Home BALSABHA Krushn Dave ભોંદુભાઈ તોફાનીઃ આવા તોફાન સારા…

Krushn Dave ભોંદુભાઈ તોફાનીઃ આવા તોફાન સારા…

0
46

ભોંદુભાઈ તોફાનીઃ આવા તોફાન સારા…

bhondubhai tofani gujarati poem book by krushn dave

bhondubhai tofani gujarati poem book by krushn dave

gujarati balgeet

– ઊંઘેલા વાલીઓને ઊઠાડનારા કાવ્યો.

– આ કવિ દલપતરામ અને અખાના સગોત્ર નીકળે છે જેમણે ચાબખા અને સામાજિક નિસ્બત બન્ને એક સાથે નિભાવી છે.
વેકેશન આમ તો અડધુંપડધું ચાલ્યું ગયું ને અડધુંપડધું બાકી છે…વેકેશનમાં વાંચવા જેવું, વસાવવા જેવું અને આવડે ન આવડે તો શીખીને કે આપ મેળે સમજીને તેના ગીતો ગાવા જેવું પુસ્તક એટલે ‘ભોંદુભાઈ તોફાનીઃ બાળકિશોર કાવ્યો’ આ કાવ્યો રચ્યા છે કવિશ્રી કૃષ્ણ દવેએ.

આ પુસ્તકમાં આપણી ભાષાના ખ્યાતનામ કવિ રમેશ પારેખે પ્રસ્તાવના લખી છે. પ્રસ્તાવનામાં એક વાત ખૂબ સરસ તેમણે ઈંગીત કરી છે કે અહીં આપેલા બાળકાવ્યોમાં ક્યાંય કશું શીખવી દેવાનો ભાર નથી. આપણે ત્યાં બાળકાવ્યો કે જોડકણાં બાળકોને મોટા મોટા ‘મૂલ્યલક્ષી’ પાઠ ભણવવા માટે રચાતા હોય છે, પણ પાછું તેમાં મૂલ્ય જેવું કશું હોતું નથી કે નથી હોતું ખરા અર્થમાં ‘ક્રિએટિવિટી’ કહી શકાય તેવું કશું. જ્યારે અહીં ઝીલાયો છે એક પોતીકો અવાજ. એક સાવ નિર્દોષ થઈને ગવાતો લય અને છતાં બસ માત્ર બાળકોને મજા આવે એવું નહીં પણ વાલીઓ પણ નાચી ઉઠે તેવી કટાક્ષિક કણિકાઓ.

આ કાવ્યસંગ્રહમાં પ્રથમ કાવ્ય ભોંદુભાઈ તોફાનીનું જ છે. તે બીચારા જાડાપાડા છે અને એમાં માસ્તરાણી તેને અંગૂઠા પકડાવે તે કેમનું ચાલે? એટલે તે લાંબુ લાંબુ લેશન સ્લેટને બદલે તેના દાદાજીના પેટ પર લખીને આવે છે. શિક્ષકે તો બાળક સાથે બાળક થઈને રહેવાનું હોય અને આપણી શિક્ષણ પદ્ધતિમાં લેશનના કારમા કકળાટને આચાર્ય કીડીબાઈ દ્વારા સરસ વાત કરાવી છે કે –

કીડીબાઈ ક્યે કંઈ વાંઘો નહીં હવે રાખજો ખ્યાલ,
સાચુકલા ટીચર તો આપે લેશન સાથે વ્હાલ!

લેશન વગર તો ભૈ ચાલે નહીં, તે તો મનનનો એક ભાગ છે, તો શું? તો કહે છે કે લેશન સાથે થોડું વ્હાલ પણ આપવુ જોઈએ. પણ આજે દશા એ છે કે આજના શિક્ષકોને વ્હાલ કેમ આપવું તેનીય તાલિમ આપવી પડે તેમ છે.

આપણી શિક્ષણ પદ્ધતિઓની એક એક બાબતોનો ખરો ક્યાસ લઈને આ કવિએ ઉઘાડે છોગ ઝાટકણી કાઢી છે. આમ કહેવાની જરૂર પણ હતી. એક સર્જકની સામાજિક નિસ્બત હોય છે. કહેવાયું છેને કે એક સાક્ષર વ્યક્તિનું આળસ સો મુર્ખાના કામ જેટલું નડે છે. સર્જક અહીં પ્રકૃતિના તત્વનોને પ્રતિક બનાવીને સારી વાતો કરી છે. કહ્યું છે કે –

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી, છે ફૂલ!

હું શિક્ષક છું એટલે મને ખ્યાલ છે કે ગામડાની શાળાઓમાં ઘણી જગ્યાએ સિન્ટેક્સના રૂમ છે. દોસ્તો, માત્ર કલ્પના કરો…કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને એમાં પણ પ્લાસ્ટિકની દિવાલો, પ્લાસ્ટિકનું તળિયું….સાહેબ, બાર હાલો વડલા નીચે બેહીયે….આવું બાળકોને પોકારતા જોયાં છે. વડલા નીચે બેસાડીએ તો ગામ કહે કે માસ્તરોનું ફરી ગયું છે આવા તકડામાં કંઈ છોકરાઓને બહાર નીકાળાતા હશે. આખરે રજા પડે ત્યાં સુધીમાં બાળકો શેકેલી બ્રેડ જેવા બની જાય છે. હમણાં હમણાં પ્રાથમિક શાળામાં બેન્ચિસ આવી છે, પણ તે પણ એટલી આરામ દાયક નથી હોતી. શારીરિક રીતે જોઈએ તો ઘણાં બાળકોના પગ લટકતા હોય છે અને સતત બેઠું રહેવું પડતું હોવાથી લોહીના પરિભ્રમણમાં મુશ્કેલી સર્જાય છે. આ તો કોમળ શરીર. આપણાં કંઈ કેટલાય વિદ્વાનો વિદેશમાં જઈને ત્યાંની શિક્ષણ પદ્ધતિ લઈ આવ્યા અને ફેરફાર કરવા લાગ્યા. પરંતુ હું માત્ર એટલું જ કહું છું કે જો તે વિદ્વાનો એક દિવસ બાળકો સાથે પસાર કરે ને…એટલે ખ્યાલ આવી જાય કે કઈ કઈ સમસ્યાઓ છે અને કઈ રીતે તેને હલ કરી શકાય તેમ છે. કંઈ કેટલા સેમિનારો, કંઈ કેટલી તાલીમો વેકેશન ખૂલતા યોજાશે….કશું કરવાની જરૂર નથી. શિક્ષકો વધુમાં વધુ બાળકો સાથે રહે તેવું વાતાવરણ ઉભું કરો અને બાળકોને અનુકૂળ આવે તેવી શાળાનું બિલ્ડીંગ ઉભું કરો એટલે ભારતીય શિક્ષણની સમસ્યાઓ ઉકેલાશે. અહીં કવિએ સારો કટાક્ષ કર્યો છે કે ભઈ લાકડા-લોઢાની કડક બેંચમાં બેસવા માટે બાળક નથી આવતું તેને તો પતંગિયા અને ફૂલો જેવી કોમળતા છે તે સામે કોમળતા જ ઈચ્છે છે.

Also Read::   સ્કૂલના વડલાદાદા

‘કિક્કુ કીડી’ નામે એક કાવ્યમાં કવિ કીડી દ્વારા બાળકોના ભાર વગરના ભણતરની વાત કરી. એક વાર કીડી પપ્પુના લંચબોક્સમાં ચાલી જાય છે. બહાર આવીને જોઈ છે તો પપ્પુ કેવડો મોટો ‘કોથળો’ ઉપાડીને ભણવા જાય છે. ત્યારે કીડી ફરમાન કરે છે કે આપણે હવે પપ્પુનો ભાર વધારવા કોઈ પણ બાળકના લંચબોક્સમાં જશે નહીં. સરકારી શાળાઓ તો ભાર વગરના ભણતરનું અમલીકરણ કરી રહી છે પણ પ્રાઈવેટ શાળાઓને મંજૂરી તો સરકાર જ આપે છે છતાં તે કેમ નિયમોનું પાલન નથી કરતી? તેને ત્યાંથી બાળકોને લેશન પણ એટલું હોય છે, બાળકોને મારવામાં પણ આવે છે, બાળકોને શાળા સમયથી વધારે રોકવામાં પણ આવે છે. તેની પાસે કામ પણ કરાવવામાં આવે છે. શૈક્ષણિક ફી પણ વધારે લેવામાં આવે છે….કારણ કે તે સરકારના કાકા,મામા, માસા થાય છે! સરકારી દફતરોના ખર્ચ તેની પાસેથી નિકળે છે-ચા-પાણીના. સરકારી શાળાઓમાંથી રજામાંથી નીકળતું બાળક હવે ખૂશખૂશાલ થઈને નીકળી રહ્યું છે પણ આ સ્થિતિ પ્રાઈવેટમાં ક્યારે આવશે તે આપણે જોવાનું રહ્યું. એક કીડીને પણ જો આટલી ફીકર હોય તો વાલીને કેમ નથી? અને જો એ અહેસાસ તમને નથી થતો તો ભારતીય શિક્ષણનો વાંક કાઢવાની તમને જરા પણ છૂટ નથી.

આ કાવ્યસંગ્રહમાં આગળ જતાં ખૂબ જ જાણીતું ગીત આવે છે જેનું શિર્ષક છે – ‘શિક્ષણ???’ – અહીં કવિએ જાતે જ ત્રણ પ્રશ્નાર્થ શિર્ષકમાં લગાવી દીધા છે. આ ગીતને પાઠ્યક્રમમાં લેવાની ચર્ચા ચાલી ત્યારે તે એટલા માટે ન લેવાયું કે તેમાં શિક્ષણ ખાતાની ‘ઝાટકણી’ કાઢી નાખી છે ને ખૂબ ઠંડા કલેજે….આવું મેં ક્યાંક ક્યારેક કોઈના મોંઢે વાત સાંભળી હતી. કહેવાતા શિક્ષણ વિદ્દો જે ફેક્ટરીની જેમ મોટી મોટી શાળા-કોલેજો શરૂ કરીને બેસી ગયા છે અને પોતે શિક્ષણ વિશે કંઈક જાણે છે તેવો ડોળ કરે છે તેના માટે છે…આખું કાવ્ય –

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

અહીં કાવ્યમાં થયેલી વાત એટલી બધી સરળ છે અને આપ એટલા શાણા છો કે મારે કશું કહેવાની જરૂર નથી.

પપ્પા કહે છે એન્જિનિયર ને મમ્મી કહે છે ડોક્ટર
હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર.

Also Read::   પ્રમુખ સ્વામીજીનું જીવન યુવાનોને આ ત્રણ પગલા અનુસરવા કહે છે: શું કહે છે કલામ?

બાળકો પર લદાવાતી ઈચ્છાઓનું આ જબરું સેટાયર્ડ કાવ્ય છે. તમે જો તમારું લક્ષ્ય સિદ્ધ ન કરી શક્યા હોય કે જીવનમાં તમે કંઈ ઉકાળી ન શક્યા હોય તો પછી તમે તમારા બાળકો પર તમારી ઈચ્છો શા માટે આરોપો છો? અને એ જ વાલીઓ ઈચ્છાઓ આરોપે છે જે મોટેભાગે પોતાના જીવનમાં કંઈ લીલું વાળી શક્યા ન હોય! આખરે તમારી ઈચ્છાઓનું ઓસાણ એટલું હોય છે અને આપણી કહેવાતી શિક્ષણ પદ્ધતિતો ન્યાલ કરી દે તેવી હોય જ છે! એટલે બાળક પછી આત્મહત્યા કે હિંસા સુધી પહોંચે છે.

આ ઉપરાંત લેશન, લિખિતંગ, ટપ્પુ કાચબો, ઝરણું, ઓ મધમાખી બ્હેન, ચાંદો ખવાય?, ઠંડી, રેલગાડી, વડલા દાદાજી, હું નહીં બોલું જાવ, બલુક્ ઝબુક્, ક્રાઉં ક્રાંઉં, ક્રાંઉં, મુચ્છ, મચ્છભાઈ, ટીપ્ ટીપ્ ટિટોડી, મિટિંગ, આવજો, આ કાવ્યો પણ સૂતેલા વાલીઓને જગાડનારા કાવ્યો છે.
આ સંગ્રહની અહીં એવી જ કેટલીક પંક્તિઓ જોઈએ જે આપણના અંતરતમને ઉઠાડી જાય છે.

છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે,
ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે?

***

કૂદી પડો યા હોમ કરીને સૌ મીઠ્ઠા મધના નામે,
આવે તેને તરત મોકલો સુગંધના સરનામે.

***

દડ દડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બ્હાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર!

(બાળકને કુદરત સાથે નાતો રાખવા દો…નું…ખૂબ સરસ ઈંગીત..)

***

વડલા દાદાજી કહે છોડો ભાઈ વાત, હવે બંનેનો સરખો છે વાંક,
માણસની જેમ ઓછું ઝઘડી પડાય? ચાલો ખાવ બધા પૂરીને શાક.

***

આખ્ખું જંગલ હવે ઓળખે લબુક્ ઝબુક્ ને નામે,
આજ સુધી ક્યાં કોઈ થયેલું અંધારાની સામે?
એને શું રોકી શકવાનું અંધારાનું તાળું?
જે પોતાની પાસે રાખે પોતાનું અંજવાળું!

કવિતા અહીં ‘ આપો દિપો ભવ’ની ઊંચાઈ પકડે છે. આ તો એટલા માટે કે ઘણાં કહે છે કે બાળકાવ્યોમાં શેની સર્જકતા…જુઓ આને સર્જકતાનો ઉન્મેષ કહેવાય ભલા ભાઈ…કહેવાયું છેને કે – શું ભણ્યા ત્યારે તમે પોથી પોથા ચાર ચોપડી ને ફાડી એક પાટી, બહાર જઈને જુઓ તો છે અંજવાળાની માટી…આ કવિ દલપતરામ અને અખાના સગોત્ર નીકળે છે જેમણે ચાબખા અને સામાજિક નિસ્બત બન્ને એક સાથે નિભાવી છે.

***

આવા સુંદર કાવ્યો સાથે બાળકોને ગાવાની મજા પડે તેવા પરિચિત લય છે. બાળકોને પોચી બ્રેડ જેવા પાઠ્યક્રમ ભણાવતા ભણાવતા આવા રોટલા જેવા કાવ્યો પણ ક્યારેક ભણવી દેવા જોઈએ, જેથી તે પણ આપણી શિક્ષણ પદ્ધતિને સમજી શકે અને પોતાની સામાજિક જવાબદારીને નિભાવી શકે. કારણ કે સર્જક તેમ શિક્ષકે પણ માત્ર ભણાવ ભણાવ નથી કરવાનું કે સર્જકે માત્ર લખ લખ નથી કરવાનું તેની સામે કેટલી સ્થિતિ – પરિસ્થિતિ છે તેના પ્રશ્નો – પરિપ્રશ્નો છે. તેને ઉકેલવા માટેની ભૂમિકા બાંધી આપવાની છે. કવિ કલાકીય સંબદ્ધતા જાળવતા જાળવતા સામાજિક સંબંધ પણ જાળવે છે તે જ ખ્યાલ આપે છે કે આ કવિ અમદાવાદમાં રહેવા છતાં તળના કવિ છે.

અહીં તોફાન ભોંદુભાઈના એકલાના નથી કવિના પણ છે, પણ આવા તોફાન સારા…આખરે તો બસ એટલું જ કે મજ્જજા…પડી ગઈ….!!!

(ફોટો- સાભાર ફેસબુક તેમના જ એકાઉન્ટ પ્રોફાઈલ ફોટો)

bhondubhai tofani gujarati poem book by krushn dave