Home SAHAJ SAHITYA Book Review : પ્રતિશ્રુતિ – ધૃવ ભટ્ટ

Book Review : પ્રતિશ્રુતિ – ધૃવ ભટ્ટ

0
45

Book Review  Pratishruti by dhruv bhatt gujarati story

Book Review : પ્રતિશ્રુતિ – ધૃવ ભટ્ટ

પ્રતિશ્રુતિ વાંચીને… બીજા જન્મે ભીષ્મ થવા ઈચ્છું.

 

બીજો જન્મ લેવાનું મારી ઈચ્છા પર ઈશ્વર છોડે તો હું ભીષ્મ બનવાનું પસંદ કરું. ધ્રુવ ભટ્ટની – પ્રતિશ્રુતિ – સાંભળ્યા પછી થયું કાશ હું ભીષ્મ હોત…

એકંદરે બધા જ ભીષ્મ જેવી પ્રતિજ્ઞા નૂંમા રૂઢિઓ અને સામાજિક બંધનોના ગુલામ હોય છે. પણ ભીષ્મની વાત અલગ છે. ભીષ્મએ પ્રતિજ્ઞા નહોંતી પાળી પણ પીડા પાળી હતી.

Book Review  Pratishruti by dhruv bhatt gujarati story

સાત વસુઓના અંશને એક કરીને શાંતનુ અને ગંગાનું આઠમું સંતાન એટલે દેવવ્રત. અહીં લેખકે તેના બાળપણનું આલેખન કરીને આ કથાને એક ઊંચાઈ આપી છે. ભીષ્મની એક વયોવૃદ્ધ તરીકેની જ કલ્પના આપણને જોવા મળે છે. પણ તેનું સામાન્ય જન જેવું બાળપણ પણ હોય તેની કલ્પના જ રોચક હોય. આર્યાવર્તના અજેય, અજોડ એવા શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા તરીકે પ્રખ્યાત બનેલાનું બાળપણ કલ્પવું જ ચમત્કૃતિ છે!

બાળપણની કલ્પના અને ભીષ્મની પીડાના અંગત મનોભાવો અને વચ્ચે વચ્ચે ઝળકતી જતી સર્જકીય ઉક્તિઓ આ ત્રણ બાબત ન હોત તો આ ‘અગ્નિકન્યા’ જેવી જ બની જાત. પણ પુરાકલ્પનની દૃષ્ટિએ તો એ જ મહાભારતની ઘટનાઓ ધડાધડ ઉતરતી જાય છે. એક સિરિયલની જેમ જ. પણ ઉપરોક્ત સંદર્ભની વાત કરી એમ કે તેમાં ભીષ્મના મનોભાવોનું વર્ણન, તેના બાળપણનું વર્ણન મેદાન મારી જાય છે.

બ્રાઝીલિયન લેખક પોલો કોએલો જે કારણે મને ગમે છે એ જ કારણ ધ્રુવ ભટ્ટ ગમવાનું છે. વચ્ચે વચ્ચે કોઈપણ પાત્ર કે પરિસ્થિતિને મુખે એવા જીવનરહસ્યનું કે જીવનરસનું ઉદ્દઘાટન કરે કે આપણે ત્યાં ઘડીબેઘડી ઠહેરવું જ રહ્યું.

એવા જ કેટલાક જીવનરસ અને રહસ્યને ઉદ્દઘાટિત કરવી વાતોને માણીએ…

એ પહેલા થોડું કે… અહીં ભીષ્મ, વસુઓને આપેલા વશિષ્ઠ ઋષિના શાપનું નિવારણ કરવા માટે જન્મે છે અને તેને આ સંસારના, પૃથ્વીના, માનવલોકના કોઈ પણ નીયમો કે લાગણીઓમાં બંધાયા વગર રહીને ફરીથી સ્વર્ગે પધારવાનું છે અને તેથી તે નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરે છે. સફળ પણ જાય છે. પરંતુ તેની કેવડી મોટી કિંમત ચૂકવે છે ભીષ્મ અને ગંગા તેનું અહીં આલેખન છે.

કેટલાંક વાક્યો આપની સામે પ્રસ્તુત કરું…

Also Read::   હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્યથી ભરપૂર સંવાદ

– પૃથ્વી પર જીવન ભલે ચોક્કસ સમય માટે, પરંતુ જીવવા માટે મળે છે, તેને નકારવાનો અધિકાર કોઈ જીવને નથી.

– માત્ર મનુષ્યો જ, પોતે ઈચ્છે તે કરી શકે તેવી મનની શક્તિ લઈને પૃથ્વી પર આવ્યા છે.

– નક્કી કરેલા ધ્યેય અને રીતિથી અલગ જીવવું મારા માટે શક્ય નથી.

– અહીં મૃત્યુ મનુષ્યને મારી શકે છે, તેનો નાશ નથી કરી શકતું. ગયેલા દરેકનું કશુંક ને કશુંક, ક્યાંક ને ક્યાંક રહી જાય છે.

– રાજત્યાગ, સંસારનો નકાર, સંબંધોનો તિરસ્કાર, જીવનનો સ્વીકાર અને ભીષ્ણ પ્રતિજ્ઞાઓ કરવાથી જ જો જન્માંતરો, ઋણો, અનુબંધોથી રહિત થઈ શકાતું હોત તો બધા તેમ કરત.

– મનુષ્યો વ્યક્તિને જોવા-મૂલવવાની ચોક્કસ દૃષ્ટિ કેળવી લે છે. પછી તે વ્યક્તિનું અન્ય કોઈ સ્વરૂપ તેમની આંખને દેખાતું નથી.

– પ્રકૃતિનું સર્જન જીવવા કાજે કરાયું છે, મૃત્યુ તો નવસર્જન અર્થે પ્રકૃતિએ મૂકવું પડ્યું છે..

– ગમે તેવા સમર્થ ગુરુ પણ પોતાની ઈચ્છા પ્રમાણેનું બધું શીખવી દઈ શકતા નથી. પોતે શું અને કેટલું શીખવું એ તો શિષ્ય જ નક્કી કરે છે. એમ ન હોત તો સારા ગુરુ પાસે રહેલા તમામ શિષ્યો સમર્થ નીવડતા હોત.

– માણસને આયુષ્ય જીવવા માટે મળે છે, જીવનને નકારીને સંભાવનાઓને અટકાવવાની ન હોય.

– માનવજીવન અતિ રમ્ય અને એટલું જ કઠિન છે. માણસ દેવતાઓની જેમ માત્ર પોતાને માટે અને પોતે એકલો નથી જીવતો. તે અનેકોને માટે અને અનેકોને સાથે લઈને જીવે છે.

– માનવ માતા પિતાના મનમાં, તેમની આંખમાં, તેમની દરેક વાતમાં મને તેમનો સંતાન પ્રત્યેનાં પ્રેમ અને ચિંતા જોવા મળ્યાં છે.

– મનુષ્યો માટે સ્વાધિકાર તે અત્યંત મહત્વની ચીજ છે.

– ભૂતકાળ જ ભાવીને ઘડે છે.

– ધીરજ ખોઈ દે છે તે બુદ્ધિનો ઉપયોગ કરીને બચી શકતો નથી.

– ત્રણે લોકને અને તેમના નિવાસીઓને હું પૂર્ણ રૂપે જાણું છું. મનુષ્યલોકમાં મને જે આકર્ષે છે તે છે માનવીનો એકબીજા પરનો અડગ વિશ્વાસ અને સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા.

– એક સ્ત્રીએ બીજી સ્ત્રીને સમજવા માટે સાથે રહેવું જરૂરી નથી. તે શા નિર્ણયો કરે છે તે જાણો એટલું પૂરતું છે.

Also Read::   Gujarati Varta : અઢાર અક્ષૌહિણી

– અચાનક મને લાગેછે કે ઘરની જેમ જ રાજ્યો ચલાવવાનું કામ પણ સ્ત્રીઓને સોંપવું જોઈએ. સૈન્યોના અધિપતિ ભલે પુરુષો બને.

– આપણે પ્રભાવ અને મહત્તા શું છે તે જાણી લઈએ તો તે હોતાં જ નથી.

– બોલવું જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે મૌન સેવીને બેસી રહેનાર વ્યક્તિ ઈતિહાસને ઉત્તરદાયી રહે છે.

– લડી ગમે ત્યારે લેવાય, યુદ્ધ માટે તો તૈયાર થવું પડે.

– ડરી ગયેલા, નમાલા મનુષ્યના શબ્દોનો કોઈ અર્થ હોતો નથી.

– મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને, જીવનને લીલા સમજીને જવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે.

આ અને આવા ઘણાં વાક્યો આપણને વિચારતાં કરી મૂકે છે.

પ્રતિશ્રુતિ કેટલાક નવા અધ્યાસો ખોલે છે. મહાભારતનો એક નવો અર્થ ભીષ્મની દૃષ્ટિએ ખૂલે છે. અહીં ભાષાકર્મ પણ સુંદર છે. ધ્રુવ ભટ્ટની આ કથાનું નવું નજરાણું એ છે કે આ વખતે વિશ્વમાં જે ટ્રેન્ડ અત્યારે ચાલે છે તેવો ટ્રેન્ડ ધ્રુવ સાહેબે જાહેરમાં શરુ કર્યો છે. આ પુસ્તકના એડિટર છે મહેન્દ્ર ચોટલિયા. આ ખુલ્લેને લખી આપ્યું છે તેથી એક નવી ભાત પાડી છે. પણ આનંદ દાયક રહ્યું.

હે ધ્રુવદાદા ! જે રીતે આપે દ્રૌપદીની દૃષ્ટિએ મહાભારતને જોયું, ભીષ્મની દૃષ્ટિએ પણ મહાભારતને જોયું એમ આપે અહીં છેલ્લો ભીષ્મનો સંવાદ મૂક્યો છે અને કૃષ્ણને પણ તેનું પાછલું જીવન જોઈ લેવા અનુરોધ કર્યો જ છે તો આપની દૃષ્ટિએ કૃષ્ણની નજરે પણ મહાભારત ફરી કહો….

Book Review  Pratishruti by dhruv bhatt gujarati story

 

#gujaratiSciencefiction

#DhruvBhattBooks

આ પણ વાંચો…..

Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય

Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ

Book Review : અગ્નિકન્યા – ધૃવ ભટ્ટ

Book Review : કર્ણલોક – ધૃવ ભટ્ટ

Book Review : પ્રતિશ્રુતિ – ધૃવ ભટ્ટ

Book Review : તિમિરપંથી – ધૃવ ભટ્ટ

Book Review : તત્વમસિ – ધૃવ ભટ્ટ

Book Review : || ન ઇતિ..|| – ધૃવ ભટ્ટ