Home JANVA JEVU Education : ઓછું ભણેલા વેલ્ડરનો વિચાર આજે 25 વર્ષે પણ કરે છે...

Education : ઓછું ભણેલા વેલ્ડરનો વિચાર આજે 25 વર્ષે પણ કરે છે આવો ચમત્કાર…

0

Education gujarat The footpath school

વેલ્ડર અને ટ્રક ડ્રાઈવરે કરી શરૂઆત આજે 25 વર્ષથી ચાલે છે આવું અદ્ભુત કામ….

ઓછું ભણેલા વેલ્ડરનો વિચાર આજે 25 વર્ષે પણ કરે છે આવો ચમત્કાર…

અમદાવાદનો ભૂદર પરા વિસ્તાર, 25 વર્ષ પહેલાંની વાત છે…,  રોડ પરથી બાળકો પરીક્ષા દઈને જઈ રહ્યા છે. સાત આઠ બાળકોનું ટોળું એક લોખંડના વેલ્ડિંગની દુકાન પાસેથી પસાર થાય છે. લોખંડનું વેલ્ડીંગ કરતા વ્યક્તિએ એ વિદ્યાર્થીઓને બોલાવ્યા. બધાને કોઈને કોઈ અભ્યાસલક્ષી પ્રશ્ન પૂછ્યા. કોઈની પાસે સાચા જવાબ નહી. વિદ્યાર્થીને રોકેલ વ્યક્તિએ પૂછ્યું

તો તમે પરીક્ષામાં લખ્યું શું?

બાળકો – બસ આ ને આ.

મતલબ બાળકોએ પ્રશ્નપત્ર એમને એમ લખી નાખેલું. વિધાર્થીઓ તો હસતાં હસતાં ચાલ્યા ગયા પણ વેલ્ડિંગની દુકાન ધરાવનારા એ લુહારના મનમાં કંઇક જુદો જ ઘાટ ઘડાઈ રહ્યો હતો.

આસપાસના આર્થિક પછાત વિસ્તારમાં રહેતાં ૪૦૦ બાળકો સુધી પોતાનો વિચાર પહોંચાડ્યો કે એક મહિના પછી તમારી પરીક્ષા લેવામાં આવશે એમાંથી જે પાસ થશે એમને આઠમું ધોરણ પુરુ કરે ત્યાં સુધી દર મહિને ૧૫૧ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.  ( આજથી ૨૫ વર્ષ પહેલાં આ રકમ મોટી જ ગણાતી )

૪૦૦ બાળકોની પરીક્ષા લેવામાં આવી અને એ સૌ બાળકોને જમાડવામાં આવ્યા. પરિણામ? જાણીને આશ્ચર્ય થાય કે એ ૪૦૦ માંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થાય છે.

હવે એ વ્યક્તિને પ્રશ્ન થાય છે કે પાયાનું વાંચન, ગણન અને લેખન માટે પૂછાયેલા પ્રશ્નોમાં આટલું નબળું પરિણામ? લોખંડ સાથે કામ કરતા કરતા તેમના મનમાં એક વિચાર નક્કર બને છે : હવે આમને ભણાવવાના જ છે. પણ વળી સામે રણકાર જેવો એક પ્રશ્ન… આ બાળકોને ભણાવશે કોણ?

પણ કહેવાય છે ને કે જ્યારે એક મજબૂત વિચાર પરમાર્થ માટે હોય ત્યારે બધું આપોઆપ ગોઠવાઇ જતું હોય છે. એમની વેલ્ડિંગની દુકાને એક ટ્રક ડ્રાઈવર બેસવા આવતા નામે ભીખાભાઈ કાનજી ભાઈ ગોહેલ, જેઓ ગ્રેજ્યુએટ હતા. તેમણે તૈયારી બતાવી. બસ, પછી તો શું જોઈએ? અનુકૂળતા અનુસાર, શિક્ષણમાં વ્યક્તિગત પહોંચી વળાય એટલાં એટલાં વિદ્યાર્થીઓને બોલાવવા લાગ્યા અને પ્રારંભ થયો ૨૫ વર્ષ અવિરત ચાલનારો યજ્ઞ…!

આપ હજુ આગળ વાચશો તો થશે કે આ તો કોઈ અશ્વમેઘ કે રાજસૂય યજ્ઞ જેવો જ મહાન યજ્ઞ કરી રહ્યા છે.

આર્થિક પછાત વિસ્તરમાં શિક્ષણનો અવિરત જગન માંડનાર મહાનુભાવનું નામ છે : કમલભાઈ જીવાભાઈ પરમાર, તેમની ઉંમર ૭૬ વર્ષની, મૂળ રાજકોટના, તેમનો જન્મ અમદવાદમાં થયેલો.

એક કામ સબબ અમારી ગાડી ત્યાંથી પસાર થાય છે અને રોડની બંને બાજુ બાળકો મોટા મોટા ગ્રીન બોર્ડ પર લખેલા દાખલા લખે છે તો કોઈ એમાં પાયા પાકા કરે છે. આ દૃશ્ય જોઈ અને અમે ઊભા રહ્યાં. બાળકો પેપર લખી રહ્યા હતા. એમાં જે મોટા છોકરા હતા એમને પૂછ્યું કે આ કેમ? કઈ રીતે ભણો છો?  એમણે કહ્યું સામે દાદા છે ત્યાં જાઓ.

Kamalbhai Jivabhai Paramar

એક ઝબ્બો લેંઘો પહેરેલા, થેલો ખભે રાખેલા બાપા એક પતરાની છાપરી નીચે બેઠા હતા. અમે એમને મળ્યાં. એ જ આ એક સમયના વેલ્ડિંગ વાળા વ્યક્તિ. એમનો પરિચય મેળવ્યો… ત્યારે ખ્યાલ આવ્યો કે આ બાળકોની ભણતરની ખેવના કરનાર વ્યક્તિ તો ૨૫ – ૨૫ વર્ષથી આ વિસ્તારના બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે. તેઓ ખૂબ ઓછું ભણેલા છે એટલે એમને બહુ ઈચ્છા કે બાળકો ભણીને આગળ વધે.

આજે એમની પાસે ૭૫ જેટલા વિદ્યાર્થીઓ રોજ પાયાનું શિક્ષણ મેળવે છે. મોટા બાળકો કે જે અહીં આગળ ભણી ગયા હોય તેઓ નાના બાળકોને ભણાવે અને પાયો મજબૂત કરાવે. એમનું એક જ લક્ષ્ય : વાચન, લેખન અને ગણન વિકસવું જોઈએ.

આ બાળકોને ભણતર સાથે ભોજન પણ અપાય છે. ભોજન અને અન્ય ખર્ચ માટે તેઓ શરૂઆતના ૫ વર્ષ પોતે ખર્ચ ભોગવે છે. તેઓ કહે છે કે જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ તેઓ ખર્ચ આપતાં ગયા. એક વખતના ભોજન ખર્ચ માટે અંદાજે ૨૫૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

રસોડું, ભોજન સામગ્રી

અમે કહ્યું કે આનું પરિણામ શું આવ્યું?

ઓછું ભણેલા વેલ્ડરનો વિચાર આજે 25 વર્ષે પણ કરે છે આવો ચમત્કાર કે ચોથા ધોરણથી જોડાયેલ વિદ્યાર્થીઓ બહુ ટૂંક સમયમાં જ વાંચનમાં અને ગણનમાં પાવરફુલ બની જાય છે… જે અને જોઈને આવ્યા.

તેઓ કહે છે કે અહીં ભણેલા બાળકો આગળ સારા કોર્સમાં જોડાઈ પોતાનું ભવિષ્ય બનાવે છે. તેમણે કહ્યું કે પાંચથી સાત બાળકો સરકારી નોકરી મેળવી શક્યા છે જેમાં રોનક ભાઈ કરીને એક વ્યક્તિ મિકેનિકલ એન્જિનિયર બની રેલવેમાં નોકરી કરી રહ્યા છે.  રાહુલભાઇ પણ મેકેનિકલ બન્યા. એમના બંને બહેનો માલતી અને યોગિતા બહેનને બેંકમાં નોકરી મળી. એક અમિત કરીને વિદ્યાર્થીએ પોતાનું ક્લાસિસ બનાવ્યું અને સારી કમાણી કરે છે. કમલ દાદા ઉમેરે છે કે આમ તો બધાં વિદ્યાર્થીઓ –  છોકરા, છોકરીઓ – ભણીને ખાનગી ક્ષેત્રમાં તરત નોકરીએ લાગી જાય છે કારણ કે તેઓના પરિવારની જરૂરિયાત હોય છે.

કમલભાઈ જીવાભાઈ પરમાર

એક દોહો યાદ આવે કે…

વહી પશુ પ્રવૃત્તિ હૈ જો આપોઆપ હી ચરે,
વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લીએ મરે!

કમલદાદાના આવા પવિત્ર કામને જોઇને રોડનો એટલો ફૂટપાથ આશ્રમ જેવો લાગવા લાગે! આ છે સાચા ભારતના નિર્માણની તસ્વીર. રાષ્ટ્રભક્તિ એટલે આ કે આપણાં આસપાસના પરિવેશને આપણાં દેશની ઉન્નતિમાં જોડાવવા આપણે શું કરી શકીએ? એ વિચારીને કર્મ કરવા માંડવું….

આ વાતને આપણા સંપર્કના લોકો સુધી પહોંચાડીને એક નવી પ્રેરણા ઊભી કરીએ કે જ્યાં છીએ ત્યાં દેશસેવા કરીએ…. ચાલો, ભારતના નવનિર્માણમાં આ રીતે જોડાઈએ….

જય હિન્દ… વંદે માતરમ્…

Education gujarat The footpath school

error: Content is protected !!
Exit mobile version