Home ANAND THAKAR'S WORD વારતા: પોપકોર્ન – આનંદ ઠાકર

વારતા: પોપકોર્ન – આનંદ ઠાકર

0

વારતા: પોપકોર્ન – આનંદ ઠાકર

– આનંદ ઠાકર

પપા પોપકોર્ન લેવા છે…

તારી મા તને ધાણી વઘારી દેશ્યે.

ના પપા એ તો જો ખુલ્લી –

લઈ દ્યોની રમેશ, ઈ હરહ પેકિંગમાં સે.

અમે તો –

આ પણેની દુકાને કંપની વાળી લૈ દ્યો.

રમેશ, એની ધર્મપત્ની તારા અને એનો દશેક વર્ષનો દીકરો મૌલીન. ધુળેટીના પર્વ નિમિત્તે ખરીદી કરવા નીકળ્યા હતા.

ધાણી, દાળિયા, ખજૂર, પતાસા, હારડા વગેરે ચીજો જાણે કે એનો વાર્ષિક ઉત્સવ હોય એમ મેઈન બજારમાં કટ્ટામાં ભરાઈ ભરાઈ ને ગોઠવાઈ ગયા હતા. આ બધામાં રંગોની દુકાનો એનો અલગ જ રંગ જમાવતી હતી. જો કે પૈસાદાર લોકો તો મોલમાં કે મોટી મોટી કરિયાણાની દુકાનમાંથી જ આ બધું ખરીદતા હતા. ત્યાં આમ તો કોઈ ફેર ન હતો પણ આ જ ખજૂર બિયા વગરનો થઈને હવા ચુસ્તને દેખાવમાં ‘ હરહ ‘ લાગે એવા પેકિંગમાં પેક થતો હતો, તો વળી દાળિયા પેકિંગનાં અલગ અલગ લેબાસમાં ખારા, તીખાં થઇને ગોઠવાઈ ગયા હતા. ધાણીનું પણ એમ જ થતું હતું.

મજૂર વર્ગ અને સામાન્ય પરિસ્થિતિ વાળા બહાર પથરાયેલા કોથળાઓ પર તૂટી પડ્યાં હતાં. રાડ્યું ને ગોકિરા ઝીંકાતા ‘તા. વેચનારો ત્રાજવું, ઝબલા, ઘરેથી આવતો ફોન કોલ બધાને સંભાળતા સંભાળતા વજન કરી રહ્યો હતો, બધા માલ પર હાથ ફેરવતો જાય. ખરાબો બાજુમાં કાઢતો જાય ને લેનારને સારામાંસારી વસ્તુ આપતો જાય. તો ય ઘણા નવા પૈસાદાર બનેલા બાજુની મોટી કરિયાણાની દુકાનેથી જ લે.

રમેશની વહુએ પણ રમેશના બહુ સમજાવવા છતાં લાઈનમાં રહીને પણ મોટી દુકાનેથી જ માલ લીધો. ત્યાં સુધીમાં છોકરો તોફાને ચડેલો એને સાચવવા રમેશે કલર લીધાં, પિચકારીઓ લીધી. ચોકલેટ આપી અને તોય માવાની દુકાને રમેશ માવો ખાવા ગયો અને છોકરાએ જીદ લીધી કે ત્યાં લટકતાં પોપકોર્નનું  પડીકું જ લેવું છે. રમેશે સમજાવ્યો કે દેશી ધાણી લીધી છે ને તારી મા ઘરે બનાવી દેશે. એટલીવારમાં રમેશની પત્ની પણ આવી ને છોકરા કરતાં વધુ એણે આગ્રહ કર્યો પેલાને પોપકોર્ન લઈ દેવાનો. રમેશને એમ કે ઘરની સારી વસ્તુ ખાય.

બધી ખરીદી પતાવી અને ઘરે ગયા. ઘરે બધો સમાન ઉતાર્યો. રમેશ ઓસરીમાં બેઠો. છોકરાએ પોપકોર્ન ખોલી,  એક દાણો મોઢામાં નાખીને કહે: આ તો હાવ હવાઈ ગયેલી સે.

રમેશ: હું તો કે’તોતો હરહ મજાના પેકીંગમાં બધું હારું જ નીકળે ઈવું થોડું હોય!

એની પત્નીએ એમાંથી દાણો લીધો ને ખાતા ખાતા બોલી: એમ કંઈ વાંધો નથી. ખાવા દ્યોની. હજી રાંધવા બેહુ સવ.

રમેશ ઓસરીમાં ખાટલો ઢાળીને લંબાવ્યો ને કીધું: હાલ ખાવાનું બનાવ પસી વાડીએ ઝાવ.

ત્યાં કોઈ ડેલીએ સાંકળ ખખડાવી. ખોલી. રમેશ: લે, આવો આવો સાય્બ, તડકો માથે લીધો ને કંઈ?

માસ્તર: હા ભાઈ, આ સર્વે કરવા આવ્યા છીએ. પાંચ વર્ષનું બાળક? પહેલામાં દાખલ કરાય એમ?

રમેશની વહુ લોટ બાંધતી બાંધતી બહાર આવી: સેને પણ અમારે પરૈવેટમાં મૂકવાનો સે.

રમેશ: બેહોની સાય્બ.

માસ્તર:  ના ભાઈ, હજી અડધું ગામ બાકી છે. પણ હવે ગામની સરકારી શાળામાં બધી સુવિધા છે હો. પ્રોજેક્ટર પર ભણવાનું છે.

રમેશ: ઈ તો મને ખબર જ સે ને સાય્બ. અને આપણા ગામની શાળાનું કામ યે વખણાય છે. જોઈએ, સાહેબ..

માસ્તર: જો આંયાં દાખલ કરવાનો હોય તો કહેજે ને આવી જાજે નિશાળે. તારો નંબર આપ, હું ફોન કરું કાલે.

માસ્તરે નંબર લીધાને આગલા ઘરે હાલતા થયાં. આ બાજુ રમેશને રસોડામાંથી જમવા બોલાવ્યો.

રમેશે જમતાં જમતાં એની પત્નીને કીધું: તી, આયા હું  વાંધો સે?

અને સામે ગરમાગરમ રોટલી જેવો જ જવાબ પણ આવ્યો: લે, ભાવનાનો દીકરો સવારમાં ઈંગલેસ ઇસ્કુલમાં જાય, જોયો કેવો તૈયાર થઈને જાય. બસ લેવા મૂકવા આવે ને આખો દિ’ ભણાવે.

રમેશ: ગામની શાળામાં પણ –

પત્નીઃ આ રખડે સોકરાવ આવીને હંધાય. ભાવનાનો દીકરો હઝી બીજામાં છે પણ રખડતો ભાળ્યો? આખો દિ’ લેશન કરતો હોય. એને ન્યાંથી હરહ મજાના ડરેશ, દફતર આપે. હું ભાવના હારે ગય ‘તી એક દિ’. અલેશાન ઇસ્કુલ સે. ને હા. ન્યાં બધાને અપ ટુ ડેટ જ રેવાનું, એવી નિહાળ્યમાં મેકીએ તો એના કાકા – કાકીની ઝેમ કંપન્યુંમાં મોટો સાય્બ બનિહ્યે, કૈંક ભલીવાર થાહે. નય તો તમારી – મારી ઘોડ્યે ઢેફાં ભાંગ્યે.

રમેશ જમીને હાથ ધોઈ લીધા અને પાણી પી બાર નીકળ્યો તો છોકરો દોડીને રસોડામાં આવ્યો કહે: મા ભૂખ લાગી રોટલો આપની.

રમેશ મનમાં બબડ્યો: ભૂખ તો રોટલાથી જ મટે!

– આનંદ ઠાકર

 

 

 

 

 

 

error: Content is protected !!
Exit mobile version