HomeSUVICHARસત્યનારાયણ કથાનું સત્ય...

સત્યનારાયણ કથાનું સત્ય…

- Advertisement -

સત્યનારાયણ કથાનું સત્ય…

– આનંદ ઠાકર

સત્યનારાયણ કથાથી કોણ અજાણ હશે. ગોર મહારાજ આવે અને પહેલા કળશ-દિપ વગેરેનું પૂજન કરાવે. આ પૂજન પછી ગણેશ પૂજન, સત્યનારાયણ પૂજન અને પછી શરૂ થાય પાંચ અધ્યાય વાંચવાનું. પાંચ અધ્યાય પૂરાં થાય એટલે પ્રસાદ મળે આપણે તો પ્રસાદિયા ભગત… બાકી સત્યનારાયણની કથામાં સાધુ-વાણીયા, કઠિયારા કે બ્રાહ્મણનું જે થવાનું હોય તે થાય, બરાબરને?

પણ હવે જેને ખરેખર સત્યનારાયણની કથાનો ઉદ્દભવ ક્યાંથી થયો અને તેનો ઉલ્લેખ કયા પુરાણમાં કેવી રીતે થયો અને આજે તેનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ ગયું છે તે જાણવું હોય તે આગળ વાંચે…

- Advertisement -

સ્કંદપુરણમાં ઉલ્લેખ ક્યાં અને કેવો? –

આપણી સત્યનારાયણની કથાના પ્રથમ અધ્યાયમાં માત્ર સત્યનારાયણ કથાનું મહત્વ આપવામાં આવે છે અને બીજા અધ્યાયમાં નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા આવે છે. હવે સ્કંદપુરણમાં આવતી સત્યનારાયણની કથાની વાત કરીએ સ્કંદપુરાણમાં પાંચમાં ખંડ આવન્ત્યખંડના પેટા ખંડોમાં બીજા ખંડ એવા રેવાખંડમાં સત્યનારાયણ વ્રત-કથાનો ઉલ્લેખ મળે છે. રેવાખંડમાં પણ છેક 354 અધ્યાયમાં નારદજીનું વિષ્ણુભગવાનને મળવું અને ગરીબ બ્રાહ્મણ તથા કઠિયારાની કથા આ એક જ અધ્યાયમાં આવે છે.

આપણી સત્યનારાયણની કથામાં ત્રીજો અધ્યાય સાધુવાણિયાની કથા અને ચોથા અધ્યાયમાં પણ સાધુવાણિયાની કથા આવે છે. પાંચમાં અધ્યાયમાં તુંગધ્વજ રાજાની કથા આવે છે. હવે જોઈએ આ બાબતે સ્કંદપુરાણ શું કહે છે. સ્કંદપુરાણમાં આ બધી કથા એક જ અધ્યાય 355માં સમાવવામાં આવી છે. અત્યારે બોલાતી સત્યનરાયણની કથા અને આ અધ્યાયોના પાત્રના નામમાં પણ ઘણાં ફેરફારો થયાં છે…અલબત્ત તે લોકબોલીમાં ફરતા થયાં છે. છતાં જાણીએ સ્કંદપુરાણ અનુસાર પાત્રો કયા કયા હતા? ઉલ્કામુખ રાજા અને તેની પત્નીનું નામ ભદ્રશીલા  હતું. વણિક પત્ની લીલાવતી અને પુત્રી કલાવતીના નામનો તો યોગ્ય ઉલ્લેખ મળે જ છે.

Also Read::   Shiv Mahapurana : શિવમહાપુરાણ – મહર્ષિ વ્યાસ (વિશ્વેશ્વર સંહિતા)

કથામાં કયા ફેરફાર –

- Advertisement -

સ્કંદપુરાણ અનુસાર આ વણિક પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુના રાજ્યમાં રત્નસાર નગરમાં વેપાર માટે આવે છે. આ વાતમાં ઘણાં ક્ષેપકો કે ભળતી વાર્તાઓ આવી જતી લાગે. હવે પ્રસાદનો અનાદર કરીને જે દુઃખી થાય છે તે તુંગધ્વજ રાજાની કથા કહીએ છીએ તેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં વંશધ્વજ નામે કરવામાં આવે છે. હવે મારી પાસે જે ગીતાપ્રેસ ગોરખપુર સંસ્કારિત સ્કંદપુરાણ છે તેમાં ક્યાંય પાંચમાં અધ્યાયમાં આવતી વાત કે બીજા જન્મમાં કોણ શું બન્યું તેનું વર્ણન નથી. પણ અન્ય પુરાણમાં હોય શકે.

ભવિષ્યપુરાણમાં કઈ રીતે ઉલ્લેખ –

સત્યનારાયણની કથાનો ઉલ્લેખ ન માત્ર સ્કંદપુરાણમાં જ છે પણ ભવિષ્યપુરાણમાં પણ છે. જે કોઈ અંશો સ્કંદપુરાણમાં નથી મળ્યા તથા તેમાં માત્ર ઉલ્લેખ જેવી જ વિગતો પ્રાપ્ત થાય છે. તે કથા ભવિષ્યપુરાણમાં છ અધ્યાયમાં વિસ્તાર પામે છે અને તે પણ અત્યારે જે કથાનું સ્વરૂપ છે બરાબર તે રીતે જ. ભવિષ્યપુરાણમાં તુંગધ્વજનું નામ તુંગધ્વજ જ મળી આવે છે.

ભવિષ્યપુરાણમાં પ્રતિસર્ગપર્વના બીજાખંડમાં અધ્યાય 24થી 29 સુધી મળે છે. સત્યનારાયણ કથાનો ઉલ્લેખ છે. તેમાં પ્રથમ અધ્યાયમાં કથાની મહિમા ગાવામાં આવી છે.  બીજા અધ્યાયમાં નિર્ધન બ્રાહ્મણ જેને આ પુરાણમાં શતાનંદ નામ આપી દેવામાં આવ્યું છે, તેની કથા છે. ત્રીજા અધ્યાયમાં ચંદ્રચૂડની વાર્તા આવે છે. કઠિયારાની કથા ત્યારબાદના અધ્યાયમાં આવે છે. ત્યારપછીના અધ્યાયમાં સાધુવાણીયા અને જમાઈની કથા આવે છે. અહીં રત્નસારપુર એ સાધુવાણીયાનું ગામ બની જાય છે, જે સ્કંદપુરાણમાં તે જ્યાં કમાવા ગયા હતા તે નગરનું નામ હતું. ભવિષ્યપુરાણમાં સાધુવાણિયો વેપાર કરવા માટે ‘નર્મદા નદીના દક્ષિણતટે’ જાય છે, એવો ઉલ્લેખ મળે છે. અહીં સાધુવાણિયાના જમાઈને પણ નામ મળી જાય છે તેનું નામ શંખપતિ હોય છે. આગળના અધ્યાયમાં સાધુવાણિયાની કથા જ ચાલે છે. અહીં ચોર સાધુવાણિયા પાસે બધુ મૂકી નથી જતો પણ સૌનિકોથી ચોર ન પકડાયા તેથી રાજા પાસે તેને ચોર ખપાવી દે છે. ભવિષ્યપુરાણમાં ઉલ્કામુખની કથા કે સૌના બીજા જન્મની કથા પણ આવતી નથી.

Also Read::   Bookreview ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શ્રાવણ નહીં ગમે ત્યારે સ્મરવા જેવો ગ્રંથ

સત્યનારાયણની કથામાં મૂળ સત્ય –

- Advertisement -

છેને રોચક વાતો, સત્યનારાયણની કથા એટલી પોપ્યુલર થઈ ગઈ કે પછી અનેક ભાષામાં તેના અનુવાદો થવા લાગ્યા. અનેક લોકો દ્વારા થતાં રૂપાંતરોમાં તેનું મૂળ અને કૂળ વિલાતું ગયું. છતાં તેનો મૂળ મર્મ આપણે આજે પણ આત્મસાત્ નથી કરી શક્યાઃ તમે ધ્યાનથી જુઓ સત્યનારાયણની વ્રત કથામાં સૌ પ્રથમ એક બ્રાહ્મણની વાત આવે છે પછી રાજાની વાત આવે છે તે ક્ષત્રિય, પછી સાધુવાણિયાની વાત આવે છે તે વણિક અને કઠિયારાની વાત આવે છે તે શુદ્ર. જોયું સત્યનારાયણ પણ એ જ સત્ય આપણને કહેવા માંગે છે કે મારા માટે તમે બધા એક જ છો. સત્યનારાયણની કથાનું સત્ય માણસને માણસ બનાવવાનું છે. સત્ય બધા માટે એક સરખું હોય છે અને બ્રહ્મતત્વ હંમેશા સત્ય છે. છેલ્લે ગાંધીજીને યાદ કરી લઈએ કે – મારા જેવા હજારોનો ક્ષય થજો પણ સત્યનો જય થજો.

અમારી અન્ય સ્ટોરીઓ.. આપના માટે રોચક વાતો લઈને આવે છે… એના પર ક્લિક કરો અને વાંચો…

સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને લાગે છે આ એક વાતનો ડર…!!!

એક એવી અભિનેત્રી જેણે સાઉથ ફિલ્મોમાં નવો ટ્રેન્ડ ઊભો કર્યો…

Liger : આ ફિલ્મ અને એનું નામ શું વિચિત્ર છે?

કોરોના ત્રીજી લહેર અને ઓમિક્રોન : લક્ષણ, સ્થિતિ ને સાવચેતી

સત્યનારાયણ કથાનું સત્ય…

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments