HomeSAHAJ SAHITYAરાજેન્દ્ર શુક્લ - સ્મરણો અને શબ્દો : ગૂહા જેવું ગહન કાંઠે મને...

રાજેન્દ્ર શુક્લ – સ્મરણો અને શબ્દો : ગૂહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે…

- Advertisement -

Rajendra shukla gujarati poet gujarati kavita

રાજેન્દ્ર શુક્લ સાહેબનો જન્મદિન એટલે કે ૧૨-૧૦-૨૦૨૧ ના રોજ છે એના સંદર્ભે આપણે એમની શબ્દના દીવારૂપી કવિતાઓ અને એની પંક્તિઓ લઈ અને હોવાને ઉત્સવ કરી રહ્યાં છીએ.

Rajendra shukla gujarati poet gujarati kavita

રાજેન્દ્ર શુક્લ સાહેબની કવિતામાં આધ્યાત્મિકતા અને યોગિક પ્રક્રિયાનું આલેખન ઘણાં વિદ્વાનોએ પ્રગટ કર્યું છે. પણ આજે મારા યુવા મિત્રોને આવા ઋષિકવિની કવિતામાં પ્રેમ વિશે વાત કરવી છે… અરે પ્રેમ તો પ્રેમ કવિ eroticismની વાતને એક અલગ ઊંચાઈએ લઈને કવિતામાં આવે છે.

રાજેન્દ્ર શુક્લને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો એ વ્યાખ્યાનમાં લાભુદાદાએ ( લાભશંકર પુરોહિત) કહ્યું હતું… સત્વવાળો કવિ, શૃંગારરસને  એક અલગ ઊંચાઈ આપે છે… અહીં eroticism  પણ કાવ્યાત્મક ચમત્કાર લઈને આવે છે.

- Advertisement -

‘ કાવ્યપ્રકશ ‘ કહે છે એ રીતે બ્રહ્માનંદ સહોદર થઈને કાવ્યનો રસ ઉપજે છે.  स्यत: आस्वाध्यते इति रस એટલે કે રસનો અનુભવ અથવા આસ્વાદ લઈ શકાય એ કવિતા છે. અહીંની પંક્તિઓમાં આ વાક્ય સિધ્ધ થાય છે. અરે! આપણે હજુ આપણા આવા કવિઓનો ફિલ્મોમાં ઉપયોગ જ નથી કર્યો, નહિ તો પ્રેમની અભિવ્યક્તિના ઉત્કૃષ્ઠ ગીતો ગુજરાતીને મળી શકે.  તો માણો કવિ રાજેન્દ્ર શુક્લ સાહેબની કેટલીક એવી પંક્તિઓ જેમાં પ્રેમની ઉચ્ચ અભિવ્યક્તિ જોવા મળે!

આપ સામે ઉભવું આ એટલે કે ઢોળાવું,
સામસામી છોળછાલક રંગમાં જ રોળાવું.
– રાજેન્દ્ર શુક્લ
***
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!
– રાજેન્દ્ર શુક્લ
***
શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!
– રાજેન્દ્ર શુક્લ
***
ઓ પ્રતીક્ષાની પરાકાષ્ઠા, અડકજો એવું કે –
કંકણા, મંજુસ્વના, નૂપુરરવા વ્યાકુલ બને!
– રાજેન્દ્ર શુક્લ
***
લો, શબ્દનો દીપક બુઝાવી દો પ્રિયે,
અજવાળશે ભાષા હવે સીત્કારની.
– રાજેન્દ્ર શુક્લ
****
પગલાં ય બંધાઈ જતાં પાકૂં ચણેલી પાળ પર,
મળવું જ છે તો મળ મને તું મેઘધનુના ઢાળ પર.
– રાજેન્દ્ર શુક્લ
******
રેલાઈ કેવળ એક એ ઘટના બધે,
લજ્જાલરજતું લોલ જે લ્હેર્યાં તમે.
– રાજેન્દ્ર શુક્લ
******
રમ્યા રાસ રંગે પ્રહર સૈા પરસ્પર,
વદત વાદ મધુરમ્, પ્રથમ કોણ થાક્યું?
– રાજેન્દ્ર શુક્લ
******
જડ્યાં કે જડાઈ જવાયું જડોજડ,
હવાએ જ હળવે રહી દ્વાર વાખ્યું!
– રાજેન્દ્ર શુક્લ
******
વહે શ્વાસનો વેગ સામા પ્રવાહે,
સઘન સ્પર્શનાં સર્વ ઊંડાણ તાગે.

અહો શ્વાસનાં તુંગ શૃંગે નિમિષમાં,
નિખિલનો પ્રથમ નાભિપ્રસ્પદ જાગે.
– રાજેન્દ્ર શુક્લ
******
જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
– રાજેન્દ્ર શુક્લ
******
તું કહે, ક્યારે નથી હોતો હું તારા શ્વાસમાં,
આમ જો કે હું હંમેશા કહેકશામાં હોઉં છું!
– રાજેન્દ્ર શુક્લ

Also Read::   સંસ્કૃતની ઉત્તમ કૃતિઓનો આસ્વાદ...

******
તમે જે વસંતલ શ્વસો છો, અડે છે,
તરત પાંગરું છું, ફૂલું છું, ફળું છું!
….
કહું સ્વપ્ન કોનું, તમારું કે મારું?
બધે એક સરખો જ હું સળવળું છું!
– રાજેન્દ્ર શુક્લ
******
એક ક્ષણ નજર કરી, શી કરી કમાલિકા,
ભીતરે ભરી ભરી ઝળહળ જમાલિક.
– રાજેન્દ્ર શુક્લ
******

આ બધી પંક્તિઓ અને આવી કેટલીય ગઝલો અને પંક્તિઓ ઇશ્ક – એ – હકિકી ભાવ લઈને પણ આવે છે. આ બધી પંક્તિઓ અને ગઝલો પર ઘણું ઘણું લખી – બોલી શકાય… પણ આપણે એના શબ્દોને બોલવા દઈએ… આ શબ્દો ય એવાં છે કે એને મમળવતાં  રહેશો તો અનેક અર્થોનો રસથાળ આપની સામે મૂકશે. ચાલો, મારા પ્રિય અને આદરણીય કવિ ઋષિ એવા રાજેન્દ્ર શુક્લ સાહેબને જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન પાઠવી અને એમના શબ્દો અને આપની વચ્ચેથી હું ખસી જાઉં છું…
છેલ્લે…
આપ સામે ઊભવું આ એટલે કે ઢોળાવું,
સામસામી છોળછાલક રંગમાં જ રોળાવું?
– રાજેન્દ્ર શુક્લ
******

 

ગૂહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે…

- Advertisement -

 

રાજેન્દ્ર શુક્લ…જન્મદિનના અભિનંદ સમયે આજે ઉનામાં બેસીને તેમની સાથેના સમયનું સ્મરણ થાય છે. હું હંમેશા તેમને સાહેબ કહું તે સરના અર્થમાં નહીં પણ આપણે ત્યાં સાહેબ પંથ છે અને તે અર્થમાં. સૂર્યા કીટલી હોય કે પછી તેનું ઘર એક એકાંત રચીને બેઠેલા હોય તેમાં થોડો કલરવ કરવાનો અધિકાર એક નાના બાળકની જેમ તેમણે મને આપેલો છે….અમદાવાદમાં એટલા વર્ષોથી રહ્યા છતાં અમદાવાદનું પાણી લાગ્યું નથી. કાઠીયાવાડી સુવાસ સાથે મારું ઉત્સવ સમું સ્વાગત કર્યું છે. તેમના સાનિધ્યનો પણ એક અદકેરો આનંદ હોય છે. તેમના કાવ્યોને ઉકેલવાની એક લિજ્જત હોય છે. તેમની સ્પેશિયલ ચાની લિજ્જત પણ મને માણવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની એક પંક્તિ મારા માટે જીવનની સમજ રૂપ છે કે – ‘રેતાળ કિનારા પર હેતાળ હસી લઈએ….હોવુંય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ’…

‘જે કૈં મળે ધારણ કરો એકેક ક્ષણ,

ક્ષણ ક્ષણ ઉજાળીને રચી જો આભરણ’

*********

રાજેન્દ્ર શુક્લ સાહેબના જન્મદિને એમની મને ખૂબ ગમતી એક રચના… અને કેટલાંક સ્મરણો..

- Advertisement -

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

Rajendra shukla gujarati poet gujarati kavita

આપણે કેવાં સમયમાં જીવીએ છીએ? કોઈને દિલથી વખાણવા એ પી.આર. કરવા બરાબર સમજવામાં આવે છે – માર્કેટિંગના આ જમાનાનું નખ્ખોદ જજો. સાહિત્ય કે કળામાં માણસ બહુ લાંબી ઉંમર ખ્યાતિ મેળવે છે કારણ કે આપણે સહજ રીતે એમને વધાવી નથી શકતાં ખાસ કરીને ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ.

Also Read::   Book Review : અગ્નિકન્યા - ધૃવ ભટ્ટ

જો કે રાજેન્દ્ર સાહેબને ઘણાં સન્માનો મળ્યાં છે. એમનો એક ચાહકવર્ગ છે. જો કે એમને આ બધાંથી કશો ફેર પડતો નથી.

મારું સદભાગ્ય છે કે જ્યારે હું દિવ્યભાસ્કર અમદાવાદમાં હતો ત્યારે એમનું સાંનિધ્ય સાંપડ્યું છે. એમની પાસે બેસીને ગીતાકારના શબ્દોમાં કહું તો… तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्वदर्शिनः ॥ જેવો લાભ મેળવ્યો છે.

એમનો અને નયનાબાનો સ્નેહ ખૂબ મળ્યો છે. એમના ઘરની પવિત્ર પરિસર, ચા, શીરો… આ બધું વળી વળીને યાદ આવે છે. એક એક શબ્દ માટેની એમની માવજત, એમની તપશ્ચર્યા, અહો… કેટકેટલું!

ચાની કેબીને બેસીને ઘોંઘાટ વચ્ચે પણ બીડી સાથે સુલગતા એમના શબ્દો… નવી નવી ને તાજી રચનાઓ એમના મુખે તરત સાંભળવા મળે અને એટલું જ નહિ એ પંક્તિ એ પંક્તિ એ એમને યોજેલા પ્રયોજેલા પ્રતીકો કે રચનારિતી સંદર્ભે અનેક સંદર્ભો સાથેની અમારી ચર્ચા અને એમના જ્ઞાનથી પ્લાવિત થવાનો અવસર… જાણે જીવનની અણમોલ ક્ષણો.

મને મારી જાત સદભાગી એટલે લાગે છે કે ગુજરાતી ભાષાની વિદ્વાન પરંપરાની છેલ્લી પેઢીના આ બધાં.. રાજેન્દ્ર શુક્લ સાહેબ, લાભશંકર પુરોહિત દાદા, આ બધાં ભાષા અને સાહિત્યના જ્ઞાનના પ્રતિકો. આ લોકોને કેટકેટલું કંઠસ્થ! જ્ઞાની પાસે માહિતી હોય પણ શાંતિ ન હોય. તપસ્વી પાસે પ્રજ્ઞા, વિવેક અને શાંતિ હોય. મેં અનુભવ્યું છે.

રાજેન્દ્ર શુક્લ સાહેબની કવિતામાં પ્રાકૃત શબ્દો પણ હોય ને કાઠિયાવાડી કે મેહાણી બોલીના શબ્દો પણ હોય. એનામાં લોકકથાના સંદર્ભો પણ પ્રતિક તરીકે આવે અને વેદના સુકતો માંથી પણ પ્રાસ રચાય. આ બધી તો બહુ લાંબી વાતો છે. ખૈર..,

બસ, આખરી વેળાનું આ આખર પ્રસારું…

અંતે…. એક સપ્તાહથી એમની કવિતાના શબ્દો મૂકી ને જન્મદિન ઉજવતા હતા, તેમાં મારા સ્મરણો સાથે પૂર્ણ કરું…. અને આખરે પણ એમના જ શબ્દો મૂકું…..

અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.

– રાજેન્દ્ર શુક્લ સાહેબ, આનંદના વંદન સહ અભિનંદન.

કવિશ્રી સાથેના કેટકેટલાં ય સ્મરણો અત્યારે મારા હૈયેથી હોઠે આવવા મથે છે, પણ સમય જ્યારે આજ્ઞા કરશે ત્યારે ‘ સહજ સાથે સળંગાઈ ખળખળ વહિશું..!

 

પ્રસ્તુતિ – આનંદ ઠાકર

Rajendra shukla gujarati poet gujarati kavita

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments