બગલાના વતનમાં
– આનંદ ઠાકર
એક હતી બગલી. જુઓ આ સામેના આકાશ તરફથી આવે છે ને તે જ. ઘણી વૃદ્ધ થઈ ગઈ છે. સાથે નાના બે બચ્ચા હજી માંડ ઉગીને ઉભા થતાં હોય તેવા છે.
દેડકાએ માદળીયાના રહ્યાસહ્યા કાદવમાંથી ડોકું કાઢીને જોયું તો હા, એ જ બગલી હતી, જે બગલીની જુવાની તેણે જોઈ હતી. બે બચ્ચા સાથે તે ગામના આકાશમાં ચકરાવો લઈ રહી હતી. તેની પાંખો ઝાંખી પડી ગઈ હતી. દેડકાએ પોતાના અનુમાન કરેલા વિચારને સો એ સો ટકા સાચા પાડવા પોતાના હાથનું છજું બનાવી ઊંચું જોયું અને બબડીયો પણ ખરોઃ જ્યારથી આ ડુંગળીના કારખાના ગામડાઉંમાં ય નખાવા માંડ્યા છે ત્યારથી સાલ્લું આકાશ પણ રીસાઈ ગ્યું હોય એમ લાગે છ.
પછી પોતાની વાત સાચી હોય તેમ બોલ્યોઃ હા. આ તો બગલી ભાભી જ…પણ એના છોકરાઓ તો મોટા થઈ ગયા છે. દેડકો પણ જાણે પોતાની વાત ખાબોચીયાને સંભળાવવા લાગ્યો, ‘‘એ દિવસો હતા, ખાબોચીયાલાલ…જે ’દિ તમે તળાવ હતાને અમે રે તે તળાવના રાજા હો રાજ રે… બગલાભાઈ એની નાતના મુખી અને હું મારી નાતનો…પણ બેયને સારો ભાઈચારો. તે દિ આ તળાવની પણ જુવાની હતી. કંઈક કંઈક દેડક્યું દોડી આવતી આ તળાવની પાળે અને અમે ઝરમર વરસતા વરસાદમાં… લીલની જાજમ પાથરીને પરણતા..!’’
ભૂંડે હેરાન ન કર્યો હોત તો અત્યારે ખાબોચીયામાં પણ દેડકો પરણી ગયો હોત. પાછલા પગ ઉલાળીને ભૂંડથી છેટો ઉંચો પથ્થર હતો ત્યાં જઈને બેસ્યો અને બબડીયોઃ ‘‘ગામડા ગામની સુગંધને આ ભૂંડોએ ગંધવી મારી છે…’’
વળી તે વિચારોમાં ખોવાઈ ગયોઃ ઘણી બગલીઓ પણ આવી. બહારથી ટોળાના ટોળા ઉતરતા. અહીં એક વડલો હતો, તેની પર રાતવાસો કરતી, પણ બગલાને શેને ગમે…એ તો એ ખીજમાં ને ખીજમાં ગામડેથી દૂર બાજુના દરિયાકાંઠે પહોંચ્યો અને ત્યાંથી લઈ આવ્યો હતો આ બગલી ભાભીને! તે દિ આ શહેરની બગલીને જોવા તો અળસીયાએ પણ કિનારે આવીને ઓવારણા લીધા હતા!
થોડાં દિવસો તો સંસાર ચાલ્યો, પણ પછી બગલી ભાભીએ કહ્યું. અહીં તો તમારે મારી મારીને તમારો ખોરાક તૈયાર કરવો પડે છે. હું કંઈ મારવાનું કષ્ટ લેવાની નથી. અમારા શહેરમાં તો હાઈ-વેના પટ પર ચાલ્યા જાઓ એટલે એ કામ વાહનોએ કરી લીધું હોય અને તમારે આરામથી સીધું ખાવાનું જ – તૈયાર.
રોજનો કકળાટ તો માણસો ય ક્યાં સહન કરે છે! બે બચ્ચા થયાં પછી એક દિવસ બગલાભાઈ, આ બગલી ભાભીને લઈને ચાલ્યા ગયા. પછી તો બગાલ-બગલીના સમાચાર ન હતા, આ અચાનક કેમ?
એટલામાં તો બગલી ઉતરી તે સીધી જ દેડકાની સામે. પેલા બે બગલા-બચ્ચાં પણ ઉતર્યાં. દેડકાને જોઈને બગલીએ પાંખથી માથા પર પરસેવો લૂછતાં પૂછ્યુ, ‘‘દેડકા ભાઈ, કેમ છે? આપણું તળાવ ક્યાં?’’
દેડકાની આંખમાં દડદડ આંસુડા છલકાણા, ‘‘ભાભી, શું કહું…કરમ કહાણી.. હું તો પછી કહીશ, પણ મારા ભાઈ…? આ બચ્ચાં? તમે અહીં પાછા કેમ?’’
બગલી બીચારી પાંખોને પાથરીને બોલી, ‘‘શું વાત કરું, દેડકાભાઈ… તૈયાર રોજીરોટીની લાલચે ગયા તો ખરાં પણ એક દિવસ હાઈ-વે પર હું ને તમારા ભાઈ ખાવા માટે ગયા, ખોરાક પણ સારો ચીપાઈ ગયો હતો એટલે ઉખેડતા વાર લાગી, તેનું ધ્યાન ન રહ્યું અને એવામાં પૂરપાટ આવતા એક વાહને તેમને હડફેટે લઈ લીધા. ’’
‘‘ઓહોહોહોહો, હે ભગવાન, મારો સુખ-દુઃખનો સાથી ગ્યો… હે ભગવાન મને ય આ તળાવના નરવા નીરને બદલે કાદવકીચડ જોવા શા માટે જીવતો રાખ્યો?’’
‘‘એમ તો નાત ભેગી થઈને હાઈવે પર ઉતરી ને એવી રીતે ઉડી કે સીધી ડ્રાઈવરના કાચ સામે જાય પણ મેં નાતને કહ્યુઃ ભાઈ, ઈ તો કપાતર પાક્યા, આપણે કાંઈ થોડું નીચાજોણું કરાય, કાલે ઈ જ કેવાના કે બગલાઓએ બળવો કર્યો…આવું આપણા નામે બોલાય તે થોડું પોસાય!
‘‘ધીરે ધીરે મને પસ્તાવો થયો અહીંથી જવાનો, પણ છોકરાવ ન માન્યા તે ન માન્યા. બન્ને મોટા થઈ ગ્યા એટલે એક ગોવા બાજુ દરિયાકાંઠે વઈ ગ્યો અને એક મુંબઈ બંદરે, રોજીરોટી માટે કરવું પડે, શું કરે? ખારવા મચ્છી સુકવે તેમાં ખરાબ ફેંકી દે તે મળી રહે છે. મુંબઈ બંદર મોટો દીકરો છે. એની સાથે હું પણ ત્યાં ચાલી ગઈ. એક દિવસ આ છોકરાવના છોકરાવ જિદ્દે ચઢ્યા કે દાદી મારા દાદાનું વતન દેખાડો.
‘‘હું તો આવી. ઉપરથી જોયું તો થયું હું કોઈ બીજા દેશમાં તો નથી આવી ગઈને? આ તળાવ પાસે તો એક મોટો વડલો હતો, ત્યાં મોબાઈલ ટાવર લાગી ગ્યો છે…..’’
હજુ બગલી કાંઈ બોલે એ પહેલા દેડકો બોલ્યોઃ
‘‘ભાભી, આ તળાવમાં પૂરણી પૂરીને માથે પંચાયત-હાઉસ બનાવ્યું છે. આ તો ચાર ઘરની ગટર ભેગી થાય છે, તેનું ખાબોચીયું છે, જ્યાં સુધી ભૂંડડા ન કવરાવે ત્યાં સુધી ઠંડક લઈએ ને બાકી રામ…રામ…હવે તો અમારી વસ્તી પણ ઓછી થઈ ગઈ છે.’’
‘‘વડલો…અને તેના પર રહેતા આપણા ભાયાતુંઓ…?’’
‘‘વડલો તૂટ્યો અને આ ટાવર આવ્યા. ચકલાઘેરાએ ત્યાં માળા કર્યા પણ ભગવાનને કરવું પાંચ વર્ષમાં એક હામટા ઓછા થઈ ગ્યા. થોડાંક બચ્યાં તે ખેતરુંમાં રહેવા ચાલ્યા ગયા. ઘૂવડ હવે સરપંચની વાડીયે પીપરું છે ત્યાં રેય છે. કાગડાઓ ભાદરવે આવે, એ રખડતી પ્રજા થઈ ગઈ છે. કાચબા હતા એ ગામ કુવામાં બે રહ્યા છે. નય તો બીજા તો ગામના છોકરાવ લઈ ગ્યા જે દિ પૂરણી પૂરાતી હતી ત્યારે, પછી શું થ્યું રામ જાણે? એક મને જ ક્યા માણસની હાયું લાગ્યું છે કે મોત નથી આવતું!’’
દેડકો થોડીવાર મૂંગો રહ્યો. પેલા બે બચ્ચાં તેને જોઈ રહ્યાં હતા. એક બચ્ચું બીજાને કહેતું હતું, ‘‘સો…ડર્ટી…, આના કરતા તો આપણે ત્યાં સારું છે. ગ્રાન્ડ પા અહીં રહેતા હતા?’’
દેડકો સાંભળી ગયો, ‘‘ના બેટા, તારા દાદાનું રજવાડું તો પંચાયત લઈ ગ્યું. હવે તો તેની રૈયતને પણ વગર તલવારે કે વગર ગને મારે છે.’’
દેડકાએ બગલી સામે જોઈને કહ્યું, ‘‘ભાભી, ખબર નહીં, આ માણસું કેવી કેવી રીતે આપણને મારે છે? પણ હશે, ભાભી… મને હવે જાતી જિંદગીએ થાય છે કે છોકરાવ કહેતા હતા કે દરિયો ક્યાં છેટો છે. દીવ નજીક હતું. મેં નો જાવા દીધા. દરિયા કાંઠે ગ્યા હોત તો અમારી પેઢીયું દરિયો દેખ્યાનું સુખ તો લેત…પણ જેવું દામોદરરાયને ગમ્યું તે સાચું. પણ હવે તમે પાછા વળી જાઓ.’’
દેડકાના દયામણાં ચહેરાને જોઈને બગલીને પણ આંખે ઝળઝળીયા આવ્યા જેવું થયું. પાંખો ભેગી કરી કહ્યું, ‘‘હશે, દેડકા ભાઈ. દિલ નાનું ન કરો. એ તો માણસ થઈને છૂટી જાશે. ઉપર વાળો એનું કામ કરે છે. હું જાઉં છું પણ ઈચ્છા છે કે હવે તમને દરિયો દેખાડી દઉં. એ ઘણીવાર કહેતા હતા કે તમને અમારી સાથે લઈ આવવા પણ લાવવા કેમ? હવે, નવી પેઢી આવી ગઈ છે. બુદ્ધિશાળી. છોકરાવે મને કાનમાં હમણાં કહ્યું કે તેણે સ્કૂલમાં કાચબા અને હંસની વાર્તા સાંભળી છે, જેમાં એક લાકડીમાં વચ્ચે કાચબો ટીંગાઈ જાય છે. એ બન્ને લાકડી પકડશે અને તમે વચ્ચે ટીંગાઈ જાઓ. પોરો ખાતા…ખાતા…પહોંચી જઈશું. રસ્તે અમે ઉતારીએ નહીં ત્યાં સુધી કશું બોલતા નહીં. મોઢા સાથે આગલા પગ પણ લાકડીને વળગાડી દો.
બે ય બગલા-બચ્ચાએ લાકડી બન્ને તરફથી ચાંચમાં ભરાવી. દેડકો ટીંગાઈ ગયો. બગલી અને બચ્ચા ઉડ્યા. દેડકા ભાઈની લાઈફટાઈમ અચિવમેન્ટ જેવી ટ્રાવેલિંગ શરૂ થઈ.
— આનંદ ઠાકર