Home SUVICHAR Epic 2 Life Lesson ભીષ્મ અને કુંતા મહાભારતના યુદ્ધને અંતે આવું વરદાન...

Epic 2 Life Lesson ભીષ્મ અને કુંતા મહાભારતના યુદ્ધને અંતે આવું વરદાન શા માટે માંગે છે?

0

Epic 2 Life Lesson Mahabharat Bhishma Kunta shri krishna

Contents

ભીષ્મ અને કુંતા મહાભારતના યુદ્ધને અંતે આવું વરદાન શા માટે માંગે છે?

Epic 2 Life Lesson Mahabharat Bhishma Kunta shri krishna

લેખક – અજય મો. નાયક

( લેખક અમદાવાદના વરિષ્ઠ પત્રકાર છે. તેઓ સંદેશ સમાચાર પત્રમાં એક્ઝિક્યુટિવ એડિટર છે. અમારી વિનંતીને માન આપી તેઓએ આ લેખ આપણા પોર્ટલના વાચકો માટે ઉપલબ્ધ કરાવી આપવા બદલ SAHAJ SAHITY PORTAL એમના આભારી છે.  ) 

મહાભારત એક અદભુત કથા છે. માટે જ કહેવાયું છે કે જે મહાભારતમાં છે એ ક્યાંય નથી અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. મતલબ જીવનને લગતી દરેક બાબતનો તેમાં ઉલ્લેખ છે.

સામાન્ય માણસને તેના જીવનમાં આવતા દરેક પ્રકારના પ્રસંગનો ઉકેલ તેમાં છે પણ એ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે મહાભારતને એ રીતે સમજીએ.

મહાભારતની કથા બધાંને ખબર છે. એની વાત નથી કરવી પણ યુધ્ધના અંતે મહારાજ યુધિષ્ઠિર રાજગાદીએ બેસે છે અને ભગવાન શ્રીકૃષ્ણ વિદાય લે છે. એ સમયે કરાયેલી બે સ્તુતિની અહીં ચર્ચા કરવી છે. માતા કુંતી અને બાણશૈય્યા પર સુતેલા ભીષ્મ પિતામહની સ્તુતિ આપણે પણ કરવા જેવી છે.

Epic Life Lesson માતા કુંતીની સ્તુતિનો અભ્યાસ…

સામાન્ય રીતે આપણે ભગવાન સમક્ષ હંમેશા આપણા સુખની, જાત જાતની મનોકામનાની જ માંગ કરતાં રહીએ છીએ. ઈશ્વરને ઘણી વખત તો બેશરમ બનીને બસ માગણી જ કરતાં રહીએ છીએ. પણ માતા કુંતીની સ્તુતિનો અભ્યાસ કરવા જેવો છે.

કુંતી ભગવાનના ફૂઈ છે. કુંતી શ્રી કૃષ્ણને જવાની ના કહે છે. એવી પણ સ્પષ્ટતા કરે છે કે તે ફૂઈ તરીકે નહીં પણ ભગવાનના ભકત તરીકે વિનંતી કરે છે. સ્તુતિ આમ તો લાંબી છે પણ એનો મુખ્ય ધ્વની એવો છે કે માતા કુંતી ભગવાનને પ્રાર્થના કરે છે કે મને વિપતિ- દુઃખ આપજે.

કોઈ ભગવાન સમક્ષ આવું માંગે?

ચોંકાવનારી વાત છે ને કે કોઈ ભગવાન સમક્ષ વિપતિ માંગે. આપણે તો એટલાં સ્વાર્થી બની જઈએ છીએ કે ઈશ્વર સ્મરણના બદલે આપણી મનોકામના પૂર્ણ થાય, આપણી ભૌતિક સુખ સંપત્તિ વધે એવી જ કામના કરીએ છીએ.

विपदः सन्तु नः शश्वत तत्र तत्र जगतगुरो। भवतो दर्शनं यत्स्याद्पुनभवदर्शनम्॥

કુંતી શું કહે છે ભગવાનને?

કુંતી શું કહે છે ભગવાનને? હે ગોવિંદ, હું વરદાન માંગું છું કે મને હંમેશા વિપતિ જ મળે. ભગવાન પણ ચોંકી જાય છે. તેઓ કહે છે કે કુંતી માતા, આપે આ શું માંગ્યું? તમે આટલું તો કષ્ટ વેઠ્યું, હજી પણ કષ્ટ જ માંગો છો? તમને શું મળશે તેનાથી? કુંતી માતા કહે છે કે ભગવાન, જ્યારે હું સંકટથી ઘેરાયેલી હોઉં છું ત્યારે તમારો સહયોગ પ્રાપ્ત થાય છે. આથી તમારો સાથ છોડવા નથી માંગતી. હું તો એટલું જ ઈચ્છું છું કે આ પ્રકારે સંકટ આવતું રહે અને તમે દ્વારકા છોડી તમે મારી પડખે આવતાં રહો. જો હું સુખી-સંપન્ન હોઈશ તો તમે મારી પાસે નહીં આવો.

આજે મારી પાસે સુખ આવ્યું અને તમે મને છોડીને જવા માંડ્યા. આથી જ હું ઈચ્છું છું કે વિપતિ મારી સાથે જ રહે. જેથી તમે પણ મારી સાથે રહો. જે સંપત્તિ મને શ્રી કૃષ્ણથી દૂર કરે એ શા કામની ! મને તો એવી જ વિપતિ પસંદ છે કે જેનાથી તમે મને મળી જાવ.

ભીષ્મ પિતામહની સ્તુતિ…

ભીષ્મ પિતામહની સ્તુતિ પણ કંઈક અંશે આવી જ છે. એમની સ્તુતિમાં ચાર શબ્દો અગત્યના છે. ઈતિ, મતી, રતિ અને ગતિ. ઈતિ એટલે કે અંત. ભીષ્મ કહે છે કે ભગવાન, આ એમની અંતિમ સ્તુતિ છે. મતી એટલે કે બુદ્ધિ, રતિ એટલે પ્રેમ. ગતિ એટલે ભગવાનમાં વિલીન થવું.

પિતામહ પોતાની સ્તુતિમાં ભગવાન શ્રીકૃષ્ણને તેમના જીવનના દરેક પ્રસંગ યાદ કરાવે છે. યુધ્ધમાં એમનું શસ્ત્ર નહીં ઉઠાવવાનું વચન તોડાવાથી માંડીને સંધિ માટેના પ્રયત્નો વગેરે યાદ કરાવે છે. ભગવાનની સ્તુતિમાં ભીષ્મ ઘણાં વખાણ પણ કરે છે.

આજીવન કુંવારા પિતામહ ભીષ્મ તેમની પુત્રીના લગ્ન ભગવાન સાથે કરાવવા માંગે છે…

પિતામહ આજીવન કુંવારા છે. બાણશૈય્યા પર સુતેલા ભીષ્મ ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે તેમની પુત્રીના લગ્ન તેમની સાથે કરાવવા છે. ભગવાન પણ ચમકી જાય છે. પિતામહ તો કુંવારા છે. એમને પુત્રી કેવી રીતે હોય ?

ભગવાન ભીષ્મને આ જ સવાલ કરે છે. ત્યારે પિતામહ કહે છે કે તેમની પુત્રી એટલે કે બુદ્ધિના લગ્ન ભગવાન સાથે કરાવવા છે જેથી તેમનું ચિત સતત પ્રભુ સ્મરણમાં રહે. રતિ એટલે કે તેમને ભગવાન માટે પ્રેમ છે અને એટલે જ સ્તુતિમાં તેનો પણ ઉલ્લેખ કરે છે. છેલ્લે ગતિનો ઉલ્લેખ કરી પિતામહ કહે છે કે તેમની ગતિ ભગવાનના ચરણોમાં જ થાય.

Epic Life Lesson સાદી વાત….

મહાભારતના અંતે માતા કુંતી અને ભીષ્મ પિતામહની સ્તુતિ આપણને ઘણું શીખવી જાય છે. પણ આપણે જ્યારે ઈશ્વર સમક્ષ જઈએ છીએ ત્યારે એટલાં સ્વાર્થી બની જઈએ છીએ કે ઈશ્વર સ્મરણની વાતને બાજુએ મૂકીને દુન્યવી વાતને જ સર્વોપરી માનીને એની જ માંગ કરીએ છીએ. કુંતી અને ભીષ્મ ઈશ્વરમય થવાની વાત કરે છે. એક ભગવાન પાસે રહેવા વિપતિ માંગે છે તો બીજા પોતાની મતિના લગ્ન જ ભગવાન સાથે કરાવવાનું માંગે છે. સાદી વાત એવી છે કે સતત ઈશ્વર સ્મરણ કરતાં રહેવું.

Epic 2 Life Lesson : Mahabharat Bhishma Kunta shri krishna

#Epic #Life_Lesson #Mahabharat #Bhishma #Kunta #shri_krishna

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version