Gujarati Balvarta leptop ane dikara by Anand Thakar
લેપટોપ અને દીકરા
– આનંદ ઠાકર
જીવનગરના એક વેપારી હતા. એ શેઠ હવે વૃદ્ધ થવા આવ્યા હતા. તેને ત્રણ દિકરા હતા. દિકરા હવે વેપાર સંભાળી શકે તેવા હતા. શેઠે તો ત્રણ લેપટોપ લીધા. એ રાતે શેઠે ત્રણેય દીકરાને બોલાવ્યા. અને કહ્યું, ‘‘આ ત્રણ લેપટોપ ઈન્ટરનેટ કનેક્શન સાથે તમને હું ભેટમાં આપું છું.’’
ત્રણેય છોકરા ખૂશ થઈ ગયા કે અત્યાર સુધી બાપાએ કશું ભેટમાં આપ્યું નથી અને આ પહેલી વાર આટલી મોટી વસ્તુ ભેટમાં આપી! સવાર પડે ને છોકરાઓ લેપટોપ લઈને બેસી જાય.
પહેલા તો દુકાને પણ આવતા હતા, હવે તો તે દુકાને પણ નથી આવતા. એક દીકરો તો ઘરમાં પણ જોવા મળતો ન હતો. બે પોતપોતાના રૂમમાં રહીને લેપટોપ પર મંડાતા રહેતા હતા.
શેઠ દરરોજ દુકાન ખોલે અને દુકાને બેસે. તેના દોસ્તોએ તેને કહ્યું કે શેઠજી હવે તમે ઘરે બેસો અને છોકરાઓને વહેવાર સોંપી દો, છોકરાઓને ખૂબ લાડ લડાવ્યા. શેઠજી કહે, ‘‘એક મહીના પછી. ’’
આવી જ રીતે શેઠજીને શેઠાણીએ પણ કહ્યું, ‘‘તમે જે દિવસના લેપટોપ આપ્યા છે, તે દિવસથી આજ દિન સુધી નાનકો તો ક્યાંય જોવા નથી મળતો. પચ્ચાસ પચ્ચાસ હજારના લેપટોપ લઈ દીધા છતાં પણ ઓલા બેય પણ આરામથી ઘરમાં પડ્યા રહે છે. તમે દુકાનનું કામ હોય કે બહાર જઈને બીજા વેપારી સાથે ડીલ કરવાની હોય તો પણ તમે જ જાઓ છો તો આ છોકરાઓને કામે રાખો કે તે પણ થોડો ઘણો ધંધો સમજે.’’
શેઠે શેઠાણીને પણ ઠંડે કલેજે કહ્યું, ‘‘એક મહીના પછી.’’ શેઠના દોસ્તોની જેમ શેઠાણીને પણ આશ્ચર્ય થયું કે એક મહીના પછી શું એવું થવાનું છે કે શેઠ આવો જવાબ આપે છે?! એક તો હવે શેઠની તબીયત પણ સારી રહેતી નથી.
એક… બે… ત્રણ… એમ ચાર અઠવાડિયા ગયા અને એક મહીનો પૂરો થયો. લેપટોપ જે આગલા મહીનાની તારીખે આપ્યા હતા, બીજા મહીનાની તે જ તારીખે રાતે, એક હૉલમાં શેઠે ત્રણેય દિકરાઓને આવવા કહ્યું.
આગલી રાતે બધા છોકરાઓ આવી ગયા. બીજા દિવસની સાંજ પડી અને બધાએ સાથે જમ્યું. પછી શેઠે ત્રણેય દીકરાને સામે બેસાડ્યા. સૌ પ્રથમ મોટા છોકરાને પૂછ્યું, ‘‘તે એક મહિના સુધી લેપટોપમાં શું કર્યું?’’
છોકરો શરમાઈને કહેવા લાગ્યો, ‘‘પપ્પા, ગેમ રમ્યો.’’ એક નિસાસો નાખીને શેઠે છેલ્લા છોકરાને પૂછ્યું, ‘‘બેટા એક મહિના સુધી તે લેપટોપમાં શું કર્યું? ’’
સૌથી નાના છોકરાએ પણ નીચું મોઢું નાખીને કહ્યું, ‘‘પપ્પા, મેં લેપટોપ વેંચી નાખ્યું. ’’ શેઠે ઠંડે કલેજે પૂછ્યું, ‘‘ વેંચીને જે પૈસા આવ્યા તેનું શું કર્યું? ’’
નાના છોકરાએ ફરીથી નીચું મોઢું રાખીને કહ્યું, ‘‘એ પૈસા લઈને જ તો હું પંદર દિવસની ગોવા ટ્રીપ કરી આવ્યો.’’
શેઠે વચ્ચેના છોકરાને પૂછ્યું, ‘‘તો હવે તું કહે, તે શું કર્યું લેપટોપથી?’’
વચ્ચેનો છોકરો કંઈ બોલ્યો નહીં પણ એક ચેક લઈને શેઠના હાથમાં આપ્યો. શેઠે જોયું કે ચેક પર તો એક મલ્ટીનેશનલ કંપનીનું નામ છે અને વચ્ચેના છોકરાના નામે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા છે. શેઠે પૂછ્યું, ‘‘તું કહે તો ખરો કે તે શું કર્યું?’’
વચ્ચેના છોકરાએ કહ્યું, ‘‘પપ્પા, હું પ્રોગ્રામિંગ શીખ્યો હતો. તમે ઈન્ટરનેટ કનેક્શન વાળું લેપટોપ આપ્યું તો મેં તરત ઓનલાઈન જોબ આપતી કંપનીનો કોન્ટેક્ટ કર્યો અને વર્ક ફ્રોમ હોમનો લાભ લઈ, ઘરે બેઠા તેનું કામ કરીને પૈસા કમાયો. ’’
શેઠને આનંદ થયો. શેઠે તરત પોતાના સેક્રેટરીને ફોન કરીને બોલાવ્યા. સેક્રેટરી આવ્યા પછી કહ્યું કે કાલથી આ મારો બીજા નંબરનો દીકરો છે, તે કંપની હેડ હશે. મારા સૌથી નાના છોકરાને તમે બહારના શહેરોમાં આપણો ધંધો ફેલાયેલો છે, તેની દેખરેખ માટે રાખો અને તે જ્યાં જાય અને જેટલા બીલ રજૂ કરે તેટલો જ ખર્ચ આપવાનો રહેશે. મારા સૌથી મોટા દીકરાને માલની આવ-જાની ગણતરી માટે બેસાડી દો.
શેઠેનો ઉકેલ જોઈ શેઠાણી, સેક્રેટરી અને શેઠના દોસ્તો પણ ખૂશ થયા.
સૌએ ખાધું, પીધું અને પાર્ટી કરી.
********
( ગુજરતી લોકકથા ‘ પાંચ દાણા ‘ કથા પરથી પ્રેરિત રીમેક સ્વરૂપ )
નોંધ – આ વાર્તા પર લેખકના copy rights હેઠળ છે. તેનો મંજૂરી વગર ઉપયોગ કાયદાને આધિન રહેશે.