health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
Contents
Health શ્રાવણ મહિનો, ચાતુર્માસ, ઉપવાસ, આયુર્વેદ, ઓટોફેજી ( autophagy ) અને આરોગ્ય….
આલેખન – વૈદ્ય પાર્થ ઠક્કર
( લેખક વૈદ્ય છે. આયુર્વેદમાં MD છે. વર્તમાનમાં ગાંધીધામ, કચ્છ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનામાં ક્લાસ – 2 મેડિકલ ઓફિસર તરીકે સેવારત છે. તેમણે નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી BAMS અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંલગ્ન વર્તમાન ITRA ઇન્સ્ટિટ્યૂટ માંથી MD (Ayurved) નું શિક્ષણ મેળવ્યું છે. અને એક વર્ષ સુધી રાજકોટની ગ્લોબલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે શિક્ષણ કાર્ય કર્યું. વિશાળ વાંચન, અભ્યાસ, સંશોધન અને આયુર્વેદને સમર્પણ ધરાવતા આ વૈદ્ય સાહેબે અહીં આયુર્વેદને સંશોધનાત્મક દૃષ્ટિકોણ દ્વારા આયુર્વેદને આજના પરિપેક્ષ્યમાં મૂક્યું છે. )
health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
શ્રાવણ મહિનો હમણાં સોમવારથી શરૂ થશે. ગુજરાત બહાર ભારતના ઘણા રાજ્યોમાં મહિનાઓ પૂર્ણિમાન્ત હોય (એટલે કે પૂનમ પર પૂરા થાય), ત્યાં ગુરુ પૂર્ણિમા પછીના દિવસે જ શરૂ થઈ ગયો છે (મને તત્ત્વત: આ મત વધુ અનુસરવા યોગ્ય લાગે છે.) શ્રાવણ માસ એટલે ચાતુર્માસનો પહેલો મહિનો અને છ ઋતુઓમાંની વર્ષા ઋતુનો પણ પહેલો મહિનો.
આયુર્વેદ ચિકિત્સાના ત્રણ સ્તર…
આમ તો આખા ચાતુર્માસમાં, પણ ખાસ શ્રાવણ મહિનામાં ઉપવાસનું અનેરું મહત્વ ગણાય છે. તો ઉપવાસ વિશે થોડી વાતો કરીએ. આયુર્વેદ ચિકિત્સાના ત્રણ સ્તર બતાવે છે – युक्तिव्यपाश्रय (જે શારીરિક સ્તરે રોગ દૂર કરે છે.), सत्त्वावजय (જે માનસિક સ્તરે રોગને દૂર કરે), અને दैवव्यपाश्रय (જે આત્માના સ્તરે રોગને દૂર કરે). કોઈ પણ રોગ ઓછાવત્તા અંશે આ ત્રણેય આયામને સ્પર્શ કરે જ, રોગને માત્ર શરીરમાં થતી ઘટના માનવી એ બહુ ભૂલભરેલું છે. આ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય સ્તરે ઉપવાસ કેમ કરવા જેવી વસ્તુ છે એ પણ જોઈશું અને છેલ્લે આધુનિક વિજ્ઞાન આ બાબતને ક્યાં કનેક્ટ થાય છે એ પણ જોઈશું.
વર્ષાઋતુમાં સ્વાભાવિક રીતે અગ્નિ મંદ રહે છે, એટલે આપણું મેટાબોલિઝમ પણ નબળું રહેવાનું. દર વર્ષે આ સિઝનમાં પાચનની તકલીફો લઈને આવતા રોગીઓની સંખ્યામાં વધારો અમે સ્પષ્ટ જોઈ શકીએ. એટલે જો વર્ષા ઋતુમાં વધારે પડતું ભારે કે અહિતકારક ભોજન લેવામાં આવે તો એ સ્વાસ્થ્યને નુકસાન કરે. એટલે વર્ષા ઋતુમાં જરૂર કરતાં સારા એવા પ્રમાણમાં ઓછું ખવાય એ આપણા માટે બહુ હિતકર રહે જો કરી શકીએ તો.
આયુર્વેદમાં “લંધન”ને એક મહત્વનો ચિકિત્સા ઉપક્રમ….
આયુર્વેદમાં “લંધન”ને એક મહત્વનો ચિકિત્સા ઉપક્રમ કહ્યો છે. ઘણા રોગોના પ્રાથમિક પ્રોટોકોલમાં “લંધન”નું સ્થાન છે. એ પોતે જ એક મોટી સારવાર છે. લંધન એટલે જે શરીરમાં હળવાશ ઉત્પન્ન કરે એવી તમામ બાબતો. એમાં લંધન કરે એવા આહાર પણ આવે, એવા ઔષધ પણ આવે અને આહાર-ઔષધ સિવાયની પણ એવી બાબતો હોય જે લંધન કરે. એમાં એક બાબત છે, ઉપવાસ. ઘણા લોકો ઉપવાસ અને લંધનને એક જ ગણતા હોય છે, જ્યારે વાસ્તવમાં ઉપવાસ એ લંઘન કરવાનો એક રસ્તો છે, એ સિવાય બીજા પણ ઘણા રસ્તા છે લંધનના (જેમ કે, તડકાનું સેવન, વ્યાયામ, સ્નેહન સિવાયનું પંચકર્મ, લંધન કરે એવા આહાર અને ઔષધનું સેવન વગેરે). આ થયો ઉપવાસનો શારીરિક લાભ.
health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
ઉપવાસ…
ઉપવાસ કરવા એ દેખીતી રીતે, પહેલાં ક્યારેય ન કર્યા હોય એવા વ્યક્તિ માટે તો ખાસ, સરળ કામ નથી જ. “અમે તો જીવીએ જ ખાવા માટે.”, “ખાધા વગર અમુક કલાક પણ ન નીકળે મારાથી, એટલે ઉપવાસ તો મારાથી આ જન્મમાં થવાના જ નથી.” આવું કહેનારા અનેક મળી આવશે. પણ એનાથી એક એ પણ સ્પષ્ટ થાય છે, કે ઉપવાસ વિલ પાવર વધારવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. કમ્ફર્ટ ઝોનમાં જ રહેવું અને ચેલેન્જિંગ પરિસ્થિતિઓમાં ટકી ન શકવું એ મોટા ભાગે માનસિક નબળાઈનું જ પરિણામ હોય છે, અને દુનિયાને પહેલી નજરે કષ્ટ લાગે એ સહન કરવાની ક્ષમતા એ એક વિકસિત જીવનની પાયાની જરૂરિયાત છે. એટલે માનસિક સ્તરે ઉપવાસ વ્યક્તિને એક દ્રઢ મનોબળવાળી વ્યક્તિ બનાવવામાં ઉપયોગી બને.
health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપવાસને સમજવું હોય તો “ઉપ” એટલે નજીક અને “વાસ” એટલે રહેવું. એટલે ઉપવાસમાં માત્ર ખાવું નહીં એવું નથી, ઉપવાસને યોગ્ય રીતે કરવામાં આવે તો એ પોતાની/ઈશ્વરની નજીક જવાનું પગથિયું બને છે. યોગસાધના માટે એટલે જ મિનિમમ આહાર (મિતાહાર) આવશ્યક માનવામાં આવ્યો છે. ઉપર કહ્યું એમ રોગને આત્માના સ્તરે દૂર કરવા માટે दैवव्यपाश्रय કરવું પડે. એના અનેક રસ્તાઓ કહ્યા છે, જેમાંનો (અગ્નિહોત્ર, પ્રાયશ્ચિત્ત, રત્ન-મણિધારણ,ઉપવાસ, મંત્ર વગેરેમાંથી) એક રસ્તો ઉપવાસ પણ છે.
વર્ષા ઋતુ ઉપવાસ માટે શ્રેષ્ઠ સમય…
હવે આ વર્ષા ઋતુ ઉપવાસ માટે એટલે જ શ્રેષ્ઠ સમય છે, કે સ્વભાવિક રીતે શરીરનું અગ્નિબળ ઓછું હોય, એટલે એ સરળતાથી બધા કરી પણ શકે. ઓછા અગ્નિબળમાં વધારે ખવાય તો એ પણ પાછળના જીવનમાં નડે તો ખરું જ, એટલે એનાથી પણ બચાય અને એની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને શારીરિક-માનસિક-આધ્યાત્મિક સ્તરે પણ પોઝીટિવ ફેરફાર મળે.
શું આવી જૂની-જૂની વાતો કરો છો? આજના આધુનિક વિજ્ઞાનના જમાનામાં આ બધાની ક્યાં જરૂર છે? એવું લાગ્યું અત્યાર સુધીમાં? ન લાગ્યું હોય તો સારી વાત છે, લાગ્યું હોય તો આગળ વાંચો.
ઓટોફેજી….
2016 નું મેડિસિનનું નોબેલ પ્રાઈઝ જાપાનના યોશિનોરી ઓસુમી નામના વૈજ્ઞાનિકને મળ્યું હતું. એમણે જે કાર્ય કર્યું હતું એ “ઓટોફેજી” પર હતું. ઓટોફેજી આપણા શરીરમાં બનતી એક નેચરલ પ્રોસેસ છે. ઓટો એટલે જાતે, સ્વત: અને ફેજી એટલે ખાઈ જવું. પોતે પોતાને ખાઈ જવું એવો કઈંક અર્થ થાય ઓટોફેજીનો. ઓટોફેજી પ્રક્રિયામાં શરીર પોતે પોતાના નકામા, બગડેલા કે ડેમેજ થયેલા ઘટકોનો કોષોના સૂક્ષ્મ સ્તર પર નાશ કરે છે. આપણા શરીરની સેલ્યુલર લેવલ પર સફાઈ થાય છે, બિનજરૂરી-હાનિકારક તત્ત્વો શરીરમાંથી દૂર થાય છે, આપણી એજિંગ (વૃદ્ધ થવાની) પ્રક્રિયા ધીમી પડે છે, (સેનાઇલ ડીસીઝીસ) વૃદ્ધાવસ્થાજન્ય રોગો સામે ખાસ રક્ષણ મળે છે, આપણે સ્વસ્થ રહીએ છીએ- એવા અનેક ફાયદાઓ છે આ ઓટોફેજીના. એક બહુ મોટો ફાયદો એનો એ પણ માનવામાં આવે છે, કે ઓટોફેજીમાં ભવિષ્યમાં થઈ શકનારા કેન્સરને અટકાવવાની પણ બહુ મોટી ક્ષમતા છે. આપણા વડીલોને કેમ કેન્સર ન થતું બહુ જેટલું અત્યારની પ્રજાને થાય છે એનું એક મોટું પરિબળ આ પણ હોઇ શકે! (આ બધી બાબતોના રિસર્ચ/ઇન્ફોર્મેટિવ આર્ટિકલ્સ ઓનલાઇન ઉપલબ્ધ છે.લેખમાં અંતે links મૂકેલી છે. )
હવે આ ઓટોફેજીની પ્રક્રિયાને વધારે વેગ આપવો હોય તો એના માટેનો શ્રેષ્ઠ રસ્તો ક્યો છે એ ખબર છે? દિલ સંભાલ કે સુનિયે. એ છે “સ્ટાર્વેશન” એટલે કે “ભૂખ્યા રહેવું”. વિશ્વાસ ન આવતો હોય તો સ્ક્રીનશોટ ઇમેજમાં જોઈ લેજો. હવે, ઓટોફેજીનો પણ જો અતિરેક થાય, તો એ શરીરના કામના અને હેલ્ધી કોષોને પણ નુકસાન કરી શકે એટલે બે ઉપવાસ વચ્ચે અમુક અંતર રાખવું પણ હિતાવહ છે. (ઓટોફેજી વિશે અને ફાસ્ટિંગ સાથે એના કનેક્શન વિશે વધુ જાણવું હોય તો ગુગલ કરજો અને લિંક્સ રીફર કરજો. અહીં લંબાણ ન થાય બહુ એટલે આટલું જ લખ્યું છે.)
આયુર્વેદનો કન્સેપ્ટ….
આ આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો હવે નીચે આયુર્વેદનો એક શ્લોક વાંચો, જે આયુર્વેદના એક બહુ મહત્વના કોન્સેપ્ટ “દોષપાક” અને “ધાતુપાક” વિશે વાત કરે છે.
आहारं पचति शिखी दोषानाहरवर्जितान्पचति।
दोषक्षये च धातून्पचति हि धातुक्षयेऽपि च प्राणान्॥
શિખી (એટલે કે શરીરનો અગ્નિ) આહારનું પાચન કરે છે. જ્યારે શરીરને આહાર ન મળે ત્યારે એ શરીરના (બગડેલા) દોષોનું પાચન કરે છે (દોષોનું પાચન પોઝિટિવ છે, શરીરનો કચરો અને નકામા ઘટકો દૂર થવાની પ્રક્રિયા છે.) દોષોનું પણ પાચન થઈ જાય પછી જો એને આહાર ન મળે તો એ ધાતુઓનું પાચન કરે છે (ધાતુઓ એટલે શરીરના હેલ્ધી અને કામના ઘટકો જેનો નાશ થવો હાનિકારક છે). અને એ પછી પણ જો એને આહાર ન મળે તો એ પ્રાણને પણ બાળી નાખે છે. (બહુ લાંબો સમય કઈં પણ ન જ ખાવા પર મૃત્યુ થઈ જ શકે.)
health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
આયુર્વેદ અને ઓટોફેજી…
ઉપર જે સમજાવ્યું ઓટોફેજીના ફાયદા વિશે અને ઓટોફેજીની અતિના નુકસાન વિશે એમાં અને આમાં શું ફરક છે એ કહી શકશો? આયુર્વેદ ઘણાને માત્ર એટલા માટે અવૈજ્ઞાનિક લાગતું હોય છે કે એના ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે, ઇંગ્લિશમાં નહીં. એમાં શરીરની રચના અને ક્રિયા માટેની ટર્મિનોલોજી ઇંગ્લિશ નહીં અને સંસ્કૃત હોય, અને આપણે સંસ્કૃતમાં “વિજ્ઞાન” ન હોય, એ તો ઇંગ્લિશમાં જ હોય એવો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ધરાવતા હોઈએ તો એમાં એ અવૈજ્ઞાનિક નથી થઈ જતું.
આ સિદ્ધાંત અત્યાર સુધી ક્યાં હતો એવી જૂની અને જાણીતી દલીલ અહીં ન કરવી, કારણ કે આયુર્વેદ નિષ્ણાતો સદીઓથી લંઘન/ઉપવાસની અનિવાર્યતા પર ભાર મૂકતા જ આવ્યા છે અને સારા સારા વૈદ્યોના પોતાના જીવનમાં પણ એ દેખાશે જ. પણ આયુર્વેદના સિદ્ધાંતોને સ્વીકારવા માટે આપણી પ્રજાને આધુનિક વિજ્ઞાનના સર્ટિફિકેશનની આદત પડી ગઈ છે.
ઋષિઓએ જે જીવનશૈલી વિકસાવી…
આપણા ઋષિઓએ જે જીવનશૈલી વિકસાવી છે, એ હવામાંથી કે પોતાના ગજવામાંથી નથી કાઢી, આખું જીવન ખર્ચીને કરેલા તપમાંથી એ જ્ઞાન મળ્યું છે. આપણે આધુનિક વિજ્ઞાન એ સિદ્ધાંતોને પોતાની ભાષામાં સમજે એની રાહ જોવી છે અને ત્યાં સુધી થતા નુકસાન ભોગવવા છે, કે ઋષિઓના જ્ઞાનને પશ્ચિમનું સર્ટિફિકેટ મળવાની રાહ જોયા વગર જીવનમાં ઉતારીને લાભન્વિત થવું છે એ આપણે નક્કી કરવાનું છે. જે લોકો નિયમિત ઉપવાસ કરે છે એમનો અનુભવ છે જ કે શરીર-મનમાં ઉપવાસ પછી અનુભવાતી એનર્જી અલગ જ હોય છે. (હા, એમાં જો કઈંક ખાવું હોય તો ભારે, વાયુકારક વસ્તુઓને તળીને કરવામાં આવતો “ફરાળ” ન થાય અને સાચો “ફળાહાર” એટલે કે ફ્રૂટ જ લેવાનું થાય એ ધ્યાન રાખજો.) હું પોતે છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત રીતે ઉપવાસને જીવનમાં સ્થાન આપ્યા પછી અને એનાથી થતા અદ્ભૂત ફાયદાઓનો સ્વ અનુભવ કરીને જ આ લખી રહ્યો છું. નિયમિત ઉપવાસ કરતા લોકો બહુ જ લાંબી ઉંમર સુધી એક્ટિવ અને સ્વસ્થ રહે છે એના ઉદાહરણો આસપાસ શોધશો ખુલ્લા દિમાગથી તો ચોક્કસ મળી રહેશે.
જો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી લાગ્યો હોય તો….
તો હવે “ઉપવાસ”ને ઓલ્ડ ફેશન, આઉટડેટેડ અને શરીરને અપાતું બિનજરૂરી કષ્ટ માનશો કે એક સ્વાસ્થ્યપ્રદ (અને સાથે સ્પિરિચ્યુલ) પ્રોસેસ ? જો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી લાગ્યો હોય આ વાંચીને, તો તમારાથી શક્ય હોય એવો અને એટલો પ્રયત્ન જરૂર કરજો આ શ્રાવણ મહિનામાં. જો તમારા માટે વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ શક્ય ઉપવાસનું રૂટિન અને પદ્ધતિ જોઈએ તો નજીકના વૈદ્યને મળી શકો છો.
health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
આલેખન – વૈદ્ય પાર્થ ઠક્કર
ઉપરની વાતોની પુષ્ટિ કરે એવી બાબતોની વિશ્વમાં થતાં સંશોધનોની લીંક…
https://www.healthline.com/health/autophagy
https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6274804/
https://pubmed.ncbi.nlm.nih.gov/30482941/
https://www.nobelprize.org/prizes/medicine/2016/press-release/
health Shravan Mahino Chatur Mas Upvas Ayurveda autophagy and healthy life
#health #healthylifestyle #Ayurveda #medical #Autophagy #parththakcer #vaidy