Gujarati StoryBook bapa ni pinpar kirit dudhat
અમારું એક અવલોકનઃ બાપાની પીંપર
– ઠાકર આનંદ
આમ તો 5/11/2014ના રોજ મળેલા શ્રી કિરીટ બાપુને….
(આ અમે કિરીટ દૂધાત સાહેબને ‘બાપુ’ કહીએ એટલે અમારે કંઈ ટર્મ એન્ડ કન્ડિશનની જેમ સ્પષ્ટતા ન કરવાની હોય કે શા માટે કહીએ છીએ. છત્તા, તમારા હૈયાને શાંતિ થાય ઈ હાટું કંઈ પણ દઈએ કે ઈ તો અમને થોડું હળવું હળવું હેત ઈમની પર એટલે)
અમારો(અમારો, અમે = આનંદ ઠાકર) એવો અંગત રસ કે એ આપણી વાર્તા પણ વાંચે… એટલે અમે બપ્પોર ટાણાંના એને ઘેર પહોંચેલા અને તેના હાથમાં જાણે ગીતા-રામયણ કે મહાભારત જેવા પવિત્રધર્મગ્રંથ મૂકતા હોય એમ અમેય અમારી વાર્તાનો ભાવિસંગ્રહ મૂકી આવેલા. આ સમયના સાક્ષી અમારા મિત્ર અને અમારી પેઢીના ગુજરાતી સાહિત્ય જગતના રા. રા. રામ મોરી સાહેબ પણ સાથે ઊંતા. વળતા કિરીટ બાપુને વળી પાછું ગામમાં જવાનું થયેલું એટલે એમણે અમને ગાડીમાં સાથે લીધા થલતેજ સુધી. એમાં અમે થોડી રિક્વેસ્ટ કરીને તેમની પાસેથી તેમનો સંગ્રહ મફતમાં લઈ લીધેલો. જો કે અમારા પ્રેમને પામી જઈ તેઓશ્રીએ પોતાના હસ્તાક્ષર સાથે સપ્રેમ એવું લખી પણ આલ્યું.
આખરે અમે વાટ જોંતા તાં ઈ વેકેશન આવી ગ્યું. અમે પેલ્લું કામ બાપુનો સંગ્રહ વાંસવાનું કયરું. અને અમે પાસા લખણે થોડાં લાખા જેવા એટલે ઈ સંગ્રહની વાર્તાઉં પર અમને થોડું લખવાની ચળ્ય ઉપડી… આમ તો ગીતા નાયકે અને ભરત નાયકે ગદ્યપર્વમાં જે વાર્તા પસંદ કરેલી હોય અને કિરીટ દૂધાત લખતા હોય ઈમાં અમી નવા હવા આવીને હળીયું કરીએ ઈ આમ તો ઝોકે ખોટું! પણ હવે થોડી અમનેય એમ થાય કે લખીવી કંઈક ઝીવું આવડે ઈવું.
બાપાની પીંપર….
અગીયાર વાર્તાનો એ સંચય ઝવેરચંદ મેઘાણી વાળી કાઠિયાવાડી બોલી નહીં પણ હાલની આધુનિક શબ્દવૈવિદ્ય વાળી વાતો લઈને આપણી સામે આવે છે. શૈલીની દ્રષ્ટિએ મને એમાં ખાસ નવું નથી લાગ્યું, ક્યારેક બોરિંગ શૈલી પણ લાગેલી પણ સંવાદ સોએ સો ટકા કાન પકડાવે તેવા છે. તેમાં જે ભાષાનું પોત છે, તેની એક આગવી છાપ છે.
કથનરીતિમાં એકધારાપણું લાગે છે. એવું લાગે જાણેં તીખ્ખી અને આ ઉંમરે ન ભાવે એવી પિંપરમેન્ટની ગોળી ચગળતા કેમ હોઈએ.પાત્રો પણ તમને ક્યાંકને ક્યાંક ભટકાયા કરે એક સરખી લાક્ષણિકતા વાળા. જો કે આ બધા ‘આધુનિક અને અનુઆધુનિક’ વાળા ખરાંને! આ પેલા કાવ્યમાં કેમ પ્રકારો પડ્યા હતા ‘છંદાસ’ અને ‘અછંદાસ’ એવા બધા….
મિત્ર રામને માલુમ થાય કે તારી વાર્તાઓ પણ મેં વાંચી એટલે અનાયાસે મને આ સંગ્રહ વાંચતા વાંચતા તારી વાર્તાઓ અને તેની શૈલી અને તેની લાક્ષણિકતાઓ મને યાદ આવતી ગઈ… પણ તારા વિશે ફરી ક્યારેક(અને ત્યારે કિરીટબાપુ અને અજિત ઠાકોરના ગામડા વીશે વાત કરીશ.), અત્યારે બાપુની વાત…
પહેલી વાર્તામાં અમને આનંદ થયો… હા. આનંદને આનંદ થયો. કારણ કે અમે જે જાતે ઉભી કરી છે એવી અમારી પોતીકી વાર્તાની વિભાવનાની છાંટ અહીં ક્યાંક ડોકાય છે…. બાપાની પિંપર વાર્તામાં કશું કહ્યું નથી બસ કેટલીક ઈમેજીસ્ છોડી દીધી છે અને એ પકડીને ચાલવાનું છે વાંચકે… અમે પણ ક્યારુના કઈએ છીએ કે બસ અમારે આવું કંઈક કરવું છે અને વાંચકોને મોકળું મન આપી દેવું છે. ખરેખર તો વાંચકો માટે નહીં પણ વાર્તા માટે મને હંમેશા એવું થાય કે ભૈ શા માટે ઘટના – અઘટનામાં આપણે માથા ફોડીએ છીએ… વાર્તા એટલે છાંટા… ધરતી પર પડેને ધરતી જેમ મોહરી ઊઠે… જેમ પ્લાવિત થઈ જાય તેમ બસ થવું જોઈએ વાર્તામાં… હા પણ જેમ કિરીટ સાહેબે ત્રણ લેખકોને યાદ કર્યા છે તેના છાંટા અલગ છે. મધુરાયના બરફના ફોરાં છે યુ નો સ્નોફોલ્…. જેવું કંઈક… વળી બક્ષી ઝાકળનો માણસ પણ ખત્રી… ધગધગતા તેલમાં જેમ ગાંઠિયા વણવા વાળો તેલ ગરમ થઈ ગયું છે કે કેમ તે તપાસવા પોતાના પરસેવાના ટીંપા છાંટે તેમ ખત્રીના છાંટા તેવા છે. (અહીં છાંટા એટલે વાર્તા)
કિરીટ બાપુએ ત્રણેયની અસર બેનમૂન ઝીલી છે…. કહું બાપા ઉતાવળા ન થાઓ… વી.એમ., બાયુ, એક બપોરે, જેવી વાર્તાઓ જાણે તમને સ્નો ફોલમાં લઈ જાય… તમે બરફની વાદીઓ ગલીગલી થાય તેવું થાય અને પછી આસ્તેકથી કાઠિયાવાડી ગાંઠીયાની સાથે મરચું આપે તેમ અંત વખતે મરચાનો તીખ્ખો વઘાર કરી આપે છે અને એટલે પેલા ખત્રી તરત યાદ આવે. મૂંઝારો એક વાર્તા નામે ઘટના નથી.
આવું અમે એટલે બોલ્યા કે અમે સતત એવું માનીએ (ભલે અમે વાર્તામાં કરી ન શકતા હોઈએ શીખશું હવે.)કે વાર્તા તંતોતંત ખૂદ એક ઘટના હોવી જોઈએ ભલે પછી અંદર ઘટના હોય કે લોપ હોય કે ભોપેભોપ હોય પણ વાર્તા પોતે એક ઘટના બનવી જોઈએ. અરે અમે તો અમારી પેઢીની યુનો ન્યૂજનરેશનની ભાષામાં કહીએ તો જેમ એક ફિલ્મ આવે અને હો હાને દેકારા થાવા લાગે તેમ આપણી ભાષામાં એવો વાર્તાકાર કેમ નથી કે તેની એક વાર્તા પ્રકાશિત થાય અને હો હાને દેકારા થઈ જાય… ભલે એ ફિલ્મ પછી ફ્લોપ હોય પણ દરેકે દરેકને ખબર પડે છે કે વાર્તા આવી… આની વાર્તા આવી એમ કિરીટ બાપુ એમાં નોં ઝામ્યું હોં… સોરી…
હવે મારે કિરીટ બાપુને બાજટે બેહાડી અને બે દૂખણાં લેવા સે ઈની લીલ વાર્તા માટે… ગજબ હોં બાપુ…, સલામ… હાવ હાઝ્ઝું કવ… હું જે દિનો લખતો થ્યો ને તે દિનો વિસારે સડ્યો તો કે આ લીલ ઉપર કીંક લખવું સ. પણ હારું હૈયે કંઈ સડતું ન તું… પણ તમે લયખું હોં બાકી…. બસ ઈ લીલને તમે આમ લઈ આવ્ય્હોને ઈની ઝે કરામત તમે દિખાડીને ઈમાં અમે ઓવારી ગ્યા!!!! અમીને હ્યાદ સે હસ્તા…, ઈ અમારી ડેલીની ઉપર અગાસ્યે સડીને અમીં ઝોતાં… વાસડોને વાસડી બીસ્સારા કૂટાતા હોય ને આખ્ખું ગામ પાણી રેડતું હોય…
તમારો સંગ્રહ જો અમારું હૈયું ચૂરા કે લે જાતું હોય તો એક જ કારણ છે કે અત્યાર સુધી ગામડું એક ઘટના બનીને આવતું હતું, એક સંબંધોના તાણાવાણા બનીને આવતું હતું અને વળી હિન્દી ફિલ્મોની 80ના દશકની ફિલ્મોની જેમ ગામડું ગુજરાતી સાહિત્યમાં આવતું હતું… તમે તેમાં થોડી ઈમેજીસ્ લઈ આવ્યા છો. આ ઈમેજીસ્ એવી છે જે વિસરાતી જાય છે…, યુનો પેલા અનુઆધુનિકોની જેમ તમે એને સાચવવાનો પ્રયત્ન કર્યો છે…. પ્રયત્ન અમુકતમુકમાં તરી આવે છે અને અમુકમાં સહજ બની જાય છે. જ્યાં સહજ થઈ જાય છેને ત્યાં અમને તરી જવાનું મન થાય છે! જો કે આવું ઘણી જગ્યાએ આપની પૂર્વે પણ થયું છે અને આપની પછી પણ થયું છે પણ તમારું જે સાતત્ય છે એ આ બાબતે પ્લસપોઈંટમાં પણ પડે છે.
બસ, જો હવે આમ હૈયાને હાશ… જેવું થાય છે. ભૈ અમારે કહેવું હતું ને અમે કહી આલ્યું. તમ્મારે રાખવું કે નીં રાખવું એ તમ્મારા પર. જો બાપુ …. બાપુ કર્યું છે તો હવે કદાચ તેમને દુખેય લાગે તો તે અમારી જોડે ગુસ્સો કરશે તો કરશે… અમને એવી બધી પડી નીં મલે.. અમે તો હૈયાને હેતથી ઉમળકાથી ખોલી નાખીએ છીએ… આમ તો અમે આવું બધું ઈને કેવા વાળા પણ કોણ? ના. જ કહી શકીએ…. પણ એમ તો અમારો ભાવિ વાર્તા સંગ્રહ એમની પાસે છે અને તેમણે પણછ બરાબર ખેંચેલી છે કે અમદાવાદ આવ એટલે મળીએ અને અમને ખબર ભી છે કે એ અમારી ધૂળખંખેરી નાખવાના છે. પણ અમને જો કોક સાચું કેય દેખાડા વગરનું તો એ જે ધૂળખંખેરેને એ ખરેલી અમારી જ ધૂળ અમે માથે ચઢાવીયે ય ખરાં પાછાં…., હાં એવું ખરું અમારું!
આમ તો વિવેચક્સો અમે છીએ નઈં અને થવા પણ નઈં માંગતા.. (ઈમાં બીઝ્ઝાયેં એમ ન માની લેવું કે મનમાં ન કેવું કે થૈ પણ ના શકો હાં… તો પછી અમે બાંયુંય ચડાવીએ…) પણ આપણાં (બે હાથ બેય કાન પર રાખીને બોલું છું) ગુજરાતી સાહિત્યના ગૌરવવંતા વિવેચક્સોની પરંપરાગત એન્ડિંગ સ્ટાઈલ મારું તો કહું કે એકંદરે આ વાર્તા સંગ્રહ ન માત્ર વાંચનક્ષમ રહેતા આનંદપ્રદ બની રહે છે અને કલાનો અંતિમ ધ્યેય પણ એ જ છે કે બ્રહ્માનંદ સહોદરમ્ (લે… ઈ હાસ્સું…)ની જેમ અમે પણ આ વાંચીને આનંદ લીધો. આ ગુજરાતી ભાષાનું પોત જેવું કિરીટભાઈને ફળ્યું એવું અમને સૌને ફળજો… જય માતૃભાષા….