Short Story: બાબલું, તારી મા હમણાં આવશે, હોં!
Short Story by Anand Thakar | smvedankatha | gujarati short story | Gujarati varta |
– આનંદ ઠાકર
એ શેરીમાં હો હા દેકારો થતો હતો. જોયું તો એક ઘરમાં ઝઘડો ચાલતો હતો. એક સ્ત્રી રડતીરડતી બોલી રહી હતી, બીજી રાડો પાડી રહી હતી. એક પુરુષ સાંભળી ન શકાય એવી ગાળોની બોચ્છાર બોલાવતો હતો અને એ કહેવાની જરૂર નથી કે પેલી રડતી જતી સ્ત્રીને જ સંબોધીને ગાળો અપાઈ રહી હતી. ઘરની બુઢ્ઢી ઔરત પણ એને જ ભાંડી રહી હતી એટલે એટલી બાબત તો સ્પષ્ટ થતી હતી કે ઝઘડો સાસુ, વહુ ને પતિનો ચાલી રહ્યો હતો પણ આ મોટાઓના અવાજમાં રડવાનો એક અવાજ નાના બાળકનો પણ આવતો હતો.
આમ તો ઘણું બધું અસ્પષ્ટ સંભળાતું હતું, પરંતુ કેટલાંક સુર ઉકેલાતાં હતાં: ઘર માંથી સ્ત્રીને હાંકી કાઢવાની વેતરણમાં હતાં. તું ઘરમાં આવી પછી આ દશા થઈ એવી વાતો હતી. પત્ની એની સાસુની ફરિયાદો કરતી હોય એવું લાગ્યું અને સાસુ એના કારણે થયેલાં નુકસાનો ગણાવતી હતી ને એ સિદ્ધ કરતી હતી કે આ સ્ત્રી નસીબની નબળી છે.
છેલ્લે કંઇક પતિએ એને ઘરમાંથી નીકળી જવાની વાત કરી અને રીતસરનો ધક્કો આપ્યો કે પત્ની ઉમરામાં ફસડાઈ પડી અને સ્ત્રી કરતાં, એના બાળકનો રડવાનો અવાજ બુલંદ થઈ ગયો હતો. બાળક એની માને વળગી ગયું. એની મા ઊભી થઈ અને બાળકને લઈને ચાલવા જાય છે ત્યાં સાસુ આવી ને ઝાટકા મારીમારી ને બાળકને એનાથી દૂર કરી પોતાની પાસે ખેંચી રહી હતી. બાળક પોતાની માનો સાડલો છોડતું ન હતું. માતા પણ એના બાળકને છોડવા ઈચ્છતી ન હતી. એની સાસુ બોલી: કઝાત્ય, તારે ઝાવું હોય તો હાલતીની થા, આ તો અમારો છે. અને વહુ બોલી: તમારો વારસો હું હતી તી આવ્યો. તો હું મોટી કે ઈ? સોકરો ઝણવી લીધો એટલે તમને હાળાવને કામ પૂરું કાં? સોકરો તો હું લઈને જાઈ…
પણ સાસુએ હડસેલો મારીને છોકરાને ખેચી લીધો, એ સાથે જ એક ન સાંભળી શકાય કે ન કલ્પી શકાય એવું આક્રંદ મા અને દીકરાનું શરૂ થયું. દીકરાનો બાપ આવી ને એક બાવડે છોકરાને ખેંચીને લઈ ગયો રૂમમાં. બાઈએ ઊઘાડે પગે ને હીબકાં લેતી હાલતી પકડી.
શેરીમાં તો થોડીવારમાં બધું શાંત થયું. ઘરમાં કદાચ અંધકાર ઘેરી વળ્યો હશે, છોકરો રડી રડીને અડધો થયો હશે. એને મા સાથે જાવું હતું. એ પરિવારમાંથી કેટલાંને ધાન ગળે ઉતરી શક્યા હશે એ વિચાર પણ ધ્રુજાવી દે એવો હતો!
એક બે દિવસ પસાર થયાં. છોકરો રમતો હોય ત્યાં એના દાદી આવે અને હબડાવી ને લઈ જાય: રખડુંના પેટનો ઘરે ખાવા પણ નથી બેઠતો. અને એને ધક્કો મારીને કેય કે જોઓઓ રહોડામાં ઝોહણ વાળ્યું સે ખાઈ લે. છોકરો કેટલું ને કેમ ખાતો હશે રામ જાણે!
એક દિવસ એ ગલૂડિયાં સાથે રમતો હતો અને ગલુડિયું ઉંવાંઉંવાં કરતું હતું તો એને પંપાળતો પંપાળતો કહે: બાબલું, તારી મા હમણાં આવશે હોં! રડમા, ક્યાંક ખાવા ગઈ હશે, એ ખાશે તો તને ધવરાવેને..! ત્યાં હુધી આ પાણી પી. અને એનો પાણીનો વાટકો એણે બાજુમાં કર્યો.
– આનંદ ઠાકર
#સંવેદનકથા #સ્ક્રીનશોટ #આનંદઠાકર
#anandthakar #gujratistory #samvedankatha #anandthakarstory
( નોંધ – તસવીર પ્રતિકાત્મક છે. )