Gujarati Varta panch minute gujarati varta book
Gujarati Varta : પાંચ મિનિટ
બોડીફીટ બ્યૂ જિન્સની નીચે જાડીને ટૂંકી એડી વાળા સેન્ડલ અને બ્રાઉન રેડ નેલપોલિશથી સુશોભિત બે આછા, કોમલ પગે બેંગ્લોરની ધરતી પર પગ મૂક્યા. તેની પાછળ બે થેલા હાથમાં લઈને એક યુવાને પણ પગ મૂક્યા.
કુલીઓની હોહા, શ્વાસના ભીંસાતા પડઘા અને તેની વચ્ચે વલોવાતો માણસ. અલગ અલગ પ્લેટફોર્મ વચ્ચે ટ્રેનની વ્હિસલ અને ઉપડતી ટ્રેનોની ખટાખટી અને ટ્રેન મિસ્સ કરી જતાં લોકોની ભડાભડી અને પછી કન્નડભાષાનાં – જીભને લોચા વાળી દે તેવી ગાળાગાળી.
સંદિપે પ્લેટફોર્મની સામેના બાંકડાની બાજુમાં બન્ને થેલા મુક્યા અને તેનો હાથ પકડીને આવેલી તેની નવોઢા નંદિતાએ બ્લૂ જિન્સ પર પહેરેલા બ્લેક ટોપ પર ઓઢેલી સાલને સહેજ સરખી કરી અને ગોગલ્સ ને કાઢીને હાથમાં લીધા.
સંદિપે સામે દૂર એક ચા સ્ટોલ જોયો. તેને થયું ઘરે પહોંચીશું ત્યાં વાર લાગશે માટે અહીં થોડી ચા પી લઈએ અને તેણે પોતાના કરચલી પડેલા શર્ટને થોડો કડક કર્યો. મુસાફરીને કારણે કડક થઈ ગયેલા શરીરને આમથી તેમ વાળીને થોડું ફ્રેશ કર્યું, પછી તેણે નંદિતાને કહ્યું, ‘‘જાનું, હું આ સામે ટી સ્ટોલમાંથી બે ચા લેતો આવું, પીને પછી નીકળીએ ઘર તરફ.’’
‘‘બકા, હું આવું સાથે ત્યાં જ પી લઈએ.’’
‘‘પછી થોડું મોં મચકોડીને બોલીઃ હું એકલી નહીં ઉભી રહું.’’
‘‘અરે યાર, સામે જ તો છે. બસ, ટોઈલેટ કરી, ચા લઈ અને આ આવ્યો. જો અહીં બેસ. આફટર ઓલ યુ આર એજ્યુકેટેડ વુમન… તારા માટે આ નવું થોડું છે? હું સમજુ છું કે તું નવી છે, પણ મારું તો પરિચિત છેને? પાંચ મિનિટમાં ગયો ને આવ્યો બસ…. ’’
સંદીપ એમ કહીને નીકળી ગયો. મનેકમને નંદિતા ત્યાં ઉભી રહી. તેણે આજુબાજુ નજર નાખી. જુદો પ્રદેશ, જુદો પહેરવેશ, જુદી ભાષા…આજે તેને થતું હતું કે તે આટલું ભણીને પણ અભણ છે. તેણે ડરતા ડરતા આસપાસ નજર ફેરવી તો તેની સામેના બાંકડા પર જ એક કાળીયો બેઠો હતો; ગળામાં સોનાનો ચેઈન લટકતો હતો, હાથમાં હીરાની વીંટી હતી, કાળું જીન્સ અને લાલ ટી-શર્ટ પહેરીને બેઠો હતો અને નમતી આંખોએ નંદિતાએ થોડું ધ્યાનથી જોયું તો નંદિતાને લાગ્યું કે કાળીયો પોતાના તરફ જ ઘુરી રહ્યો છે. તેને થોડી ધ્રુજારી ચડી ગઈ. પહેલી વાર તેને ફીલ થયું કે તેણે એડીવાળા સેન્ડલ નક્કામાં પહેર્યા!
હવે નંદિતા ખરાઈ કરવા માટે વારંવાર તે કાળિયાને જોવા લાગી. થોડી સેકન્ડોમાં આમ તેમ નજર નાખતા કાળીયાનું ધ્યાન પણ નંદિતા તરફ ગયું. તે કાળિયાએ એક સિગારેટ સળગાવી અને તેની મસ્તીમાં હોઠ પર હાથ ફેરવતો પીવા લાગ્યો. નંદિતાએ બીજી તરફ જોયું તો ઘણી સ્ત્રીઓ હતી પણ તેને થયું કે હમણાં પેલો કાળીયો ઉઠશે અને તેને લઈને ભાગી જશે. તેણે બાંકડાને બરાબર કસકસીને પકડી લીધો.
‘‘સંદીપને મમ્મીએ ગાંઠો વાળી હતી કે મને રેઢી ન મૂકે, પણ પુરૂષ જાતને શું ખબર હોય? આ ઝટ આવતો પણ નથી.’’ મનમાં બબડતી નંદિતાને પહેલી વાર ભાન થયું કે માત્ર જિન્સ પહેરવાથી પુરૂષ નથી બની જવાતું, ખરેખર તો તે પછી જ વધારે સ્ત્રી દેખાવાય છે. તેણે શાલને છેક ઘૂંટણ સુધી લાંબી કરી દીધી.
‘‘રૂપિયા વાળો જમાઈ શોધવા માટે મમ્મી પપ્પાએ મને તેનાથી કેટલી દૂર મોકલી દીધી. મને કશું થઈ જશે તો? આ આઈટી એન્જિનીયર સીવાય પણ ઘણાં ત્યાં અમદાવાદમાં મળી જાય તેમ હતા, છતાં? અહીં હું મરી જાઉં તો પણ કોઈને શું? ત્રણ મીનીટ થઈ ગઈ તોય પણ સંદીપ ન આવ્યો. તેને મારી કંઈ પડી જ નથી. પહેલીવાર અજાણ્યા શહેરમાં આવનારને કોઈ આમ રેઢું મૂકી દેતું હશે?’’
તેણે જરા બાજુ પર નજર નાખી તો બાજુમાં બેઠેલા એક કાકા તેને ઘુરી રહ્યા હતા એ તરફ તો નંદિતાનું ધ્યાન હતું જ નહીં. આ જોયું અને જોતાં વેંત જ નંદિતાને પહેલી વાર પોતાની ગોરી ચામડી પર મનમાં ને મનમાં ધીક્કાર થયો, નંદિતાના મગજે હુમલો કર્યો, મન ઉપર, ‘‘આજકાલ તો કોઈ પણ ઉમરના લોકો હોય છે…મનને ઉમર ક્યાં નડે છે! ’’
તે તરત ત્યાંથી ઉભી થઈ ગઈ. બે થેલાને ઢસડીને બાંકડાના છેડે જઈને ઉભી રહી. તો તે છેડે એક બાઈ બેઠેલી હતી. તે બાઈ સામે પહેલા તો નંદિતાનું ધ્યાન ગયું નહીં, પણ પછી જોયું તો ત્યાં લાલ-પીળી સાડી પહેરીને રંગરોગાન કરીને બે સ્ત્રીઓ બેઠી હતી. તે સ્ત્રીઓ તો નંદિતા તરફ જોઈને પોતાની છાતી તરફ ઈસારો પણ કર્યો. આ ઈસારાએ નંદિતાને ડરાવી દીધી. તેને સમાચારોમાં સાંભળ્યું હતું તે બધું મનમાં આવતું હતું કે ઘણાં કિસ્સાઓમાં પ્રથમ સ્ત્રીઓ જ સ્ત્રીઓને ફસાવે છે અને પછી… તરત તેને વિચાર સ્ફૂર્યો કે મોટાભાગે બેભાન કરવા માટે સ્પ્રેનો ઉપયોગ થાય છે. વિચાર આવતાંની સાથે જ તેણે તરત એક થેલામાંથી દુપટ્ટો કાઢ્યો, દુપટ્ટો કાઢવા ગઈ તેમાં સાલ સરકી ગઈ અને તરત તેની નજર પેલા કાળીયાની સીટ તરફ ગઈ. તેને આશ્ચર્ય થયું કે કાળીયો ત્યાં ન હતો. તે નીરાંત કરતી, ઉભી થઈને અને આરામથી ટી-શર્ટને ચારેબાજુથી ખેંચીને પછી દુપટ્ટો નાકની આડો બાંધ્યો, શાલ થેલા પર પડી હતી તે લેવા ગઈ ત્યાં તેની નજર અચાનક સામે ગઈ અને તે કાળીયો હવે તેની સામેના બાંકડા પર જ હતો.
નંદિતાના હાથ ધ્રુજી ગયા. શ્વાસની ગતી વધી ગઈ. તરત સાલ લઈ ઓઢી લીધી. ખભાથી ઘુંટણ સુધીના ભાગને ઢાંકી દીધો. તે મનોમન બબડી, ‘‘મમ્મી સાચું કહેતી હતી કે ટ્રાવેલમાં અનારકલી ડ્રેસ પહેર્યો હોત તો સારું થાત, પૂરું શરીર ઢંકાઈ જાતને… ’’
સંદીપ ગયો હતો તેને ચારેક મિનિટ જ થઈ હતી, છતાં તેને ચાર યુગ જેવડું લાગ્યું! તે નખથી નખ ખોતરવા લાગી. ટ્રાફિક વધતી જતી હતી. સંદીપ ટોઈલેટ કઈ બાજુ ગયો તેનું ય સરનામું મગજ ભૂલી ગયું હતું, તેણે યાદ કર્યું કે સંદિપે આજે કેવો શર્ટ પહેર્યો છે અને યાદ આવ્યું કે હા. વરિયાળી કલરનો… તેની આંખો વરિયાળી રંગનો શર્ટ શોધવા લાગી અને તેનું મગજ મેગ્લેવ ટ્રેનની ઝડપે તેના અને સંદીપના પરિચયથી આજ સુધીની ‘ફીલમ’ દેખાડવા લાગ્યુઃ જોવા આવ્યો હતો, ત્યારે લાગ્યું હતું સારી રીતે સાચવશે. બેંગ્લોર જેવા સીટીમાં રહેવા જવાનો રોમાંચ હતો. મોટી બહેન અમદાવાદમાં જ પરણી હતી, પણ તેને તેનાથી પણ વધુ કમાતો અને અમદાવાદથી બહાર કમાતો વર મળ્યો તેનો તેને હંમેશા ગર્વ હતો. આજે તેને થયું કે એ પણ અમદાવાદમાં જ કોઈકને પરણી ગઈ હોત તો…
સેકન્ડે સેકન્ડે તે મોબાઈલમાં જોતી હતી. છેલ્લી સેકન્ડોમાં તેણે સંદીપને ત્રણવાર કોલ કરી દીધા હતા, પણ તે ફોન રિસિવ નથી કરતો. હવે તેને થયું કે તે ખરેખર એકલી છે. નિર્ણયો ફક્ત તેને લેવાના છે. તેને એમ લાગ્યું કે આખા રેલવે સ્ટેશનમાં આટલા બધા લોકો વચ્ચે તે અને પેલો કાળીયો એકલા જ છે. તે હમણાં તેની સાથે કંઈ અજુગતું કરી બેસશે.
તેનું ધ્યાન આડકતરી રીતે પેલા કાળીયા પર હતું. પૂરી પાંચ મિનિટ ચાલી ગઈ હતી. મોબાઈલની સેકન્ડોના આંકડાના ચેન્જિંગ કરતાય ફાસ્ટ તેની છાતી ધકધકતી હતી. એવામાં પેલો કાળીયો ઉભો થયો. નંદિતાએ સેકન્ડોમાં વિચારવાનું શરૂ કર્યુઃ શું કરી શકાય? તેના મગજે વિચાર આપ્યો કે ભાગવા માટે સેન્ડલ નડશે. તેણે સેન્ડલની પટ્ટી ખોલી નાખી જેથી તેને ફેંકીને પણ ભાગી શકાય. અડધી સેકન્ડ પછી વિચાર આવ્યો કે ભાગીને તે ક્યાં જશે? કઈ બાજુથી બહાર જવાય છે તે પણ તેને ખબર નથી. હવે તો પેલો કાળીયો બે ડગ તેના તરફ આગળ પણ વધ્યો હતો. કાળીયાની એક એક ગતિ નંદિતાની આંખોના કમાન્ડ પ્રમાણે મગજ નોંધતું હતું. શું કરી શકાય, શું ન કરાય…એના તમામ વિચારો જાણે કે નંદિતાના મગજ પર હુમલો કર્યો હતો. નંદિતાએ ફરી આસપાસ જોયું અને તેને જોરથી સંદીપના નામની બુમ પાડવાનું મન થયું. અવાજ બહાર કાઢવાની ટ્રાય પણ કરી જોય પણ જાણે અવાજનું ચીરહરણ થયું હોય – તેમ ગળું રુંધાઈ ગયું હોય તેમ તેને લાગ્યું!
કાળીયાએ સીગારને નીચે નાખી અને પગ તળે કચરી પણ ખરી અને તે આમ તેમ ડોકું હલાવતો નંદિતા તરફ આવતો હતો. નંદિતાને થયું કે હવે તે કશું કરી શકે તેમ નથી. તેનું શરીર તે માંડ ઉભું રાખી શકતી હતી, તેને થયું તે હમણાં ઢગલો થઈને પડી જશે, આ કાળીયો તેને લઈને ચાલ્યો જશે, સંદીપ શું કરશે?
નંદિતાની આંખોએ તરત મગજને બે દ્રશ્યો દેખાડ્યા એક દ્રશ્યમાં કાળીયો નજીક આવતો જતો હતો તે ઉચો હાથ કરીને પાછળ કોઈને બોલાવતો હોય તેમ લાગ્યું. નંદિતાને થયું નક્કી મારી પાછળથી પણ કોઈ આવી રહ્યું છે અને બેય મળીને… બીજું દ્રશ્ય મગજે જોયું કે વરિયાળી કલરનો શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો વ્યક્તિ ચાના બે કપ, બન્ને હાથમાં ચા લઈને આવી રહ્યો છે. નંદિતા માટે ભયંકર નર્કની આપદા વચ્ચે તે સ્વર્ગનું સુખ હતું. ત્યાં કાળીયો દોડ્યો, તે નંદિતાની બાજુમાં પહોંચી ચુક્યો હતો નંદિતાને એમ કે તે હમણાં મને પકડશે ત્યાં તે ટ્રેન પકડવા દોડ્યો. અને નંદિતા થેલો, પર્સ, સાલ, ગોગલ્સ, દુપટ્ટો બધાનું ભાન ભૂલીને સીધી દોડી સંદીપ પાસે અને તેને વળગી પડી.
સંદીપના હાથમાંથી ચા ઢોળાઈ ગઈ… સંદીપ પણ વિચારવા લાગ્યો કે આને આવું તે શું થયું. તે પૂછતો રહ્યો. તેણે નંદિતાને બાંકડા પર બેસાડીને તે બાજુ પર બેઠો અને તેનો હાથ હાથમાં રાખીને કહ્યું, ‘‘જાનું, હું તો બસ પાંચ મિનિટ માટે જ –’’
એનું વાક્ય અધુરું રહી ગયું અને નંદિતાની આંખોમાં રગો લાલ રંગ લઈને ઉપસી ગઈ હતી અને સંદીપે તેને બાથમાં લઈને તરત સ્ટેશન બહાર જવા તૈયારી કરી.
લેખક – આનંદ ઠાકર
( આ વાર્તા લેખકના પુસ્તક ‘ પેનડ્રાઈવ ‘ માંથી લેવામાં આવી છે માટે આ વાર્તા કોપી રાઈટ ને આધીન છે. )
**********************