Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
Contents
- 1 સેલિબ્રિટી સાથે સંવાદ : જય નારાયણ વ્યાસ
- 2 આપના જીવનમાં કોઈ એવો પ્રસંગ બન્યો છે, જેમાં આપને કુદરતી શક્તિનો અનુભવ થયો હોય?
- 2.1 આજે આપ જ્યાં છો ત્યાં પહોંચવું તે શું આપનો વિચાર કે સ્વપ્ન હતું?
- 2.2 આપના જીવનમાં ધર્મની ભૂમિકા કેવી રીતે રહી છે?
- 2.3 જીવનમાં ખુશ રહેવા માટે આપનો કોઈ મંત્ર?
- 2.4 આપને મૃત્યુનો ડર લાગે છે?
- 2.5 પુનર્જન્મ જેવું કંઈ હોય અને આપના હાથમાં પસંદગી હોય તો આપ શું બનવા ઈચ્છો?
- 2.6 ધર્મ અને કર્મમાં તમને અંતર શું લાગે છે?
- 2.7 આપની સફળતાનું શ્રેય કોને આપવા ઈચ્છો છો?
- 2.8 ધર્મ અને અધ્યાત્મમાં તમે કેવી રીતે તફાવત જુઓ છો?
- 2.9 તમારા જીવનસાથીની સૌથી શ્રેષ્ઠ અને ખરાબ બાબત?
સેલિબ્રિટી સાથે સંવાદ : જય નારાયણ વ્યાસ
કોઈ એક નેતાને મળો અને તેના રૂમમાં ત્રણ સોફા હોય અને તેમાં પોતે બેસી શકે તેટલી જ જગ્યા એક સોફામાં હોય અને ચારે તરફ પુસ્તકો અને સંદર્ભગ્રંથો પડ્યા હોય અને ભીંતો પર દેવી-દેવતાની મૂર્તિઓ અને ફોટાઓ હોય તેવું ખૂબ ઓછા રાજકારણીઓ માટે કલ્પી શકાય છે. સ્વતંત્રતાના કાળમાં આવા રાજનેતાઓ મળી આવતા પણ હાલના સંદર્ભમાં વાંચનારા ને કાબેલ હોય પણ સાચા અર્થમાં સાક્ષર નેતાઓ બહુ ઓછા હોય છે. આવા નેતાઓમાંના એક કહી શકાય, તેવા ભૂતપૂર્વ હેલ્થ મિનિસ્ટર જય નારાયણ વ્યાસને મળીએ.
જેમનો જન્મ 14 એપ્રિલ 1947ના રોજ થયો છે. તેઓએ સિવિલ એન્જિનીયર IIT માંથી કર્યું છે. મુંબઈ માંથી તેમણે માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેઓ ભાજપમાંથી હેલ્થ મિનિસ્ટર પણ બન્યા હતા.
ચાલો જાણીએ એક રાજકારણીના અંતરની રમતને…
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
આપના જીવનમાં કોઈ એવો પ્રસંગ બન્યો છે, જેમાં આપને કુદરતી શક્તિનો અનુભવ થયો હોય?
હું એવું માનું છું કે પાંચ વસ્તુ માત્રને માત્ર ઈશ્વરના હાથમાં છે. માણસ જે દિવસથી આ દુનિયામાં પ્રવેશ કરે છે, તે દિવસથી તેને કેટલા શ્વાસ લેવાના છે તે નક્કી થઈ જાય છે. જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, સરસ્વતી તેના હાથમાં છે, નરસિંહ, મીરા વગેરે ક્યાંય ભણવા ગયા ન હતા; છતાં તેના પર ઘણાં લોકો પી.એચ.ડી થાય છે. લક્ષ્મી ઈશ્વરના હાથમાં છે, સારા રસ્તે આવે તો સુખી થવાય અને ખરાબ રસ્તે આવે તો નિકંદન કાઢે. તે જ રીતે સત્તા ઈશ્વરદત્ત છે. ગાંધીજી કોઈ ચુંટણી નહોતા લડ્યા, આને સત્તા કહેવાય. અને છેલ્લે તમારી કીર્તિ ઈશ્વર દત્ત છે. આ પાંચમાંથી પહેલીનું હું ઉદાહણ છું. પાંચ વાર નિશ્ચિત મૃત્યુ માંથી હું પસાર થયો. છેલ્લે જ્યારે અમદાવાદમાં બ્લાસ્ટ થયો અને કોમા સેન્ટરમાં બ્લાસ્ટ થયો, 25 માણસો જેમાં મરી ગયા ત્યાં જો હું સીધો ગયો હોત તો હું બ્લાસ્ટના કેન્દ્ર સ્થાને હોત, પણ માત્ર 500 ફૂટના અંતરેથી મને ગાડી પાછી વાળવાની અંતઃસ્ફૂર્ણા થઈ અને મેં ડ્રાઈવરને ગાડી વાળવા કહ્યું અને પહેલા સુપ્રિટેન્ડેન્ટની ઓફિસે જવાનું વિચાર્યું, જેવી ગાડી પાછી વાળી કે તરત પાછળ બ્લાસ્ટ થયો. આને ઈશ્વરની કૃપા સિવાય બીજું કંઈ ન કહેવાય, જે હંમેશા તમારું યોગક્ષેમ વહન કરે છે.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
આજે આપ જ્યાં છો ત્યાં પહોંચવું તે શું આપનો વિચાર કે સ્વપ્ન હતું?
બહુ જ નાની ઉમરમાં હું આઈ.એ.એસ થયો હોત તો પણ જ્યાં પહોંચ્યો છું ત્યાં ન પહોંચી શક્યો હોત. એટલે કરિયરના મધ્યાહને મેં નોકરી છોડી અને જાહેર જીવનમાં આવવાનું સ્વિકાર્યું. તેની પાછળનું એક કારણ છે કે માણસની ઉપર ચાર પ્રકારના દેવા (ઋણ) છે. એક ઈશ્વરનું દેવું છે, પછી માતા-પિતાનું, ગુરુનું દેવું છે, અને ચોથું સમાજનું દેવું છે. આ ચાર દેવા એવા છે કે તેનું મુદ્દલ તો ક્યારેય ચુકવાતું જ નથી પણ તેનું વ્યાજ પણ આપણે આપી શકીએ તો તે માણસ તરીકે જીવ્યા કહેવાય. એટલે મને વિચાર સ્ફૂર્યો કે મારે સમાજને કંઈક આપવું અને સિદ્ધપુરની ધરા પર જન્મ્યો છું તો તેને કંઈક પાછું આપવું તે વિચાર લઈને હું જાહેર જીવનમાં આવ્યો. આજે મને આનંદ છે કે એ દિશામાં સારું એવું કામ થઈ શક્યું છે. સ્વપ્ન હું નહીં કહું એટલા માટે કે સ્વપ્નથી દોરાઈને નથી આવ્યો. સ્વપ્ન ગુલાબી હોય છે હું જવાબદારી પૂર્વક આવ્યો છું. કોઈ સ્વપ્ન આજેય નથી. કારણ કે હું માનું છું કે સવારે જે તમને ઉઠાડે છે તે સૂવાડે છે ત્યાં સુધીમાં તેણે જે ધાર્યું હોય છે તે કરાવી લે છે. કોઈએ મને જવાબદારી પૂર્વક આ કામની મને પ્રેરણા કરી એમ કહી શકાય કારણ કે મનમાં હતું કે પ્રાચીન તીર્થ જેવું સિદ્ધપુરનું બિંદુ સરોવર, સિદ્ધેશ્વર મહાદેવ વગેરેનો પુનરુદ્ધાર થવો જોઈએ. ડેન્ટલ, હોમિયોપથી, સાર્વજનિક વગેરે હોસ્પિટલ હું કરાવી શક્યો. 1985થી હું ઉત્તર ગુજરાતની પાણી સમસ્યા બાબતે ચિંતિત હતો. કોઈ માણસ સફળ થાય તો તેની પાછળ તેને યશ આપવાની હોડ લાગે છે મને તે બાબતે કોઈ ફિકર નથી. તે માટે સેમિનાર અને લોકજાગૃતિ કરી. મોડાસા, મહેસાણા વગેરેમાં મેં સેમિનાર કર્યા. હું સરકારી ઓફિસર હતો ત્યારે પણ તેવું થતું કે મારા વિસ્તારના લોકો ફ્લોરાઈડ વાળું પાણી પીવે છે અને રોગ થાય છે તે બાબતથી હું ચિંતિત હતો. આજે મને આનંદ છે મારા વિસ્તારમાં કોઈ ફ્લોરાઈડ વાળું પાણી પીતું નથી કારણ કે કાંતો મુક્તેશ્વરથી કે ધરોઈથી પાણી પહોંચી જાય છે.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
આપના જીવનમાં ધર્મની ભૂમિકા કેવી રીતે રહી છે?
મૂળભૂત રીતે હું માનું છું કે તે માર જન્મજાત સંસ્કારને લીધે આવી છે. આનો યશ મારા મા-બાપને આપવો પડે. હું મારા મા-બાપનું એકનું એક સંતાન છું, આમ છતાં કહેવામાં આવ્યું છે કે સાચા મા-બાપ તો શિવ અને શક્તિ છે. આ મા-બાપ તો કાયમી નથી પણ શિવ-શક્તિમાં વિશ્વાસ રાખશો તો તે સહાય કરશે. અને મને તેવું લાગ્યું છે કે શિવ-શક્તિ પરનો મારો વિશ્વાસ ડગ્યો નથી. બીજું પણ કહેવામાં આવ્યું છે જેમ મોરારિ બાપુ કહે છે તેમ કે તમને કોઈ અણગમતી ઘટના બને તો તે હરિ ઈચ્છા સમજવી અને જો તમને ગમતી ઘટના બને તો તે હરિકૃપા સમજવી અને મારા જીવનમાં તે બન્ને પ્રસાદી રૂપ બાબત છે.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
જીવનમાં ખુશ રહેવા માટે આપનો કોઈ મંત્ર?
ખુશ રહેવું જોઈએ પણ ખુશ રહી શકાતું નથી એ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને માણસે ચાલવું જોઈએ. તમારી જેટલી સંવેદના વધારે તેટલી તમારી સહનશક્તિ પણ વધારે. એટલે જીવનમાં બધું જ તમને ગમતું બને તે વાતનો સ્વીકાર કરોને તો ખુશ રહી શકો. આવું વિચારશો તો તમને અણગમતી પણ કોઈ ઘટના ઘટે તો તમે ઝડપથી સ્વસ્થ થઈ શકો છો. એ મૂળભૂત વાતનો સ્વીકાર કરો. કોઈ એવો દાવો કરે કે તે ચોવીસે કલાક ખુશ રહી શકે તો તે તો ખાખી જોગી જ રહી શકે કારણ કે તેને અધ્યાત્મની એક ઉચ્ચ ભૂમિકા સાધી હોય છે. બાકી સામાન્ય માણસ માટે તે શક્ય નથી.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
આપને મૃત્યુનો ડર લાગે છે?
મેં કહ્યું તે પ્રમાણે કે હું છ વખત નિશ્ચિત મૃત્યુ માંથી ઉગર્યો છું. હું એવું માનું છું કે જે દિવસે તમારે જવાનું નક્કી છે, ત્યારે જવાનું છે કોઈ અમરપાટ લખાવીને નથી આવ્યું. મને કોઈ પૂછે તો હું એમ કહું કે લાંબા આયુષ્યે ઢસરડા કરીને જવા કરતા જ્યોતમાં જ્યોત ભળી જાય, જીવનનો અંત આવી જાય તે વધું આવકાર દાયક છે. પરંતુ તે તમારા પૂણ્ય કેટલા છે તેના પર નિર્ભર છે, ઉપર કોઈ સ્વર્ગ કે નર્ક નથી, એ બધું અહીં જ ભોગવવાનું છે. મહાભારતમાં કૃષ્ણ પણ સદેહે ન જઈ શક્યા તો ઈશ્વર આમાંથી બાદ નથી તો પછી માણસનું તો શું ગજું!
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
પુનર્જન્મ જેવું કંઈ હોય અને આપના હાથમાં પસંદગી હોય તો આપ શું બનવા ઈચ્છો?
પુનર્જન્મ જેવું હોય અને મારે ફરી જન્મવાનું જ હોય તો આ જે કામ હું કરી રહ્યો છું તે જ આગળ ધપાવી શકું તેવું કંઈક કરવા ઈચ્છું. જય નારાયણ વ્યાસ તે લેબલ છે તે નાશવંત છે. હું જે કામ કરી રહ્યો છું તેમાંથી જ એ પરમતત્વ પાસે પહોંચાય તેવું થવું જોઈએ.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
ધર્મ અને કર્મમાં તમને અંતર શું લાગે છે?
ધર્મ આસ્થાનો વિષય છે. ધર્મ પોતાના આશ્રય પર રહે છે તેનું રક્ષણ કરે છે. દરેક માણસ પોતાનું કર્તવ્ય લઈને આવ્યો છે. માણસ છો, માણસ તરીકે જીવ્યા છો? તો જવાબ ના-માં મળે છે. તો ધર્મ એટલે શું? માણસ માણસ તરીકે જીવે તે ધર્મ, આ રીતે જીવો તો તમને બીજું કાંઈ મળે ન મળે પણ તમને નિર્મળ આનંદ ચોક્કસ મળશે. કર્મને લાગે વળગે છે ત્યાં સુધી દરેકનું નિશ્ચિત કર્તવ્ય હોય છે. સૂતેલા સિંહના મોઢામાં મૃગલા આપ મેળે પેશી નથી જતાં. તમારું જે નિર્ધારિત લક્ષ્ય છે તે તરફ જવાની ગતિ તે કર્મ છે. ધર્મને અનુસરીને ચાલે છે, તેમના ધર્મ ઉત્તમ હોય છે. કર્મમાં તારો અધિકાર છે અને ફળની આશા ન રાખ તેનો એક અર્થ એવો છે કે આપણે પથ્થર ફેંકીએ છીએ તો કર્મ કરીએ છીએ, તેને પાછો નથી વાળી શકતા ખરો અર્થ તો આવો છે, જે સમજીને કરવાનું કામ છે તે સમજવું તે કર્મ છે. નિષ્કામ કર્મ તો સંન્યાસી કરી શકે. મને હજુ યાદ છે કે હું બહુ નાનો હતો ત્યારે ‘કાદુ મકરાણી’ કરીને ફિલ્મ આવી હતી અને તેમાં છેવટે કાદુને ફાંસીએ લઈ જાય છે ત્યારે કાદુ ભાંગી પડે છે, ત્યારે તેનો સાથી કહે છે કે ભલા…માણસ આપણે ગામડા ઘમરોળતા હતા, ઉભા મોલ સળગાવી દેતા હતા, ત્યારે તને ખબર નહોંતી પડી કે એક દિવસ આપણો પણ આ જ હાલ થવાનો છે. કર્મ જે કરો છો તે જ તમારું ફળ ભોગવવું પડે છે. માટે કર્મ કરતા પહેલા વિચારવું.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
આપની સફળતાનું શ્રેય કોને આપવા ઈચ્છો છો?
ઈશ્વર અને મારા મા-બાપને. મારા મા-બાપને એટલા માટે કે ઘરમાં બે છેડા ભેગા કરતી મારી માને મેં જોઈ છે અને આમ છતાં પણ કોઈ તબક્કે ઘરમાંથી મને એવું નથી કહ્યું કે નોકરી પર લાગી જા. મારા માબાપની મોટી ઉમર હોવા છતાં તેમણે કહ્યું કે આઈઆઈટીમાં આગળ ભણવાનું છે, અને એ ભણવા તારે અત્યારે કોઈ નોકરી કરવાની જરૂર નથી. એ પહેલા પણ ગ્રેજ્યુએટ થયો એટલે અમેરિકાની સારામાં સારી યુનિ.માં મને પ્રવેશ મળતો હતો પણ મારા માતાના મુખ પર જરા ઉદાસીનો ભાવ જોયો, પૂછ્યું તો કહે કે તું અમારું એકનું એક સંતાન અને આમ ચાલ્યો જા અમેરિકાથી તું પાછો ક્યારે આવ? આવું થયું તેથી મેં મારા અમેરિકાના તમામ કાગળિયા ત્યાંને ત્યાં ફાડીને સળગાવી નાખ્યા. પણ તેઓનું કહેવું હતું કે વિદેશમાં ન જા પણ અહીં તો આગળ ભણવાનું જ છે. તેમણે મને હંમેશા ભણવા માટે પ્રેર્યો છે. ઈશ્વરનું દિવ્ય સ્વરૂપ મારા મા-બાપના દિવ્યસ્વરૂપથી જુદું નહીં હોય!
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
ધર્મ અને અધ્યાત્મમાં તમે કેવી રીતે તફાવત જુઓ છો?
ધર્મ માણસનો જોબ ચાર્ટ નક્કી કરે છે, તમારાથી આ થાય આ નહીં થાય. ધર્મમાં ઘણી વસ્તુ રૂઢિગત નક્કી થઈ છે વાત વૈજ્ઞાનિક છે પણ તે પરંપરા બની ગઈ છે. જેમ કે શ્રાદ્ધમાં ખીર પિત્ત નાશક છે, શિયાળામાં તલ ગોળ શક્તિ વર્ધક છે માટે સંક્રાંતિ પર બનાવીએ છીએ, વાત વૈજ્ઞાનિક છે પણ રૂઢિગત થઈ ગઈ છે. અધ્યાત્મ તેનાથી ઊચ્ચ અવસ્થા છે. તું જ ઈશ્વર છે તારાથી ઈશ્વર અલગ નથી તે સ્થિતિએ પહોંચવું અને સંપૂર્ણ શરીર વિહીન અનુભવ થાય અને તમને તમારા સત્વનું ભાન થાય તે સ્થિતિ તમને તમારા અધ્યાત્મ થકી થાય છે. આ ફરક છે બન્નેમાં.
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
તમારા જીવનસાથીની સૌથી શ્રેષ્ઠ અને ખરાબ બાબત?
સૌથી શ્રેષ્ઠ બાબતો મારા જેવા માણસને ચલાવી લે છે એ છે કારણ કે હું મારી ધુનમાં ચાલનારો માણસ છું. મારા પર ઘરનો કે બીજો કોઈ બોજો ન પડવા દેવાનું કામ તેમણે સંભાળ્યું છે. ખરાબની બાબતમાં તો કબીરજીની પંક્તિ કહીશ કે – બુરા ખોજન નિસર્યો, બુરા મિલાન કોઈ, જબ જબ અંતર ઝાંકીયો, મુજ સે બુરા ન કોઈ. આપણે આપણાંમાં જ અનેક અવગુણ છે તો બીજામાં ક્યાં શોધવા જઈશું.
******
તસવીર – Jay Narayan Vyas official page
Celebrity Sathe Smvaad Interview With Jay Narayan Vyas
અમારા આ પેઇજ પર જોડાવવા નીચેની લીંક પર જઈ ફોલો કરો…
https://www.facebook.com/sahajsahity/
#CelebritySatheSmvaad #Interview #JayNarayanVyas #gujarat #minister #Gujaratgovernment #government