Home ANAND THAKAR'S WORD Gujarati Varta: માટીની સહી… – આનંદ ઠાકર

Gujarati Varta: માટીની સહી… – આનંદ ઠાકર

0

Gujarati Varta Mati ni Sahi Story by Anand Thakar Novel and Short Story

માટીની સહી…

વાર્તા – © આનંદ ઠાકર

બંને બાજુની હરિયાળી વચ્ચે નાની ટેકરી તરફ જતો રસ્તો. જાવા ગાડીનો આચ્છો અવાજ ને હરિયાળી ટેકરીઓ, વાદળાની ગતિ અને એક નાના તળાવ પાસેથી ગાડી ચાલી આવે છે. ગાડી પર એક યુવાન અસવાર, ગૌર વર્ણ, કાળી આચ્છા આંકડા વાળી મૂછો. પિસ્તા કલરનો શર્ટ, ઘેરું લીલું પેન્ટ, ઈન શર્ટ કરેલું છે. નંબરના ચશ્મા પહેરેલાં છે. પગમાં બૂટ પહેરેલા છે. ગાડી ધીમે ધીમે ઢોળાવ ચડે છે.

આ સમય દરમિયાન આજુબાજુના ખોરડાં માંથી ગીત ધીમું ધીમું સંભળાય છે: વનારા તે વનમાં, મિંઢોળ જાજા, મિંઢોળ પરણે ને ઝાડવાં બાળ કુંવારા…

ગાડીને સામે એક ભાભા મળે છે. એની મોજમાં. મેલું કેડિયું ને ધોતી પહેરી છે. લાકડીના ટેકે ઢોર ચારે છે ને ગાડી જોતાં, બોલ્યા…

“રામ… રા… મ… માસ્તર…”

ગાડીનો યુવાન જે માસ્તર છે એ હાથ ઊંચો કરે ને સામે કહે છે:

“રામ રામ જોરા આતા…”

પેલા યુવાન માસ્તરે જોયું કે થોડે દૂર એક છોકરી કવિતા ગાય છે: ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

છોકરીની આસપાસ બકરાં ચરે છે અને એ ઝાડ વાવે છે. કવિતાના ગાન વખતે એનું મુખ દેખાતું નથી પણ ગાડીનો અવાજ સાંભળતાં ઉઠે છે, ગાડીની દિશામાં નજર નાખે છે ને પછી મંડાઈ પડે છે, ઝાડ વાવવામાં. ગાડી નજીક આવે છે ને…

માસ્તર – કેમ જલ્પી હજી બકરાં લઈને આંટા મારે છ. હાલ્ય, નિશાળે. શું કરશ?

જલ્પી – ઝાડવા વાવું.

આટલું કહીને એ તો માસ્તર સામે જોયા વગર ખાડો ખોદવામાં તલ્લીન છે.

માસ્તર ગાડી બંધ કરે છે. અને થોડા ગુસ્સા સાથે. ચારેકોર નજર નાખી કહે છે: – આ લીલોતરી ઓછી છે તે મંડી પડી છ.

છોકરી વૃક્ષ વાવવા માંડે છે. ને ધીમેથી નાક સિક્તાં બોલી: – આ તો અવડિયો કવડિયો છે. આજે હોય ને કાલે બધું હુક્કુ

વળી, માટી દબાવતી બોલી: – મારા આતા કે’તા થા કે ગર્યને ને જાનવરને જીવાડવા હોહે તો ઝાડવા વાવવા પડશ્યે.

માસ્તર હસતાં હસતાં આગળ ગાડી ચલાવી નીકળી જાય છે. ત્યાં થોડાં ખોરડાં આગળ એક ગાડી પડી છે એને એના બોનેટ પર કાગળિયા રાખી ને એક ઈન શર્ટ કરેલ વ્યક્તિ કશુંક લખે છે. બીજા એક સાહેબ જેવી લાગતી સ્ત્રી ત્યાં છે. ગામડાં વાળા ચાર પાંચ પાકટ વ્યક્તિઓ એ ગાડી આગળ છે. ગામડાના એક વ્યક્તિ સાથે પેલો વ્યક્તિ માહિતી પૂછે છે ને લખે છે. માસ્તરને જોઈને ઓફિસર બોલ્યો:

“લ્યો. સાહેબ આવી ગયા હમણાં સ્ટેમ્પ પેડ આવી જશે પછી…”

ગામડાનો માણસ – અરે, ભાઈ, મોડું થાય છે.

માસ્તર – શું છે લાખા આતા?

લાખા આતા – આને અંગૂઠો જોઈએ છે. સહાય આવે છે તી એની સયું લેવા આવ્યા છે ને જોવા.

ઓફિસર – સ્ટેમ્પ પેડ ભૂલી ગયાં છે. મોકલજો ને નિશાળેથી.

માસ્તર – હમણાં મોકલું.

માસ્તરે ગાડી હાંકવા તૈયાર કરી ત્યાં..

લાખા આતા – રેવા દ્યો માસ્તર, તમે જાહો ને ક્યારે આવે? મારે ભેંહુ ભેળવાઈ જાહે.

લાખા આતાએ કાર પર મૂકેલા કળશા માંથી બાજુમાં પાણી ઢોળી. માટીમાં અંગૂઠો ઘસી ને અંગુઠામાં ફૂંક મારી. પછી બોલ્યા:

“લ્યો. અંગૂઠો ક્યાં મારવાનો છે?”

સ્ત્રી ઓફિસર – અરે અરે માટી તો ખરી જાય. એ થોડી રહે? ને કાગળ બગડે એ જુદું…

એ બોલે એટલામાં લાખા આતાએ અંગૂઠો મારી દીધો. પછી મનમાં બબડતાં હોય એમ લાખા આતા બોલ્યા: “ગર્યની માટી સે. અમારા શરીર માંથી નેથ જાતી ઈ કાગળ માંથી જાંહે? લ્યો ત્યારે રામ રામ…”

લાખા આતા ડાંગ ઉલાળતા ચાલ્યા. માસ્તરે હસતાં હસતાં ગાડી હાંકી ત્યાં આતા કહે, “માસ્તર, લ્યો, હાલો આઘેરાક મૂકી જાઓ.”

ને દૂર કદાચ એના છોકરાની છોકરી જ હશે એને હાકોટો પડતા ગયા ” જલ્પી, પરે બે લીમડા દે ઈ પણ વાવી દેજે. ”

ગાડી જાય છે.. ઓફિસર જોઈ રાખે છે. કાગળ ને માટીનો અંગુઠો… અને માસ્તર મનમાં ગણગણે છે: જંગલખાતાએ આને ગીર માંથી કાઢ્યા પણ આના માંથી ગીર પેઢ્યું થયે પણ નઈ નીકળે ને એટલે જ આ ભૂઈ ટકી છે!

વાર્તા – © આનંદ ઠાકર

( પ્રસ્તુત વાર્તા લેખકનું મૌલિક સર્જન હોવાથી તેના તમામ હક્ક લેખકને આધીન હોય મંજૂરી વગર આ વાર્તાનો કોઈપણ માધ્યમમાં કોઈપણ રીતે ઉપયોગ કાયદાને આધીન રહેશે. )

Gujarati Varta Mati ni Sahi Story by Anand Thakar Novel and Short Story

#GujaratiVarta #mati_ni_sahi #shortstory #anandthakarstory #anandthakarword #gujaratistory #gujaratishortstory #gir #vasahat  #girforest #education #girlife

error: Content is protected !!
Exit mobile version