HomeSUVICHAROsho - શિવસૂત્ર

Osho – શિવસૂત્ર

- Advertisement -

શિવસૂત્ર – ઓશો

Osho shivsutra

Osho shivsutra

અમારે તો પુસ્તકોએ જ પત્રમ્-પુષ્પમ્ અને અક્ષર એ અક્ષત તથા શબ્દનો સત્સંગ, વિચાર્યું કે બિલ્વપત્ર જેમ શિવલિંગ પર ચડે છે તેમ મેં વાંચેલા ધાર્મિક, અધ્યાત્મિક કે તત્વજ્ઞાનના પુસ્તકો વિશે લખીને એ રીતે પુસ્તકોના વાંચનનો અભિષેક અને શબ્દોનો સત્સંગ કરીએ…

પુસ્તક —- શિવસૂત્ર – ઓશો.

- Advertisement -

મારો વિચાર હતો કે પ્રથમ દિવસથી જ ‘શિવમહાપુરાણ’ વિશે લખું. પણ થયું કે બીજે દિવસે સોમવાર આવે છે માટે બીજે દિવસેથી શિવમહાપુરાણ શરૂ કરીશું.
પ્રથમ દિવસે મેં એક એવું પુસ્તક પસંદ કર્યું છે જે પૌરાણિક અને આધુનિક વિચારને એક કરીને પશ્ચિમ અને પૂર્વની વિચારધારાથી અલાયદી રચના કરનાર વિદ્વાન ઓશોના પુસ્તક ‘શિવસૂત્ર’થી.

અહીં મારે તો વાત કરવી હતી શિવસૂત્રની, પણ ઓશોનું પુસ્તક પસંદ કરવાનું કારણ એટલું જ કે આપણે ત્યાં શિવસૂત્રો બે મળી આવે છે એક શિવસૂત્રો રુદ્રસંહિતામાં તથા નન્દિકેશવકૃત શ્લોકો મળી આવે છે તેમાં પણ સરખો ઉલ્લેખ છે તે જોઈએ –
1. अ इ उ ण् ।
2. ॠ ॡ क् ।
3. ए ओ ङ् ।
4. ऐ औ च् ।
5. ह य व र ट् ।
6. ल ण्
7. ञ म ङ ण न म् ।
8. झ भ ञ् ।
9. घ ढ ध ष् ।
10. ज ब ग ड द श् ।
11. ख फ छ ठ थ च ट त व् ।
12. क प य् ।
13. श ष स र् ।
14. ह ल् ।

આ ચૌદ સૂત્રો શિવપુરાણ અને રુદ્રસંહિતા અનુસાર માહેશ્વરસૂત્ર તરીકે ઓળખાય છે. પાણિનીએ વ્યાકરણમાં આ સૂત્રોનો ઉપયોગ સૌ પ્રથમ કર્યો. કહે છે કે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે ભગવાન રૂદ્રએ જે નૃત્ય કર્યું ત્યારે તેના ડમરુમાંથી જે વિવિધ અવાજ આવ્યા તેમાંથી આ 14 સૂત્ર તારવવામાં આવ્યા. આ સમસ્ત યુનિવર્સલમાં સૌ પ્રથમ પડેલા અક્ષરો છે.

આ અક્ષરો પછી અગત્સ્યને શિવજીએ વ્યાકરણ શીખવ્યું. આ રીતે માણસજાત બોલતી થઈ. ત્યાર પછી વર્ષો પછી પાણિની આવ્યા અને તેમણે આ સૂત્રો પરથી ભાષાને વ્યાકરણ બદ્ધ કરી. પાણિનીએ જે ભાષાને વ્યાકરણબદ્ધ કરી તે ભાષા એટલે આજની સંસ્કૃત. આ સંસ્કૃત ભાષા જ છે જેણે ભારતને એ સમયે સુસંસ્કૃત કર્યા જ્યારે વિશ્વ માનવીય વિકાસક્રમમાં આદિમતામાં પસાર થતું હતું…

…ખૈર એ વિષય અલગ છે અત્યારે આપણે શિવસૂત્ર પર વાત કરીએ તો આ માહેશ્વર સૂત્રની સામે કશ્મિરીશૈવસૂત્રો અલગ છે, જે ઘણાં જ રોચક છે. ઓશોએ એ સૂત્રોને લીધા છે. આ પુસ્તક એટલે વાંચવા જેવું છે કે તેના સૂત્રો પોઝિટિવિટીથી ભરેલા છે. હું સૌ પ્રથમ આ પુસ્તકને કારણે તે સૂત્રોને જાણી શક્યો કે બીજા પણ શિવસૂત્રો છે…

Also Read::   જૂનું રામાયણ, નવા રામ: પ્રાતઃસ્મરણ
- Advertisement -

તે સૂત્રો સત્તર જેટલા છે. જોઈએ કયા સત્તર સૂત્રો છે. –
1 – ચૈતન્ય આત્મા.
2 – જ્ઞાન બંધન છે.
3 – યોનિવર્ગ અને કલાશરીરમ્.
4 – ઉદ્યમો ભૈરવઃ.
5 – શક્તિ.
6 – ચિત્ત મન્ત્ર.
7 – સાધકનો પ્રયત્ન.
8 – ગુરુ ઉપાય.
9 – શરીર હવિ.
10 – જ્ઞાન અન્ન.
11 – વિદ્યાના સંહારથી સ્વપ્ન જન્મે છે.
12 – કલા આદિ તત્વોનો અવિવેક જ માયા છે.
13 – આત્મા નર્તક છે.
14 – ધ્યાન બીજ છે.
15 – ત્રણેય અવસ્થામાં ચોથી અવસ્થાનું તેલની ધારની જેમ સિંચન કરો.
16 – તેઓ જે બોલે છે તે જપ છે.
17 – સુખ-દુખ બાહ્યવૃત્તિઓ છે એવું સતત જાણે છે.

આ સૂત્રોમાં પણ જોકે ઓશોની પોતાની ભેળસેળ હશે એવું લાગે જ છે. આખરે તે બહુશ્રૃત વક્તા હતો. પણ સારું છે. આપણા ઋષિઓએ પહેલેથી જ કહી દીધું છે કે – આનો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વતઃ। – જે કંઈ શુભ છે તે ચારે દિશામાંથી અમારી પાસે આવે…. મને આ પુસ્તકમાંથી જે વસ્તુ લેવા જેવી લાગી તે એ છે કે –
શિવસૂત્ર તે થોડી તાંત્રિકતા છે. તાંત્રિક શબ્દ બે અર્થછાયા ધરાવે છે એક તો તાંત્રિક એટલે સિસ્ટેમેટિક અને બીજી અર્થછાયા છે તાંત્રિક એટલે ગૂઢ. આ બન્ને અર્થો શિવસૂત્રને યોગ્ય રીતે લાગુ પડે. શિવસૂત્ર એ સોપાન છે જ્યાંથી તમે જીવ અને શિવના મિલન સૂધી જતાં ખૂદને જોઈ શકો. સાધનનું સાધ્ય સ્વરૂપ છે.
આ પુસ્તકમાં એક સુંદર વાત છે કે સ્વામી મહાવીરને કોઈએ પૂછ્યું કે સાધુ કોણ અને અસાધુ કોણ ત્યારે મહાવીરસ્વામી સરસ જવાબ આપે છે કે જે સૂતો સૂતો જીવે તે અસાધુ, જે જાગતો જાગતો જીવે તે સાધુ.

શિવસૂત્ર (એ પછી રુદ્રસંહિતાના હોય કે ઓશોના કે કશ્મિરીશૈવસંપ્રદાયના) આપણને અનાર્યમાંથી આર્ય બનતા શીખવે છે. અસાધુ માંથી સાધુ બનતા શીખવે છે, જનમાંથી સજ્જન બનતા શીખવે છે, કહેવા દો કે પુરુષ(જડ)માંથી સ્ત્રી (ચૈતન્ય) બનતા શીખવે છે.

અજ્ઞેયની એક વાર્તા છે. સૃષ્ટિના પ્રારંભિક કાળમાં જો સ્ત્રી-પુરુષ હશે તો કેવા હશે અને સૌ પ્રથમ સંયોગ કેવો થયો હશે તેની કલ્પના કરી છે…, વાત ત્યાં પણ એક પ્રકાશની છે. આ શોધ અવિરત ચાલુ રહેશે. એ માત્ર પૂર્વમાં નહીં પશ્ચિમમાં પણ ચાલતી રહી છે.

Also Read::   મારા રામ તમે સીતાજીની તોલે ન આવો: સીતાજીનો એક અનોખો પરિચય

જ્ઞાન બંધન છે તે સૂત્રમાં ઓશો ચર્ચા કરતા કહે છે કે શરીર માત્ર પ્રકૃતિ આપે છે, તમારી ઈચ્છા જ શરીરને ઘડે છે. હું છું એવો સતત પ્રયત્ન જ શિવસ્થિતિ છે. હોવું ય હવે ઉત્સવની પ્રતિતિ જ સાચી ધ્યાન પ્રતિતિ છે. અસ્તિત્વનો આનંદ ભોગવવો તે જ સમાધી છે.

- Advertisement -

ખરેખર આ શિવસૂત્ર શૂન્યમય શિવ તરફ જવાની આપણી અંદર રહેલી શક્તિમય ઉર્જાની ગતિના પ્રવાહનું આલેખન છે. આપણી અંદર રહેલો ઊર્જામય સ્રોત જો શિવને જોઈ જાય તો તેનું ઝરણું ત્યાં સુધી આંકી લે. અહીં લોક સંતોની લઢણમાં કહેવું હોય તો ‘તાકવાની’ સ્થિતિનું નિર્માણ કરવાની વાત છે.
આત્મા નર્તક છે આ સૂત્ર વખતે ખૂદ ઓશો જાણે નર્તન કરે છે. બધી વિધામાં નર્તન અલગ આવર્તન છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએને કે આપણે તો કઠપૂતળી છીએ, તે કઠપૂતળીને નચાવનાર તે નર્તક આત્મા છે. આત્મા કશું કરતો નથી માત્ર પરમાત્માના હાથમાં પરોવાઈ જાય છે પેલી કઠપૂતળીની દોરી પરોવાય છે તેમ!

જન્મ-મરણના બંધન છૂટે, સુખ-દુઃખના બંધન છૂટે ત્યારે તે પરમ વિમૂક્ત માણસ શિવરૂપ હોય છે.

આખરે વિદ્વાન ઓશો પણ બોલી ઊઠે છે કે આ મેં જે કંઈ બોલ્યું છે તે ઓમ ભગવાન શિવને અર્પિત થાઓ.

શિવસૂત્ર કહે છે કે આપણી અંદર બન્ને તત્વો છે, કાળ અને શક્તિ. આ બન્ને જાગૃત થઈ ગયા તો શક્તિ તમને મહાકાળના દર્શન કરાવી શકે છે. શું દર્શનનો લાભ લેવો એ જ માનવ જીનનું પ્રાપ્તવ્ય હોઈ શકે? નહીં, શિવસૂત્ર કહે છે કે માણસ બનવાની સમજણ વિકસે તે સૌથી મોટી શિવતાની પ્રાપ્તિ છે. આજે જ્યારે હ્યુમનપર્સનાલિટીની વાતો થાય છે, ત્યારે શિવસૂત્ર એ કાળે શીખવે છે કે વ્યક્તિના જીવનમાં વિવેકનો જન્મ થાય, માણસ સારા-નરસાનું ભાન કરતો થાય, બસ જ્યારથી એમ લાગે કે આ ભેદ પાડતા મને આવડી ગયા તે દિવસથી આપણા જીવનમાં શિવતત્વના પ્રકાશનો ઘટ ભરીને શક્તિ તમારી માથે અભિષેક કરશે.
શિવ એટલે જ કલ્યાણ, શુભ… તો અંતમાં એટલું જ કે ભગવાન શિવ સૌનું કલ્યાણ કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments