Contents
- 1 The Mental Health Pandemic human psychology stress Depression meditation
- 2 માનસિક તંદુરસ્તીની મહામારીમાનસિક તંદુરસ્તીની મહામારી : કારણો અને ઉપાયો…
- 3 તણાવ (Stress)
- 4 માનસિક સ્વાસ્થ્ય….
- 5 સોશિયલ મીડિયા અને મનોવિજ્ઞાન…
- 6 તમારા બાળકો કે તમારા મિત્રોને આનાથી બચાવવા માટે….
- 7 Bipolar Disorder….
- 8 ડિપ્રેશન (Depression)…
- 9 The Mental Health Pandemic human psychology stress depression meditation
The Mental Health Pandemic human psychology stress Depression meditation
Mansik Tandurasti ni Mahamari
માનસિક તંદુરસ્તીની મહામારીમાનસિક તંદુરસ્તીની મહામારી : કારણો અને ઉપાયો…
– જય ઠાકર
( લેખક કોમ્પ્યુટર એન્જિનિઅર છે. વિજ્ઞાન, વૈશ્વિક રાજકારણ અને રમતજગત એમના રસના વિષયો છે. અહીં એમણે મનોવિજ્ઞાન પર સંશોધનાત્મક અને દરેકને જીવનમાં ખૂબ ઉપયોગી થઇ પડે એવો લેખ લખ્યો છે. માટે તમે પણ વાંચો ને સૌ સ્વજનોને મોકલો કારણકે શરીરની તંદુરસ્તી સાથે મન – મગજનું આરોગ્ય પણ જરૂરી છે. )
તણાવ (Stress)
તણાવ (Stress) શબ્દથી તો હવે સૌ કોઈ પરિચિત છે. વધતી જતી દોડધામ વચ્ચે હવે કોઈ અંશે આપણે બધા આ વસ્તુ અનુભવીએ છીએ. પણ શું તમને ખબર છે આ તણાવ જો વારંવાર અનુભવતા હોઈએ તો એ તમને ભાષા ભૂલાવી શકે છે. જે શબ્દોથી તમે પરિચિત હો એ પણ યાદ કરવા મુશ્કેલ બને છે. તણાવ તમારા એ મેમરી ફંકશન ને અસર કરે જે ને રોજબરોજ આપણે વસ્તુ ને યાદ કરવા યુઝ કરતા હોઈએ છીએ. તમે ગૂગલ કરી શકો છો. આ મને મારા સાઈકોલોજિસ્ટ મિત્રો પાસેથી જાણવા મળેલું છે. અમુક અંશે ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે અનુભવ્યું પણ ખરું. એટલું જ નહીં તણાવ એ બેચેની માટે નું મુખ્ય કારણ છે. આજ રીતે અનિદ્રા માટે પણ તણાવ જવાબદાર છે. તણાવ જો બેચેનીમાં પરિણમે તો એ અનિદ્રા માટે કારણભૂત બની શકે.
The Mental Health Pandemic human psychology stress depression meditation
માનસિક સ્વાસ્થ્ય….
તમારુ શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એ બંને એક સિક્કાની બે બાજુ છે. શારીરિક તંદુરસ્તી માટે તો આપણે લગભગ હરરોજ વિચાર કરતા હોઈએ છીએ, શાળાઓમાં શારીરિક શિક્ષણનો વિષય પણ ભણાવવામાં આવે છે. શારીરિક રોગોને લઈ ને બધા સાવચેત છે, તાવ આવ્યે ડોક્ટર પાસે જઈ દવા લઈ આવશે પણ સખત તણાવ અનુભવી પણ કોઈ ને કહેશે નહીં. શરમ અનુભવતા હોય છે.
“ખુશ હોવું એ મનની એક સ્થિતિ છે” આ તમે કદાચ સાંભળેલું હશે. પણ કોઈ 24 કલાક ખુશ રહેતું નથી. એ પણ સમજવું રહ્યું કે દરેક ને બધી જાતની ખુશી મળતી હોતી નથી. આપણે બધા કોઈ ને કોઈ રીતે માનસિક બીમારી અનુભવતા હોઈએ છીએ, કોઈ એકદમ તંદુરસ્ત હોતું નથી.
સોશિયલ મીડિયા અને મનોવિજ્ઞાન…
સોશિયલ મીડિયાએ લોકોમાં અને ખાસ કરીને બાળકો અને ટીનએજ યુવાનોમાં ઘણા બધા આત્મ સન્માનના પ્રશ્નો ઉભા કરેલા છે. એ યુવાનોના આત્મ સન્માનને નકારાત્મક રીતે અસર કરે છે. ટીનએજ યુવતીઓમાં ખાસ કરીને Body Dysmorphia જેવી માનસિક અસરો ઉભી કરે છે. આ યુવાનો પોતાની જાતને સ્વીકારતા અચકાટ અનુભવે છે. પોતાની જાતને બીજા લોકો સાથે સરખાવી નીચું અનુભવે અને પોતાના શારીરિક દોષો શોધે. એ લોકો એવું માનતા થયા છે કે એમની ટાઈમલાઈન પર બધા ખુશ છે અને બસ એ લોકો આ ખુશીથી વંચિત છે. આવું કદાચ અડલ્ટ પણ અનુભવતા હશે. આ મનોવૃતિ માટે સોશિયલ મીડિયા પર વટ દાખવતા અને પોતાની અલગ જ દુનિયામા રહેતા Influencers પણ જવાબદાર છે.
તમારા બાળકો કે તમારા મિત્રોને આનાથી બચાવવા માટે….
તમારા બાળકો કે તમારા મિત્રોને આનાથી બચાવવા માટે એમને વારે વારે પ્રોત્સાહન કે ચાહના આપો કે એ લોકો જેવા છે એ રીતે જ તમને વધુ પસંદ છે. કોઈ હતાશા અનુભવે છે અને તમે તેને સાંભળી શકવાની પરિસ્થિતિમાં છો તો તેમને ખાલી સાંભળો. તમારા સાંભળવાથી પણ એમને ઘણું હળવું લાગશે. એમના પ્રશ્નોના નિરાકરણ માટે સલાહ માટે આતુર ના બનો.
કોઈ ફોટોગ્રાફી શરૂ કરી રહ્યું છે અને મોટા ફોટોગ્રાફરસના ફોટો જોઈ નીચું ના અનુભવે તે માટે પ્રોત્સાહન આપો, તેના થકી એ શીખશે. Constructive Criticism ની વાતો સાંભળવા મળે પણ એ એક સ્તર પર પહોંચ્યા પછી યોગ્ય ગણાય, એ સ્તર જ્યાં Constructive Criticism કોઈના આત્મ સન્માને ઠેસ ના પહોંચાડે અને એ ટીકાને ઇનપુટ તરીકે લઈ શકે.
Bipolar Disorder….
આવી જ રીતે હોય છે Bipolar Disorder જે વ્યક્તિમાં એવા મૂડ સ્વિંગ લાવે છે કે વ્યક્તિ ક્યારેક એકદમ હતાશ તો ક્યારેક વધુ માત્રામાં ખુશી અનુભવે છે. જેમ કે કોઈ વાર વ્યક્તિ પોતાના વખાણ સાંભળ્યા પછી અમુક હદે ઊંડો ઉતરીને પોતાનાં દોષ શોધવા લાગે, પોતાની સફળતા સ્વીકારી ના શકે કે પછી બહુ ખુશીની લાગણી અનુભવતો હોય તો એ જ વ્યક્તિ વખાણ ને અવગણે.
ડિપ્રેશન (Depression)…
ડિપ્રેશન (Depression) એ શબ્દ આપણે બહુ બેદરકારીથી વાપરતા હોઈએ છીએ. લોકોને બોલતા સાંભળેલા હશે કે પેલો વ્યક્તિ તો કેટલો ડિપ્રેશનમાં હોય તેવું લાગે છે. જ્યારે તે વ્યક્તિ થોડો દુઃખી જણાતો હોય છે. હતાશા એ ડિપ્રેશન (Depression) નથી પણ જ્યારે એ હતાશા તમારા ડેઈલી ફંકશન ને અસર કરવા લાગે ત્યારે એ ડિપ્રેશન કહેવાય છે. ડિપ્રેશન (Depression) ઘણા બધા પ્રકાર ના હોય છે. કોઈ સીઝનલ ડિપ્રેશન અનુભવતું હોય છે. મુખ્યત્વે લોકો શિયાળામાં આ અનુભવે છે. નોર્ડીક અને સ્કેનડીવીયન દેશો કે જ્યાં સૂર્યપ્રકાશ બહુ ઓછા સમય માટે હોય છે તે દેશોના લોકોમાં આ વધુ હોવાનું જણાય છે. ત્યાં આત્મહત્યાનો દર પણ વધુ છે. જ્યારે ક્લિનિકલ ડિપ્રેશન વધુ કોમન છે અને એ તમારૂ બ્રેન ફંકશન બદલી શકે છે.
કોઈ વ્યક્તિ આઘાત પછી જ્યારે ડર કે લાચારી અનુભવે અથવા તો તે આઘાત માંથી બહાર આવતા મુશ્કેલી અનુભવે તે PTSD(Post Traumatic Stress Disorder) અનુભવતો હોય છે.
મોબાઈલ ફોન આવ્યા પછીથી અનિદ્રા(Insomania) ની સમસ્યાઓ પણ વધી છે. તો આ બધા માનસિક રોગો કહેવાય, આ તો મેં 2 થી 3 ઉદાહરણો આપ્યા. ભારતમાં એક રીતે આ મહામારી સાબિત થઈ રહી છે. આંકડો તમે સર્ચ કરી શકો. લોકો આ વિષયથી બહુ દૂર ભાગતા હોય છે. આજના યુવાનો માં આ અવેરનેસ હવે ધીરે ધીરે આવતી હોય તેવું જણાય છે પણ હજુ આ બાબતે ખુલીને ચર્ચા થતી નથી. આ રોગો માટે સારવાર પણ છે. હા, એ સ્વીકારીશ કે આજની તારીખમાં એ મોંઘી છે. પ્રોફેશનલ હેલ્પ મોંઘી હોવાના ઘણા કારણો છે પણ તેના પર પછી ક્યારેક ચર્ચા.
બાળક જો 16 વર્ષથી નાનું છે તો તેમને મોબાઈલ ફોનની દુનિયાથી દૂર રાખો. સોશિયલ મીડિયા જેટલું હકારાત્મક છે તેટલુંજ નકારાત્મક બની શકે. એ યુવાનોની નિર્ણાયક શક્તિને સીધી અસર કરતું હોય છે.
ઘણા યુવાનો હાર માનીને નાસીપાસ થતા જોવા મળે છે, કારણ કે એ નિષ્ફળતાને સ્વીકારી શકતા હોતા નથી. સફળતાનું ચલણ બોલાય છે ત્યારે નિષ્ફળતા વિશે ના જણાવવા માટે ક્યાંક ને ક્યાંક શિક્ષણ અને માબાપ જવાબદાર ગણાવી શકાય.
અનુભવોની શીખ એ સાચી શીખ હોય છે, નિષ્ફળતા માટે તમને કોઈ તૈયાર કરી શકતું હોતું નથી પણ તેના માટે માનસિક તાકાત પૂરી પાડી શકવા માટે પ્લેટફોર્મ પણ ઓછા છે.
અને નહીં, આ બધા રોગો કઈ મેડીટેસનથી દૂર ના થાય, હા જો કે આ પ્રકારની માઇન્ડફુલનેસ તકનીકથી અમુક અંશે તણાવ હળવો કરી શકાય.
આપણો ઉછેર એ રીતે થતો હોય છે કે આપણે લાગણીઓને દબાવીને રાખતા હોઈએ છીએ. સારી નોકરી કે સારા ફીલ્ડમાં જવા, ઓન પેપર સ્ટ્રોંગ અને કાર્યક્ષમ દેખાવા માટે આપણે છુપાવવા મજબૂર હોઈએ છીએ. ઘરના વાતાવરણ પ્રમાણે પણ અમુક આવી પેટર્ન અપનાવીએ છીએ.
મનથી તંદુરસ્ત માણસ એ હોય છે જે કોઇ પણ લાગણી છૂપાવતો નથી અને પોતે સમજે છે કે જો એ આ લાગણીઓ બહાર નહીં લાવશે તો નિરાશા અનુભવશે. માટે એ નજીકના દોસ્ત કે ઘરના વ્યક્તિ ને જણાવે છે અને મનને હળવું કરે છે. એ વ્યક્તિ પોતાની લાગણીઓથી ભાગતો નથી અને દરેક લાગણીને સહ પ્રમાણમાં અનુભવે છે. એ પોતાના વિચારોને અવગણતો નથી.
ઘણા લોકો બે ઘડી હળવાશ અનુભવવા અને પોતાનાં દુઃખો ને ભૂલવા માટે નશાખોરી તરફ વળતા હોય છે, જે તદ્દન અયોગ્ય અને વધુ જીવલેણ છે.
મન હળવું રાખો આવી ખોટી સલાહ પણ આપશો નહીં. કોઈ શું અનુભવે છે એ તમને ખબર નથી. તેમને મન હળવું કરવા માટે વાત કહેવા માટે કહો, જો તમે સાંભળવાની પરિસ્થિતિમાં હોવ અને તમારા મેન્ટલ હેલ્થ ને અસર ના થતી હોય તો. બાકી કમ સે કમ વ્યક્તિ ને એવો દિલાસો આપો કે હું તમારી સાથે છું અને મને વિશ્ર્વાસ છે કે તમે આમાંથી બહાર આવશો કેમ કે તમારામાં એ શક્તિ મને જણાય છે. ખાલી શબ્દોથી જ નહીં પણ એ વ્યક્તિની પડખે ઊભા રહેવાનો પ્રયત્ન પણ કરો. કોઈ વ્યક્તિ વધુ નિરાશા અનુભવે છે કે સુસાઈડલ છે તો જાતે ડોક્ટર ના બનો, એમને પ્રોફેશનલ હેલ્પ લેવા જણાવો કે તમે કોઈને જાણ કરો. તમારી સલાહ કરતા વ્યક્તિ ની કિંમત કરો. કોઈ ની માનસિક પરિસ્થિતિની ક્યારેય મજાક નહીં ઉડાવવી, તેને સમજવાની કોશિશ કરશો.The Mental Health Pandemic human psychology stress depression meditation
#MentalHealth #Pandemic #humanpsychology #stress #depression #meditation
The Mental Health Pandemic human psychology stress depression meditation