Home JANVA JEVU Travel: અનેક રહસ્ય અને રોમાંચની આ નગરી જે ગુજરાતના મધદરિયે આવેલી છે,...

Travel: અનેક રહસ્ય અને રોમાંચની આ નગરી જે ગુજરાતના મધદરિયે આવેલી છે, જાણો છો?

0

Travel Shiyal Bet mysterious and wonderful place in gujarat

Travel: અનેક રહસ્ય અને રોમાંચની આ નગરી જે ગુજરાતના મધદરિયે આવેલી છે, જાણો છો?

આલેખન – વિષ્ણુ ભાલિયા

ચોતરફ આરબ સાગર ઘૂઘવાટા કરે અને તેની વચ્ચે આખું એક ગામ નિરાંતની ઊંઘ ખેંચી રહ્યું હોય તે વાત જ કેવી કલ્પનાતીત લાગે છે ! નહીં ?

 

ધ્રુવ ભટ્ટની ‘સમુદ્રાન્તિકે’ જેણે વાંચી છે તેમણે શિયાળબેટ વિશે ઘણી વાતો જાણી હશે. જાફરાબાદથી તો માત્ર 25 કિલોમીટર થાય. રજુલાથી પણ જઈ શકાય અને પીપાવાવ પોર્ટની બાજુમાં એક નાનકડો રસ્તો અને ત્યાંથી જેટી પર જવાય અને જેટી પરથી નાવમાં બેસીને શિયાળબેટ પહોંચી શકાય.

હોડીમાંથી શિયાળબેટની ઘરતી પર પગ મૂકો એટલે થાય કે આ બેટ કેટલું બધું પોતાની ભીતર ધરબીને બેઠો છે! સાથે સાથે એક અગોચર વિશ્વમાં આવી ગયાનો અહેસાસ થાય.

ચોતરફ આરબ સાગર ઘૂઘવાટા કરે અને તેની વચ્ચે આખું એક ગામ નિરાંતની ઊંઘ ખેંચી રહ્યું હોય તે વાત જ કેવી કલ્પનાતીત લાગે છે ! નહીં ? એક સમયનું આ ધમધમતું નગર હશે કદાચ. જેના ખંડેરોમાંથી આજે પણ અવશેષરૂપે પૌરાણિક મૂર્તિઓ ધરતીના ઉદરમાંથી ડોકિયાં કરે છે. જેમાં મોટે ભાગે બૌદ્ધ, જૈન અને હિન્દૂ એમ ત્રણે ધર્મને સાંકળતી મૂર્તિઓ જોવા મળે છે. અહીં ડગલે પગલે મંદિરો છે તો વળી ચોતરફ આંખ પલકારો મારે ત્યાં એક નવી વાવ સામે ઉભી હોય. એમાં પણ માન્યમાં ન આવે એવી વાત તો એ કે, તેનું પાણી કુદરતી રીતે મીઠું મધ જેવું હોય. ક્ષણેક તો સવાલ હૃદયમાં સળવળ્યા વિના રહે જ નહીં કે આ ખારાંદવ મહેરામણનું ખારું હૈયું ચીરીને આ અમીધારા ક્યાંથી ફૂટતી હશે ? ડગલે ડગલે ને ગલીએ ગલીએ વાવ જોવા મળે. કોઈ પાણીની છલોછલ, તો કોઈ અવાવરું. એક તરફ તો મારી આંખ પહોળી થઈ ગઈ. માન્યમાં ન આવે બિલકુલ એવું ! એક વાવ તો બિલકુલ દરિયાની સામે જ. માત્ર 15 મીટરના અંતરે. છતાં કુદરતની કરામત હોય એમ તેનું પાણી ચાખો તો જાણે મીઠું મધ ! ખારોદવ દરિયો સાવ પડખામાં ને વાવમાં મીઠાં મધુરા પાણી. ફરી પાછું હૈયામાં ઘૂમરાયું: ‘આ અમૃત જેવા પાણીનો મીઠો રેલો કોણ વહેવડાવતું હશે ?’ જોકે એનો ઉત્તર તો આપોઆપો હૈયામાંથી નીકળ્યો: ‘હા, એ જ !’

ચેલૈયાનો ખાંડણિયો

સગાળશા શેઠ અને ચંગાવતીના પુત્ર ચેલૈયાનું પેલું લોકગીત તો આજે પણ આપણા હોઠે રમે છે. એ ગીતમાં વર્ણવેલી ઘટના આપણાં કાળજા કંપાવી જાય તેવી છે. કહેવાય છે કે, કોઈ લોકકવિ એ લોકગીતમાં ગુંથેલી આ ઘટના શિયાળબેટની ધરતી પર આકાર પામી છે. તે નિર્દોષ ચેલૈયાના બલિદાન અને માતા પિતાની ટેક ખાતર હસતા હસતા ખાંડણીયે ખંડાઈ જનાર દીકરાની મુક સાક્ષી બની ઊભેલો પેલો ગોઝારો ખાંડણીયો પણ હજી પડ્યો છે. હાલ, ચેલૈયાનું અને અઘોરી બાવના રૂપમાં આવેલા ભગવાનનું મંદિર જૂનાગઢના બીલખા ગામે આવેલું છે. જોકે, શિયાળબેટમાં પણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

શિયાળબેટ એ એક ઐતિહાસિક અને પ્રાચીન પુરાતત્વીય બેટ છે, એની જાહોજલાલી એવી કે ત્યાં ઘણાંખરાં ધર્મોના સ્થાનકો કે ચિહ્નો મળી આવે છે. તેમજ એક સમયે ચાંચિયાઓ સહિત અનેક દેશ દુનિયાના વહાણો નાંગરતા હશે. તે સમયે કદાચ વેપારનું મોટું મથક પણ ગણાતું હશે. પણ હાલ ધર્મના અનુસંધાનમાં વાત કરું તો, તેમના આસ્થાના કેન્દ્ર સ્થાને અડીખમ ઊભેલું સ્થાન એટલે ગોરખમઢી. મૂળ ગોરખનાથનો આશ્રમ જેને આજે ત્યાંના લોકો ‘ગોરખમઢી’ કહે છે. જેમાં, ગોરખનાથ, ગણપતિ, હનુમાનજી, થાનવાવ માતા અને જૈન તીર્થંકરની મૂર્તિઓ બિરાજમાન છે. શિયાળબેટના મુખ્ય સ્થળોમાં રામમંદિરની સાથે સાથે આ ગોરખમઢીનો સમાવેશ થાય છે.

કોઈ પણ ગામમાં કેટલાક એવા સ્થળ તો હોય જ કે, જેની સાથે તેમની આસ્થા, ધાર્મિક માન્યતાઓ કે રીતિ રિવાજો જોડાયેલા હોય. શિયાળબેટનું એવું જ એક સ્થળ છે ત્યાં આવેલી એક પ્રાચીન વાવ. જેને ‘થાનવાવ’ માતાના નામથી લોકો અસ્થાભેર પૂજે છે. કહેવાય છે કે, જે માતાનાં થાનમાં ધાવણ ન આવતું હોય તેવી માતાને આ થાનવાવમાં બોળેલ કાપડું નિચોવીને ભીનું ને ભીનું પહેરાવવામાં આવે એટલે થાનેલાં દૂધે ભરાય! ‘થાનવાવ’ નામની માતાનાં નિર્મળ પાણીનું સત આજ પણ એવું ને એવું અનામત મનાય છે.

શિયાળબેટમાં આજે અમૂલ્ય સ્થાપત્યોની સાક્ષી પૂરતો કિલ્લો અડીખમ ઊભો છે. અનંત ચાવડાએ બે ડોકાબારી સહિત બનાવેલ કિલ્લાની પણ મુલાકાત લેવા જેવી.

કહેવાય છે કે વર્ષો પહેલા શિયાળબેટ પરથી ચાંચ બંદર જવા માટે ત્યાંથી ગાડાઓ જતા. ઓટના સમયે જ્યારે દરિયો તેનું પાણી ગળી જાય ત્યારે ખાડી સુકાઈ અને એક કેડી પડે, ત્યારે માંડ થોડો સમય દુનિયા સાથે નાતો બંધાય. ભરતી ચઢે અને વ્યવહાર બંધ. જોકે હવે તો ખાડી એટલી બધી મોટી બની ગઈ કે છે કે ગાડા ચલાવવાનો વિચાર પણ ન કરી શકાય. માત્ર હોડી ત્યાં પહોંચવાનું સહજ સાધન. હાલ એનો રમણીય લાગતો દરિયા કાંઠો અને ભીંની રેતી મન મોહી લે એવી છે. કિનારે આવીને શમી જતાં મુલાયમ મોજાં પર ચલવાનો આનંદ તમને ઘડીભર સ્વર્ગ ભૂલવી દે. શીતળ પવનની મીઠી લહેરખીથી મન જાણે ખારાં પાણીમાં નાહી રહે.

શિયાળબેટની શાન બનીને ઊભેલી દીવાદાંડી પાસે જ સવાઈપીરનું ધાર્મિક સ્થળ આજે પણ હિન્દૂ- મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યું છે. ત્યાંના માછીમારોની સવાઈપીર પર ઊંડી આસ્થા છે. સામે જ દરિયાની વચ્ચે સ્થિત એક ભેંસલો આવેલો છે. નરી આંખે જોતા લાગે એક પથ્થરની શીલાએ દરિયાના ઉદરમાંથી ડોકિયું કર્યું ન હોય !

શિયાળબેટ અદભુત ભૌગોલિક વિશેષતા ધરાવતો વિસ્તાર છે. નયનરમ્ય દરિયાઈ ભેખડો, કોતરો અને શીતળ પવન આ બધું જ મનમોહી લે તેવું છે. ત્યાંના લોકો તેમની અનોખા લહેકાવાળી ભાષા અને ભાતીગળ સંસ્કૃતિને સાચવીને બેઠા છે. પહેરવેશ પરથી જ એકદમ ભલા ભોળા દેખાઈ આવે.

શિયાળબેટમાં મળી આવતા પુરાતત્વીય અવશેષો

શિયાળબેટની અંદર પ્રાચીન ખંડેર, ઐતિહાસિક સ્થાપત્ય, ચેલૈયાના અવશેષ અને ખૂબ દુર્લભ કહી શકાય તેવી પ્રતિમાઓ વગેરે કેટલું બધું અમૂલ્ય ખજાના સમુ પડ્યું છે ! ખરેખર અદભુત, જાણવા અને માણવા લાયક.

લેખક- વિષ્ણુ ભાલિયા

( લેખક જાફરાબાદના વતની છે અને ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકે એક નવો અવાજ લઈને આવ્યા છે. )

Travel Shiyal Bet mysterious and wonderful place in gujarat

error: Content is protected !!
Exit mobile version