Gujarati kavita dhruv bhatt. Gujarati geet kavy.
માણો, ધ્રુવ ભટ્ટની કવિતા: ગાય તેનાં ગીત
ગીત પ્રકારને લઈને સુંદર પ્રવાહિતાથી આપણને તરબતર કરી દેતો સંગ્રહ છે. બાળકો સાથે ગાય શકાય તેવા પણ ઘણાં ગીતો છે. વિલંબિત લયમાં આકાર પામતાં ગીતો એક લાંબો નદીપ્રવાહ ચાલ્યો જતો હોય તેવી ભ્રાંતિ કરાવે તેવી શબ્દસરિતા અહીં ઉપસ્થિત કરી છે.
શ્રીયુત્ કેતન મોદી સાહેબના ફોટોનું આવરણ જ પંખીના કલરવની દુનિયામાં આપણને લઈ જાય છે.
ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે
આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ધ્રુવ ભટ્ટની આ પ્રથિતયશદાયી રચના ઉત્સાહપ્રેરક ઉન્મેષ આપી જાય છે. લય અને શબ્દની એવી તો જમાવટ છે કે દુનિયાની મોજ આવી જાય.
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હમખેમ છે – આ પંક્તિએ તો કાવ્યની સુંદરતામાં ઔર વધારો કર્યો છે. એક જ સરખા લયઢાળ લાગતા ગીતો ક્યારેક મોનોટોનસ જેવા લાગે. વળી દરિયો, તારા, પંખી, પ્રકૃતિનું ગાન, વૈદિક પરંપરા માંથી ઉતરે છે. એનો નવ્યચિતાર પણ વિચારણીય કરે છે.
કિરણ માત્ર નક્ષત્ર લોકો વસ્યું છે
અવર તો તિમિરનું જ શાસન રહ્યું છે,
છતાં પણ આ રંગે પ્રકાશિત તરંગે કડી સાંકળી છે
અને એક પીંછી આમાં જ આગળ કે –
સદા સર્જનો રક્તમાંથી વહે છે
અને રક્ત ક્યાંથી કહો કોણ જાણે,
શરત માત્ર વહેતા રહોની પ્રથમ છે
અને આખરી છે અને એક પીંછી
બન્ને પંક્તિઓમાં પ્રથમમાં રહસ્યમય વૃત્તાંતને પડછે રહીને લીલયાને આલેખવાનો ચાર્મ છે તો બીજામાં ખૂદમાં જ એને ઉકેલવાની હામ છે. પીંછી સાધન અને કિરણો સાધ્ય તરીકે શરીર અને શરીરીનું વૈચારિક શરસંધાન આપણને સ્પર્શે એવું છે.
આ તો ફરવાના સર્જક… પ્રકૃતિના ખોળે વિહરવાના અને એટલે જ લખે છે…
પવન રંગને ફૂલની મહકને વરસતી વાદળીને અને પંખને ક્યાં પડી હોય છે મંજિલોની ફિકર એમ ખુલ્લી દિશે સફરને દોરશું. આપણે ક્યાં કોઈકના કામ કરવા આવ્યા છે. આ દુનિયાને જીરવવા નહીં જીવવા આવ્યા છે અને તે તેમના દરેક સર્જનનો મૂળ સ્વર છે તે આ પંક્તિ બરાબર બયાં કરે છે. અને એથી જ જિંદગીને કેમ મૂકવાની વાત કરે છે….
ચાલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાંનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.
ફરી – શબ્દ મૂકીને ઈંગિત કરે છે કે જિંદગી છે ભૂલ થાય પણ ખ્યાલ પડે કે હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે એમ કે એક નવી શરૂઆતની શરુઆત કરવાની. જો એક સાથે તમે સંગ્રહ વાંચો તો પ્રકૃતિ અને પરમાત્માનું વર્ણન અભિધાને અડકીને મૂકી દીધેલું લાગે. પણ કવિ સદ્યાનંદના છે. તેણે ગીત શબ્દ મૂકીને જ વાત કરી છે. ગીત તો એનાં જ ને જે સરળ માણસો છે જે ગાતાં ગાતાં આપણને કંઈક નવું આપી જાય. લોકસાહિત્યની સરસોસરસ ચાલતી એમની નેમને અહીં માણી શકાય છે. તો વળી ક્યાંક ભોજાભગત કે અખાની જેમ કહી પણ બેસે છે કે –
ન રેશમ ખાદી ન ભગવું ન ધોળું ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું
મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં બેસીને રંગ્યે જશું જિંદગીભર
મૂળે આપણી આદ્ય કવિતાની ધરાતલના કવિ છે. લોકમાનસના મરમને ખુલ્લો પાડવાનો પ્રયાસ અનાયાસ છે.
વરસાદ વિશે ઘણાં કાવ્યો છે. રાનમાં કાવ્ય મારે ભણાવવાનું આવ્યું ત્યારે જ તો આ સંગ્રહ વસાવાનું આવ્યું. અને તેમાં વરસાદને અલગ રીતે છતો કરતા કવિ ગાય છે કે –
ધોધમાર, ગાંડો કે સાંબેલાધાર, બધો અક્ષરનો ઠાલો અસબાબ છે
સૌને વરસાદ એનાં ખાનગી ઉખાણાનો સાગમટે જડતો જવાબ છે
વાહ કવિ વાહ… વરસાદ ખરેખર ખાનગી ઉખાણું જ હોય છે. દરેકનો પોતાનો વરસાદ હોય છે ને દરેક માટે અલગ સંદેશો લઈને આવે છે. જ્ઞાનનો ભાર હોવો ન જોઈએ… ભણતરનો ભાર હોવો ન જોઈએ… આ વાત તે સતત કહેતા રહે છે પછી
એ કર્ણલોક હોય, અતરાપી હોય કે તત્વમસી કે અકૂપાર… એવું જ અહીં આખું ગીત ઉતારવું તો મુશ્કેલ છે પણ
આખો અવતાર અમે શોધતા રહ્યા ને એક સંસ્કારી ઝાડવું ભળાયું નહીં…
આ ગીતમાં કહેવાતા સંસ્કારી લોકોની અખાછાપ ઝાટકણી કાઢીનાખી છે. જબરું ગીત બન્યું છે.
પંચતત્વથી જ આ બધું એકસ્યમ્ બહુસ્યામઃ। થયું પરંતુ પંચતત્વને અનોખા રૂપક દ્વારા લાવ્યા છે…
નભ હવા જળ સૂર્યજ્વાળા ને ધરા
સાથમાં હું આપને પણ માંગવાનો
તુલસીદાસ યાદ આવે કિષ્કીંધા કાંડમાં કહે છે કે –
ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચજનિત આ અધમ શરીરા।।
પણ અહીં તુલસીના અધમ શરીરાનો વિચાર કવિ નવી રીતે આપે છે કે હું આપને આ આપ એટલે ઈશ્વરને માંગવાની વાત અને જો ઈશ્વર મળી જાય તો શરીર અધમ રહેતું નથી પછી એ પંચપ્રાણ નવી દિશા ગ્રહણ કરે છે.
રવિન્દ્રનાથ કહે છે કે મારું અઘરું સર્જન બધુંયે
લુપ્ત થશે જે ટકશે તે સરળ અને નિર્દોષ
ગીતો હશે જે ગાય શકાશે. આ વાતને
પંક્તિ દ્વારા વ્યક્ત થાય છે કે –
ચાલો આપણે ગીત લખીએ,
સીધી સાદી રીત લખીએ…
આ સાદી રીતે લખવું જ અઘરું હોય છે.
અને તેથી જ એ સર્જકનો ઉજાસ લાંબો ટકે છે જે સરળ અને સમષ્ટીને સાથે લઈને ચાલે છે. અને આગળનું ગમેલું કાવ્ય…
કોઈ સાચ વાંચે કોઈ કાચ વાંચે
ભલા એ બધા તો લખી વાત વાંચે
સ્વયં વાંચવા ક્યાં સમય છે નજૂમી
અને તું બીજાના ઘણા હાથ વાંચે
આખી ગઝલ સુપર્બ છે તેમાં પ્રથમ પંક્તિએ જ
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે થાકી જવાનું
કાયમ તલવાર તાણી તાણી વાળા ચીનુ મોદી યાદ આવે.
આપણને આપણામાં ઝાંખવાનો સમય નથી પણ
માણસ બીજાનું જોવા માટે ગમે તે રીતે ટપકી પડે છે… માટે આગળની ગઝલમાં સતેજ કરે છે કે –
આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો
બહુ અઘરું છે. છોડ છટકણાં કાળની કંદર ચેત મછંદર… રાજેન્દ્ર શુક્લ યાદ આવે પણ કેમ એ શક્ય બને… કઈ રીતે છૂટે… બસ શબ્દ છોડાવે આ બધું
શબ્દ થઈને વિલસી રહો તો બધા વલયોની પાર એક અક્ષર મળી જાય છે. આ કવિ તોરલને કંઈક અલગ રૂપમાં જ ગઝલમાં લઈ આવ્યા છે. તોરલ વાળી આખી ગઝલ આસ્વાદ યોગ્ય છે. વળી કેટલાક પ્રયોગો પણ ધ્યાનાકર્ષક છે જેમ કે હિન્દી મિશ્રિત ગઝલ, કુકણા-ગુજરાતી ગીત, ઉર્દુ ગઝલો, એક જ આવેલું અછાંદસ… બધું જ ભાષાકર્મ બાબતે કાનપકડાવે એવું છે. ચિંતન-મનન કરનારા કવિ છે.
શિક્ષણ પ્રથા વિશે તો આ કવિઓને જો શિક્ષણ ખાતામાં લેવામાં આવે તો આપણી શિક્ષણ કેળવણીના સ્તરે જઈ શકે. ભોજો યાદ આવે એવો ચાબખો વાંચો –
આપણી નિશાળ હવે નદીઓથી દૂર અને ભણવામાં કેટલાંયે થોથાં,
આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં
આપણે કેટલા દૂર નીકળી ગયાં છે એના કેટલાંય
સ્તર આ પંક્તિઓ ખોલી આપે છે. વાણી હરીને
મુંગા કરી દે એવી સ્થિતિની હરૂભરૂ કરાવી આપતી બાની છે.
ધ્રુવ ભટ્ટ, રાજેન્દ્ર શુક્લ, કૃષ્ણ દવે, કુન્દનિકા કાપડિયા, મકરંદ દવે, બધાં મને એટલે જ ગમ્યા છે કે તેમનું જીવન અને કવન અલગ નથી. જીવાતા જીવન અને લોકોની સંવેદનાને શબ્દદેહ આપી શક્યા છે. માત્ર એટલું જ કરવું જો સર્જકત્વ હોય તો હું હરગીઝ એ સર્જકત્વમાં શ્રદ્ધા ન રાખત પણ સર્જકોનું કામ છે સતર્ક કરવાનું અને એ ધ્રુવ ભટ્ટ એમના શબ્દોથી કરે છે. સમાજ એનું ઋણી રહેશે.
અહીંના સંગ્રહમાં અધ્યાત્મિક વાતો કરતા કાવ્યોમાં
શક્ય છે કે મારી ચાંચ ન ડૂબી હોય પણ ઘણાં અભિધ્ય બન્યા છે. સીધી જ વાત કહેવાઈ છે.
પણ તેમાં પણ પેલા ધીરા ભગત જેવી
સભાનતા છે – ભજન ગાઈને પણ લોકોને
માયલાને જગાડવાની ધુણી ધખાવી છે.
આવું સર્જકત્વ શિવકર છે.
કેટલીક પંક્તિઓ….
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
– ધ્રુવ ભટ્ટ
****
માંડો હિસાબ કોઈ કસર રાખશું નહીં
આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા
ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા
– ધ્રુવ ભટ્ટ
*****
સંબંધોના એવા સ્તરે આવ યારા
મને કોણ પૂછે તને કોણ પૂછે
– ધ્રુવ ભટ્ટ
*****
આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
– ધ્રુવ ભટ્ટ
*****