storybook : politechnic gujarati storybook mahendrasinh parmar
પોલિટેકનિકઃ પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ
પોલિટેકનિક – ગુજરાતી વાર્તાસંગ્રહ
– મહેન્દ્રસિંહ પરમાર
‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ ગુજરાતીમાં આવ્યું. ‘ટોઈલેટ એક પ્રેમકથા’ એ હિન્દીમાં આવનાર છે. આ વચ્ચે શૌચક્રિયાના વિષયને લઈને કોઈ આવું સરસ લખી શકે – આવું કલાત્મક કામ કરી શકે એવી વાતો થવા લાગી છે ત્યારે ગર્વથી કહેવાનું મન થાય કે આ બધા પહેલા અમારા વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમાર આ વિષય પર કલાત્મક કામ કરી ગયા છે.
એક તરફ બીજા ગ્રહો પર માનવ વસાહત કરવાની વેતરણમાં પડેલું વિશ્વ છે અને બીજી બાજુ બે નંબર જવા માટેની જગ્યાની વેતરણમાં જિંદગી કાઢી નાખવી પડે તેવી વિટંબણાઓ છે.
પોલિટેકનિક વાર્તાસંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. નવી ટેકનિક અને શબ્દોની પોલિસીએ આ વાર્તાસંગ્રહનું અને વાર્તાકારનું નામ ઊંચા સ્થાને મૂકી આપ્યું છે. એક પછી એક વાર્તા વિશે વાત કરીએ…
1. પોલિટેકનિક –
વાર્તા એક કોલેજના પાછલા મેદાનને મળત્યાગ માટે વાપરવામાં આવે છે. તે સમયની આખો દિવસ કામ કરીને કંટાળેલી નાયિકાઓ અને પોલિટેકનિકનું મોકળું મેદાન. એ કોલેજ પછી દિવાલ ચણી લે છે અને પછી પડતી મુશ્કેલીઓ. અલગ અલગ જગ્યાઓ શોધતી ‘બાયું’ અને તેના ઉપાયો – ચુંટણીના પ્રચાર માટે આવેલા નેતાઓ પાસે કરાયેલી માંગણી એક બાજુથી તમને હસાવે અને એક બાજુ સમાજનું વરવું ચિત્ર મૂકીને પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ મહેન્દ્રબાબુની ભાષા કરી રહી છે.
2. હવે કઈ પોલિટેકનિક?
પોલિટેકનિક કોલેજની દિવાલ ચણી લેવામાં આવે છે પછી પછી તેમાં બાકોરાં પાડીને પણ સમુહશૌચ માટેની ક્રિયા ત્યાં શરૂ રહે છે ત્યાંથી આ વાર્તાનો પ્રારંભ થાય છે. આખરે ત્યાં કલેક્ટર કચેરી બને છે છતાં સ્ત્રીઓની લાચારી કે જાહેર રસ્તામાં શરમને નેવે મૂકીને પણ જાહેર રસ્તા પર બેસવું પડે છે. અને પછી કલેક્ટર સુધી ગયેલી આ સમસ્યા. આખરે શૌચાલયરથ મૂકાઈ છે. પણ એ ઉકેલ તો માત્ર કલેક્ટર કચેરીના ઉદ્દઘાટનમાં પધારતા પદાધિકારી સામે સમસ્યા ન આવે તે માટે હતો. પછી પાછી એની એ દશા.
બન્ને વાર્તાઓ આપણી સામાજિક વિટંબણાં પ્રસ્તુત કરે છે અને એ સાથે જ પ્રશાસન સામે ભારે કટાક્ષ રજૂ કરે છે.
3. ઊડણચરકલડી
જીવી નામની નાયિકા એક નાયકને એટલે પરણવા તૈયાર થઈ છે કે વરના ઘરે શૌચાલય છે. પછી એના પિયર આંટો મારવા પણ તૈયાર નથી થતી કે નથી કો લગ્ન-પ્રસંગે આવતી સૌને તેના પતિ પ્રત્યે પ્રેમ લાગે છે પણ આ પ્રેમ તો છે ટોઈલેટ સાથેનો. આવા નાજુક વિષયને પ્રાદેશિક બોલી અને પ્રાદેશિક રિવાજો સાથે વણી લઈને કલાત્મકતા બક્ષી છે.
4. ઈન્ટેલેક્ચુઅલ ઈન્દુભાઈ
મને ગમેલી અદ્દભૂત વાર્તા. ગમી એટલે કે તેમાં ઈન્દુભાઈ ખૂબ વિદ્વાન – જ્ઞાની વ્યક્તિ છે. પ્રોફેસર છે. કોમી રમખાણો એની નજર સામે જૂએ છે તો તેને એમ થાય કે ગાંધી, સાર્ત્ર, રિલ્કે, લૂઈ પાશ્વર આ બધાની ફિલસૂફી ભણાવેલી એ ક્યાં જાય છે? કેમ આટલી માનવતા નેવે મૂકાઈ જાય છે. ગોધરાનો હત્યાકાંડ આ રીતે પણ કહેવાતા ‘બુદ્ધિશાળી’ ઓ પર ભારે પાડી શકાય તેવી દૃષ્ટિ સમાજને સતર્ક કરતા સર્જકમાં જ હોય. આખરે ઈન્દુભાઈના સ્મૃતિભ્રમના વિલાપો આપણને પણ કહેવડાવે છે કે કેમ કશું થઈ શકતું નથી. કાયમી ઉકેલ કોની પાસે?
5. ઈસ કી મા કા સુંદરજી
આર્મીની ભરતી અને અંદરના અરમાનો વચ્ચે વલવલતો એક બેકાર યુવાનની વાત પણ એટલી જ સિફતાઈથી આલેખવામાં આવી છે. આર્મીની ભરતીમાં આચરાતી અમુક પરંપરાઓ જેમને તેના સંદર્ભનો ખ્યાલ હોય તેમને પેટપકડીને હસાવે છે અને એટલો જ સામો કટાક્ષ પણ જોવા મળે છે.
6. આઈ.એસ.આઈ.નો હાથ
ધર્મના નામે ઉભા થતાં ધંધાને આડેહાથ ઉપાડ્યા છે આ સર્જકે. કોઈ લાચારની રોજીરોટી પર એક ધાર્મિક સંસ્થા આડકતરો પ્રહાર કરે છે એ ક્યારેય જોવાતું નથી. મંદિરમાં સહાયના નામે પસ્તીઓ ભેગી કરવાથી પસ્તીભેગી કરીને વેચીને પૂરું કરનારાની રોજીરોટી સામે સમસ્યા સર્જાઈ છે. સસ્તા ભોજનના રસોડા ચાલે છે તેથી ટીફિન પર ઘરનું ગુજરાન ચલાવનારા પર આર્થિક તવાઈ આવે છે. એક પ્રોફેસર જે જગ્યાએ મંદિર છે ત્યાં કોલેજની જગ્યા ફાળવાયેલી તેથી ઘૂંઘવાઈ ઊઠે છે. ધરમ જે રીતે ગમે તેવા રોજકારણી, ગૂંડા કે કર્મચારીઓની પૂંછડી પટપટાવા મજબૂર કરે છે તેના પર જબરો કટાક્ષ ફેલાયેલો છે. આ વાર્તા તો વાંચે જ છૂટકો.
7. સાહેબની શોકસભા
આ વાર્તામાં અખિલેશ નામે પાત્રના મનોભાવો વર્ણવાયા છે. રચનારીતિ જાણીતી છે અને સાહેબના બે વિદ્યાર્થીને એકમેક પ્રત્યે ચડસાચડસી હોય એવી સામાન્ય ઘટનાને મનોભાવો દ્વારા વાર્તાનું સ્વરૂપ વપરાયું છે.
8. શીર્ષકઃ હજી નક્કી નથી.
નવી જ રીતભાત લઈને આ વાર્તા આવે છે. એક સભામાં થતી વાર્તારીતિની વાતો દ્વારા જ આખી વાર્તા કહેવાઈ જાય? સો ક્યુટ… મહેન્દ્રબાબુની આવી છલના જ આકર્ષી લે છે અમને. એમાં કહેવાતી વાર્તા પણ કેટલી રોચક અને નવા વિષય સાથે. કથાનાયક કરતા વધુ તો આપણેને રમ્યગુંચ ઊભી કરે એવી વાર્તા… કદાચ આને જ બ્રહ્માનંદ સહોદર આનંદ પ્રાપ્ત થાય એવું કહેતા હશે. પિતાની ડેડબોડી પુત્રના મેડિકલ એક્સામ્પલ તરીકે આવે અને જે મનોભાવો રચાય તે કદાચ આઉટસાઈડરને પણ બાજુ પર મૂકી દે. અરે આવનારા સમાજમાં ઊભી થનારી આઉટસાઈડરનેસ ક્યાં જઈને ઊભી રહેશે… એમાંય જે નાયકની પ્રેયસી મજાકમાં ને મજાકમાં જે કૃત્ય કરી બેસે છે ત્યારે વાર્તાકારે નક્કી કરેલી આ રીત જ શ્રેયકર રહેત, નહીં તો આ વર્ણનોમાંથી કલાત્મક રીતે પસાર થવું કદાચ લેખકના હાથમાંથી પણ દોર સરકાવી જાત. શું કહેવું? કોઈ કથાકાર આવો પણ ગુજરાતીમાં લખી શકે અને કથનરીતિ અને કથાનક બને સલામ માગી લે.
9. એમ. પી. અજમેરા
મારા જીવનમાં જોયેલી કેટલીક ઘટનાઓનેવાર્તામાં આ રીતે ઉચ્ચાઈ પર મૂકી શકાય તે મહેન્દ્રબાબુ જ આપણને સમજાવી શકે એ પણ થોકબંધ થિસિસ લખીને નહીં પણ વાર્તાના સચોટ ઊંડાણ દ્વારા. એક શિક્ષક તેને ખરેખર તો ભણાવવામાં જ રસ હોય છે, પણ ચુંટણીનો ઓર્ડર નીકળે ને એ પ્રિસાઈન્ડિંગ હોય ને પછી કાગળિયાં રેઢા ન મૂકી શકવાના કારણે જે વલોવાય છે. શૌચક્રિયા પણ વ્યવસ્થિત કરી શકતો નથી આવી દશા સર્જાય છે અને બીજી વખત ચુંટણીના કર્મચારી બનવામાંથી છટકવા માટે પોતે જ ઉમેદવારનું ફોર્મ ભરે છે. આ વાર્તા સાથે મારું કેથાર્સિસ જોડાયેલું છે. અનુભવનું નહીં પણ જોયેલાનું ખરું મારા પિતા પણ શિક્ષક અને હું પણ શિક્ષક. હું જોતો આવું છું કે આઝાદીના આટલા વર્ષે પણ ચુંટણી વખતે શિક્ષકોની દશા શેરીના કૂતરા કરતા પણ બદતર કરી નાખે છે તમામ સરકારો. આને તો પાઠભણાવવા માટે બધાએ અજમેરાની જેમ એક સાથે દસહજાર ડિપોઝીટના જાતા કરી ઉમેદવાર તરીકે ઉભું રહેવાય પછી પ્રશાસન શું કરે? જાગૃત કરે તે જ સર્જક.
10. પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા?…
પોસ્કાર્ડની પેઢી અને ઈ-મેઈલ – બ્લોગની પેઢીને સાથે કરીને રચનારીતિ પણ એના જેવી આલેખી છે. પણ રચનારીતિમાં જમાવટ થતી નથી. વળી પોસ્ટકાર્ડને સ્કેન કરીને જ સીધા મૂકવામાં આવ્યા છે એટલે વાર્તાપ્રસ્તુતિમાં નાવિન્ય ચોક્કસ છે. પણ અદ્દભૂત ન લાગી.
વાર્તાઓ વાંચીને મહેન્દ્રસિંહજીને પત્ર –
ફોન કે કોઈપણ કોમ્યુનિકેશનના સાધન દ્વારા વાત કરવાની જે ઈચ્છા થઈ તે અહીં પત્ર દ્વારા જ કહેવાનું મન થાય છે.
પ્રિય, મહેન્દ્રબાબુ,
(માફ કરશો. મહેન્દ્રસિંહ પરમાર જેવું જાજરમાન નામની સામે મહેન્દ્રબાબુ કહું છું તે આપને ખુંચતું હશે પણ લાડ કરવા ખાતર લખ્યું છે.)
યારરરર. આપની વાર્તા પણ બાકી ગુજરાતી વાર્તાનું તળ ભેદી નાખે છે અને અમારું હૈયું. ઘણીવાર મેં ચર્ચામાં મારા દોસ્તોને કહ્યું છે કે ખત્રી પછી બધી જ વાર્તા વાંચવાનું મન થાય એવો વાર્તાકાર મને નથી મળ્યો. પણ મળ્યા, નામે મહેન્દ્રસિંહ પરમાર. મિત્ર અજય સોની સાથે જ્યારે જ્યારે ચર્ચા થાય ત્યારે એ વાત આવે જ કે ભાવનગરનું પાણી વાર્તાકલામાં નોખીભાતનું જ છે. તમે અમને જાણે નિરાંતે બેઠીને વાર્તા કહેતા કેમ હોવ! એવી રચના થતી જોવા મળે છે. અજમેરાવાળી, શીર્ષક નક્કી નથી વાળી અને ઈન્ટેલએક્ચ્યુઅલ ઈન્દુભાઈ આ ત્રણ વાર્તાઓએ તો મોહીલીધો છે. મને હંમેશા એમ લાગ્યું છે કે ટેક્નિક મહત્વની નથી, નોખો-અનોખો વાર્તાપ્લોટ આપને મળે પછી એ વાર્તા જ તમને નવી ટેક્નિક આપશે. આ વાત સાથે મહેન્દ્રબાબુ આપ સહમત ખરા?
મારા બ્લોગ પર હમણાં હું સતત ધ્રુવ ભટ્ટની સિરિઝ વાંચું છું તો એમના વિશે લખું છું અને મને ધ્રુવ ભટ્ટનું સર્જન જે કારણે ગમ્યું છે એ જ કારણ આપના સર્જન માટે છે કે મને એવો સર્જક ગમે જે જીવાતા જીવનની વિટંબણા અને સંવેદનાને સ્થાન આપે અને સામાજિક રીતે આપણને જાગૃત કરે – સતર્ક કરે.
આપે પ્રસ્તાવનામાં લખ્યું છે કે – … પછી પ્રગટ થતી વાર્તાઓ વિશે લખનારને મળવો ઘટતો ભાવક-પ્રતિભાવ આટલો વિલંબિત કે નિલંબિત કેમ? ‘ફેસબુક’ કે અન્ય માધ્યમોમાં નવલેખકોને મળતા તત્કાળ પ્રતિભાવને જોઈને ઈર્ષ્યા થાય – પણ એમાં કૃતિ તરતી કરવાનું મન ન થાય! – આ સ્વરમાં મારો અવાજ પણ ભેળવું. એક એક વસ્તુને તાગીતાગીને જોનારા આપ અને ધ્રુવદાદાને આમ નાણું પ્રમાણું ત્યારે સાલ્લું થાય કે આ શું કરું છું? પણ હું તો પરિચય માત્ર લખું છું. મારા મનનો ઉત્સાહ વ્યક્ત કરું છું – ગમતાનો ગુલાલ કરું છું. આપે અઢાર અક્ષૌહિણી મારી વાર્તા સુ.જો.સા.ફો.માં મે અનૌપચારિક બેઠકમાં રજૂ કરી અને આપ પોસ્ટકાર્ડ પર વાર્તા લખી રહ્યા હતા ત્યારે વાર્તા લખતા લખતા આપ અન્યો સાથે વાત પણ કરતા હતા અને એમાંથી મારી વાર્તા પૂરી થતાં આપે બે વાક્યો જ કહેલા પણ એ ગમેલા અને મારી સ્મૃતિમાં આજ સુધી ધરબાયેલાં છે. આપની વાર્તા કલા માટે તો હું કાયલ રહ્યો જ છું. ક્યારેક અંદરથી ઈચ્છા પણ થાય કે ચાલો ને બંડલ ભરીને મોકલું મારી વાર્તા ને એ મને એમાંથી વાર્તાકલાના પથપર લઈ જાય. ક્યારેક એવું ય થાય કે હું રજૂ કરું વાર્તા આપની સામે અને મને કહેતા જાવો આ બરાબર છે આ બરાબર નથી… ક્યારેક એવું પણ થાય કે આપ અહીં આવો ને ફળિયામાં આપ આપની વાર્તા કહો અને પછી તેની ચર્ચા થાય… પણ નથી થતું આવું કાંઈ… લગભગ આપની વ્યસ્તતા હોય એવું સમજીને પણ દૂર રહું છું. ક્યારેક કોઈ કિનારે આપણે મળીશું ત્યારે વાત… આ વાંચતો હતો ત્યારે જ ધ્યાને આવ્યું કે આપનો બીજો વાર્તા સંગ્રહ પણ બહાર પડ્યો છે, એ પણ વાંચીશું અને આમ જ બ્લોગ પર બબડીને શાંત થઈ જઈશું. એકલવ્યતા મને રાસ આવી ગઈ છે. આપની વાર્તાઓમાંથી શીખ્યો છું. એ માટે પણ વંદન.
ચાલો મળીએ ત્યારે…