આપણાં શહેરમાં વેચાતા આ પથ્થર શું છે? તે ખવાય?
sindhav namak rock salt stone
ઉપર આપ જે તસવીર જોઈ રહ્યાં છો એ પથ્થરો આપના શહેર કે શેરીઓમાં પણ વેચાવા માટે આવતા હશે. તમે જોયાં હશે પણ શું આપ એના વિશે જાણો છો? ચાલો, આજે આ પથ્થર વિશે જાણીએ વિશેષ….
આ પથ્થર એ નમક ( મીઠું ) છે. જેને આપણે સિંધાલું નમક કે સિંધવ મીઠું તરીકે ઓળખીએ છીએ. જેને સામાન્ય રીતે પથ્થર નમક એટલે કે રોક સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં જેને સોડિયમ કલોરાઇડ કહે છે. જેની સંજ્ઞા છે – NaCl
આ નમક અને દરિયાઇ મીઠું માં શું ફેર?
આ નમક ખાણ માંથી ખનન કરી અને પથ્થર રૂપે જ મેળવવામાં આવે છે જ્યારે દરિયાઇ નમક દરિયાના પાણીના પાળા બાંધી અને અગરિયા બનાવી પાણીના ક્ષારને સૂકવી અને એ ક્ષાર પર રાસાયણિક પ્રક્રિયા કરી અને બનાવવામાં આવે છે. બંને મીઠાના ખાવાથી શરીરમાં શું ફેર પડે એ આગળ જાણો…
આ નમકનું નામ ‘ સિંધાલું ‘ કેમ? ક્યાંથી આ મીઠું મળે છે?
અમારા પ્રતિનિધિ ઊનામાં આ નમક લઈને આવેલા લોકો સાથે વાત કરતા ઘણી રોચક વિગતો જાણવા મળી છે.
આ નમક સિંઘ પ્રાંત માંથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને પાકિસ્તાન તરફના પંજાબ અને લાહોરની ખાણોમાં. આપણે ત્યાં ભારતમાં હરિયાણા તરફ મળી આવે છે પણ મોટી આયાત પાકિસ્તાનના સિંઘ પ્રાંત માંથી જ દુનિયા આખીમાં થાય છે. માટે સિંઘ પ્રાંતમાં થતાં નમક ને લૂણ કહે છે એટલે એને સિંધાલૂણ કહેવાય છે પણ પછી અપભ્રંશ થતાં થતાં આપણે હવે તેને ‘ સિંધાલું ‘ નામથી ઓળખીએ છીએ.
અહીં આવેલા લોકો કહે છે કે પોતે રાજસ્થાની છે. હરિયાણા પંજાબ માંથી તેઓ લઈ અને વેંચે છે.
અમારા ઘરમાં વર્ષોથી આ મીઠું વપરાય છે એટલે એની થોડી આયુર્વેદિક મહત્વ ધરાવતી માહિતીઓ જે અમારી પાસે ઉપલબ્ધ છે એ અહીં પ્રસ્તુત કરીએ…
શું સંચળ અને સિંધાલૂણ એક જ?
આમ હા. અને આમ ના. પથ્થર સ્વરૂપે મળી આવતું આ મીઠું સફેદ કે પીળાશ પડતા કે આછા ગુલાબી રંગનું હોય છે. ક્યારેક અમુક અશુદ્ધિ મિશ્ર થતાં તેનો રંગ જાંબુડી, કે કાળાશ પડતો જોવા મળે તેને આપણે સંચળ કહીએ છીએ. આ સંચળ પણ એક પ્રકારનું સિંધવ જ હોય છે.
સિંધાલૂણ અને સાદું મીઠું ખાવાથી આપણા શરીરમાં શું ફેર પડે?
દરિયાના અગરિયા માંથી મળતું મીઠું અનેક અશુદ્ધિઓ સાથે મળે છે અને તેના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે સિંધાલૂણ પ્રાકૃતિક રીતે મળી આવે છે જેમાં કશી મેળવણી કરવામાં આવતી નથી.
એક સમય હતો ત્યારે માત્ર આયોડિન યુક્ત નમક ની જ બોલબાલા હતી ત્યારે આ સિંધાલૂણ જોવા મળતું નથી. એવું કહેવાય છે કે આ એક રાજકીય અને વ્યાપારિક ચાલ હતી. પરંતુ આપણે એમાં ન પડતાં આ નમકના ફાયદા વિશે જાણીએ… જાગ્યા ત્યારથી સવાર…
સિંધાલૂણ ના ફાયદા…
આ નમક હુંફાળા પાણીમાં નાખી કોગળા કરવાથી ગળું સાફ થાય છે અને થોડું પાણી પીવાથી તે પાચનશક્તિમાં લાભકારી બને છે આ ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વાળા લોકો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થયું છે એવું હોમીયોપેથી જણાવે છે. આ મીઠું ત્રિદોષ શામક એટલે કે વાત, કફ અને પિત્તના રોગોમાં પણ લાભ કરાવે છે. આ મીઠું એસિડિક નથી. જે શરીરમાં નુકશાન કારક થતું નથી.