Home JANVA JEVU Travel : તમે વેકેશનમાં દીવ જવાનું વિચારો છો? તો આ લેખ પૂરો...

Travel : તમે વેકેશનમાં દીવ જવાનું વિચારો છો? તો આ લેખ પૂરો વાંચજો…

0

Travel diu Tourism unknown places nagova gangeshwar gujarat

Contents

તમે વેકેશનમાં દીવ જવાનું વિચારો છો? તો આ લેખ પૂરો વાંચજો…

– કૌશલ પારેખ ( દીવ )

( લેખક દીવના રહેવાસી છે તેમજ દીવને જાણવા, માણવા માટે હંમેશા ફરતા રહે છે. પ્રવાસ અને અવનવા સ્થળોની મુલાકાત લેવી એ એમનો રસનો વિષય છે. )

“દીવ” નામ સાંભળતાની સાથે ઉમરમાં મોટા હોય કે નાના દરેક વ્યક્તિના મુખ પર જાણે હર્ષની લાગણી છવાઈ જાય છે!  દીવનું નામ સાંભળતા જ આપણી નજર સામે ચોખ્ખાચણાક રસ્તા, દરિયાના ઉછળતા મોજાંના દ્રશ્યો છવાઈ જાય છે, અને મદિરા સેવનના શોખીનોને તો જાણે ગંગામાં સ્નાન કરી આવ્યાનું સુખ દીવનું નામ સાંભળતા થઈ જાય છે!

નસીબજોગે હું સ્વયં પણ દીવનો જ વતની છું એટલે એવું ના માનતા કે અમે પણ ગંગાજળમાં રોજ ડૂબકી લગાવી લેતા હશું, પણ અમે દીવના ગંગાજળ ને બદલે દીવના અવિરત કુદરત દ્વારા આપવામાં આવેલ સૌંદર્યના પ્રેમી છે.  અવાર-નવાર દીવ આવતા પ્રવાસીઓ સાથે તેમના દીવ પ્રવાસ અંગે વાતચીત થતી હોય છે. આ દરમિયાન મોટાભાગના લોકોને હજુ સુધી દીવ વિષેની વિસ્તૃત સાચી માહિતી હોતી નથી, જેનું મને ઘણીવાર અજુગતું લાગે છે!

Travel diu Tourism unknown places nagova gangeshwar gujarat

દીવ વિશે ટૂંકમાં છતાં જાણવા જેવી વાતો…

દીવ અરબી સમુદ્રના કાંઠે વસેલ એક નાનો દ્વીપ છે, જે ચારે બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે.

દીવનો કુલ વિસ્તાર 38.8 KMS નો છે.

દીવમાં ઈ.સ.1537 થી ઈ.સ. 1961  દરમિયાન પોર્ટુગીસ શાસન રહ્યું.

19મી ડિસેમ્બર, 1961 ના રોજ “ઓપરેશન વિજય” મિશન થકી ભારત સરકાર દ્વારા પોર્ટુગીસ શાસન માથી દીવને આઝાદ કર્યું.

અહીંના લોકો ખુબ જ શાંતિપ્રિય અને અનુશાસિત છે.

દીવના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારનો છે, સાથે ઘણા બધા નાગરિકો દેશ-વિદેશમાં સી-મેન તરીકે ફરજ બજાવે છે.

દીવના નાગરિકો ને પોર્ટુગીસ નેશનાલીટીનો લાભ મળતો હોવાથી 50% ઉપર ના લોકો વિદેશ માં સ્થાયી થયા છે.

દીવના મુખ્ય આકર્ષણના સ્થળો…

ગંગેશ્વર મંદિર, દીવ ફોર્ટ, સેંટ પોલ ચર્ચ , દીવ મ્યુઝીયમ, પાણીકોઠા, નાગવા બીચ,  ડાઈનસોર પાર્ક,  સનસેટ પોઈન્ટ,  અહેમદપુર માંડવી બીચ, બર્ડ સેંચુંરી,  નાયડા કેવ, જલંધર બીચ વગેરે આવેલ છે.

આજે આપણે માત્ર દીવમાં આવેલા સ્થળો વિશે જોઈએ….

Travel diu Tourism unknown places nagova gangeshwar gujarat

દીવ ફોર્ટ :

16મી સદીમાં પોર્ટુગિસ શાસકો દ્વારા બનાવવાંમાં આવેલ દીવ કિલ્લો આટલા વર્ષો પછી પણ પોતાની મજબુત દીવાલો સાથે અડીખમ ઊભો છે. કિલ્લાનું નિર્માણ ચુના,પથ્થરરેતી થી કરવામાં આવેલ છે. જૂનું દીવ શહેર આ કિલ્લાની અંદર જ આવેલ હતું.  દીવ શહેરમાં પ્રવેશ કરવા માટે દરેક બાજુ પર ઝાંપા ગેટ બનાવવાં માં આવેલ હતા, આ પૈકીના 3 ગેટ હજુ પણ અવર-જવર માટે ચાલુ છે.  શહેરના વિકાસ થતાં ગેટ બહાર પણ દીવ શહેર વિકસી ગયું છે.  કિલ્લાની બધી બાજુ દરિયાનું પાણી અવિરત વહે છે, જેથી એ સમયે આ વ્યવસ્થા એટલે હતી કે કોઈ પણ આક્રમણખોર કિલ્લામાં જલ્દીથી પ્રવેશી ના શકે.

દીવાદાંડી:

દીવ કિલ્લામાં દીવાદાંડી આવેલ છે, જેમાં ઉપર ચઢી એકબાજુ દીવ શહેર અને બીજી બાજુ અરબ સાગરનો રમણીય નજારો જોઈ શકાય છે. ફોટોગ્રાફીના શોખીનો માટે કિલ્લો એક ઉતમ સ્થાન છે.

સેંટ પોલ ચર્ચ :

ઈ.સ. 1605મી સદી આસપાસ આ વિશાળ ઇમારતનું નિર્માણ થયેલું છે.  તેની કારીગરી આબેહૂબ ગોવાના ચર્ચ જેવીજ છે.  આ ચર્ચની અંદરના ભાગમાં સીસમના લાકડાંની કારીગરી લાજવાબ છે.  સાથે મધર મેરી અને ઇસુ ખ્રિસ્તના સ્ટેચ્યું આકર્ષણ નું કેન્દ્ર છે.  ચર્ચની આસપાસના વિસ્તારમાં પોર્ટુગીસ રહેણી-કેહણી ધારવતા ખ્રિસ્તી લોકોને જોઈ શકાય છે.

દીવ મ્યુઝીયમ :

આ વિશાળ ઇમારત નું નિર્માણ ઈ.સ. 1598 માં સેંટ થોમસ ચર્ચ તરીકે કરવામાં આવેલ હતું, ઘણાં વર્ષો પેહલાં આ ઇમારત ને દીવ મ્યુઝીયમમાં પરિવર્તિત કરી આપવા માં આવેલ છે.  મ્યુઝીયમમાં 400 વર્ષ જૂના ST. THOMAS અને ST. BENEDICT ના સ્ટેચ્યુ આવેલ છે.

દીવ પાણીકોઠા ( FORTIM MAR ):

ભૂતકાળમાં ગુજરાત અને પોર્ટુગીસ શાસકો દ્વારા મુઘલ સલ્તનતથી દીવને બચાવવા દરિયાની વચ્ચે એક નાના કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું છે. પોર્ટુગીસ સમયમાં આ કિલ્લાનો કાળાપાણીની સજા આપવા માટે કરવામાં આવતો હતો પણ, હાલ આ ટુરિસ્ટ પ્લેસ છે. દીવ બંદર ચોકથી ફેરી બોટમાં પાણીકોઠા સુધી જઈ શકાઈ છે.  સાંજના સમયે રંગબેરંગી રોશની થી જળી ઊઠે છે. આ કોઠા માં એક દીવાદાંડી આવેલ છે. દરિયાની વચ્ચે આ કોઠો હોવાથી  માછીમારો ને બોટ આવવા લઇજવા માં સરળતા મળે અને જાનહાનિ ટળે તે માટે આ દીવાદાંડી મુકેલ છે.

નાયડા કેવ્સ :

જૂના સમયમાં દીવ કિલ્લાના નિર્માણ વખતે પથ્થરો અહીંથી લાવવા માં આવ્યા હશે તેવી માન્યતા છે.  આ પથ્થરોને તોડવાથી વિશાળ ગુફાઓનું નિર્મળ થયેલ છે.  આ ગુફાઓમાં ઉપરથી સૂર્યપ્રકાશના કિરણો બાકોરા માંથી નીચે આવતા ગુફાઓ માં એક અદ્ભુત રોશની સર્જાય છે.  અહીંની ગુફાઓમાં પર્યટકો ફોટોગ્રાફીની મજા ભરપૂર માણે છે.  બૉલીવુડ તેમજ ગુજરાતી મુવીસના ઘણાં શૂટિંગ અહીંની ગુફાઓમાં ઉતારવામાં આવેલ છે.

જલંધર અને ચક્રતીર્થ બીચ :

સનસેટ પોઈન્ટની બાજુમાં આ બિચ આવેલ છે.  મહાભારત કાળમાં આ દ્વીપ પર જલંધર નામ ના રાક્ષસ નું સામ્રાજ્ય હતું.  ઋષિમુનિ દ્વારા તપસ્યા થકી  શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં દરિયાના વચ્ચેના ખડક ઉપર ઊભી અને સુદર્શન ચક્ર દ્વારા આ રાક્ષસનો વધ કર્યો હતો. તે સમયે જલંધર રાક્ષસ સમર હાઉસ નામની હાલની જગ્યા પર ઊભેલ હતો, જેથી તેનું મસ્તક સમર હાઉસમાં પડ્યું અને આખું ધડ ( શરીર ) દરિયામાં પડ્યું તેવી માન્યતા છે.  ભગવાનના હાથે આ રાક્ષસનો વધ થયો હોવાથી સમર હાઉસમાં આજની તારીખે જલંધર રાક્ષસનું મંદિર આવેલ છે.  આમાં તેનું મસ્તક છે, જ્યારે મહુવા બંદર પાસે તેનું ધડ બહાર આવતા ત્યાં તેના ધડ વાળું મંદિર છે. સમય જતાં જે જગ્યા પર જલંધરનું ધડ પડ્યું છે, તે વિસ્તારને જલંધર બીચ અને જ્યાંથી શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રથી પ્રહાર કર્યો હતો, તે જગ્યાને ચક્રતીર્થનું ઉપનામ મળ્યું.  આ બંને બીચ ની બાજુ પર વોકિંગ – સાઈકલિંગ  ટ્રેક હોવાથી સવાર-સાંજ લોકોની ચહલ-પહલ જોવા મળે છે. આ બીચની આસપાસ નિલગિરી, સરૂ, હોકા, નાળિયેરી, પીપળો વગેરે વૃક્ષો હોવાથી આ વિસ્તારમાં પણ વિવિધ પ્રજાતિ રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે.

દીવમાં આ બધી લોકપ્રિય જગ્યાઓ ઉપરાંત બીજી ઘણી બધી પૌરાણિક જગ્યાઓ, મંદિરો, ઇમારતો આવેલ છે જેના વિષે હજુ સુધી કોઈ ને ખ્યાલ નથી.  દીવમાં અંદાજિત 200 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે.  જેમાં અચૂક જોવાલાયક મંદિરોમાં….

દીવ શહેરના અજાણ્યા સ્થળો…

Travel diu Tourism unknown places nagova gangeshwar gujarat

શ્રી સોમનાથ મંદિર –

આ મંદિર ભગવાન શિવનું છે અને જમીનની અંદર 40 ફૂટ નીચે છે.  મંદિરની ભવ્યતા માટે જાણીતું છે. જલંધર બીચથી અંદાજે એક કી.મી.ના અંતરે આવેલ છે.

શ્રી જગદીશ મંદિર –

આ મંદિર શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર છે.  મંદિરની બહારની કલાકૃતિ ખુબજ સુંદર છે, જલંધર બીચથી 500કિમી.ના અંતરે આવેલ છે.

શ્રી મોટા હનુમાન મંદિર-

આ મંદિર ખાણ ( ગુફા )ની અંદર આવેલ છે, જલંધર બીચ પાસે જ છે.

સીતારામ મંદિર-

આ મંદિરમાં પણ શિવ ભગવાન જમીનની અંદર 40 ફૂટ નીચે બિરાજમાન છે.

નગર શેઠ હવેલી –

અંદાજે 100 વર્ષ આસપાસ જૂની આ ઇમારત ફળ અને ફૂલોની આગવી કલાકૃતિ, રંગબેરંગી રંગોથી સજેલી, અને કલાત્મક જરૂખા વાળી હજુ પણ યુવાન દેખાય છે!

પાનીબાઈનું ઘર–

આ હવેલી પણ પોતાના વિશિષ્ટ કલાકૃતિ ધરવતા જરૂખા, દરવાજા તેમજ તેના પોર્ટુગીસ શૈલીનું રાચરચીલું, ચિત્રો, મૂર્તિઓ વગેરે માટે જાણીતું છે.

શહીદ સ્મારક –

1961 ની લડાઈમાં ભારતીય સેનાના શહીદ થયેલ સૈનિકોની યાદગીરી રૂપે દીવ કલેક્ટર ઓફિસની સામે બગીચામાં શહીદ સ્મારક આવેલું છે.

વિજય સ્થંભ –

1961માં ભારતીય સેના દ્વારા જીત મેળવ્યાની યાદગીરી રૂપે બનાવવામાં આવેલ વિજય સ્થંભ PWD ઓફિસની સામે આવેલો છે.

જૈન દેરાસર અને ઉપાશ્રય –

સ્થાનકવાસી જૈન સમુદાયનું જૈન દેરાસર દીવ બાલભવન પાસે આવેલ છે.

દીવ શહેરની અંદરના ભાગમાં સાંકડી ગલીઓ હોવાથી ઉપરોક્ત માની ઘણી જગ્યા જોવામાટે ચાલતાં, સાઇકલ કે સ્કૂટર દ્વારા ફરવું વધુ સારો વિકલ્પ છે.  આ સિવાય અંદરના ભાગોમાં પોર્ટુગીસ કલાકૃતિ વાળી અન્ય નાની મોટી ઇમારતો આવેલ છે.

દીવ ફરવા માટે આમતો બધી ઋતુમાં આવી શકાય છે.  ગરમી અને ઠંડીનું પ્રમાણ ગુજરાત કરતાં ઓછું હોય છે.

નીરો….

દીવની આસપાસ હોકાના વૃક્ષો જોવા મળે છે.  આ ફળ ખુબજ કડક હોય છે અને તેની છાલ ખૂબ પાતળી હોય છે.  આ ફળ ખાય શકાય છે તેમજ દીવમાં ઊગતા ગાજર, ગુવાર, તાંજળિયા, પાલક, કોથમરી, શંકુ વગેરે ભાજીનો સ્વાદ અનેરો હોય છે.  દીવ આવતા લોકોમાં તાડી ( નીરો ) નામનું પીણું પ્રવાસીઓને આકર્ષે છે.

સ્થાનિક તહેવારો…

Travel diu Tourism unknown places nagova gangeshwar gujarat

 

દીવ આવવા માટે મુંબઈ-દીવ વચ્ચે રોજ એર ઈન્ડિયા દ્વારા ફ્લાઇટ આવે છે. દમણ અને દીવ વચ્ચે દરરોજ એક વાર હેલીકોપ્ટર ની સર્વિસ પણ છે.  નજીકનું રેલ્વે સ્ટેશન દેલવાડા છે, તેમજ મુંબઈ, અમદાવાદ, સુરત, દમણ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, વેરાવળ જેવા પ્રમુખ શહેરો સાથે સરકારી અને પ્રાઈવેટ બસો દરરોજ ચાલે છે.

આશા રાખું છું કે આજનો મારો આ લેખ આપને ઉપયોગી નીવડશે.

–    કૌશલ પારેખ (દીવ)
( મોબાઈલ: 09624797422 )

નોંધ – અહીં પ્રસ્તુત તસ્વીર અને લખાણ પર લેખકશ્રીના copy rights હોય. મંજૂરી વગર માહિતી કે ફોટોનો ઉપયોગ કાયદાને આધિન રહેશે.

Travel diu Tourism unknown places nagova gangeshwar gujarat

આ પણ વાંચો – 

sports : ગુજરાતી મૂળની યુવતીએ દુબઈમાં રહીને આ રીતે ક્રિકેટમાં વગાડ્યો ડંકો…

અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!

જૂનું રામાયણ, નવા રામ

M-Sand : શું તમે જાણો છો, મેન્યુફેક્ચર્ડ રેતી, કઈ રીતે બને છે?

Gujarati Varta: ખારાં પાણીનું ખમીરS

બાબલું, તારી મા હમણાં આવશે, હોં!

એ હકીકત કહી દાદા અને દાદીમા રડી પડ્યા! – ભરતકુમાર એમ.સોલંકી

સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય

error: Content is protected !!
Exit mobile version