Shiv Mahapurana part 6 ved vyas dharm hindu mythology
શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કૈલાસ સંહિતા)
હજુ દુનિયા મનના સ્તર સુધી પહોંચી છે, એટલે યુદ્ધો, લડાઈઓ, અરાજકતા, દોડાદોડી ચાલે છે, આત્માની કક્ષાએ પહોંચશે દુનિયા ત્યારે બધું શાંત થઈ જશે અને આ બધું શાંત તે જ વિનાશ અને વિનાશ એટલે જ શિવત્વની પ્રાપ્તિ.
પુસ્તક —- શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ
સંહિતા – કૈલાસ સંહિતા
આજે જે સંહિતાની વાત કરવા જઈ રહ્યો છું તે એવા ક્ષેત્રની વાત છે કે તે ક્ષેત્રનું સાચું નામ ‘કૈલાસ’ જ આપી શકાય. કૈલાસ એટલે જ્યાં માણસ પૂર્ણતા પામે છે. દરેક માણસની અંદર એક કૈલાસ છે. અહીં માણસની અંદર રહેલી પૂર્ણતાની પ્રાપ્તિનું વર્ણન છે. કૈલાસ યાત્રાનું અંતિમ બિંદુ છે શિવ પ્રાપ્તિ, તો જીવનો પણ અંતિમ તબક્કો શિવત્વની પ્રાપ્તિ છે. દરેક દેશમાં એક ફિલોસોફર થઈ ગયો અને દરેક અંતે તો એક જ વાત કરી છે અંતિમ તત્વને પ્રાપ્ત કરવાની અને ભારત માટે આ અંતિમ તત્વ છે શિવ.
કૈલાસ સંહિતામાં આરંભ શિવપુત્ર કાર્તિકેયના સંવાદથી થાય છે. કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે. દેવોની સેનાના તે સેનાધ્યક્ષ હતા. તે મોરલાને લઈને વિચરે છે, મોર તે મનનું પ્રતિક છે અને તેનું વિચરણ થતું રહે છે. અહીં કાર્તિકેય જ શિવતત્વની ચર્ચા કરે છે, ત્યારે સમજવાનું એ છે કે મન જ જ્યારે ગુરુ બની જાય છે ત્યારે સાચા શિવતત્વની શોધ શરુ થાય છે. જુઓ, શબ્દ પર ધ્યાન આપજો મનને ગુરુ બનાવવાથી શિવત્વ તરફની શોધ શરુ થાય છે, શિવત્વ પ્રાપ્ત નથી થઈ જતું.
શિવત્વની પ્રાપ્તિ માટે તો કાર્તિકેય કહે છે પ્રણવારાધના કરવી, એટલે કે ઓમનું મન દ્વારા રટણ થવા લાગે. અહીં એવી અવસ્થાની વાત કરી છે કે પછી મેરા સુમિરન રામ કરે એવી સ્થિતિ આવી જાય!
અહીં સન્યાસ લેવાની પદ્ધતિ અને તેના કર્મકાંડીય વ્યવહારોની વાત પણ કરવામાં આવી છે, ત્યારે અહીં તેનો અધ્યાત્મિક અર્થ કરવો હોય તો એટલો થાય કે જ્યારે માણસ મનથી બધા કર્મો માંથી નિવૃત્ત થાય છે, પછી તે સંસારમાં રહેવા છતાં સન્યાસી બની જાય છે.
અધ્યાય 14માં ઓમનું સરસ સ્વરૂપ બતાવ્યું છે. અહીં ઓમના સ્વરૂપની ચર્ચા માંડૂક્યોપનિષદ માંથી લેવામાં આવી હોય તેવું લાગે છે પણ ફેરફાર એટલો થાય છે કે ઓમને શિવત્વમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે! ઓમનું સાકાર સ્વરૂપ એટલે જ શિવ. અહીં થોડી યોગિક અને સાધના સંપ્રદાયની ચર્ચાઓ ભાગ ભજવે છે. મને ક્યાંક એવું પણ લાગે છે કે આ સંહિતામાં કદાચ નાથસંપ્રદાયના બીજ છે. જોકે આદિનાથ તરીકે શિવજીની ઉપાસના કરવામાં આવે છે પણ કાર્તિકેય પણ એજ નાથસંપ્રદાયના પરિવેશમાં જોવા મળે છે.
અધ્યાય 17 અને 18 ખાસ વાંચવા જેવા છે કારણ કે શિવત્વને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ઉપયોગ કરવામાં આવ્યું છે. અહીં વાક્યો મૂકવામાં આવ્યા છે. વિવિધ ઋષિઓ તેના પર ટિપ્પટ્ટી કરે છે. આ બધા વાક્યો ઉપનિષદના છે. અહીં એવું પણ લાગે છે કે ઉપનિષદના નિર્ગુણને સગુણથી સમજવાની પદ્ધતિ અપનાવાઈ હશે તેમાંથી આ પુરાણોનો જન્મ થયો હશે.
સૂતજી આ સંહિતાના અંતમાં ‘શિવોડહમસ્મિ’ નામનું સૂત્ર આપે છે. ધ્યાન આપવા જેવું સૂત્ર છે. શા માટે હિન્દુ ફિલોસોફીમાં કોઈ એક સગુણ સ્વરૂપ પસંદ કરવામાં આવે છે અને તેમાં સમાઈ જવાનું પસંદ કરવામાં આવે છે? ‘તત્વમસિ’ નો સંદેશ ભારત આપે છે, શા માટે? આ ફિલોસોફીનું મોટું ઉદાહરણ મીરાં છે. કહે છે મીરાં દ્વારકાના મંદિરમાં ગઈ પછી કોઈએ બહાર આવતા જોઈ નથી. મીરાંની આ કથા કેટલી સાચી કેટલી ખોટી તે મીરાં અને તેનો શ્યામ જાણે પણ હું અહીં તેનો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ઉપયોગ કરું તો માત્ર એટલું જ સમજી શકું કે સગુણને સંપૂર્ણ સર્મપણ તે કદાચ નિર્ગુણની પ્રાપ્તવ્યતાનો રસ્તો હોઈ શકે.
પણ નહીં, અહીં નિર્ગુણ કે સગુણની વાત નથી. અહીં વાત છે તત્વને પામવાની. તત્વને પામવા માટે તેના જેવા થવું પડે. તેની કક્ષા પ્રમાણેની ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે, આ ઊંચાઈ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથીયું છે મન. જુઓ, પશ્ચિમ અને પૂર્વ ત્યાં જ અલગ પડે છે. પશ્ચિમ પહેલા મેડિકલ સાયન્સ શોધે છે, પૂર્વ પહેલા સાયકોલોજીનો ઉપયોગ કરે છે. પશ્ચિમ શરીર પર જાય છે અને આખરે એક મનોવિજ્ઞાનિક આવીને કહી દે છે કે બધા રોગનું મૂળ મન છે તો આપણે માનશું! એ જ વાત ભારતીય દર્શન કરે છે, મનઃ એવ મનુષ્યાણાં. મન જ મૂળ છે. પણ એ તો પાંચહજાર વર્ષ પૂર્વે થઈને આ વાત એટલે જૂની થઈ જાય. ખૈર, આપણી વાત એ છે કે મનને સુધારવું તે તો વોટ્સ અપના ચેટિંગની લત છોડવા જેવું અઘરું છે. તેથી જ જેમ સલમાન ખાનના ફેન્સ તેના પોસ્ટર રાખે છે, કારણ કે તેને તેવી બોડી બનાવવી છે, તેની જેમ રહેવું છે, તે જ રીતે આપણાં ભારતીય મનિષીઓએ એ સમયે આવી સાયકોલોજીનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તમારે મહાયોગી બનવું છે? મહામાનવ બનવું છે? તો પહેલા તો મહામાનવની કલ્પના કરો. તે મહામાનવ જેવા બનવાની ખેવના કરો. અને આ ખેવના અને કલ્પના નીકળી ગઈ અને સગુણ નિર્ગુણ રહી ગયું. જે મનિષીઓએ કલ્પના કરવાનું કહ્યું તેને આપણે સગુણ માની લીધા, જે વિદ્વાનોએ ખેવના કરવાનું કહ્યું તેને આપણે નિર્ગુણ માની લીધા. હકીકત તો એવી છે કે કલ્પના જ્યારે ખેવનનાની સપાટીએ પહોંચે ત્યારે તે તત્વ બને છે અને તે તત્વની પ્રાપ્તિ થાય છે.
દરેક જીવમાં આત્મા હોય છે, માટે મકોડાથી માંડીને બધા જીવ દરરોજ આંટા મારતા રહે છે શા માટે કારણ કે તેને પેટનું પૂરું કરવાનું છે. આમ દોડાદોડી શા માટે થાય છે, કારણ કે મહત્વકાંક્ષાઓ હોય છે. મહત્વકાંક્ષા ક્યાંથી આવે છે મન માંથી. માણસને મન છે. મન શાંત થઈ જશે તો આત્માનો રસ્તો આપોઆપ ખૂલી જશે. પણ હજુ દુનિયા મનના સ્તર સુધી પહોંચી છે, એટલે યુદ્ધો, લડાઈઓ, અરાજકતા, દોડાદોડી ચાલે છે, આત્માની કક્ષાએ પહોંચશે દુનિયા ત્યારે બધું શાંત થઈ જશે અને આ બધું શાંત તે જ વિનાશ અને વિનાશ એટલે જ શિવત્વની પ્રાપ્તિ. મનથી ઉભી કરેલી બધી વસ્તુઓનો વિનાશ કરીને તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ સુધી યાત્રા પહોંચે છે ત્યારે વિનાશમાંથી ઉભી થયેલી પૃથ્વી જેવું નિર્મળ મન આપણને પ્રાપ્ત થાય છે. શિવને કદાચ આથી જ વિનાશના દેવતા કહ્યા છે…, જે મનની તમામ આશાનો નાશ કરે છે. મનને શિવ(કલ્યાણકારી) સંકલ્પવાળું બનાવે છે.