Story book review baval vavanar ane biji vartao by janak trivedi
બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ: જનક ત્રિવેદી
આલેખન – આનંદ ઠાકર
સાચકલી સમસ્યાનું વર્ણન અને સાચકલી ઘટના. માણસાઈની સુગંધ લઈને આવતી વાર્તાઓ. મને આવી વાર્તાઓ વધુ ગમે કારણકે એમાં સર્જક એની ધરાતલ સાથે ય હોય ને વળી એની સામે વાર્તા કહેવાની ચેલેન્જ પણ હોય. જો એ વાર્તા ન બને તો તો માત્ર સંવેદનકથા કે બોધકથા બનીને રહી જાય.
જનક ત્રિવેદીનો પ્રથમ પરિચય માન. સુમંત રાવલે આપેલો. એમનો નિબંધ સંગ્રહ મારો અસબાબ એમણે સજેશ કરેલો ને મેં વાંચ્યો તો કેટલાક નિબંધોમાં હું એમના શબ્દો અને દૃશ્ય સાથે ભાવુક પણ થયેલો.
જ્યારે ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીએ એમના આ બંને પુસ્તકો વિશે પોસ્ટ મૂકી ત્યારે પેલી વખત મને જનક ત્રિવેદીની વાર્તા વિશે ખબર પડી. એમની સાથે વાત કરતાં એમણે મને પુસ્તક મોકલ્યું. એ એમના દીકરા છે એ ય ત્યારે ખબર પડી.
પાસ થ્રુ – નિબંધ, વાર્તા અને સ્ક્રીન પ્લેનો સંગમ.. નવું જ જાણવા મળે.. કાકુ અને માધ્યમ સમજાય તો વાર્તા સાધ્ય બને.
ક્યાં જાય છે, કાનજી? અને ફરેબી – ઘટના અને ભાવનું અદ્ભુત જગત. પાત્રમાં ઓતપ્રોત રચના.
એક સીધો સાદો પત્ર અને ભીના કાગળના રાજહંસ – શોર્ટ ફિલ્મ માટેની સીધી જ સ્ક્રિપ્ટ. મને ગમેલી વાર્તાઓ. જો કે વાર્તા તત્વ માટે પ્રશ્ન કરે પણ મને મજા આવી ગઈ.
સાંધા વાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ, બાવળ વાવનાર, સફાઈ કામદાર હકા ટીડાની દિનચર્યા, ઝોલું, અણસાર, – પાત્રો લેખકને વાર્તા સુધી લઈ ગયાં અને પછી એ વાર્તાકાર વાર્તામાં પાત્રોને એવા લસોટે છે કે વાર્તાનો રસ મજા પડે એવો આવે છે.
અંતિમ પુરુષનો ચહેરો – આ વાર્તા સંગ્રહની ફક્ત આ એક વાર્તા વાંચી લો એટલે એમાં બધી વાર્તા આવી જાય. લેખકનું જીવન ને જીવનની વાર્તાઓ. અદ્ભુત વાત લખી છે આ માણસે.
આ સંગ્રહની વાર્તાઓ ગાંધીયુગમાં બનતી વાર્તાઓની યાદ આપાવે છે. નરી વાર્તા. શૈલી એની રીતે આવે તો ઠીક, ભાષા એનું પોત બતાવે તો ઠીક બાકી મારે તો મેં જે જોયું છે અને મારે જે ઈંગિત કરવું છે માટે વાર્તા કહીશ: એવા પ્રકારની વાર્તાઓ છે. ( છેલ્લા ફોટોમાં એમની જ બાયાનીમાં આ વાત )
મારી વાર્તા તરેહના માણસો છે આ બધા એટલે મજા આવે. પણ એક મજાના વાર્તાકાર સાથે વાર્તાના માધ્યમથી રૂબરૂ થવાયું. જો કે જનકભાઈ સાથેનું જોડાણ તો એમનો નિબંધ સંગ્રહ મારો અસબાબ માટે રેહશે જ.
આભાર ધર્મેન્દ્રભાઈ ( Dharmendra Trivedi ) એક નવા અને ગમતીલા વર્તાવિશ્વ સાથે નાતો બાંધી આપવા માટે.
આલેખન – આનંદ ઠાકર
Story book review baval vavanar ane biji vartao by janak trivedi