Home ANAND THAKAR'S WORD Interview એક મુલાકાત – ગુજરાતી પત્રકારત્વના સીમાચિહ્ન : કાન્તિ ભટ્ટ

Interview એક મુલાકાત – ગુજરાતી પત્રકારત્વના સીમાચિહ્ન : કાન્તિ ભટ્ટ

0

Interview Gujarati Journalist Kanti Bhatt

Interview એક મુલાકાત – ગુજરાતી પત્રકારત્વના સીમાચિહ્ન : કાન્તિ ભટ્ટ

મુલાકાત લેનાર – આનંદ ઠાકર 

કાન્તિ ભટ્ટ, ગુજરાતી પત્રકારત્વમાં કે ગુજરાતી વાચકમાં કોઈ એવું અજાણ્યું નામ નથી કે તેની ઓળખાણ કરાવવી પડે. ગુજરાત અને ગુજરાતી પત્રકારત્વ તેનાથી રળિયાત છે અને તે ગુજરાતી ભાષાથી રળિયાત છે તેમાં બેમત નથી.

જ્યારે આ એક જ પ્રકારના પ્રશ્નો સાથે આખી સિરીઝ કરી રહ્યો હતો ત્યારે કેટલા વખતની ઈચ્છા રાજ ગોસ્વામી સાહેબ સાથે શેર કરી એમણે મને સંપર્ક કરવો આપ્યો અને શક્ય બન્યું આ ઇન્ટરવ્યુ… આજે 15 જુલાઈએ એમના જન્મદિને અપ સૌ વાચકો સુધી પહોંચાડી રહ્યા છીએ… 

ભાવનગરના ઝાંઝમેરથી નીકળેલો યુવાન દેશ વિદેશમાં ફરી, દેશ વિદેશના અખબારો અને સામયિકોને ફંફોસીને ગુજરાતી ભાષાના વાચક પાસે મુકે છે ત્યારે કાન્તિ ભટ્ટ એક નામ ગુંજી ઉઠે છે. જેના માટે પીડા તેમની જીવન સાથી રહી છે એવું જે કહેતા રહે છે, જે પોતાની જાતને હજું સફળ નથી માનતા તેવા 80 વર્ષે પણ ‘યુવાન’ કાન્તિ ભટ્ટના પેશનેટ જવાબો વાંચો…

પત્રકારત્વની કેરિયરમાં દેશ-વિદેશ ફર્યા કેટલીય ઘટના ઘટી હશે તો તેમાં કોઈ એવી ઘટના ઘટી છે જેમાં તમને લાગ્યું હોય કે કુદરત તમારી સાથે છે?

 

પત્રકારત્વની 45 વર્ષની કારકિર્દીમાં ઘણી ઘટના ઘટી છે, જેમાં વિધાતાએ મને સતત સહકાર આપ્યો છે, ઘણાં પૂછે છે કે મુંબઈના  અન્ડરવર્લ્ડના દાદાઓ હાજી મસ્તાન, યુસુફ પટેલ અને દાઉદ ઈબ્રાહમ વગેરે સાથે કેમ સંપર્ક થયો. મારી બીમારી મને ઉપકારક થઈ. માધુરીબેન કોટકે હું બીમાર પડ્યો ત્યારે 40 વર્ષ પહેલા મને જૈન ક્લિનિકમાં દાખલ કર્યો. મારા પલંગ સામે જ એક બીજો દર્દી આવ્યો, તે ખુંખાર દાણચોર અને અંડરવર્લ્ડનો દાદો હતો. તેની ખબર કાઢવા મુંબઈના તમામ અંડરવર્લ્ડના લોકો આવતા. ત્યારે તે તમામનો પરિચય થયો અને મારા ઉપર વિશ્વાસ આવતાં મને દાણચોરીની બધી જ માહિતી મળતી. મારી બીમારી ઉપકારક થઈ.

હું ઈઝરાયલ ગયો ત્યારે મેં વેસ્ટબેન્કના જોખમી વિસ્તારમાં જવાની જીદ કરી. ત્યારે હું એક પર્વત ઉપર ચઢ્યો, આરબોની ગોળીઓ વરસી પણ હું બચી ગયો. નીચે ઉતરીને ભગવાને બચાવી લીધો એટલે વેસ્ટબેંકનો અહેવાલ લખી શક્યો. 1956માં મને સંસાર પર વૈરાગ્ય આવ્યો તેથી હું સ્વામી શિવાનંદના આશ્રમમાં જવા માંગતો હતો. ત્યારે મને મારા કાકાએ મલેશિયા બોલાવ્યો હું જવા માંગતો નહોતો. પણ વિધાતાએ મને મોકલ્યો. તેથી મારા સ્વભાવથી વિરૂદ્ધમાં નોનફેરસ મેટલ, અને બીજા વેપારનો અનુભવ મેળવ્યો. મારા મેટલ માર્કેટના રીપોર્ટ લંડન મેટલ માર્કેટના અનુભવ મને હું પત્રકાર બન્યો ત્યારે ‘વ્યાપાર’માં કામ લાગ્યો. મારી બીમારી સતત રહેતી તેથી, આરોગ્યના ઘણાં પુસ્તકો ખરીદ્યા દરેક રોગનું જ્ઞાન થયું. મુંબઈના મશહુર ડોક્ટરો ડો. ભણસાળી અને શરદ મહેતાનો પરિચય થયો. સદ્ભાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અમિતાભ બચ્ચન દાખલ થયો. તેનો અહેવાલ ટાઈમ્સ પણ આપી શકતું નહીં, પણ ડોક્ટરોના પરિચય થકી મને લેટેસ્ટ માહિતી મળી અને મેં જન્મભૂમિમાં લખ્યું ‘અમિતાભના બચવાના ચાન્સ ફીફ્ટી-ફીફ્ટી’ ડીટ્ટો અહેવાલ મારા નામ સાથે ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં પહેલા પાને છપાયો. મારા માટે જાણે એ કોલર ઊંચો કરવાનો પ્રસંગ હતો.

માહિતીના ખજાના તરીકે પ્રસિદ્ધ અને લોકોના દીલમાં એક મોભાદાર પત્રકાર તરીકે સ્થાન પામ્યા છો, ત્યારે આજે તમે જ્યાં છો ત્યાં સુધી પહોંચવું શું આપનું સ્વપ્ન કે વિચાર હતો….

‘માહિતી’ શબ્દ તમે વાપર્યો તો યોગાનુયોગ મારા પત્રકારની પાપા પગલી ‘વ્યાપાર’-આર્થિક અખબારમાં થઈ. ત્યાના તંત્રી હ.ઝ. ગીલાણીએ વ્યાપારમાં એક માહિતીનું પાનું રાખ્યું હતું. મારે જગતભરના કોમર્શીયલ અને બીજા સમાચાર વીણીને ‘માહિતી’પાને સંપાદિત કરવાના હતા. ત્યારથી મને પત્રકારની દ્રષ્ટિએ માહિતીનો ખજાનો ભેગો કરવાની ટેવ પડી. ખાસ તો વ્યાપરના તંત્રીને યશ જાય કે દરેક માહિતી ખૂબ ઊંડાણવાળી વિશ્વસનીય અને વ્યાપાર ઉપર કોઈ કેસ ન થાય તેવી હોવી જોઈએ. ખાસ તો એક શિક્ષકપુત્ર તરીકે જન્મજાત ટેવ હતી. કુતૂહલ વૃત્તિ હતી. તેથી ખેતી, વેપાર, આરોગ્ય, સમાજના ધક્કા, અનુભવવા અને જાણવા મળ્યું. ત્રણ ત્રણ લગ્નો થયા. ત્રણે મારી મરજી વિરૂદ્ધ! તેથી સમાધાન સાથે જીવનનો સ્વભાવ મળ્યો. પત્રકારત્વમાં વિશ્વસનીયતાવાળું લખાણ છાપવા માટેનો સહકાર હ.ઝ. ગીલાણીએ આપ્યો અને બસ પછી તો મારા સૌરાષ્ટ્રના સ્વભાવ પ્રમાણે ચમત્કારી માહિતી લાવી લોકોની શાબાશી મેળવવાનું વ્યસન થયું. આવી રીતે મોભાદાર પત્રકાર તરીકે ક્યાંય પહોંચવાનો વિચાર તો ન હતો – અરે મને અસ્તિત્વનો સવાલ હતો બાપલા! લગ્નો ભાંગ્યા કે લગ્ન મરજી પ્રમાણે કદી ન થયા. પ્રેમ ભાંગ્યા. સગાઓનો સહકાર ભાંગ્યો ત્યારે માત્ર અને માત્ર પત્રકારત્વ મારો મિત્ર-પત્ની બધું જ બન્યું અને લોકોના દિલમાં સતત સ્થાન મેળવવા આજે પણ ફાંફા મારીને આત્મ શોષણ કરું છું. પક્ષઘાતની હાલતમાં પણ મારી કટાર ચાલું છે અને આ પ્રશ્નાવલીના જવાબ આપું છું. એ અસ્તિત્વના હવાતિયા છે.


આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે? છે તો કેવી રીતે?

અરે ગામડામાં જન્મ્યો છું એટલે પગથી માથા સુધી ધર્મની ભૂમિકા છે. ઈશ્વરથી ડરનારો છું. જવાબ ખૂબ ખૂબ લાંબો છે પણ હું ધાર્મિક જ નહીં, શ્રદ્ધાળું રહ્યો છું. શ્રદ્ધા રાખું છું. તેથી જિંદગીમાં કોઈ બીજા લોકોની જેમ મારા ઉપર કોઈ જ આફત આવી નથી.

જીવનમાં ખુશ રહેવા માટે આપનો મંત્ર શું છે?

આ સવાલનો જવાબ કોઈ પણ વ્યક્તિ પ્રામાણિક પણે આપી શકે નહીં, ‘ ખુશ રહેવાનો મંત્ર?!!!’ અરે અહીં તો દુઃખી રહેવા, પીડા વહોરવા સામે ચાલી જવાનો સ્વભાવ છે. ખુશ રહેવાનો મંત્ર છે કે પીડા ભોગવવા તૈયાર રહેવું.

આપના માટે સુખ શું છે? ભૌતિક કે માનસિક ?

સુખ છલના છે, તેની પાછળ દોડતો નથી. અત્યારે 8 વાગ્યા છે. પક્ષઘાતથી પીડાઉં છું. સાંજે માત્ર દૂધીનું શાક અને મગ ખાવાના છે. મારા સુખ આવા નાનકડા સુખ છે. દા.ત. મગ અને શાક સ્વાદિષ્ટ થાય!

શું મૃત્યુનો ડર લાગે છે?

અરે આ તો સૌથી ચેલેન્જિંગ સવાલ છે. જવાબ આપવો પડે તેથી જવાબ આપું છું, આવતી કાલે હું સારો લેખ લખીશ કે નહીં તે ડર લાગે છે. મૃત્યુ વિશે વિચારવાની ક્યાં ફૂરસત છે? મૃત્યુની કોઈ પણ ફિલસૂફી હોવી તે પોતાને અને દુનિયાને છેતરવા જેવું છે.

પુનર્જન્મ જેવું કંઈ હોય અને પસંદગી આપના હાથમાં હોય તો બીજા જન્મમાં આપ શું બનવા ઈચ્છો છો?

ખરેખર બી.કૉમ. થઈ મારે ખેડૂત બનવું હતું. બીજા જન્મમાં મને ભગવાન ખેડૂત બનાવે અને બની શકે તો ખેતરમાં રૂપાળી ખેડૂત પુત્રી સાથે ખેતરમાં ભાત-રોટલો ખાતો હોઉં!

ધર્મ અને અધ્યાત્મમાં તમારા માટે શું તફાવત છે?

આ સવાલ ચોવટ કરનારા શાહુકારો કે કહેવાતા વિચારવંતો કે ફિલસૂફી ડોળનાર માટે છે મારા માટે ધર્મફર્મ કે અધ્યાત્મફધ્યાત્મ કંઈ નથી. એક કાવ્ય મને મળે છે ગમે છેઃ ‘ આપણું સુખ તો બીડીના એક ઠુંઠામાં બે દમ માર્યા કે બસ!’ રાજ ગૌસ્વામી કે મારા મિત્ર જયેશ સોની સાથે સારી ચા બની હોય તો ચા ટેસથી પીવી તે જ ધર્મ તે જ અધ્યાત્મ!!! હું તો ધર્મ-અધ્યાત્મમાં ઠોઠ છું. ઠોઠ રહેવા માંગું છું. જે કાંઈ ધર્મ કે અધ્યાત્મ વિશે લખું છું તે ‘વ્યાવસાયિક’ ફરજ છે.

તમારી સફળતાનું શ્રેય કોને આપવા માંગો છો?

 

પહેલા તો મારે તમને જરા જોરથી -જોર જોરથી, આંતરડા તોડીને પૂછવું છે કે ‘મારી સફળતા અગર હું સફળ છું’ તેવું તમને કોણે કહ્યું?  મારા બાપલા. હું તો જીવનમાં નિષ્ફળ ગયો છું. મારી સફળતા એ જ હોત કે હું ખેડૂત થયો હોત ત્યાં કોઈ વાહ…વાહનો બોજ નહીં અને સવારે છાપા ઊઘાડો ત્યારે શાબાશીના વખાણ નહીં. બીજાની શાબાશી ઉપર સુખનો કોઈ આધાર કે ગુલામી નહીં.

તમારા જીવનસાથીની કોઈ સારી બાબત અને ખરાબ બાબત?

મને ખૂબ જ સંકટમાં નાખનારો આ સવાલ છે. મને જીવનસાથી મળેલ છે? તમે જોયેલ હોય તો બતાવો. જીવનસાથી ક્યાં છે? મને શોધવામાં મદદ કરો. જો જીવનસાથી સાચા અર્થમાં મળેલ હોય તો પક્ષઘાતમાં હું પ્રશ્નોના જવાબ મારી જીવનસાથીની પાસે લખાવતો હોત. ખરેખરમાં જીવનસાથી મળી હોત તો હું ગામડામાં ભાગી ગયો હોત. આજે 82ની ઉમરે માત્ર પીડા જ મારી જીવનસાથી છે. એ પીડા નામની સાથીની સારી બાબત એ છે કે હું થાકેલો છું છતાં લખી શકું છું, તેથી ખરાબ બાબત કોઈ છે જ નહીં. હું યુવા વાચક યુવક-યુવતીને શિખામણ આપવા લાયક છું કે તમારે જો ખરેખર સાચી જીવનસાથી મળી હોય તો તેની ખરાબ બાબત કોઈને કહો તો તમને વહાલાના સોગંદ છે. કદી ખરાબ સાઈડ કહેવી નહીં.

યાદગાર ઘટના…

(તેમણે જાતે જ આ એક વધારાની વાત કહી જે ખરેખર જાણવાલાયક રહી)

મારા પત્રકારત્વનો એક યાદગાર અનુભવ ઈન્દીરા ગાંધી જ્યારે 1000 વર્ષ જુની બાહુબલીની મૂર્તિને કર્ણાટકના શ્રાવણવેલાગોડ ગામે જંગલમાં આવીને મસ્તકાભિષેક કર્યો. ત્યારે મને કોઈ એ કહ્યું કે નજીકમાં મુડબીદ્રીની ગુફામાં દિગમ્બર જૈન સાધુઓ રહે છે, તેને મળવા જાઓ. મુડીબીદ્રીમાં જૈન શાસ્ત્રોના અનુભવને કારણે મને ગુફામાં પ્રવેશ મળ્યો ત્યાં દિગમ્બર સાધુને મારા પર કુદરતી પ્રેમ ઉતરતા સાધુઓએ મને અમૂલ્ય ગણાય તેવા હીરા, રત્નો, એમેરોલ્ડઝ અને દુર્લભ કિંમતી પથ્થરો એક ગુપ્ત જગ્યાએ રાખ્યા તે બતાવ્યા. મને કહ્યું માત્ર શ્રદ્ધા સાથે તમે તે કિમતી નંગોના દર્શન કરશો તો જીવનમાં ક્યારેય અકિંચનતા નહીં આવે. અને મેં એ  દુર્લભ એને ધન્ય ધન્ય થઈ જવાય તેવા દર્શન કર્યા. મને માત્ર પૈસાનું સંકટ નહીં પણ પત્રકારત્વમાં કદી જ કોઈ લેખ વિશે કોર્ટનો મામલો થયો નથી અને ક્રેડીબીલીટીના આશીર્વાદ સાધુ પાસેથી મળ્યા છે.
*****

એમના હસ્તાક્ષરમાં મને ( આનંદ ઠાકર ) મળેલી જવાબોની નકલ

મુલાકાત – આનંદ ઠાકર 

તસવીર – શિલા ભટ્ટ FB પેજ પરથી. કેટલાક અમારા વડીલ પત્રકાર દિલીપભાઈ મહેતા ( વડોદરા ) દ્વારા મળેલ ફોટો. 

Interview Gujarati Journalist Kanti Bhatt

error: Content is protected !!
Exit mobile version