ?

તમને શાંતિથી સાંભળ્યા પછી ડૉક્ટર કહે, ‘એનું એક જ કારણ મને તો દેખાય છે, તમારા શરીરમાં ઈમ્યુનિટિ ઓછી છે, એટલે રોગપ્રતિકારક શક્તિ વધે તો જ તમારી હેલ્થ મજબૂત બને. હું શક્તિની દવા તો આપું જ છું, પણ નિયમિત કસરત અને પૌષ્ટિક ખોરાક સાથે પોઝીટીવ થિન્કિંગ પણ રાખશો તો તંદુરસ્તી જરૂર વધશે.’

લ્યો બોલો ફોગટલાલ, આમાં ડૉક્ટરે શું નવું કહ્યું બોલો ? આવું તો અગાઉ અનેક્વાર અનેક ડૉક્ટરોએ તમને કહી નાંખ્યું હશે ને ! એટલે ત્યાંથી ફરી એકવાર નિરાશ ચહેરે તમે બહાર નિકળો છો.
સીટી બસ સ્ટેન્ડ પર આવીને શૂન્યમનસ્ક ચહેરે આસપાસના માહોલથી બિલકુલ અલિપ્ત થયેલા તમે તમારી બાવરી નજર ચોપાસ ફેલાવ્યા કરો છો. એવામાં સામેના વિશાળ હોrDeeMર્ડીંગબોર્ડ પર ચિતરાયેલી સ્વાસ્થ્ય વિષયક જાહેરખબર પર કેન્દ્રિત થતા તમને અને તમારી ચાપલી નજરને તો કોણ અટકાવી શકે ? ઊંધા ચોગડાની પાસે ઊંધા-ચત્તા પગનું ખાસ પ્રકારનું સંજ્ઞા-ચિત્ર અને બાજુમાં લખ્યું છેઃ ‘અસુરક્ષિત જાતીય સંબંધોથી દૂર રહો અને એઇડ્સના સંક્રમણથી બચો.’
…તમને ફરી જરા પરસેવો અનુભવાય છે ને ફોગટલાલ ? આમ પણ જ્યારે જ્યારે ભૂતકાળના કોઈ સંબંધ યાદ આવી જાય ત્યારે ત્યારે અસુરક્ષિતતાનો અહેસાસ થયા વગર ક્યાં રહે છે ? હેં ? આજે જરા વધુ અસલામતીનો ભાવ અનુભવાય છે ? કેમ, શું કારણ ?
વળી, જૂઓ ફોગટલાલ, પેલા હોર્ડીંગ બોર્ડ પર નીચે લખ્યું છે; ‘એઇડ્સ કોઈ બીમારી નથી પણ એક પ્રકારે ઈમ્યુનિટિ સિન્ડ્રોમ છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોય છે, ને અનેક બીમારીઓ સરળતાથી લાગુ પડી શકે છે.’

શુ થયું ફોગટલાલ ? આમ આંખોની સાથે કાન પણ કેમ ચોળવા લાગ્યા ? તમને પેલા ડૉક્ટરે કહેલા શબ્દો કાનમાં તમરાંની જેમ પજવવા લાગ્યા કે ? -‘એક જ કારણ મને તો દેખાય છે, તમારા શરીરમાં ઈમ્યુનિટિ ઓછી છે, એટલે જો રોગપ્રતિકારક શક્તિ વધે તો જ તમારી હેલ્થ મજબૂત બને..’ –મતલબ કે ડૉક્ટર પણ કહે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે.

..સમથિન્ગ સમથિન્ગ એ..એ.ઈડ્સ જેવું ? નહિ ?
ગભરાઓ નહિ, સહેજ પણ ગભરાઓ નહિ ફોગટલાલ, ત્યાં બોર્ડ પર ધ્યાનથી જૂઓ તો, તેના પર વળી આગળ જરા જૂદા અક્ષરે લખાણ છે; ‘સારવારથી એઇડ્સ કાબુમાં રાખી શકાય છે, સરકારી દવાખાનામાં એચ.આઇ.વી. રીપોર્ટ મફત થાય છે અને નામ પણ ગુપ્ત રાખી શકાય છે.’
શુ કહો છો ફોગટલાલ ? આમેય રોજ રોજ કોઈ ને કોઈ બીમારીનું ભૂત તમને પરેશાન તો કરે જ છે ને ? ભૂતકાળના કોઈ પણ સંબંધને કારણે જો તમારો વર્તમાન અસુરક્ષિત જણાતો હોય તો આવો એક સરકારી અને છતાંયે ખાનગી રાખી શકાય તેવો રીપોર્ટ કરાવીને ભવિષ્ય નિશ્ચિંત ન કરી શકાય ?
અરે.. અરે.. ? આટલી વારમાં તો તમે સરકારી દવાખાને જતી બસ પણ પકડી લીધી ફોગટલાલ..!
-પરંતું, થોડા દિવસ પછી જ્યારે તમે દવાખાને રીપોર્ટ લેવા જાવ છો ત્યારે એચ.આઇ.વી. નેગેટીવ રીપોર્ટ જોઈને તમારું મન પણ જરા નેગેટીવ નેગેટીવ થઈ જાય છે. આટઆટલી બીમારીઓ, આટઆટલી નબળાઈ, અને તોયે રીપોર્ટ નેગેટીવ ? કેમ બની શકે ? બની જ કેમ શકે ફોગટલાલ ? તમને થાય છે કે કાં તો લેબોરેટરીની ભૂલ છે ને કાં તો આ રીપોર્ટ જ કોઈની સાથે બદલાઈ ગયો છે, ગમે તેમ પણ ડૉક્ટરો મારી બીમારીનો તાગ મેળવી શકતા નથી જ નથી.

Also Read::   Gujarati Varta : જાદુગરણી હજી જીવે છે! – આનંદ ઠાકર

રીપોર્ટ લઈને તમે ચેપી રોગના વૉર્ડ પાસેથી પસાર થાઓ છો ત્યારે ત્યાં ઊભેલા કોઈ પેશન્ટને જોરથી છીંક આવે છે ને એની એ છીંકના છીંટા તમારા રીપોર્ટને ભીંજવીને તરબતર કરી મૂકે છે ફોગટલાલ. રખેને નેગેટીવ રીપોર્ટ પોઝીટીવ થઈ જાય એ બીકે તમે રીપોર્ટને છાતી સાથે ચીપકાવી ઝડપથી ભાગવા કોશિશ કરો છો ત્યારે એ વૉર્ડની ઉપર મૂકાયેલું બોર્ડ વાંચવામાં આવે છેઃ ‘સ્વાઈન ફ્લ્યુ વૉર્ડ’ !!??
ઘેર પહોંચતા સુધીમાં જો તમને ભારે તાવ ના આવી જાય તો જ નવાઈ ફોગટલાલ. કેમ કે સ્વાઈન ફ્લ્યુના વૉર્ડ પાસે પણ શ્વાસ લેવાનું તમે બંધ તો ના જ કરી શકો ને ? એમાં વળી પેલા પેશન્ટની જોરદાર છીંકના છીંટા તમારા રીપોર્ટને જ નહિ તમને પણ એચ.આઈ.વી. ના બદલે સ્વાઈન-ફ્લ્યુ-ગ્રસ્ત ના કરી મૂકે તો જ નવાઈ.

તમારી નજર સામે ફરી સ્વાઈન ફ્લ્યૂ ચેપી વૉર્ડ તરતો જણાય છે, તેની બહાર લાગેલું પાટિયું અને તેની નીચે રોજે રોજ દાખલ થતાં પેશન્ટની વિગતોનો ઊંચે ને ઊંચે ચઢતો જતો ગ્રાફ તરવરે છે. સાથો સાથ ગામે ગામ, રોજે રોજ આ બીમારીનો ભોગ બની રહેલાં દર્દીઓની સંખ્યાને વધારી વધારીને દર્શાવતો અખબારી કોઠો પણ નજર સામે આવે છે.
બીમારીની દવા કદાચ હોય શકે પણ ભયની ? ફોગટલાલ, તમે કહી શકશો કે બીમારી મોટી કે બીમારીનો ભય ? કહેશો ? અરે હા, અત્યારે એ બધુ કહેવાનો તમને સમય જ નથી ને !

-હવે ? એચ વન – એન વન વાયરસ ને ટ્રેસ કર્યા સિવાય છૂટકો છે ? ચાલો હવે તો લોહીની તપાસ એ જ કલ્યાણ !

એ જ વૉર્ડમાં ફરી તપાસ માટે લોહી આપી આવ્યા પછી, મળેલા રીપોર્ટમાં એચ વન – એન વન વાયરસ ડીટેક્ટ થયેલ નથી. મતલબ કે ફોગટલાલ, તમને સ્વાઈનફ્લ્યુ પણ લાગુ પડ્યો નથી ! તમારી ભાષામાં એમ કહેવાય કે ડૉક્ટરો તમારું દરદ પારખી શકતા જ નથી ! કહો, તમે સાચા પડ્યા કે ખોટા ?
એટલે.. વધુ એક નેગેટીવ રીપોર્ટ જોઈને તમને આંખે અંધારા આવે છે. સરકારી દવાખાનાની સીડીના પગથિયે જ ઠોકર ખાતા તમે ફસડાઈ પડો છો, પણ ત્યાં સીડી ને બદલે સ્ટ્રેચર પર દર્દીને લાવવા માટેની લસરપટ્ટી છે, જેના પર ફસડાઈને લસરતા લસરતા તમે સીધા જ પહોંચી જાઓ છો ગ્રાઉન્ડફ્લોર પર..
થોડી કળ વળતા ગ્રાઉન્ડફ્લોરના એ વૉર્ડ પર નજર નાંખતા પાટિયું વંચાય છેઃ ‘મનોચિકિત્સા વિભાગ, માનસિક રોગોના નિષ્ણાત ફૂલટાઇમ મળશે.’

લ્યો ફોગટલાલ, આ એક વિભાગ પણ શું કામ બાકી રાખવો હેં ? અરે, હું તો કહું છું કે અહિયાં જ તો તમારે સૌથી પહેલા આવવાની જરૂર હતી. ખરું કે નહિ ? પણ વાંધો નહિ, દેર આયે દૂરસ્ત આયે, પર આયે તો સહી ?! ચાલો, તમારા પેટમાં શૂળની જેમ વળ ખાઈને ફૂંગરાતી બધી જ તકલીફોના ઉપાય અહિ મળી જશે એ નક્કી.

તો ફોગટલાલ ઊઠો, અને ઝડપથી પહોચી જાઓ અંદર, કેમ કે દુનિયાની મોટા ભાગની બીમારીના મૂળ જ્યાં નિકળે છે એ રોગના આ વિભાગમાં જૂઓ, સહેજ પણ ભીડ નથી હો ફોગટલાલ !

તમે સાચે ઠેકાણે જ આવ્યા છો, કેમ કે, જે કામ ઈસબગુલનું ભૂસું કરી શકતું હોય તો પછી એ કામ માટે ‘એનીમા’ની પાછળ શું કામ પડવું ? હેં ? શું કહો છો ફોગટલાલ ?

આલેખન – અજય ઓઝા

Gujarati varta phobia by ajay oza story

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!