Maths theory maths master p c vaidya Gujarati world famous
Maths ગુજરાતના ગણિત દાદા : ગણિતમાં ઘણી મહાન કહી શકાય એવી શોધ કરી, વિશ્વે લીધી હતી નોંધ…
– કર્દમ ર. મોદી
આજે ગુજરાતના ગણિત દાદા કહી શકાય એવા વ્યક્તિ વિશે… જેમનું નામ છે સ્વ. શ્રી પી. સી. વૈદ્ય સાહેબ.ઘણા લોકો આ નામથી અજાણ હશે. પરંતુ સમગ્ર ગુજરાત જેના વિશે ગૌરવ લઈ શકે એવી આ એક મહાન હસ્તી હતી.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટી પર ગુજરાતમાં પાયાનું કામ કરનાર ભારતના ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. જેમણે હોમીભાભા, વિષ્ણુ નારલીકર અને જયંત નારલીકર જેવા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રી સાથે કામ કરેલું છે. એવા પ્રહલાદભાઈ ચુનીલાલ વૈદનો જન્મ 23 5 1918 ના રોજ થયો હતો. વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ હોવા ઉપરાંત તેઓ શિક્ષણશાસ્ત્ર અને ગાંધીવાદ સાથે સંકળાયેલા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઇને જેલવાસ વેઠેલો હતો.
પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધા પછી વિજ્ઞાનના સ્નાતક. તેઓ ભૌતિક વિજ્ઞાન વિષય સાથે મુંબઈની ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં થયા. અધ્યયન અને અધ્યાપન તેમણે આજીવન કર્યું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઇ ઉપરાંત બનારસમાં પણ તેમણે અધ્યાપન કર્યું હતું. ૧૯૪૯માં તેમણે ગણિતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. થોડો સમય તેમણે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પણ કામ કર્યું હતું સુરત, વલ્લભ વિદ્યાનગર, વિસનગર ઉપરાંત અમદાવાદમાં તેઓ ગણિતના પ્રોફેસર રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદને શોભાવનાર જીપીએસસીના ચેરમેન અને upsc ના સભ્ય રહી ચૂક્યા છે. કિડનીના રોગના કારણે તેમનું 12 માર્ચ 2010 ના રોજ અવસાન થયેલું.
વૈદ સાહેબ ગણિતના એક મહાન અધ્યાપક ન હતા. પરંતુ એમણે ગણિતમાં ઘણી મહાન કહી શકાય એવી શોધ કરી છે. એટલું જ નહીં પરંતુ વિશ્વકક્ષાના ગણિત શાસ્ત્રીઓની સાથે કામ પણ કરેલું છે. આશરે 1945 આજુબાજુ એમણે ગણિતમાં કવેસાર અને પલ્સારની થીઅરીમાં કામ આવી શકે તેવા મેટ્રિક્સની શોધ કરી. પરંતુ તે વખતે આ મેટ્રિક્સનો ખાસ કશો ઉપયોગ ન હોવાથી તે ઉપયોગ ધરાવતો ન હતો. આથી એની નોંધ લેવાઇ નહીં. પરંતુ અમુક વર્ષો પછી ભૌતિક વિજ્ઞાનમાં કવેસાર અને પલ્સારની થીઅરીની શોધ થઈ. એ વખતે આ મેટ્રિક્સ અચાનક ઉપયોગી થઇ ગયો. ત્યારથી આ મેટ્રીક્ષ અને વૈદ સાહેબ બંને ગણિતશાસ્ત્રમાં પ્રખ્યાત થઈ ગયા.
વૈદ સાહેબ ગણિતશાસ્ત્રી હતા, તેનાથી વધારે મહાન મનુષ્ય હતા. બહુ મોટી ઉંમર સુધી તેઓ અમદાવાદમાં પણ સાઈકલ પર સવારી કરતા. ખાદીના કપડા પહેરતા. અખાડામાં જતા, નિયમિત કસરત કરતા. એના લીધે ખૂબ મોટી ઉંમર સુધી એમનું શરીર બહુ જ કસાયેલું હતું.
શ્રી વૈદ સાહેબે ગુજરાત ખાતે એક ગણિત મંડળની સ્થાપના કરી હતી.એ ગણિત મંડળ અંતર્ગત સુગણિતમ્ નામનું મેગેઝિન બહાર પડે છે જેમાં માત્ર અને માત્ર ગણિત વિષયના લેખો છપાય છે. ગુજરાતી ભાષામાં ગણિત વિષયનું કદાચ આ એકમાત્ર દ્વિમાસિક છે. જે અત્યંત નિયમિત રીતે બહાર પડે છે.લાઈફ મેમ્બર હોવાથી મારા ઉપર તે કાયમ માટે આવે છે અને હું તેને નિયમિત વાંચું છું. મારો પોતાનો વિષય ગણિત હોવાથી મને આ મેગેઝિનમાં રસ પડે છે. વૈદ્ય સાહેબ સ્થાપિત ગણિત મંડળના ભાગરૂપે દર વર્ષે વિવિઘ સ્થળે દિવાળીમાં ગણિત અધિવેશન યોજાય છે. અત્યાર સુધીમાં લગભગ ૫૦ ગણિત અધિવેશનો યોજાઈ ગયા છે. અમે ઘણા અધિવેશનમાં ભાગ પણ લીધો છે. આ અધિવેશનમાં ગણિતના શિક્ષકો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ ભેગા થઈને ગણિતના અવનવા પ્રશ્નો ઉકેલતા હોય છે. જેમાં ખરેખર બહુ મજા આવતી હોય છે. લગભગ ૧૯૯૪ માં અમદાવાદની એક કોલેજ ખાતે સુગણિતમ્નું અધિવેશન યોજાયું હતું. જેમાં અમે બધા વિદ્યાર્થીઓ અમારી કોલેજમાંથી ગયા હતા. એ વખતે તેમની સાથે અમે ઘણી બધી વાતો કરી હતી. મેં મારી નોટ બહુ જ ભોળાભાવે એમને ઓટોગ્રાફ માટે આપી. ત્યારે એમણે મારી નોટ લઇને ડાબા હાથેથી કંઈક લખાણ કર્યું. તો એમના અક્ષર ઉપરથી મને ખબર પડી ગઈ કે સાહેબ હકીકતમાં જમણેરી છે અને ડાબા હાથે લખે છે. એટલે મેં સહજ ભાવે પૂછ્યું કે સાહેબ તમે જમણા હાથે લખનાર છો અને આજે કેમ ડાબા હાથે લખો છો? ત્યારે એમણે એક ગણિતશાસ્ત્રી ને છાજે એવો જવાબ આપેલો. એમણે કહ્યું કે ૭૫ વર્ષ સુધી જમણા હાથે લખ્યું છે એટલે હવે બાકીના ૭૫ વર્ષ ડાબા હાથે લખવું છે. આ જવાબની અંદર એક આશાવાદ પણ હતો અને હાસ્ય પણ છુપાયેલું હતું. તેમણે નોટમાં લખ્યું હતું કે બે વત્તા બે બરાબર ચાર. આઈન્સ્ટાઈન કદાચ ના પાડશે. આ વાંચીને મારા આશ્ચર્યનો પાર ના રહ્યો. એટલે મેં ભોળાભાવે પૂછ્યું કે સર આનો અર્થ સમજાવો. એટલે એમણે મને કહ્યું કે આનો અર્થ સમજવા માટે તમારે સાપેક્ષવાદના અભ્યાસ કરવો પડશે. એટલે આટલું હસતા હસતા કહીને મને સાપેક્ષવાદ નો અભ્યાસ કરવાનું ગૃહ કાર્ય સોંપી દીધું હતું. ત્યારબાદ મને એ વાતમાં રસ પડી ગયો. એટલે મેં સાપેક્ષવાદના ઘણા બધા પુસ્તકો અને લેખો વાંચ્યા અને એમણે લખેલા વિધાનનો અંશતઃઅર્થ હું સમજ્યો. ત્યારબાદ પણ બે-ચાર વખત અમને મળ્યા હતા. દરેક વખતે એમના હસમુખા અને પ્રેમાળ વ્યક્તિત્વમાંથી ઘણું બધું શીખવાનું મળતું હતું.
ખાદીનો ઝભ્ભો, લેંઘો અને ખાદીની ટોપી પહેરેલી જોઈને ભાગ્યે જ કોઈ કહી શકે કે આ વ્યક્તિ એક વિશ્વ કક્ષાની મહાન ગણિતશાસ્ત્રી હશે. વૈદ્ય સાહેબની આત્મકથાનું પુસ્તક ચોક અને ડસ્ટર જો કોઈએ ન વાંચ્યું હોય તો તે વાંચવા મારી ભલામણ છે. ચોક અને ડસ્ટર એ બહુ જ સરળ અને રોચક ભાષામાં લખાયેલી આત્મકથા છે. જેમાં તેમને થયેલા શૈક્ષણિક જીવનના વિવિધ અનુભવો રહેલા છે. ત્યારબાદ એક સમય એવો પણ હતો કે જ્યારે બીલીમોરા ગણિત અધિવેશનમાં સ્ટેજ ઉપર ખુરશીમાં વૈદ સાહેબ બેઠા હતા અને હું એમની બાજુમાં ઉભો રહીને ગણિત શિક્ષણની સમસ્યાઓ વિષે માઇકમાંથી ભાષણ આપતો હતો. મને એમણે સારા એવા અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તમારી વાત પર વિચાર કરીશું. આ છે મારા વૈદ્ય સાહેબ સાથેના સંસ્મરણો.
કર્દમ ર. મોદી, આચાર્ય.
પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા.
M.Sc., M.Ed. Maths
M. 82380 58094
તા. ક.
મિત્રો, લખાણોને share કરવાનો આગ્રહ રાખો. આપણે વાંચીએ એટલું પૂરતું નથી. બીજાને વંચાવવું પણ જરૂરી છે.