પ્રમુખ સ્વામીજીનું જીવન યુવાનોને આ ત્રણ પગલા અનુસરવા કહે છે: શું કહે છે કલામ?
એલાન ઉસકા દેખીએ કી વહ મજે મેં હૈ।
વો યા તો ફકિર હૈ યા નશે મેં હૈ।।
ફકીરાઈ કે કોઈ નશા વગર યાર, આ દુનિયામાં મજામાં ક્યાં રહેવાય છે. કોઈને કોઈ નશો માણસને કાં ન્યાલ કરી દે છે કાં નાદાર કરી દે છે. જ્યારે કલામ સાહેબ અને પ્રમુખ સ્વામી મહારાજ બંને મળતાં હશે ત્યારે કેવો માહોલ રચાયો હશે?!
ચાર મીલે ચૌસઠ ખીલે, બીસ રહે કરજોઈ, જ્ઞાની સે જ્ઞાની મીલે તો નાચે સાત કરોડ. આવું પુસ્તક છે ‘પરાત્પર’ (transcendence) જેમના લેખક છે માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ અને આદરણીય માનવજાતનું મહેકતું પુષ્પ એટલે એ.પી.જે. અબ્દુલ કલામ…
‘પરાત્પર’ પુસ્તક કલામ સાહેબના કહેવા પ્રમાણે પ્રમુખ સ્વામી સાથેનો તેમના ગુરુ-શિષ્યનો આંતરિક અને બાહ્ય સંવાદનો પડઘો છે. પણ મારા વાંચન પછી એમ કહીશ કે કલામ સાહેબના જીવનમાં આવેલી ચેતનવંત વ્યક્તિઓ માંથી તેમને શું અને ક્યારે કેવી રીતે મળ્યું તેનો ચિતાર છે.
આ પુસ્તકનો અનુવાદ અજય ઉમટ સાહેબે કર્યો છે. ઘણીબાબતમાં તે મને સાચા પત્રકાર લાગ્યા છે, પરંતુ અનુવાદક તરીકે મારી નજરે પ્રથમ વખત તેને જોયા એટલે આશ્ચર્ય થયું! એ પણ એટલા વ્યસ્ત છે અને એની વચ્ચે આ પુસ્તકનો અનુવાદ કરે! ખરે જ સુખદ આશ્ચર્ય છે… જો કે થોડું વિચારતા મને સાચું એટલે લાગ્યું કે બીએપીએસ જેવી સંસ્થા અજય ઉમટ જેવા અનુવાદકને હાયર કરી શકે તેમાં નવાઈ ન જ હોય!
આ પુસ્તક ચાર ભાગમાં વહેચાયેલી છે.
1 – દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ
2 – વ્યવહારમાં અધ્યાત્મ
3 – વિજ્ઞાન અને અધ્યાત્મનો સંગમ
4 – રચનાત્મક નેતૃત્વનો વિકાસ
આ મુખ્ય ચાર ભાગના પેટા પ્રકરણોમાં તો ‘બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું’… શું કહું અને શું રહેવા દઉં… આ લખતા લખતા ફરીથી મેં ટીક કરેલા લખાણ પર નજર કરું છું અને એ બધું આપને કહેવા જાઉં તો તો આ લેખ ન રહેતા સંક્ષિપ્ત પુસ્તક બની જાય.
ખૂબ અઘરો જવાબ સરળ રીતે પ્રમુખ સ્વામી અને કલામ સાહેબના પક્ષેથી આપણે પીવાનો છે.
માણસ જન્મે છે અને મરે છે… એ તો કૂતરાં પણ કરે છે, તો માણસે માણસ બનાવા માટે શું કરવું જોઈએ? તે માટે કલામ સાહેબ આપણને તેના જીવનમાં આવેલા મહાન વ્યક્તિઓ કે જેના શબ્દોનું સાનિધ્ય પણ આજે આપણને ધન્ય કરે છે તો વિચારો કે કલામ સાહેબ મહાન બની શક્યા તેમાં આવા લોકોનો ફાળો અવશ્ય છે, જેમાં તેમના પિતા, પ્રમુખસ્વામીજી, વિક્રમભાઈ સારાભાઈ, ગાંધીજી, નેલ્સન મંડેલા, કન્નડ કવિ તિરૂવલ્લુવર, દલાઈ લામા, વર્ગિસ કુરિયન, આઈન્સ્ટાઈન,જગદિશચંદ્ર બોઝ, સી.વી.રામન આમાંથી ઘણાં સાથે તો તેઓએ લાંબાગાળા સુધી કામ કર્યું.
આ સૌ એવી ચેતનાઓ છે જેમણે જગત માટે કંઈને કંઈ પ્રદાન આપ્યું છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આ દુનિયામાં આપણે સૌ લેનાર છીએ, આપનાર તો ઈશ્વર એક જ છે.., અને જ્યારે જો કોઈ વ્યક્તિ જગતની પ્રજાને ઉપયોગી એવું કંઈક જગતને આપીને જાય છે ત્યારે તે ઈશ્વરનો અંશ થોડો વધુ પામીને આવ્યો હોય એવું કહેવાય.
દિવ્યભાસ્કર.કોમ માં મારા કાર્યકાળ દરમ્યાન બી.એ.પી.એસ.ના સાધુસમુદાય સાથે સંપર્કમાં આવવું થતું. તેઓ બુદ્ધિવાન અને મહેનતુ હોય છે. કોઈ કાર્યવગર નવરા ન જોવા મળે. બીએપીએસ સંસ્થાના સામાજિક કાર્યોનો પણ હું સાક્ષી રહ્યો ત્યારે કલામ સાહેબ પ્રમુખ સ્વામીજીથી પ્રભાવિત થાય તેમાં નવાઈ નથી! આ પુસ્તક પ્રમુખ સ્વામીજીના કાર્યો અને બીએપીએસના કાર્યો સાથે પણ સંકાળેયું છે, એવું કહેવામાં મને કોઈ અતિશયોક્તિ લાગતી નથી. ‘પરાત્પર’ પુસ્તકના ચારેય વિભાગનો સંક્ષેપમાં પરિચય મેળવીએ….
1 – દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ
રાષ્ટ્રપતિભવનમાં જ્યારે કલામ અર્જુનવૃક્ષ નીચે બેસે છે અને તેઓ સ્વપ્ન જૂએ છે… તેમાં પ્રમુખસ્વામીજી પ્રેરણા આપતા જોવા મળે છે… આ અનુભૂતિથી આ પુસ્તકનો આગાઝ થાય છે. આ ઉપરાંત પ્રથમ ભાગમાં પ્રમુખ સ્વામીજી સાથે વિવિધ કાર્યક્રમમાં સહઉપસ્થિતિ અને અનુભૂતિની વાત કરી છે. ગોધરાકાંડ હોય કે ભૂકંપ કલામ પ્રમુખ સ્વામીજી સાથે જ્યારે જોડાયા ત્યારે પ્રમુખ સ્વામીનું અસ્તિત્વ જ તેમને પ્રેરણા આપતું રહ્યું, તેવી અનુભૂતિજન્ય ગાથા રજૂ થઈ છે. બીએપીએસ દ્વારા તૈયાર થતા બાળસભાના બાળકોમાં પ્રસરતા સદ્દગુણો વિશે અનેરો આનંદ કલામ સાહેબ વ્યક્ત કરે છે.
2 – વ્યવહારમાં અધ્યાત્મ
બીજા ભાગમાં માણસનું હોવું શું છે? એ સનાતન પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ છે. અધ્યાત્મ માનવજીવનમાં શા માટે જરૂરી છે? એ બાબતે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ અને વિવિધ ધર્મના ફિલોસોફરો શું વાત કરે છે અને કલામ સાહેબનો દૃષ્ટિકોણ શું છે? એ આપણને જાણવા મળે છે.
3 – વિજ્ઞાન અને અધ્યાત્મનો સંગમ
મને સૌથી વધુ આ વિભાગમાં આનંદ આવ્યો. પુસ્તકનો આ ભાગ જ પુસ્તકને માત્ર સંસ્થાગત કે વ્યક્તિગત બનતા અટકાવીને મનુષ્ય જાતિની મહાનતમ શક્યતાનું પ્રકથન કરે છે. આદિકાળથી આ પ્રશ્ન છે જ કે શું વિજ્ઞાન અને અધ્યાત્મનો તાર ક્યાંય અડે છે…? તે વાતને લઈને આપણને કલામ સાહેબ એક એવા પ્રદેશમાં શબ્દો દ્વારા લઈ જાય છે કે ત્યાં વિશ્વના વૈજ્ઞાનિકો અને ફિલોસોફરો આ વાતને જાણે ડિબેટની જેમ રજૂ કરતા હોય એમ લાગે! આ વિભાગ કલામ સાહેબના વાંચન અને ઊંડાણની પ્રતિતિ કરાવ્યા વગર નહીં રહે.
4 – રચનાત્મક નેતૃત્વનો વિકાસ
સામાન્ય રીતે સામાન્યજનોના મનમાં એવી જ છાપ છે કે એક કલામ સાહેબ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક હતા. અને રાષ્ટ્રપતિ તારીકે પણ તે ડાઉનટૂઅર્થ રહ્યા એટલે એમને ફકીર જેવા માણસ લેખી લીધા છે. પરંતુ આ વિભાગ વાંચતા ખ્યાલ આવે કે તેમને રાજનીતિમાં કેટલો રસ હતો. મેનેજમેન્ટ અને લિડરશિપના મુદ્દાઓ શીખવતી ચોપડીઓ જેવી વાત પણ કલામ સાહેબ કરવાનું ચૂકતા નથી, અને એમના દૃષ્ટિકોણ અને પ્રમુખ સ્વામીજીના જીવનમાં નેતૃત્વ વિશે અને વ્યવસ્થાપન વિશે તેઓ શું સમજ્યા તેની રસપ્રદ વાતો સમજવા મળે છે.
આ પુસ્તક અનેક શુભ વિચારોને જીવનમાં ભરી દેનારું છે. પુસ્તક લખવાની રીત પણ મજાની છે. પ્રેરણાત્મક પુસ્તક હોવા છતાં સીધી જ બયાનબાજી નથી કરી, પરંતુ વાર્તારસ જેવો માહોલ સર્જીને પુસ્તકની અંદર કલામ સાહેબ લઈ જાય છે.
કેટલીક વૈશ્વિક સમસ્યાઓ વિશે વાત કરી છે અને તેનો ઉકેલ પણ કલામ સાહેબે પોતાના અને પ્રમુખ સ્વામીજીના દૃષ્ટિકોણથી આપ્યા છે. આખરે આ પુસ્તકમાંથી ઘણાં વાક્યો મને ગમ્યા છે પરંતું આખું ફિલ્મ તો ન બતાવી શકું માટે કેટલાક વાક્યોથી ટ્રેલર જોઈએ…. (બી.એ.પી.એસ.ની સંસ્થાના કોઈપણ મંદિરના ગ્રંથવિભાગમાં આ પુસ્તક 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે મળે છે.)
– મારા ઘરમાં યોજાતી વિવિધ ધર્મો અને સંસ્કૃતિના આગેવાનોની તે બેઠક સૌથી વધુ આવશ્યક અને અનુકરણીય છે. કારણ કે દેશ અને દુનિયામાં અત્યારે વિવિધ ધર્મ અને સંસ્કૃતિઓ વચ્ચે આ પ્રકારનો નિખાલસ અને મિલનસાર સંવાદ અનિવાર્ય બન્યો છે. મૈત્રીપૂર્ણ અને સૌહાર્દયુક્ત વાતાવરણમાં આવા સંવાદની જેટલી જરૂર અત્યારે અનુભવાય છે, તેટલી જ જરૂર ઈતિહાસમાં ક્યારેય ઊભી થઈ નથી.
– હંમેશા યાદ રાખો કે જ્યારે બધું સરળતાથી પાર પડતું જણાય, તો સમજવું કે તમે સાચા નિર્ણયો લીધા છે. જેને પરિણામે તમારા જીવનમાં સાચી ઘટનાઓ ઘટી રહી છે. જો તમારા નિર્ણયો કે પ્રયત્નોના માર્ગમાં અડચણો કે અવરોધોનો સામનો કરવો પડે તો ગંભીરતાપૂર્વક તમારા નિર્ણયોને ફરી એકવાર ચકાસો, જેથી તમારા જીવનમાં આવ્યશ્યક સંકેતો – માર્ગદર્શક ઘટનાઓ ઘટી શકે.
– પ્રમુખ સ્વામીજીનું જીવન યુવાનોને આ ત્રણ પગલા અનુસરવા કહે છે 1. ઊંચું લક્ષ્ય રાખો. 2. જ્ઞાનપ્રાપ્તિ કરો. 3. સખત મહેનત કરો તથા સમસ્યાઓને પહોંચી વળવા ખંતીલા બનો.
– પ્રમુખ સ્વામીનું આમાંથી ગમતું વધુ એક વાક્ય છેલ્લે જોઈએ… સમજુ માણસ પોતાની જાતને નિયમનમાં રાખે છે. અણસમજુ માણસ પોતાના બદલે બીજાને નિયમનમાં રાખવા મથે છે.
બીજું ઘણું બધું છે…, મારા વાંચવામાં આવેલા શ્રેષ્ઠ પુસ્તકોમાં હું આ પુસ્તકને સ્થાન આપીશ. આર યુ રિમેમ્બર?….મેં શરૂઆતમાં કહ્યું કે કોઈને કોઈ નશો માણસને ન્યાલ કરી દે છે… કલામ સાહેબ કે પ્રમુખ સ્વામીજીને શેનો નશો હતો… તે આ પુસ્તક બતાવે છે…
આલેખન – આનંદ ઠાકર