Finland Visit : ફિનલેન્ડની યાદો સાથે…
Finland Education System social life
આકાશવાણીના રોકોર્ડિંગ માટે મારે રાજકોટ જવાનું થયું અને રાજકોટમાં મંદારભાઈ સાથે કેટકેટલી વાતો ભેગી થયેલી, તેથી અમે રૂબરૂ મળવાનું નક્કી કર્યું. બી..નચિકેતા પ્રકલ્પની વેબસાઈડ તેમણે ડેવલપ કરી છે. ઉપરાંત એક ભાઈ, મિત્ર અને લાગણીશીલ વ્યક્તિ..
રાતે અમે જમીને બેઠ્યા એટલે આડાઅવળી વાતો ચાલી રહી હતી. તેમાં આજના શિક્ષણની વાત નીકળી અને વળી વિદેશની વાત નીકળી એટલે મેં કહ્યું કે ફિનલેન્ડનું શિક્ષણ જબરદસ્ત છે એમ કહે છે બધા.. તરત તેમણે કહ્યું કે હું 2008માં ફિનલેન્ડ જઈ આવ્યો છું… બસ, પછી શું હોય. રાતના 3 વાગ્યા સુધી અમે ચર્ચાઓ કરી મેં કેટલુંક જાણ્યું, તેણે કેટલુંક જણાવ્યું…
ફિનલેન્ડ તરફ આકર્ષણ થાય તેવો તેનો પ્રવાસ અને તેના પ્રવાસમાંથી મને ગમતી બાબતોના પ્રશ્નોના જવાબો આપ્યા. તેની કેટલીક ચર્ચા અહીં મુકવાનો વિચાર એટલે આવ્યો કે તે ઘણાંને કામ લાગે તેવો છે. ઘણું કરીને એ લોકો જે અહીં થી તહીં ભટકે છે વિદેશોમાં પણ જોવાજેવું રહી જતું હોય છે. વળી, આ ચર્ચામાં શિક્ષણ, નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંના રસ્તા, ત્યાંનું અર્થતંત્ર, ત્યાંનું શિક્ષણ, વાલી, જાગૃત નાગરિક, સ્વયંશિસ્ત, વાહનવ્યવહાર વગેરે વિશે અદ્દભૂત વાતો એમણે કરી છે તેની માત્ર ઝલક જ ચર્ચાઈ… આ ચર્ચા મને જે યાદ રહી એ રીતે વર્ણવું.
– મંદારભાઈ જાય છે ત્યારે ત્યાં વરસાદ હોય છે એટલે વિમાન થોડો સમય આકાશમાં વિહાર કરે છે અને એ રીતે તેને ફિનલેન્ડનું નગર તેણે નીહાળ્યું અને તે નગરની વ્યવસ્થા જ આપણને આકર્ષિત કરતી હોય છે.
– તે પહોંચ્યા અને વરસાદ બંધ રહી ગયો તો તેના રસ્તા પણ પંદર મીનીટમાં કોરા થઈ ગયા કારણ કે રસ્તાની સંરચના જ એવી બનાવાઈ છે કે લાંબો સમય તેના પર પાણી ન ટકે.
આ પણ વાંચો – Narmada Maiya : આ શબ્દોને શાળા-કોલેજોમાં મોટા અક્ષરે મૂકાવવા જોઈએ!
– બરફનો વરસાદ પડે એટલે બરફ જામી જાય રસ્તા ઉપર. તેના માટે તેનું તંત્ર કેટલું જાગૃત છે તે મંદારભાઈને જોવા મળ્યું કે આઠ વાગે લોકો બધા કામે લાગે એ પહેલા બરફ હટાવવા વાળાઓને સવારે ચાર વાગ્યાના કામે લગાડી દીધા હતા અને સવાર પડતા સુધીમાં તો બધો બરફ સાફ અને ઝરણા વાટે ત્યાં સરોવરો જાજા છે એટલે તેમાં વહી ગયો.
– ત્યાં રસ્તા પર ક્યાંય ટ્રાફિક પોલીસ કે બીજી પોલીસ પણ રસ્તા પર ક્યાંય જોવા ન મળે. પ્રજામાં એટલું સ્વયંશિસ્ત છે. ત્યાં ડ્રામ ચાલે છે. ડ્રામ આવતી હોય એટલે વ્યક્તિ ઉભા રહી જાય ડ્રામ થોડી દૂર ચાલી જાય પછી જ બધા વાહનો, વ્યક્તિઓ આગળ ચાલે.
– કોઈ ચાલનાર વ્યક્તિ ઝિબ્રાક્રોસિંગ પર હોય તો ફૂલ સ્પિડમાં આવનાર વાહન ચાલક પણ બ્રેક મારી દે અને ચાલનારાને ઈસારો કરી રસ્તો ક્રોસ કરી લેવાનું કહે. તે વ્યક્તિ રસ્તો ક્રોસ કરી લે પછી જ પેલાના વાહનનો સેલ્ફ લાગે.
– ફિનલેન્ડમાં પોલીસ તો છે જ તે બાંઉસર જેવા એટલે કે ઊંચા અને સશક્ત. કોઈ ફાંદવાળો પોલીસવાળો જોવા ન મળે. તે બુલેટ લઈને ચક્કર લગાવા નીકળે એટલે પ્રવાસી કોઈ ચાલ્યો જતો હોય તો પૂછે કે આપને કોઈ તકલીફ, કોઈ કામ?
– ત્યાં દરેક વ્યક્તિએ મિલેટ્રી ટ્રેનિંગ ફરજિયાત છે. જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમારો દેશ નાનો છે. લશ્કર પણ નાનું છે અને જો યુદ્ધમાં વધારાની જરૂર પડી તો ઘર દીઠ સરકાર બે વ્યક્તિને બોલાવે ત્યારે સૌને પોતાનું સ્વરક્ષણ આવડવું જોઈએ અને બંદુક ચલાવવા આવડવું જોઈએ જેથી તે દેશની રક્ષા કરી શકે.
– ત્યાં સ્વયંશિસ્ત જબરું છે તેના નાનામાં નાના બાળકમાં આ સંસ્કાર રૂપે રોપવામાં આવે છે. તેઓ ત્યાં ફરવા ગયા હતા. ત્યાંના એક મિત્રનો દીકરો છે. તે હજુ ખૂબ નાનો હતો. તે તેની સાથે જમવા ગયો અને બુફે હતું તો તેણે ભૂલથી પાસ્તા લઈ લીધા પછી ટેબલ પર આવીને તેનું મોઢું બગડી ગયું, મંદારભાઈએ કારણ પૂછ્યું તો કહે એ ફેંકાય પણ નહીં અને પડતું પણ ન મૂકાય. તો તેનું કારણ પણ પૂછ્યું તો પેલો છોકરો કહે મમ્મી મારે… મંદારભાઈએ કહ્યું કે આ જ ફર્ક છે તમારા અને અમારામાં.
– એ જ છોકરો ઘરે જઈને પોતાના બૂટ, મોજા જાતે કાઢી અને તેના ખાનામાં ગોઠવે છે. મંદારભાઈ ફરી પૂછે છે કે તારી રીતે તું બધું કરી લે. તો તેણે કહ્યું. મારે બધું જાતે જ કરવાનું મમ્મી મદદ ન કરે. તે શીખવે.
આ પણ વાંચો – અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!
– ફિનલેન્ડના એ બાળકને ગીટારનો શોખ હતો. તે એક ખૂણામાં બેસીને ગીટાર વગાડતો હતો. ઘરનું કોઈ વ્યક્તિ એને ડિસ્ટર્બ કરતું ન હતું. એએનો શોખ અને તેની લગનથી તલ્લીન થઈને સંગીત શીખી રહ્યો હતો.
– ફિનલેન્ડમાં 18 વર્ષ પહેલા અને 60 વર્ષ પછી ત્યાંના લોકોને સરકાર સાચવે છે.
– ફિનલેન્ડમાં તમે જેટલો ટેક્સ ભરો એટલી તમને સવલતો મળે. તમે ટેક્સના જે સ્લેબમાં આવો એ સ્લેબની ફ્રી યોજનાઓનો લાભ તમને મળે.
– તેની એક નેગેટીવ બાબત પણ છે કે ત્યાં આત્મહત્યા વધુ થાય છે. તેનું કારણ એવું છે કે બાળક મોટો થાય એટલે તેની રીતે રહેવા લાગે, બિઝનેસ કરે તો એમાં ખોટ જાય તો માતા-પિતા તેને આર્થિક કે માનસિક સધિયારો આપવા ઉભા નથી હોતા. કોઈ ટેકો નથી હોતો. લોકો ત્યાંના લાગણી વગરના છે. પ્રોફેશનલ છે. હવે માનસિક કે આર્થિક બોઝ સહન ન કરી શકે એટલે મૃત્યુને પસંદ કરી લે. તેને લાંબાગાળાના રિલેશન નથી હોતા.
– મેં અહીં ક્યાંય કોઈ સરખામણી નથી કરી. તુલના કરતા કરતા જ અમે વાતો કરેલી પણ મને થયું કે સૌના સારા નરસા પાસા હોય જ છે. તેનું શ્રેષ્ઠ જ આપણે લેવાનું હોય. અને આ અભ્યાસ લેખ પણ નથી પરંતું માત્ર ઝલક છે કે આ વાતો સાંભળીને મને પણ કાંઈક નવું મળ્યું તો વાંચનાર જાણનારા સૌને મળે… એ લોકો પાસેથી સ્વયંશિસ્ત મંદારભાઈ શીખીને આવે છે તો વળી આપણા મંદારભાઈ તેમને લાગણી શીખવીને આવે છે. સંબંધોમાં ન માનનારા લોકો સાથે નાતો બાંધીને આવે છે. તે જેમના ઘરે ગયા હતા તેના પત્ની સાથે મા-દિકરાનો સંબંધ સ્થાપીને આવે છે અને ત્યાંની કંપનીના એક કર્મચારીને શીખવીને આવે છે કે તું અઠવાડિયામાં બે વાર માતા-પિતાને મળ. અને ત્રણ વર્ષ પછી પેલો કર્મચારી મંદારભાઈને મેસેજ કરે છે કે હું ખૂબ આર્થિક અને માનસિક સંકડામણમાં હોવા છતાં તે કહેલું તેમ અઠવાડિયામાં બે વાર મા-બાપને મળવાથી સંકટો સામે લડીને પાર થવાની શક્તિ મને મળી છે.
આ બધી બાબતો તો માત્ર ટ્રેલર છે દોસ્તો, પણ પિક્ચર તો મંદારભાઈ પાસે છે. તે વ્યક્તિ ફિનલેન્ડ પર એક પુસ્તક લખી શકે એટલી વિગત તેમની પાસે છે. આશા રાખીએ કે તેઓ પુસ્તક લખે અને એક સમયે ઈઝરાયલ પાછળ પાગલ થઈને સરકારે ખેતીમાં નવા પ્રયોગો કર્યા અને સારું પરિણામ આવ્યું તેમ તંત્ર ફિનલેન્ડની વ્યવસ્થા અને ઝીરોટકા ક્રાઈમ અને ઝીરો ટકા કરપ્સન વાળા દેશની વ્યવસ્થા જોઈ અને શિક્ષણમાં વિશ્વમાં પ્રથમ પાસેથી શિક્ષણનીતિ શીખે, સમજે તેવું કાંઈક સરકારે કરવું જોઈએ. તંત્રએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે ક્ષેત્રમાં ગ્રાસરૂટમાં કંઈ પણ કોઈ સારું કરતું હોય તો તેમને આવા પ્રવાસોની તક આપવી જોઈએ જેથી કરનાર માણસ એપ્લાઈ કરી શકે. અધિકારીઓ કે નેતાઓના પ્રવાસથી કદાચ ફાયદો થતો હશે પણ આ સીધો જ ફાયદો નાના માણસને ત્યાં રૂબરૂ કરાવવાથી થઈ શકે એવું મને લાગે છે. પુસ્તકમાં હોય કે મારા જેવા અહીં બેઠા બેઠા પણ ફિનલેન્ડ વિશે જાણી શકે એવું મંદારભાઈ લખે. મંદારભાઈનો ટોન નાટ્યાત્મક છે. જો એ જ ટોનમાં તેનું પુસ્તક આવે તો તમને એમ થાય કે તમારી સામે આખું દૃશ્ય ખડું થાય. આશા રાખીએ કે એમનું પુસ્તક આવે.
આ પણ વાંચો – Gujarati Varta: ખારાં પાણીનું ખમીર
આપણે આપણી સંસ્કૃતિને સાચવીને વિદેશોમાંથી જે સારું છે તે લાવવું જોઈએ અને તો જ આપણી ગતિ સાતત્યપૂર્ણ વિકાસ તરફ જશે. આપણે ત્યાં પાયાનું કામ જ કરવાનું બાકી છે.
આપની જાણ સારું કે અમેરિકાએ ફિનલેન્ડની શૈક્ષણિક પ્રગતિ જોઈને પોતાના શિક્ષકોને ત્યાં મોકલ્યા અને પોતાની શિક્ષણ પદ્ધતિ સુધારવા તાકીદે પગલા લીધા. અમેરિકા પરમાણુ શસ્ત્રો વાપરી જાણે છે કે નાસા જેવી સંસ્થા બનાવી જાણે છે કે દુનિયાના દાદો દેશ કહેવાય છે છતાં પોતાની શિક્ષણ પદ્ધતિ સુધારવા તે ફિનલેન્ડ જેવા ટચુકડા દેશ આગળ નમવા ગયું તેમાં તે નાનું નથી બન્યું…
અસ્તુ.
આલેખન સંકલન – આનંદ ઠાકર
Copy Rights – તસવીરો – મંદાર દવે