Garuda purana by makarand dave
ગરુડપુરાણ મકરંદ દવેની દ્રષ્ટિએ
ગરુડપુરાણ મકરંદ દવેની દ્રષ્ટિએ….
શ્રાદ્ધ પક્ષ ચાલે છે. આ વખતે તો કાગડા પણ નથી દેખાતા. ઠીક છે ત્યારે કાગડા જ કાંઈ પિતૃ થાય એવું થોડું છે ? અને વળી પિતૃઓને એવો સમય પણ ક્યાં છે કે હવે તે શ્રાદ્ધ ખાવા આવે ‘મારી-તમારી’ ઝંઝાળમાંથી તે માંડ છૂટ્યા હોય છે. આજે મારે તમને લઈ જવા છે એક શ્રદ્ધાની નવી દુનિયામાં…!
આપણે ત્યાં કાં તો કોઈ મરી જાય ત્યારે અને કાં તો શ્રાદ્ધ પક્ષમાં ‘ગરુડ પુરાણ’ વંચાય છે. પણ આ પુરાણ એ એક રીતે તો પ્રતિકો અને કલ્પનોની દુનિયા છે. આપણે માત્ર તેને ચંદન લગાડવા માટે રાખ્યા છે, ખરેખર તો તે આજે ય તમારી કલ્પનાની દુનિયા વિશાળ કરી મુકનાર ‘મહાનવલ’ છે.
આજે વાત કરવી છે ગરુડ પુરાણ વિશે જે ગરુડ પુરાણ વિશે બોલે છે યોગજ્ઞ કવિ શ્રી મકરંદ દવે. મકરંદ ભાઈ નંદિગ્રામમાં શિબિર ચલાવતા અને તેમાં અલગ અલગ પુરાણો, ઉપનિષદ, વેદ વગેરે વિશે વાત કરતા…મુખ્ય વિષય યોગનો રહેતો….મકરંદ ભાઈ ન માત્ર કવિ હતા કે ન માત્ર યોગ પંથના પથિક પણ તેઓ ખૂબ જ સારા વાચક હતા. વિદેશી સાહિત્ય પર પણ તેની નજર હોય અને વેદ અને ગુજરાતીના પ્રાચીન કવિઓની પંક્તિઓ પણ કંઠસ્થ….અભ્યાસના તેઓ એક્કા હતા. જો કોઈએ તેનું પુસ્તક ‘તપોવનની વાટે’ એ વાંચ્યું હશે તો તેને ખ્યાલ હશે કે આપણા મીથને તે કેટલી રીતે અને કેટલી ભવ્ય રીતે વ્યક્ત કરી શકતા હતા. આ દિશામાં તેમણે ઘણું કામ કર્યું છે આજે જો તે પુસ્તકો અંગ્રેજીમાં હોત તો દેવદત્ત પટ્ટનાયકની જેમ મકરંદ ભાઈનું નામ ચોક્કસ વિશ્વના લોકોના મોઢે હોત.(આ મારી જરાય અતિશયોક્તિ નથી કારણ કે વિશ્વમાં ‘ઈન્ડીયન માઈથોલોજી’ના પ્રતિકો ઉકેલનાર તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર દેવદત્ત પટ્ટનાયકને મેં વાંચ્યા છે.) સંસ્કૃતિ અને પુરાણના પ્રતિકો ખોલીઆપનારા એ વિચારક, અંતરની જ્યોતના સાધક હતા એટલે તેના માટે પુસ્તક કરવાનું કર્તાપણું ગૌણ હતુ. ગરુડ પુરાણ પણ ભરત પાઠક અને મીનુ ભટ્ટ આ બન્ને એ સંપાદન કરીને આપણને ભેટ આપ્યું છે, તેનો ઋણ સ્વીકાર કરવો જ રહ્યો. ઘણીવાતો જો કુંદનિકા બહેન ન હોત તો પણ આપણે મકરંદ ભાઈ પાસેથી પ્રાપ્ત કરી શક્યા ન હોત. અલગારી અવધુતી મૂડના તે માણસ હતા.
‘ગરુડ પુરાણ – તાત્વિક અર્થઘટન’ આ નામનું પુસ્તક છે. તેમાંથી કેટલાક વિચારો જાણીએ આમ તો આમાંથી કશું ગુમાવા જેવું નથી હું અહીં માત્ર તમને જેમ કળશમાંથી પાણી છાંટે તેમ પાણીના ટીંપા આપી શકીશ….
– આ જે ગરુડ છે તે ક્યાંય બહાર નથી – આપણો જે પ્રાણ, તે જ ગરુડ છે.
– આપને આશ્ચર્ય થશે કે આપણે ત્યાં ગરુડપુરાણની કથા કરવામાં આવે છે, તો તિબેટમાં જે ‘બુક ઓફ ધ ડેડ’ (Tibetan Book Of the Dead) છે તેમાં આવી જ કથા છે.
– ગરુડ અમૃત લઈ આવે છે, તેમ ગરુડની કથા એટલે મૃત્યુ લોકમાંથી અ-મૃત લોક તરફનું ઉડ્ડયન.
– શરીરમાં પણ આધિમાં, વ્યાધિમાં, ઉપાધિમાં સંતુલન માટે સંવાદિતા માટે આ ગતિ થઈ રહી છે. (પ્રાણની ગતિ).
– આ પુસ્તકમાં એડગર મિશેલ નામના વિજ્ઞાનીની ચંદ્ર યાત્રાનો ઉલ્લેખ છે તેમાં પૃથ્વી અવકાશમાં કેવી લાગે છે તેનો ઉલ્લેખ છે જીવનમાં ચંદ્ર પર ન જઈ શકો તો એ વર્ણન તો વાંચવા જેવું છે.
– ગરુડ પુરાણમાં પ્રાણની કથા આવે છે. તેમાં કહ્યું છે કે પ્રાણ જાય ત્યારે કેવી રીતે જાય.
– જ્યારે પોતાના અને અન્યોનાં કાર્યોનો આપણને ભાર લાગે, આપણી પ્રાણ શક્તિને દબાવી દે – વિષાદની ખાઈમાં, વિરૂપતાના રણમાં, ઊંડા એકાંત રુદનમાં – ત્યારે આપણા અંતરની પ્રાર્થના, અભીપ્સાનો અગ્નિ, દિવ્ય તત્વોની સહાય આપણને ઊંચકી લેશે; વિશાળ આકાશમાં, નિર્દોષ દર્શનમાં, નિર્મળ આનંદમાં આપણા પ્રાણ-ગરુડને પાંખો મળશે.
– કાર્ય પૂરતું બોલવાથી, ખપ પૂરતું સાંભળવાથી, જરૂર પૂરતું જોવાથી, રોજપૂરતા વિચારથી, સાધક ઈન્દ્રિયો, મન, બુદ્ધિને શક્તિસંપન્ન કરે છે.
– પાના નં. 45થી શરું થતું શ્રાદ્ધ અને કાગડા વિશેનું ચિંતન ખરેખર શ્રાદ્ધના દિવસોમાં જાણી લેવા જેવું છે. આપણી શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા ફરતે એક આછી રેખા છે તે દૂર કરવા પણ વાંચવું રહ્યું.
– પુરાણમાં ત્રણ પ્રકારના જ્ઞાન છે વિજ્ઞાન, સંજ્ઞાન અને પ્રજ્ઞાન. આના અર્થ માટે તો મકરંદ ભાઈને જ વાંચવા પડે…
– આ યમદૂતો; બીજા કોઈ પણ, બીજે ક્યાય પણ નથી. (બહારનો) કોઈ ભય નથી; આનંદ જ છે. મારી ઊભી કરેલી પ્રતિભાવના એ જ મારું કેદખાનું. એ મારું કારાગાર. હું જ મારો કેદી. હું જ મારો જેલર.
– જ્યાં મૃત્યુનો સત્કાર થાય છે, ત્યાં યમરાજ પણ શું કરવાનો? મહત્વનું છે મૃત્યુનો સત્કાર કેવી રીતે થાય છે.
– વૈતરણી એટલે વિતરણ કરો વહેંચો – વહેંચીને ખાવો તો પછી આ નદી તરવામાં મુશ્કેલ નહીં પડે.
– ચિત્રગુપ્ત વિશે મકરંદ ભાઈ કહે છે કે ચિત્રગુપ્ત એટલે ગુપ્ત ચિત્ર આપણા મનની અંદર એક મેમરી બેંક છે જે આપણને સિક્રેટ રીતે આપણા કર્મોને બતાવતો રહે છે જો તે આ કર્યું, જો તે આ કર્યું…આ વાતને મનોવિજ્ઞાનિક એંગલ આપતા મકરંદ ભાઈ સરસ વાત કરે છે અને આપણા અર્ધચેતન મનને ચિત્રગુપ્ત કહે છે અને શ્રવણો જે યમદ્વારના દ્વારપાળો છે તેને ડીએનએ કહે છે આમ પુરાણ એ માત્ર પોથી જ્ઞાન નથી તેમાં શાસ્ત્રીયતા છે તેની પ્રતિતિ થાય છે.
– આ શરીર માત્ર મૂઠ્ઠી ભર રાખ નથી એમ આમાં વૈકુંઠ છે. આ માટીના ખોળીયામાં વિષ્ણુ છે. આ વિષ્ણુને હું આદર આપી શકું તો મારા જીવનમાં, વર્તનમાં બહુ મોટી ક્રાંતિ થઈ જશે.
– બાલકૃષ્ણ – લડ્ડુગોપાલની મૂર્તિના પ્રતિકને પણ મકરંદ ભાઈ સરસ રીતે ખોલી આપે છે અને તેને માનસમાં કઈ રીતે ઉપસાવવાથી તેની સાધના-પૂજા સાચી કહેવાય તે પણ વાત સ્પષ્ટ કરે છે.
– સત્યને ધારણ કરે તે શ્રદ્ધા અને શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ.
– યમ આપણને ધર્મ બતાવતો આપણા મનમાં જ સમાયેલો છે.
– ‘ગરુડ પુરાણનું મહત્વ મને એટલું જ સમજાયું છે કે એ મને આ પળે, આ ક્ષણે જાગૃત કરે છે.’ – મકરંદ દવે
– આ પુસ્તકમાં ડો. ભરતભાઈ જોષી જે શ્રાદ્ધની કર્મકાંડીય ક્રિયા અને તેના સાચા અર્થ વિશે કહે છે તે પણ શ્રાદ્ધ વિશે આપણામાં શાસ્ત્રીય સમજ ઉભી કરી શકે છે.
– જેમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદવા માટે અવકાશયાનની જરૂર પડે છે તેમ જીવાત્માને મુક્તિ માટે થઈને પિંડદાન અને પ્રાર્થનાનું બળ આપવું જોઈએ, જેથી તે પ્રેતમાંથી શુદ્ધ થઈ ઉપર ગતિ કરી શકે.
- આનંદ ઠાકર Garuda purana by makarand dave