- Advertisement -
server room ch- 7 story of adventure loveliness gallantry Sensation
SERVER ROOM
For Find The Protocol ch-7
Contents
સર્વર રૂમ : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ પ્રકરણ – 7
– આનંદ ઠાકર
યામીનો મેઇલ જોઈ મને આશ્ચર્ય થયું. મેં પી જે ભાર્ગવને બોલાવ્યા. એમને ઈ મેઈલ બતાવ્યો. એમાં લખ્યું હતું : સ્પેસ સ્ટેશનમાં એવી કોઈ વાસ્તવિકતા નથી જેવી આપણે ત્યાં સાંભળેલી. કોઈ સંશોધન થતું નથી. ચીન અને રશિયા એના પોતાના સ્પેસ પ્રોગ્રામ માટે અહીં વિશ્વના વિજ્ઞાનીઓને ભેગા કર્યા હોય એવું લાગે છે. એક રીતે તો આ બંનેની ગુલામીમાં જીવે છે અહીં. આ મેઈલ મેં મૂક્યો એ જો જોઈ જશે તો મને પણ હેરાન કરશે. હવે એક જ રસ્તો છે, આપણું મધરશિપ હોવું જોઈતું હતું.
યામીની મેસેજ જોઈ પી જે ભાર્ગવ થોડાં અસ્વસ્થ થયા. હું પણ વિચારમાં હતો. પી જે ભાર્ગવના સર્વર રૂમમાં માત્ર અમે બે જ હતા. મનજીત એનું કાર્ય આરંભી રહ્યો હતો. રેવા બાળકોને શારીરિક તાલીમ આપી રહી હતી.
યામી માટે મને ચિંતા થતી હતી. ડર નહોતો. કારણ કે એ બધી રીતે સક્ષમ હતી.
પી જે ભાર્ગવ સર્વર રૂમમાં આમથી તેમ ચાલવા લાગ્યા. આંખો એની તંગ થઈ ગઈ. થોડીવારે મને કહે : મધરશિપ બનાવવામાં અબજો વાપરવા યોગ્ય હોય કે પાણી માટે ટળવળતા, શિક્ષણ વગરના રખડતા, અનાજ વગરના મારતા દુનિયાના લોકો માટે એ પૈસો ને શક્તિ વાપરવી?
હું સ્તબ્ધ હતો. તેણે થોડા મોટા અવાજે કહ્યું : વિક્રાંત કશ્યપ, કેમિકલના માસ્ટર અને સેમી કન્ડક્ટરના ડિઝાઇનરને હું પૂછું છું. જવાબ આપ.
‘ જવાબ આપ ‘ શબ્દ એટલી ઝડપથી ને એટલા જોરથી બોલ્યા કે હું મારી ખુરશી પરથી ઉભો થઇ ગયો. મેં એની સામે જોયા કર્યું. પછી મને યાદ આવ્યું કે મારું બોલવું જરૂરી છે. મેં કહ્યું : ભાર્ગવ, ભારતનો સ્વભાવ છો તમે. આપણે માનવ કલ્યાણ વિચારીએ છીએ અને એ માનવ ઉપયોગ. ફરક બસ, વિચારનો છે.
ના. મેં ના પાડી હતી આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓને કે સ્પેસ સ્ટેશન બનાવવાનો સમય નથી. એટલે આ છોકરી ફસાઈ એમાં કસૂરવાર તો હું કે? – હવે, એ ક્રોધમાં આવ્યા.
ભારત એક નથી કે જેનું સ્પેસ સ્ટેશન ન હોય! ઘણાં દેશો છે જેનું નથી.
આપણી એવું ક્ષમતા હોવી જોઈએ કે આપણે સ્પેસ સ્ટેશન પણ બનાવી શકીએ અને માનવ કલ્યાણ પણ.
હવે એ શક્ય નથી.
તો શક્ય શું છે? તમને આઠ આઠ વ્યકિતઓને કામે લગાડ્યા છે. વિશ્વ જે સર્વર રૂમ શોધે છે એ અને તેના પ્રોટોકોલ માટે, પણ હજુ કોઈ ગતિ નથી, કોઈ પરિણામ નથી. માણસો દિવસે ને દિવસે મરી રહ્યા છે.
એમનો આ ગુસ્સો મારા પર નહિ પણ એમની જાત પર હતો. મેં કહ્યું : અમારી ટ્રેનિંગ વખતે આપે કહેલા વાક્યો આજે યાદ આવે છે. જે દિવસે પૃથ્વી છોડીને માણસે રસાયણો કે ખનિજો માટે અન્ય ગ્રહો ખોદવાના શરૂ કરશે તે દિવસથી પૃથ્વીના વિનાશનું કાઉન્ટર ડાઉન શરૂ થઈ જશે… અને એ થયું. ચીન અને અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયા આ કરી રહ્યું છે. ચંદ્ર અને મંગળ ખોદાઈ રહ્યા છે, ત્યાંથી રસાયણો ને ખનિજો લવાઈ રહ્યા છે. હવે આપણે આપણી આસપાસને બચાવી શકીએ તો…
મને વચ્ચે જ અટકાવી અને એ બોલ્યા : તો મેં ત્યારે એ પણ કહ્યું હતું કે પૃથ્વી, જળ, સૂર્ય, પવન અને અવકાશને સમજો તો કદાચ સમગ્ર પૃથ્વીને ટકાવી શકો. એના માટે જ તમને એક એક ક્ષેત્ર સોંપ્યા છે. કામ કરવા લગો. અને હા. પેલી છોકરી ને માટે હમણાં કશું નહિ વિચારશો, ત્યાં મોકલવાનું ભારતની સરકારે નક્કી કરેલું, આપણે નહીં. – હવે તે મારી સામે રહસ્યમય રીતે હસ્યા અને ચાલ્યા ગયા.
મને થયું હવે સ્થળ નિરીક્ષણ સિવાય કશું ચાલે એમ નથી. યામી પાસેથી અવકાશની માહિતી મળી રહેશે. હવે, મનજીતને કહું તો હું ને મનજીત સૌથી પહેલાં એટલાન્ટિક જઈ આવીએ. મેં મનજીતને બોલાવ્યો અને કહ્યું : યાર, ચાલ હવે સ્થળ નિરીક્ષણ વગર આગળ નહિ વધાય. આપણે એટલાન્ટિક જોવા જઈએ.
મનજીતે કહ્યું : આર્કટિક પણ.
મેં એની સામે હળવું સ્મિત આપ્યું : કારણ કે એને પૃથ્વીના પાણી પર જે સંશોધન અપાયું હતું એ માટે ત્યાં જવું પણ જરૂરી હતું. મેં એ માટેનો પ્લાન તૈયાર કરવા એને કહ્યું અને મેં પણ મારા સંશોધન માટેના ઉપયોગી સંદર્ભો પર કામ કરવાનું શરૂ કરી દીધું.
***
એક સપ્તાહ જેટલો સમય ચાલ્યો ગયો. એટલાન્ટિક, આર્કટિક, એન્ટાર્કટિકા આ ત્રણેયની ભૂગોળ, વાતાવરણ અને તેના પર અભ્યાસુઓએ કરેલા સંશોધન પર પી જે ભાર્ગવે જબરું ભેગુ કરેલું એ બધું વાંચ્યું, જોયું, જાણ્યું માત્ર એમની લેબ અને સર્વર રૂમમાં. હવે, સમય હતો ત્યાં જવાનો. રેવા મારી સાધન સામગ્રી. મારું શક્તિ મેળવવાનું દ્રાવણ, વગેરે સામગ્રી માની જેમ તૈયાર કરો દીધું. મનજીત પણ તૈયાર હતો. મેં બધું જોઈ રેવાને પ્રણામ કર્યા. ભાર્ગવને પ્રણામ કર્યા. એમણે એ જૂનું ને જાણીતું સ્મિત કરી અમને વિદાય આપી.
એટલાન્ટિક એટલે એક સમયે નીલા રંગમાં આકાશને પણ મહાત આપે એવો સમંદર. પાણીનું સ્તર વધતું જતું હતું એટલે એનો ઘૂઘવાટ અને સિસ્ટમ બદલી રહી હતી એટલે એ તોફાની બની રહ્યો હતો. એના પેટાળમાં રહેલી કેટલીક સંસ્થાઓ છેલ્લા પાંચેક વર્ષથી બંધ પડી છે કારણ કે હવે આની અંદર જઈ સંશોધન કરવું મુશ્કેલ છે.
પણ રિયો ડી જાનેરો પર લેન્ડ થયા પછી લાગ્યું કે આને છંછેડવામાં આવ્યો છે, નહિ તો આનો ઇતિહાસ બહુ શાંત અને શાનનો છે. રિયો ડી જાનેરોમાં ભાર્ગવે પહેલેથી જ અમારી વ્યવસ્થા વિન્સેન્ટ દંપતીને ત્યાં કરેલી જે બંને એટલાન્ટિક પર કામ કરી રહ્યા હતા, જેથી મને મદદ મળે. પી જે ભાર્ગવે વિશ્વના આવા માનવતાવાદી વિજ્ઞાનીઓની એક સાંકળ ઊભી કરી રહ્યા હતા. કોણ જાણે આ ઉંમરે હજુ એને કયું કામ પૂરું કરવું હશે?
ઘૂઘવતો સમંદર જાણે માનવ અને કુદરત વચ્ચેના યુદ્ધનો શંખ ફૂંકાતો હોય એવો લાગતો હતો. કોઈ રાજા એનું સામ્રાજ્ય વિકસાવે એમ એ કિનારા વિસ્તરતો હતો.
યામી બહુ યાદ આવી પણ હવે લાગણીને બાજુ પર રાખી કામ પર ધ્યાન આપવાનું છે. પી જે ભાર્ગવ હંમેશા કહેતા કે લાગણી અને આદર્શ અર્થ વગરના છે, એનાથી માણસ દેખાડો કરી શકે કામ નહિ. મારે કાલે આ સમંદર વિશે કાર્ય આરંભવાનું છે જેનો ઇતિહાસ પૃથ્વીની શાન છે, ધરતી પર એના પ્રવાહની આન છે અને હવે આ સમંદરે જગતને બાનમાં લીધું છે કહો કે માનવજાતને ઊંઘમાં એક જોરદાર લપડાક મારીને જગાડ્યા છે.
( વધુ આવતા અંકે… )
આ નવલકથાના ગત પ્રકરણો નીચેની લિંક પર… 👇👇👇
- Advertisement -
https://edumaterial.in/category/anand-thakars-word/for-finding-the-protocol/
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
- Advertisement -
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
#serverroom #novel #katha #science_fiction
#સર્વર_રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation
- Advertisement -