Health Immunity Antibodies Ayurveda Lifestyle
ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ-3
Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ – 3 : દિનચર્યા
– વૈદ્ય પાર્થ ઠક્કર
ગયા ભાગમાં આપણે જેની સૈદ્ધાંતિક ચર્ચા કરી એ દિનચર્યા અને ઋતુચર્યાના થોડા ઊંડાણમાં જઈએ હવે અને થોડી પ્રેક્ટિકલ વસ્તુઓ સમજીએ. એક વાક્યમાં રીકેપ લેવો હોય આગલી પોસ્ટનો તો કહી શકાય કે આપણું શરીર અને બાહ્ય પ્રકૃતિગત ફેરફારો (દિવસના અને ઋતુના) પરસ્પર જોડાયેલા છે. એ અનુસાર આયુર્વેદ આહાર-વિહારના વિવિધ પ્રિસ્ક્રીપ્શન દિવસ દરમ્યાન કરવા માટેના અને વિવિધ ઋતુઓમાં કરવા માટેના આપે છે. એ બને એટલા ફોલો કરવાથી शरीरबल જળવાય છે અને વધે છે.
શરૂઆત કરીએ દિનચર્યાથી..
વાત- પિત્ત- કફ એ ત્રણ દોષ, રસ-રક્ત-માંસ-મેદ-અસ્થિ-મજ્જા-શુક્ર એ સાત ધાતુ, સત્ત્વ-રજ-તમ એ ત્રણ માનસ ગુણ, અને જઠરાગ્નિ-ધાત્વગ્નિ-ભૂતાગ્નિ એ ત્રણ અગ્નિ- આટલા ઘટકોના સારા હોવા કે ન હોવા પર શરીરની અને સ્વાસ્થ્યની આખી રમત છે. એ દરેક ઘટકો પર દિવસ અને ઋતુની ચોક્કસ અસર હોય છે. જેમ કે, દિવસ અને રાત દરમ્યાન કફ, પિત્ત અને વાતનું જુદા-જુદા સમયે પ્રાધાન્ય (પોસ્ટ સાથેની ઇમેજ મુજબ). આમાં હજી સૂક્ષ્મ સ્તરે જઈએ તો એના સબ ડિવિઝન પણ આવે. પણ એની ટેકનિકલ ડિટેઇલમાં અત્યારે નથી જવું. પણ એ બધા ઘટકો એમનું બેસ્ટ આપી શકે અને એ પોતે પ્રાકૃત (એટલે કે નોર્મલ) રહે એ માટેની આયુર્વેદ સંમત આદર્શ દિનચર્યા કેવી હોય એ જોઈએ. એ સાથે સાથે એની જગ્યાએ આપણે આજે શું કરીએ છીએ અને એનાથી શું થાય એ પણ શક્ય એટલું સમજાવ્યું છે.
(1) ब्राह्मे मुहूर्ते उत्तिष्ठेत् स्वस्थो रक्षार्थमायुष:।
દિવસની શરૂઆત સ્વાભાવિક રીતે ઉઠવાથી થાય. સ્વસ્થ વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યના રક્ષણ માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ બ્રાહ્મ મુહૂર્તવાળું વાક્ય આખા ભારતને ખબર છે. પણ કરે કેટલા છે? આયુર્વેદમાં સ્વાસ્થ્ય પર ઊંઘની માત્રા અને ગુણવત્તા (ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી યુ નો!) ના પ્રભાવનું વિશદ વર્ણન છે. એટલે ઊંઘની શરૂઆત અને અંતના સમયનું સ્વાસ્થ્યના રક્ષણમાં બહુ મહત્વ છે. મેટ્રો લાઈફસ્ટાઈલમાં સૌથી પહેલાં જેના પર ખરાબ ઇફેક્ટ થતી હોય એ બે પરિબળો છે રાત્રે સૂવાનું અને સવારે ઉઠવાનું ટાઇમિંગ. સવારે મોડા ઉઠવાથી પાચન બગડે છે અને શરીરમાં આમ (આયુર્વેદમાં વર્ણવેલું એક વિશિષ્ટ ટોક્સિન) વધે છે. ખરાબ પાચન એ જ બધા રોગોનું મૂળ છે. મોટા ભાગના લાઇફસ્ટાઇલ ડિસીઝ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી ટાળી શકાય છે. આ પોસ્ટ લખનારે બંને પ્રકારના ટાઇમિંગનું જીવન જીવેલું છે (આયુર્વેદ સંમત અને આયુર્વેદ વિપરીત) એટલે સ્વ અનુભવથી જ લખું છું કે આપણા એનર્જી લેવલ પર વહેલા સૂવા અને વહેલા ઉઠવાનો બહુ જ મોટો અને સારો પ્રભાવ પડે છે. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાંની 96 મિનિટ સુધીનો સવારનો સમય, એટલે કે સૂર્યોદય પહેલાંનો દોઢ કલાક. કુદરત ઘડિયાળ પ્રમાણે નથી ચાલતી. એ કુદરતમાં આપણું શરીર પણ આવી જાય. (મેં ભી હૂં નેચર!) દરેક ઋતુમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય અલગ હોય છે. આપણે આપણું ટાઈમ ટેબલ કુદરત પ્રમાણે સેટ કરવું પડે, કારણ કે આપણી બાયોલોજીકલ ક્લોક એ ફિઝિકલ ક્લોક પ્રમાણે નહીં, પણ નેચર ક્લોક પ્રમાણે ચાલે છે. એ તાલમેલમાં રહેશે તો જ શરીરના ઘટકો સુચારુ રૂપે કામ કરશે. આ ભારતીય જીવન પદ્ધતિમાં વણાયેલું જ હતું. પણ આજે રોબોટિક લાઈફમાં એ ક્યાંક છૂટી ગયું છે. એટલે ઉઠવાનો નિશ્ચિત સમય જો એક્ઝેટ સૂર્યોદય પહેલાં ઉઠવું હોય તો ન રાખી શકાય. એથી વહેલાં 5 વાગ્યે (કે 4 વાગ્યે) ઉઠવું હોય તો નક્કી સમય ચાલે.. કુછ ઝ્યાદાઈચ હો ગયા, નહીં? 😅 જોક્સ અપાર્ટ, સવારે 4 થી 5 વચ્ચેનો સમય સૂવાનો ટાઈમ નથી, ઉઠવાનો ટાઈમ છે. વૃદ્ધ ઉંમરે પોતાના શરીરને પાંગળું ન બનવા દેવું હોય અને સ્વસ્થ વૃદ્ધત્વ જીવવું હોય, તો પ્લીઝ, યુવાન ઉંમરથી જ સૂવા-ઉઠવાના આ સમય સાચવજો.
(2) शौच:
એ પછી શરીરના સ્વાસ્થ્ય વિશે વિચાર કરીને શૌચકર્મ પતાવવાનું છે. વોટ્સએપમાં બ્લ્યુ ટિક થઈ કે નહીં અને રીપ્લાય આવ્યો કે નહીં એ નથી જોવાનું.. 😉 અને ટોયલેટમાં છાપાં વાંચીને જગતની પંચાત પણ નથી કરવાની.. 😅 એ બધા માટે આખો દિવસ છે, પહેલો વિચાર સ્વાસ્થ્ય અને પાચનનો જ કરવો.. 🙂
(3) दन्तधावन:
એ પછી दन्तधावन (દાતણ) અને जिह्वानिर्लेखन (ઉલ- ટંગ ક્લિનિંગ) કરવાનું છે. મોડર્ન લાઈફસ્ટાઈલના ઢઢરિયામાં આપણે વગર વિચાર્યે દાતણ છોડીને ટૂથબ્રશ પકડી લીધાં. દાતણ કરવાને અનકલ્ચર્ડ, પછાત અને સારાભાઈ વર્સીસ સારાભાઈની લેંગ્વેજમાં કહીએ તો “સો મિડલ ક્લાસ” માનવા લાગ્યા. પણ એ સિસ્ટમ કેટલી એડવાન્સ્ડ હશે, કે ઋતુ-ઋતુના અને વિવિધ પ્રકારની શરીરની અવસ્થાઓ, દાંતની પરિસ્થિતિ અને પ્રકૃતિ અનુસાર વિવિધ પ્રકારના દાતણના ઇન્ડિકેશન છે. કોઈને લીમડાનું, કોઈને કરંજનું, કોઈને વડનું, તો કોઈને આકડાનું, તો કોઈને બાવળનું, તો કોઈને ખેરનું દાતણ કરવું જરૂરી હોય. કડવા, તીખા, અને તૂરા સ્વાદવાળું દાતણ ઉત્તમ કહ્યું છે. (કારણ કે સવારે મોઢામાં વિકૃત કફ જામેલો હોય અને આ ત્રણ સ્વાદ કફને ઓછો કરનારા છે.) આજે આપણે જે પેસ્ટ વાપરીએ છીએ એ ફ્લેવર્સના લીધે ટેમ્પરરી ફ્રેશનેસની ફીલિંગ તો આપે છે, પણ સ્વીટ એટલે કે મીઠા સ્વાદવાળી હોવાથી કફને ઊલટું વધારે છે. દાતણ ચાવવાથી દાંત પણ મજબૂત રહે અને એના રસના ઔષધિય ગુણો પણ શરીરને મળે. બીજું, હાઇજેનિક દ્રષ્ટિએ વિચારીએ તો દરરોજ સવારના અશુદ્ધ, મલિન અને દુર્ગંધયુક્ત મોઢામાં જતું એકનું એક બ્રશ વધુ હાઇજેનિક કહેવાય કે દરરોજનું ફ્રેશ નવું દાતણ? 😅 સ્વયં વિચાર કિજીએ. એ જ રીતે ઉલિયું ખાલી સ્ટીલનું નહીં, સોનું-ચાંદી-પિત્તળ વગેરે અલગ-અલગ ધાતુનું બને. દરેક ધાતુના અલગ ગુણો હોય જે શરીર વર્તમાન જરૂર મુજબ વપરાય.
(4) अंजन:
એ પછી આંખમાં અંજન કરવાનું છે. આયુર્વેદની ટર્મિનોલોજીમાં આંખમાં તેજ (પિત્ત) હોય છે અને સવારનો નેચરલી વધેલો કફ આંખ માટે નુકસાનકારક છે. જે નુકસાન અંજન કરવાથી ટળે છે અને લાંબી ઉંમર સુધી આંખ સ્વસ્થ રહે છે. આજે અંજનની પ્રથા લુપ્તપ્રાય: છે.
(5) नस्य:
એ પછી નસ્ય કર્મ કરવાનું છે. પંચકર્મ અંદર આવતા મર્શ વગેરે નસ્ય ઘરે કોઈ વૈદ્યની સલાહ અને ગાઈડન્સ વગર ન થઈ શકે. પણ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રતિમર્શ નસ્ય કહ્યું છે એ તમે ઘરે કરી શકો. (ઘરે બનાવેલા કે ટ્રસ્ટેડ) ગાયના ઘીના (કંપનીના ઘીના ક્યારેય નહીં) કે તલના તેલના માત્ર 2-2 ટીપાં બંને નાકમાં નાખવાં એ પ્રતિમર્શ નસ્ય. આ સજેશન હું મારા ઘણા બધા દર્દીઓને પણ આપું છું અને જે એને જીવનમાં ઉતારે છે એમના અનુભવો બહુ જ સારા છે. આ નસ્ય જીવનભર કરી શકાય છે અને જો કરીએ, તો ગળાથી ઉપરના હિસ્સાના તમામ અવયવો એટલે કે જીભ, નાક, આંખ, કાન અને મસ્તિષ્ક (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો બહુ મોટો અને મહત્વનો અવયવ બ્રેઇન અને 12 ક્રેનીઅલ નર્વ્સ આવી જાય આમાં) એનાટોમીની અને ફિઝિયોલોજીની બંને દ્રષ્ટિએ લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહે છે. એટલે કે બ્રેઇન અને સેન્સ ઓર્ગન્સના ડિજનરેટિવ ફેરફારોને નસ્ય કર્મ રોકે છે. જેમણે જોયું હશે એને ખ્યાલ હશે કે ઇમ્યુનિટી માટેની આયુષ મંત્રાલયે હાલ જાહેર કરેલી ગાઈડલાઈન્સમાં પણ આ નસ્ય કરવાનું કહ્યું છે. અને એ પછી કોગળા કરવાના છે. આજે દરરોજ નસ્ય કરતા હોય એવા લોકો લગભગ કોઈ નથી.
(6) धूमपान:
ધ્યાનથી વાંચજો. ધૂમ્રપાન નથી, ધૂમપાન છે. 😄 એ ધૂમ માટેનો હુક્કો કેમ બનાવવો અને કઈ રીતે યોગ્ય ધૂમપાન કરવું એનું પણ વર્ણન છે. ધૂમપાન ઔષધીય દ્રવ્યોથી કરવાનું હોય છે અને ખાસ આંખને થતા નુકસાનથી બચવા માટે નાકેથી ધુમાડો લઈ મોઢેથી કાઢવાનો હોય છે. આયુર્વેદોક્ત ધૂમપાન કરવાથી આટલી સમસ્યાઓ મોટા ભાગે તમારાથી દૂર રહે છે- માથું ભારે થવું, માથાનો દુઃખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, હેડકી, ઘેન ચડવું અને કાન, આંખ અને નાકમાંથી બિનજરૂરી સ્ત્રાવ. આજે જે થાય છે એ ધૂમપાન એક તો નશાકીય હેતુથી થતું હોવાથી માનસિક સ્વાસ્થ્યનું નુકસાન પણ કરે છે, અને બીજું ફેફસાંના, શ્વસનમાર્ગના રોગો, કેન્સર અને શુક્રાણુઓની ખામી જેવા રોગોનું કારણ પણ બને છે.
(7) अभ्यंग:
अभ्यंगं आचरेत् नित्यं स जराश्रमवातहा।
दृष्टिप्रसादपुष्टि आयु: स्वप्नसुत्वक्त्वदार्ढ्यकृत्।।
शिर:श्रवणपादेषु तं विशेषेण शीलयेत्।।
આટલું કર્યા પછી અભ્યંગ એટલે કે શરીરે માલિશ કરવાનું છે. એ નિત્ય કરવું જ જોઈએ એવું સ્પષ્ટ લખ્યું છે. એ જરા (વૃદ્ધત્વ), શ્રમ (થાક/આળસ) અને વાયુને દૂર કરે છે, આંખ, આયુષ્ય, પોષણ, ઉંઘ અને ત્વચાને ઉત્તમ બનાવે છે અને શરીરને મજબૂત બનાવે છે. ખાસ કરીને મસ્તક, કાન અને પગનાં તળિયાં પર વિશેષ માલિશ કરવું.
વહેલા વૃદ્ધત્વનાં લક્ષણો આવી જવાં, ચામડી પર કરચલી જલ્દી પડવી, વાળનું નાની ઉંમરમાં સફેદ થઈ જવું, સ્ટ્રેસ અને અનિદ્રાનું વધી રહેલું પ્રમાણ અને નાની ઉંમરે શરીરમાં વિવિધ પ્રકારના દુઃખાવા વગેરે લક્ષણો અભ્યંગ ન થતો હોવાથી થતા હશે?
(8) व्यायाम:
लाघवं कर्मसामर्थ्यं दीप्त: अग्नि: मेदस: क्षय।
विभक्तघनगात्रत्वं व्यायामात् उपजायते।।
માલિશ પછી વ્યાયામ કરવાનો છે. વ્યાયામના ફાયદા કહ્યા છે એ જુઓ. બ્રેકેટમાં અત્યારે બહુ જ વપરાતા અને જે શબ્દોનો બહુ ક્રેઝ છે એ શબ્દો આવશે.
શરીરમાં લાઘવ (હળવાશ, લાઈટનેસ), કર્મ એટલે કે વિવિધ પ્રવૃત્તિ કરવામાં સામર્થ્ય (ફિટનેસ), પ્રદીપ્ત અગ્નિ (પ્રોપર મેટાબોલિઝમ), મેદનો ક્ષય (સ્લિમનેસ), સારી રીતે વિભાજીત અંગો (સિક્સ પેક) આટલું વ્યાયામથી થાય. 😀
પણ, પણ, પણ, આજની જિમ ઘેલી યુવાપેઢી માટે એક પ્રિકોશન પણ છે આમાં. વ્યાયામ કેટલો કરવો? તો કહે, કે શીત ઋતુ (હેમંત અને શિશિર) અને વસંત ઋતુમાં શરીરની અડધી શક્તિ વપરાય એટલો અને બાકીની ઋતુઓમાં હળવો (આનું કારણ આગળ ઋતુચર્યાની પોસ્ટમાં સમજાશે). અને અડધી શક્તિ કેમ ખબર પડે? તો કહે મોઢેથી શ્વાસ લેવો પડે અને માથા પર, નાક પર, સાંધાઓ પર અને બગલમાં પસીનો આવે એટલે અડધી શક્તિ સમજવી.
(9) उद्वर्तन:
उद्वर्तनं कफहरं मेदस: प्रविलापनम्।
स्थिरीकरणं अङ्गानां त्वक्प्रसादकरं परम्।।
કફ અને મેદને દૂર કરે એવા રુક્ષ દ્રવ્યોના પાવડરથી શરીરે ઉબટન કરવું. એ અંગોને સ્થિર (મજબૂત) કરે છે અને ત્વચા માટે સૌથી શ્રેષ્ઠ છે. સાબુ કરતાં ક્યાંય વધુ ઉત્તમ છે આ ઉદ્વર્તન કારણ કે એ પછી તરત સ્નાનનું વર્ણન છે.
(10) स्नान:
સ્નાન અગ્નિબલને, આયુષ્યને, શક્તિને વધારે છે, શરીરને ઊર્જા અને બલ આપે છે. ખંજવાળ, થાક, અશુદ્ધિ, સ્વેદ, તરસ, શરીરની બળતરાને અને રોગોને દૂર કરે છે.
(11) आहार:
પહેલાં લીધેલું ભોજન બરાબર પચી જાય પછી જ બીજો આહાર સપ્રમાણ માત્રામાં લેવો જોઈએ. મલ મૂત્ર વગેરેના વેગો (નેચરલ અર્જીસ) ક્યારેય રોકવા નહીં. (આના માટેના સેપરેટ અધ્યાયો છે પણ અત્યારે અપ્રસ્તુત છે.)
(12) मध्याह्नचर्या:
અર્થોપાર્જન એટલે કે કમાવા માટે તમે જે કરો છો એ મધ્યાહ્નમાં અને દિવસમાં કરવાનું છે. સાંજ પછી નહીં. આજે મોટા ભાગે મેટ્રો લાઈફમાં 9:30-10:00 કે ઇવન 11:00 વાગ્યા સુધી અને નાનાં શહેરોમાં પણ 8:00-8:30 વાગ્યા સુધી કામ કરવું અને પછી ઘરે આવવું અને જમવું અને જમીને તરત સૂઈ જવું- આ હેલ્ધી લાઇફસ્ટાઇલ નથી મિત્રો..
(13) सायं/रात्रिचर्या:
સાંજના સમયમાં કોઈ પ્રવૃત્તિ કરવી નહીં.
રાત્રે મોડામાં મોડું 8 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ અને રાત્રે જમ્યા પછી સૂવાની વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર હોવું જોઈએ. તો જ પાચનતંત્રને વ્યવસ્થિત સમય મળશે ખોરાકને પચાવવાનો. છેલ્લા 2 વર્ષની મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે મારી પાસે આવતા 80% દર્દીઓને બીજી તો જે તકલીફ હોય, પણ ગેસ, એસિડિટી કે કબજિયાતની તકલીફ હોય જ છે. અને એના મૂળમાં જંક ફૂડ કરતાં પણ જમવાના અને સૂવા-ઉઠવાના અનિયમિત ટાઇમિંગ જવાબદાર હોય છે. એમાં યોગ્ય ફેરફાર એ પાચનની સમસ્યાઓની અડધી ટ્રીટમેન્ટ બરાબર છે.
આ બધું વર્ણન પૂરું થયા પછી કહ્યું છે,
*सुखार्था: सर्वभूतानां मता: सर्वा प्रवृत्तय:।*
*सुखं च न विना धर्मात् तस्मात् धर्मपरो भवेत्।।*
એટલે કે દરેક જીવોની બધી પ્રવૃત્તિઓ સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. પણ સૌથી મોટું સુખ “ધર્મ” (કર્તવ્ય)માં છે. એટલે દરેકે ધર્મવાન રહેવું. (ગીતાનું *स्वधर्मे निधनं श्रेष्ठं परधर्मो भयावहः।* યાદ આવ્યું? મને આવ્યું..) કર્તવ્યના વહનમાં અને ધર્મપાલનમાં જ સૌથી મોટું સુખ છે..
આ બધું વાંચીને તમને થશે, કે આટલું બધું રોજ કરવું કેમ શક્ય છે? અને આ બધું કરશું તો દિવસ આમાં જ જશે, અને બીજાં કામ ન હોય? આજના સમયમાં આપણી જે લાઇફસ્ટાઇલ છે એમાં આ બધું એકદમથી અપનાવવું અઘરું છે એ માન્યું. પણ આટલે સુધી જો વાંચ્યું છે, તો પ્રામાણિકતાથી કહેજો, આમાંથી જેટલું થઈ શકે એ કરવું, અત્યાર સુધી ચાલતા આવેલા રોબોટિક જીવનમાં થોડો બદલાવ કરી સ્વાસ્થ્યપ્રદ બાબતોને રૂટિન જીવનમાં સ્થાન આપવું અને જે રીતે આજ સુધી જીવતા આવ્યા છીએ એમાં ધીમે ધીમે સ્વાસ્થ્યને જાળવે એવા બદલાવ કરવાનું તમને જરૂરી નથી લાગતું? જો તમારો જવાબ “હા” હોય, તો આ પોસ્ટ સાર્થક થઈ એવું લાગશે મને. એક ઝાટકે બધું નહીં જ થઈ શકે, પણ ધીરે ધીરે આમાંથી તમને જરૂરી લાગે એ બાબતો અપનાવતા જઇ શકો. શરૂઆત બે-ત્રણ વસ્તુથી કરો, અને ધીરે ધીરે આગળ વધો. એક વહેલું ઉઠવાની શરુઆત થશે તો બીજું ઘણું બધું થઈ શકશે. થોડા મહિના એ રીતે જીવશો તો પછી એને છોડી નહીં શકો એટલી મજા શરીર અને મનમાં આવશે એ મારી ગેરન્ટી..
PS:
(1) અહીં વર્ણવેલી બાબતો જાણકારી અને સમજણ માટે છે. એ બધામાં કોણે કોણે કઈ કઈ પરિસ્થિતિમાં કે રોગમાં જે-તે વસ્તુ ન કરવી એનો પણ ઉલ્લેખ છે. એટલે તમે આ આયુર્વેદની દિનચર્યા ધીરે ધીરે અપનાવવા માંગતા હોવ, તો અહીં વર્ણવેલી બાબતોમાંથી અંજન, ધૂમપાન, અભ્યંગ, વ્યાયામ, ઉદ્વર્તન જેવી થોડી વધુ ટેકનિકલ બાબતો તમારા ગામ કે શહેરના કોઈ વ્યવસ્થિત વૈદ્યના ગાઈડન્સ મુજબ તમને શેની વધારે જરૂર છે એ સમજીને અને કઈ રીતે તેમ જ ક્યા ઔષધદ્રવ્યનો ઉપયોગ કરીને કરવું એ સમજીને કરશો એ વધુ હિતાવહ રહેશે. યાદ રહે, આયુર્વેદના વૈદ્યો પાસે ખાલી રોગની સારવાર માટે જ નથી જવાનું. સ્વાસ્થ્યની જાળવણી માટે એ તમારા અને તમારા પરિવારના સારા લાઇફસ્ટાઇલ કોચ પણ બની શકે છે. પણ આ બાબત પર ધ્યાન બહુ ઓછા લોકોનું હોય છે.
(2) અહીં આયુર્વેદના ત્રણેય ગ્રંથો – चरकसंहिता, सुश्रुतसंहिता અને अष्टाङ्गहृदय માંથી રેફરન્સ લીધેલા છે. પણ પોસ્ટમાં મૂકેલા બધા શ્લોકો अष्टाङ्गहृदय ના सूत्रस्थान ના બીજા અધ્યાય “दिनचर्या” ના છે. सुश्रुतसंहिता ના જે અધ્યાયમાં આ વર્ણન મળે છે એનું નામ બહુ રસપ્રદ છે- “अनागतबाधाप्रतिषेधनीय” – અનાગત એટલે જે હજી નથી આવ્યું એ, બાધા એટલે તકલીફ કે રોગ અને પ્રતિષેધ એટલે એને રોકવું. જે તકલીફ અને રોગ હજી નથી આવ્યા એને રોકવા માટેની બાબતો જે અધ્યાયમાં વર્ણિત છે એ “अनागतबाधाप्रतिषेधनीय”.
(3) ગમ્યું હોય અને વધારે લોકો સુધી આ પહોંચાડવું જરૂરી લાગ્યું હોય તો શેર જરૂર કરજો..
(આવતા ભાગમાં- ઋતુચર્યા)
✍🏼 – વૈદ્ય પાર્થ ઠક્કર
Health Immunity Antibodies Ayurveda Lifestyle
આ શ્રેણીના…
#Health #Immunity #Antibodies #Ayurveda #Lifestyle